ટેવજન્ય સંકુચનો (habit spasms) : ટેવ પડી જવાને કારણે વારંવાર આંખ પટપટાવવી, માથું હલાવવું, ખભો ઉછાળવો, હાથ કે ચહેરા દ્વારા ભાવ દર્શાવવાની થતી ક્રિયાઓ. સામાન્ય રીતે અસરગ્રસ્ત વ્યક્તિ તેને રોકી શકતી નથી. ક્યારેક તે થોડા સમયગાળા માટે અટકાવી શકે છે, પરંતુ તેના પછી થતાં સંકુચનો વધુ તીવ્ર અને અતિશય વારંવાર થતાં હોય છે. તણાવ અને ચિંતાથી તે વધે છે અને મનશ્ચિકિત્સાથી તે ઘટે છે. મોટાભાગના કિસ્સામાં તે ટેવજન્ય હોય છે. પરંતુ કેટલાક ચેતાતંત્રના રોગોમાં પણ તે જોવા મળે છે. દા.ત., મસ્તિષ્કશોથ(encephalitis)નો ઉગ્ર તબક્કો અથવા તે મટ્યા પછી રહી જતો વિકાર. (1) વિષાણુ ઇત્યાદિથી થતા અપને કારણે મગજ પર સોજો આવે તો તે રોગને મસ્તિષ્ક શોથ કહે છે. ક્યારેક દેહસૂત્રીય પ્રભાવી (autosomal dominant) વારસા રૂપે પણ તે કેટલાંક કુટુંબોમાં જોવા મળે છે. (2) વ્યક્તિનું લિંગ (sex) નક્કી ન કરતા હોય તેવા કોઈ એક રંગસૂત્ર પર આવેલું એક વિકૃતજનીન જો વિકાર સર્જે તેવું હોય તો તેવા જનીનીય વારસાને દેહસૂત્રીય પ્રભાવી વારસો કહે છે. સામાન્ય રીતે તે પુરુષોમાં વધુ હોય છે. ટૂંકા ગાળાનાં ક્યારેક થતાં ટેવજન્ય સંકુચનોથી માંડીને વધુ તીવ્ર કે વધુ લાંબા સમય સુધી રહી જતી ટેવ એમ વિવિધ પ્રકારનાં ટેવજન્ય સંકુચનો હોય છે. જો બોલવામાં આવાં કોઈ ટેવજન્ય સંકુચનોનો વિકાર જોવા મળે તો તેને ઝીલ દ લા તૂરેતનું અથવા તૂરેતનું સંલક્ષણ કહે છે; દા. ત., ગળામાંથી વારંવાર વિચિત્ર અવાજ કરવો, છીંકાર્યા કરવું, ગળું વારંવાર સાફ કરવું, ડચકાર કરવો (yelping) વગેરે. ક્યારેક તેમાં અસભ્ય શબ્દો કે લટકો પણ હોય છે. સામાન્ય રીતે તે 2થી 15 વર્ષની વયે શરૂ થાય છે અને તેની તીવ્રતામાં વધઘટ થાય છે. તે એકથી બીજા અંગમાં જાય છે તથા મોટી ઉંમર થતાં ઘટે છે. તેવી વ્યક્તિ જાહેર સ્થળો અને ખાસ કરીને નાટ્યગૃહ કે પુસ્તકાલય જેવાં શાંત જાહેર સ્થળોએ જતાં ખચકાય છે. તેમના સાથીદારો ઘણી વખત તેમને પજવે છે. તેમાં કોઈ શારીરિક વિકૃતિ કે વિકાર દર્શાવી શકાતો નથી તેમ આ સંલક્ષણ કોઈ માનસિક વિકાર ગણાતો નથી. મોટાભાગના કિસ્સામાં તલીય ગંડિકાઓ(basal ganglia)માં વિકાર થયેલો મનાય છે. તેની સારવારમાં મનશ્ચિકિત્સા (psychotherapy) તથા હેલોપેરિડોલ નામની દવા ઉપયોગી રહે છે. જોકે તેનાથી વ્યક્તિત્વ તથા શાળાના અભ્યાસ પર અવળી અસર પડે છે. તે ક્યારેક દુશ્ચલન (dyskinesia) કરે છે. તેથી ઘણી વખત સારવારની શરૂઆત ક્લોનાઝેપામ કે ક્લોનિડિન વડે કરાય છે. અન્ય દવાઓમાં સલ્પીરાઇડ તથા પિમૉઝાઇડનો પણ સમાવેશ થાય છે.

શિલીન નં. શુક્લ