ટૉનકિનનો અખાત : દક્ષિણ ચીન સાગરનો વાયવ્યમાં પ્રસરેલો ભાગ, જેના તટવર્તી પ્રદેશો પશ્ચિમમાં વિયેટનામ, ઉત્તરમાં ચીન, પૂર્વમાં હૈનાન બેટ તથા દક્ષિણમાં સાગરનો મુખ્ય વિસ્તાર બની રહેલા છે. ભૌગોલિક સ્થાન : 20° ઉ. અ. અને 108° પૂ. રે.. પશ્ચિમમાં હોંગ/હા અથવા રાતી નદી અને તેની શાખાઓ તેમાં મળે છે. તાડકુળનાં વૃક્ષો અને વનરાજિથી છવાયેલો હૈનાન બેટ તથા ટૉનકિનનો અખાત ઉષ્ણકટિબંધમાં આવેલા છે. પ્રદેશમાં શિયાળામાં પણ સરાસરી તાપમાન 16° સે.થી વધારે રહે છે. આ વિસ્તાર ચોમાસુ પવનોના પ્રભાવ હેઠળ છે. ઉનાળામાં વાતા ચોમાસુ પવનો ઝંઝાવાતી રહે છે, જોકે વર્ષા મોટેભાગે ઝરમર સ્વરૂપની રહે છે. ટૉનકિનના કાંઠાના નીચાણવાળા પ્રદેશમાં ચોખાની ઘનિષ્ઠ ખેતી કરવામાં આવે છે. વરસમાં મોટેભાગે બે પાક લેવાય છે. પ્રદેશનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. હાન યુગ(ઈ. પૂ. 20થી ઈ. 220)માં તે ચીનના હસ્તક હતો. વસ્તીના માંડ 5 % લોકો નગરોમાં રહે છે. નગરો પણ મોટેભાગે ખેત-ઊપજનાં બજારો ધરાવતાં મોટાં ગામો જ છે. ખેડૂત-વસ્તી છૂટીછવાઈ જોવા મળે છે.

વિયેટનામની રાજધાની હેનોઈ ટૉનક્ધિાના પ્રદેશમાં છે. તે કાંઠાથી ઠીક ઠીક અંદર તરફ નદીઓના સંગમોના સ્થળ પર વસેલું છે. આ પ્રદેશનું બીજું મોટું નગર વિયેટનામનું પ્રમુખ બંદર હાઈફોંગ છે. તે 19 કિમી. અંતરિયાળ વસેલું બંદર છે. તેનો માર્ગ સરળ નથી. તેને જોડતો જલમાર્ગ ભરાઈ જતો હોવાથી વારંવાર ઉલેચવો પડે છે. હેનોઈની જેમ હાઈફોંગમાં પણ ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેમાં ઇજનેરી, સિમેન્ટ ઉત્પાદન, પ્લાસ્ટિકના તથા ઇનેમલ (ઢોળ ચઢાવેલાં) વાસણોના ઉદ્યોગો નોંધપાત્ર છે. અંતરિયાળ નગર યુનાન સુધી જતી રેલવેનું હાઈફોંગ અંતિમ મથક છે. અખાતી તટનાં અન્ય અગત્યનાં નગરોમાં સોંગ ચા નદીના મુખ ઉપર આવેલું વિન્હ છે. ત્યાં લાકડાં વહેરવાનું કારખાનું છે. અંદરના ઉચ્ચપ્રદેશોમાંથી તરતાં મુકાયેલાં થડ આદિ લાકડાં પર પ્રક્રિયા થાય છે. ઉપભોક્તા જોગ વસ્તુઓના નિર્માણનો ઉદ્યોગ મહદંશે સાયગોન-ચોલોનમાં અને અલ્પાંશે દા નાંગમાં કેન્દ્રિત થયેલો છે. ખાદ્યપ્રક્રિયા (ચોખા છડવા, ખાંડ બનાવવી તથા મદિરાઉત્પાદન), કાપડ તથા સિમેન્ટ બીજી કક્ષાના અગત્યના ઉદ્યોગો છે. સાયગોન-ચોલોન ગીચ વસ્તી ધરાવે છે. દા નાંગ અને હ્વે પણ ઓછાં ગીચ નથી. ટૉનકિનનો અખાત માછીમારી માટે મહત્ત્વનો પ્રદેશ છે. પાખોઈ, સુવેન  અને ઐહ્રિસમેન મહત્વનાં મત્સ્ય- બંદરો છે. સાગરના જળમાં માછલાં પકડવાનો વ્યવસાય ચાલે છે. અખાતમાં તથા દૂર દક્ષિણ ચીન સાગરમાં માછલી, મોતી તથા કાચબા વિપુલ પ્રમાણમાં મળે છે. લૂઈચૂ દ્વીપક્લ્પ તથા હૈનાન ટાપુના કાંઠાના જળમાં પણ મોતી મેળવવાનો તથા કાચબા પકડવાનો ઉદ્યોગ વિકસેલો છે.

વિમલા રંગાસ્વામી

અનુ. બંસીધર શુક્લ