અલંકરણ અને સુશોભન
(લોકકળા)
જીવનમાં રસાનંદ માટે લોકસમાજે પ્રયોજેલા સૌંદર્ય-શોભાવર્ધક કલાકીમિયા. માનવ સુશોભન અને અલંકરણપ્રિય હોવાથી જીવન તેમજ સંસ્કૃતિઉત્થાનના દરેક તબક્કે એણે પોતાનો દેહ, વસ્ત્ર, ઘરબાર, સાજસરંજામ વગેરેનાં સુશોભન-આલેખનમાં અલંકૃત એવી વિવિધ આકૃતિઓ તેમજ પ્રતીકોનાં અલંકરણ પ્રયોજીને સુશોભનને અધિક સુંદર બનાવ્યું છે.
જીવનના રસાનંદમાંથી અભિવ્યક્ત થતી અનુભૂતિને એણે ચિત્ર, સંગીત, નૃત્ય, ભરત, તક્ષણ વગેરે જેવી કલાકારીગરી દ્વારા વિવિધ માધ્યમોથી અભિવ્યક્ત કરીને પોતાની મનમોજને દર્શિત કરી છે. એ રીતે માનવસર્જકે વિવિધ કલાકારીગરીના સુશોભનમાં જે રૂપાંકનોની મનોહર આકૃતિઓ, મંડનો, પ્રતીકોને કમનીય રીતે પ્રયોજ્યા છે એને અલંકરણો કહીશું. આમ લોકકલાકારો–કારીગરોએ રચિત-સર્જિત ચિત્ર, શિલ્પ, ભરત, મોતીપરોણું, ખત્રીવટો, લાકડામાં તક્ષણ, કુંભચિત્રણ, ધાર્મિક-સાંસારિક પ્રતીકો વગેરેનાં મંડન-સુશોભનમાં ફૂલ-પાન, પશુપંખી, માનવ, દાનવ, દેવ તેમજ ભૌમિતિક સંયોજનની આકૃતિઓનું જે ચિત્રણ-મંડન કર્યું છે એ અલંકરણ છે.
શોભા પ્રદાન કરવા ચિત્રાંકન થયું તે ‘સુશોભન’ અને આ સુશોભન અંતર્ગત જે રૂપાંકનોનાં મંડન-પ્રતીકો વગેરે આલેખિત થયાં એ ‘અલંકરણ’ એમ કહી શકાય. પરંપરાની સાંકળે જમાને જમાને થતાં સુશોભન-આલેખનોમાં મંડિત થતાં અલંકરણમાં સંસ્કૃતિનાં ઉત્થાન સાથે હમેશાં નાવીન્ય તેમજ વૈવિધ્યનું રૂપ ઉમેરાતું રહ્યું છે. એથી સુશોભન તેમજ અલંકરણમાં વિવિધતા સાથે દેશી-પરદેશી રૂપનું પરિશીલન પણ થયું છે.
લોકકલાકારો દ્વારા સર્જિત કલાકારીમાં ભરતમુનિ દ્વારા સૂચિત-આકૃતિ-ચિત્ર; ઘાટ-શિલ્પ અને રૂપ-પ્રયુક્ત કળા (performing arts) ભવાઈ, નાટ્ય, નૃત્ય, લોકનૃત્યો વગેરેમાં સુશોભન-અલંકરણના બે પ્રકાર વિશેષ રૂપે જોઈ શકાય છે.
(1) પરંપરાગત અલંકરણો : જે અલંકરણો વર્ષોની રૂઢિપરંપરા પ્રમાણે મંડિત થતાં આવ્યાં છે એ – જેમાં દેવ, દેવી, માનવ, દાનવ, પશુપંખી, ધાર્મિક અને સાંસારિક કથાઘટકો, પ્રાકૃતિક તત્વો, તેમજ સંજ્ઞા-પ્રતીકો અને ભૌમિતિક રચનાની વિવિધ તરાહો-ડિઝાઇનો. ભૌમિતિક રચનાઓ ગુજરાતમાં સુલતાન કાળ અને મુઘલકાળે બહુ વિકસિત રૂપે પ્રયોજાઈ છે. પરંપરિત અલંકરણોમાં થોડાંક સંયોજિત પ્રકારનાં અલંકરણો પણ કલાકારોએ સર્જ્યાં છે; જેમ કે શ્રીગણેશ, બે મુખવાળો મૃગ, કામધેનુ, વિશ્વરૂપ, વ્યાલ વગેરે.
(2) આધુનિક અલંકરણો : સંસ્કાર અને સંસ્કૃતિના સથવારે જમાનાને અનુરૂપ સુશોભન અને અલંકરણો સર્જાતાં ગયાં છે; જેમ કે વીસમી સદીમાં લોકકલાકાર-કારીગરોએ યુગકાલીન ઉપસ્કરો અને સાધનોને પણ અલંકરણ તરીકે પ્રયોજ્યાં છે જેમાં રેલગાડી, મોટર, સાઇકલ, વિમાન, થાળીવાજું, કપરકાબી વગેરે જેવા આધુનિક અલંકરણો ચિત્રણ, ભરત, મોતીપરોણું વગેરેમાં જોઈ શકાય છે.
લૌકિક પરંપરામાં અલંકરણોનું નિર્માણ સાંઘિક રીતે થતું હોવાથી કલાકારો, કારીગરો – સહુ કોઈ આવા અલંકરણનો ઉપયોગ કરી શકે છે તેમાં કોઈના નામની છાપ નથી હોતી. લોકકલા-કારીગર ચિત્ર, શિલ્પ, ભરત, મોતીપરોણું, તક્ષણકંડાર સુશોભન-મંડનમાં જે અલંકરણનો ઉપયોગ કરે છે, તેમાં રચના, રંગ, રેખા બહુશ: પરંપરા પ્રમાણે જ કરે છે; બને ત્યાં સુધી પરંપરાનો ચીલો ઓછો ચાતરે છે.
લોકનરનારી દ્વારા કલાકારીગરીમાં પ્રયોજિત અલંકરણો જીવનમંગલની માંગલિકતાને મૂર્ત કરે એવા જ વિશેષ રૂપે મંડિત કરાય છે, તેમાં અશ્ર્લીલ કામક્રીડા કે કાળો નાગ, કલકલિયો અને અમંગલ પ્રતીકો વર્જ્ય ગણાય છે.
લલિતકળા અને કારીગરી-કૌશલ્યની પ્રસ્તુતિ–નિદર્શનનો પ્રારંભ ગણપતિના સ્વરૂપથી થાય છે. તેનું વિચિત્ર રૂપ- સૂંઢ, ચાર હાથ, પેટનો ફાંદો, વાહન મૂષક – સર્વદર્શનમાં નાવીન્ય હોવાથી તેના નિરૂપણમાં કલાકાર-કસબી પોતાની કલ્પનાનું વિચરણ સુંદર અને અલંકૃત રીતે કરી શકે છે; આનું મૂર્તદર્શન લોકભરતના ગણેશસ્થાપન અને બારસાખના સુથારી તક્ષણમાં જોઈ શકાય છે. લોકજીવનનો આધાર ખેતી, માલઢોર હોવાથી સવત્સી ગાય, વલોણું અને પારણું એ માંગલિક પ્રતીક લેખાય છે. વલોણાથી નવનીત અને વલોણું કરનાર નરનારીના મિલનથી પારણું બંધાતું હોવાથી આ પ્રતીકોનું જનજીવનમાં ઘણું મહત્વ છે, એટલે તેને વિવિધ પ્રકારે અલંકૃત કરાયાં છે. સૂરજ, ચાંદો અને વનસંપત્તિ માનવજીવનનો મુખ્ય આધાર હોવાથી તેનું નિરૂપણ ચિત્ર-ભરત, પરોણું, તક્ષણ, કંડાર વગેરે કલાકારીમાં વિવિધ ઘાટશોભનો કરાય છે.
ચાંદો, સૂરજ શાશ્વત પ્રતીક ગણાતાં હોવાથી તેને પાળિયા, દેરડી વગેરેમાં ‘યાવત્ ચંદ્ર દિવાકરૌ’ તરીકે અને ભરત, ચિતરમાં સાક્ષીદેવ રૂપે પ્રયોજ્યાં છે. કલ્પવૃક્ષ મનવાંછિત ફળ આપનાર, આંબો કુટુંબનો વડીલ, રાજવીરૂપ અને સહકાર રૂપે મનાયો હોવાથી વૃક્ષમંડળનું આલેખન-અલંકરણ ચિત્રો, ભરત, મોતીપરોણું, તક્ષણ વગેરેમાં સૌંદર્યખચિત રૂપે કરાયું છે.
સિંહ, હાથી, ઊંટ, અશ્વ વગેરે પશુઓ તેમનાં રાજવી રૂપ તેમજ સુંદર દેખાવ, ગતિ અને ગુણના બળે દરેક પ્રકારની કળા તેમજ કારીગરીમાં વિવિધ આકાર અને લયગતિના મંડને સંયોજિત કરાયાં હોય છે, જેમાં કલાકારની કલ્પનાનો ‘કેસરી સિંહ’ અથવા ‘વ્યાલરૂપ’, ‘નૃસિંહરૂપ’, ‘નવનારીકુંજર’, ‘સાતનારીઅશ્વ’ જેવાં અલંકરણો કરી દર્શનકળા અને કળાકારની આંતરિક રૂપની અલંકરણવૃત્તિને ભભકાવી છે. પાળિયામાં કંડારેલ ‘ઘોડેસવાર’ના પ્રતીકમાં ઘોડો સ્વર્ગારોહણના વિમાનરૂપ મનાયો છે, તો રામકથાની સાથે જોડાયેલ ‘કપટી મૃગ’ હમેશાં બે મુખવાળો દર્શાવી તેને બેમોઢાળો – જૂઠરૂપ ગણ્યો છે અને વીંછી, નાગનાં અલંકરણો જાતીયવૃત્તિનાં પ્રતીકો તરીકે દર્શાવાયાં છે. કમળફૂલ સ્ત્રી-યોનિરૂપ અને કમળદંડ લિંગરૂપ કલ્પી ચિતારા-કારીગરે ગુહ્યને પણ દર્શિત રૂપે મૂર્ત કર્યાં છે. મોર, પોપટ અને અવર પંખીનો રંગ, ઘાટ, રમણીય અને સૌંદર્યમંડિત હોવાથી તેનાં રૂપ, રંગ, ઘાટ, આકારને કળાકારે વિવિધ કળાકારીગરીમાં વૈવિધ્યપૂર્ણ અલંકૃતતાથી દર્શાવ્યાં છે. માંગલિક પ્રતીક બાજઠ, સિંહાસનના તક્ષણમાં તેમજ ઘરબારસાખની ઉપરના કુંભાકારમાં બે આંખો કંડારીને – કુંભ પૃથ્વીમાતા, સૂર્ય પ્રજોત્પત્તિ પિતા નરનારીના ભાસ્કર્યનું પ્રતીક તક્ષણ છે. ઉપરાંત સ્વસ્તિક, ઘઉંલી, ચડતી દેરડી એ કલ્યાણ અને ઉન્નતિનાં પ્રતીક રૂપોને નરનારીએ ભલી ભાતે અલંકૃત કર્યાં હોય છે.
મોટાભાગનાં અલંકરણો કોઈ સંજ્ઞાપ્રતીક કે કથારૂપ અને ‘Motif’નાં ‘બીજ-વળું’માંથી વળોટ પામી અલંકૃત રૂપે રજૂ કરાય છે. મોર-પોપટને ‘બીજ-વળું’ તરીકે સંયોજીને તેના વળોટનાં પુષ્કળ અલંકરણો થાય છે. શોભન-અલંકરણમાં રજૂ થતા રંગોમાં લાલ માંગલ્યનો, લીલો અખંડ જીવનવાડી ફાલેફૂલે તેવો, પીળો કૌમાર્યનો, સફેદ પવિત્રતાનો અને ભગવો બલિદાન તેમજ ત્યાગનો છે. કાળો રંગ વિષાદ-શોકનું પ્રતીક મનાય છે. લોકકળામાં માંગલિક સંજ્ઞા-પ્રતીકોનાં ચિત્રોનું આલેખન કંકુ અને સિંદૂરથી જ થાય છે.
ભરત : સંસ્કૃત ભૃત્ પરથી ગુજરાતી ભરત થયું છે. ભરતકામ કોઈ પણ પ્રકારનાં રંગીન કે સફેદ પોતનાં રેશમી, ઊની કે સુતરાઉ કપડાં પર ભરાય છે. ભરતકામમાં સૂતર, હીર, ઊન, જરીકસબ કે ભીંડીના તારની પરોણી સોયમાં પરોવીને તળ ગદ આલેખેલ ભાત ઉપર પરોણીથી ભરવામાં આવે છે. કપડાના ગદ ઉપર ભરેલું ભરત રંગીન તાંતણાથી ભરાયું હોવાથી થોડુંક ઊપસેલું અને ભાતીક રૂપે કપડાના નમૂનાને શોભાવે છે.
ભરતના વિશેષ શોભન માટે તેમાં ‘અડદિયા’, ‘કાંટા’, ‘અધાંખડી’, ‘જવલાં’, ‘ડોડવડી’, ‘ડોડવા’, ‘મોરપગલાં’, ‘દાણા’, ‘લીખિયા’ જેવાં શોભન-અલંકરણો ભરાય છે.
લોકભરત : આજે ‘લોકભરત’ નામથી ઓળખાય છે તે ભરત મૂળે દેશજ પરંપરાનું છે. વીસમી સદીમાં પશ્ચિમના સંસર્ગથી તળપદી દેશી લોકકળા અને કારીગરોના ‘લોક’ અને ‘શિષ્ટ’ એવા પ્રકાર પાડવામાં આવ્યા છે; જેમ કે ગુજરાતની તળપદ દેશ્ય કળાસંસ્કૃતિ ‘લોકકળા’, ‘લોકસાહિત્ય’ જેવા નામાભિધાનથી પ્રચલિત છે અને ‘દેશી ભરત’ને ‘લોકભરત’ એવું નામ અપાયું છે. દેશી ભરત માત્ર ‘લોકપ્રજા’ પૂરતું મર્યાદિત નથી, પણ સમગ્ર દેશની ઊજળિયાત, ક્ષત્રિય અને અઢારે વરણની પ્રજામાં તે ભરાય છે, તેથી તે ‘દેશી ભરત’ છે. પણ છેલ્લા પાંચેક દાયકાથી તે ‘લોકભરત’ તરીકે સ્વીકારાઈ ચલણી બન્યું છે.
લોકભરત પ્રાચીન અને વિશેષત: મધ્યકાળની પરંપરાએ ઊતરી આવ્યું છે; લોકજીવન અને ઊજળિયાત પરંપરામાં સ્ત્રીઓ દ્વારા પોષિત થયેલું લોકભરત દેશી કળા-કારીગરીનો ઠાવકો કસબ છે.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સદીઓથી અનેક જાત-પ્રાંતની પ્રજાઓનું મિલન થયું છે. આ દેશમાં મૌર્યયુગ પહેલાંથી અનેક પ્રકારની જાતિઓ આવીને તળપદ મૂળ પ્રજા સાથે હળીભળી ગઈ છે; તેના કળા-કસબના સંસ્કાર આગંતુક પ્રજાએ અપનાવવા સાથે પોતાના કળાકારીગરીના સંસ્કાર પણ જાળવી રાખ્યા છે. એટલે તળપદ અને આગંતુક પ્રજાના સંસ્કાર-સમન્વયથી ગુજરાતની લોકકળા અને લોકકારીગરી વિકાસ પામી છે. ગુજરાતના લોકભરતની એકતામાં પણ ભરતકામ અને શોભનભાતમાં રંગનું વૈવિધ્ય જોઈ શકાય છે.
કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતની તળપદ દ્રવિડ પ્રજામાં ભરતકામ સંસ્કારની એંધાણીઓનું અનુસંધાન લોથલ વગેરેના ઉત્ખનનમાંથી મળેલી ત્રાંબાની સોયથી થઈ શકે છે. ટાંકો, ટેભો, સીણ, ઘોલરી જેવા ટાંકાથી લૂગડું સિવાતું, તુનાતું કે ભરાતું હશે. વળી આ કાળમાં ચિત્રિત માટીનાં વાસણો ઉપર ‘મોર’, ‘ઘરાબંધી’, ‘બારજાળી’ જેવી ભાતોથી તે કાળે ભરતકામ થતું હશે તેની પણ એ સોય ગવાહી આપે છે.
મૌર્યયુગીન કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ‘ખચિતમ્’ એટલે કપડાં પર સોયદોરાથી ભરેલું ભરત અને ‘સંઘાત્ય’ એટલે નાના લૂગડાના કકડાને જોડીને બનાવેલું ‘ખોળિયું’; ‘વાનચિત્રમ્’ એ કપડાના પોત સાથે વણેલી શોભનભાત એવા ઉલ્લેખો છે. એ રીતે ‘ભરતકામ’, ‘કટાવકામ’ અને ‘વણાટભાત’નો ચાણક્યે ઉલ્લેખ કર્યો છે.
બોધગયા, ભારહૂત અને સાંચીના સ્તૂપ-કંડારણમાં ભરતની ભાતોના આલેખ જોઈ શકાય છે. એમાં ‘પોયણાવેલ’, ‘વીજળીવેલ’, ‘અડદિયા’ વગેરે લોકભરતની ભાતોનાં મૂળ કંડારેલાં છે. અજંતાની ગુફામાંનાં ચિત્રોમાં પણ જવલાં, કુંગરા, અધાંખડી, છંદાવેલ અને કમળવેલ જેવી લોકભરતની ભાતોનાં અલંકરણો જોઈ શકાય છે.
અનિર્ણીતકાલીન એવા શૂદ્રકના સંસ્કૃત નાટક ‘મૃચ્છકટિક’માં ભરતકામનો ઉલ્લેખ મળે છે. ‘હર્ષચરિત’માં કપડા પર ‘નેત્રાંબર’ ઉલ્લેખાયું છે. તેને લોકભરતમાં ‘કોડી ભાત’ કે ‘લીંબોળીનો સોટો’ કહે છે. કપડું નાશવંત માધ્યમ હોવાથી પૂર્વ-મધ્યકાળના કોઈ ભરત-નમૂના મળી શક્યા નથી.
આપણે જેને ‘લોકભરત’ કહીએ છીએ તેના સગડ આપણને મધ્યકાલીન જૈન અને જૈનેતર પરંપરામાંથી સાંપડે છે. જૈન ધર્મપરંપરામાં ચરવાળાના દંડ ઉપર ઊનનું વસ્ત્ર વીટેલું હોય છે. તેના પર ભરતકામથી ‘ચિત્રિતદર્શન’ મંડાય છે. આ ભરતમાં ‘ચૌદ સ્વપ્ન’, ‘અષ્ટ માંગલિક’, ‘નાંદ્યાવર્ત’ વગેરેનું ભરત ઊન કે રેશમથી ભરાતું. એના નમૂના અમદાવાદના લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિરના સંગ્રહાલયમાં છે. વળી ગુજરાતમાં સુલતાન અને મુઘલકાળે તંબુની કનાત, ચંદણી, ચંદરવામાં ભરત અને કટાવ બંને થતાં હતાં. આ કાળે છંદગતિવાળી વેલો, બુટ્ટીઓ, કલ્પદ્રુમ ઉપરાંત વિશેષત: ભૌમિતિક ભાતનો પણ ઘણો પ્રચાર હતો. આ કાળે સ્ત્રીઓ ભરેલા ઘાઘરા અને ભરેલી કંચૂકી ધારણ કરતી હતી. ઘર-શણગારના લૌકિક પરંપરાના ભરતમાં જે ‘કથળીની’ ભાત કે ભરત તરીકે ઓળખાય છે, તે આકારો ઇસ્લામિક પરંપરાની ભરત-ભાતોમાંથી ઊતરી આવ્યા છે.
ગુજરાતમાં પારસીઓ આવ્યા, તેમણે ઈરાની પરંપરાની વેલબુટ્ટીનું ભરત ચાલુ રાખ્યું. એની પરંપરાની ભાતો લોકભરતમાં ‘પારસી સદરા’, ‘પારસી બુટ્ટા’ ને નામે ઓળખાય છે. મરાઠી-અંગ્રેજી અમલ દરમ્યાન તેની લોકભરતમાં અસર આવી છે, જેમ કે અમરેલી જિલ્લામાં ‘ગણેશસ્થાપન’ ભરવાનો ચાલ ઓગણીસમી સદીના મધ્યકાળે થયો હતો અને અંગ્રેજી અમલ પછી ‘કૅનવાસ ટાંકો’ વગેરે ભરતટાંકાની અસર લોકજીવનમાં થઈ છે. 1947માં સ્વરાજ આવ્યા પછી સિંધીઓ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આવ્યા. તેમણે ‘બાવળિયા-હૂરમચી’ અને ‘કાંગરી’ જેવા ભરતનો સૌરાષ્ટ્રમાં પ્રસાર કર્યો છે.
લોકભરત : વસ્ત્રો અને તેમાં ભાત-અલંકરણો : સમગ્ર ગુજરાતમાં લોકભરત ભરવાનો અને પહેરવાનો રિવાજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિશેષ છે. તેમાંયે લેઉવા-કડવા કણબી, કારડિયા, મોરી, ખરક, સથવારા, ખાંટ, સગર, કોળી, મોચી, કુંભાર વગેરે કોમની સ્ત્રીઓમાં ભરેલાં ઘાઘરા-કાપડાં પહેરવાનો ચાલ છે. તો રબારી, આયર, ભરવાડ જેવી માલધારી કોમની સ્ત્રીઓમાં માત્ર ભરેલાં કાપડાં અને ઊનની ધાબળીના છેડે ભરત ભરવાનો ચાલ હોવાથી આ કોમોમાં ઘાઘરા, કાપડાં અને ચોરસા-ધાબળીના છેડા ઉપર વાને વધતું ભરત ભરાયું છે.
ખેડવાયાં અને ઉભડ તેમજ કોઈ કોઈ વસવાયાંમાં સ્ત્રીઓ પોતાનું તેમજ પોતાની દીકરીઓને કરિયાવરમાં આપવા માટેનું ભરત ઘાઘરા, કાપડાં અને ઘરશણગારનું ભરત તેમજ પશુશણગારના ભરત ઉપરાંત રાચરચીલા ઉપર પણ ભરત ભરે છે.
લોકવાયાંમાં સ્ત્રીઓ ઘાઘરા-ચણિયાનું ભરત તો ‘લાલ ચોળિયા’ અને ‘કાળી ખારવી’ પર ભરે છે, પણ કાપડાં રંગબેરંગી અતલસ ઉપર ભરે છે. ઘાઘરા-ચણિયાના ભરતમાં સુતરાઉ દોરા તેમજ હીર(રેશમ)નો બહોળો ઉપયોગ થયો હોય છે, પણ કાપડાના ભરતમાં તો હીર જ વિશેષ ભરાય છે; વળી ઘાઘરા-ચણિયા અને કાપડાના ભરતમાં ખાંપ (કાચ) ટાંકવાનો પણ રિવાજ છે.
અંગ પર પહેરવાના ભરતમાં ફૂલ, બુટ્ટી, વેલ અને પશુ-પંખીની પ્રતીકાત્મક રૂપની શોભન-ભાતો હાથે આલેખીને પછી ભરાય છે. એમાં ઘાઘરા-ચણિયામાં ભરાતી ભાતનો આકાર સાદો અને હીર કે સૂતરથી ભરી શકાય તેવો સરળ-ભરતક્ષમ પ્રકારનો હોય છે. આ શોભન-આકારો લોકસ્ત્રીઓએ હાથે જ આલેખેલા હોવાથી તેની નામસંજ્ઞા પણ તેઓ જ આપે છે : જેમ કે ઘાઘરા-ચણિયાની ભરતભાતોમાં ‘વીજળીવેલ’, ‘ચીપિયાવેલ’, ‘પોપટવેલ’, ‘પ્યાલા પોપટ’, ‘બાર મોર’, ‘ઢેલ વાટકા’, ‘ધક્કા ગાડી’, ‘ધબ્બડ ધીંગાણું’, ‘અરધી ફૂલવાડી’, ‘કેવડા’, ‘કલી સકેલા’, ‘પારસી સદરા’, ‘લટક લીંબોળી’, ‘હોડકાં માછલી’, ‘વેણીફૂલ’, ‘મૂછડા’, ‘નાગણિયું’, ‘ડબા ડોસલાં’ વગેરે જેવી 3૦થી 4૦ પ્રકારની પરંપરિત અને થોડીક નવી ભાતો છે.
ઘાઘરા અને કાપડાં ભરવાનો ટાંકો સરળ અને સહુને આવડે તેવો સહેલો હોય છે. ઘાઘરામાં આલેખેલ આકારને બંધવવા માટે ‘દોરી’ (સાંકળી ટાંકો) કે ‘આમળા’નો ઉપયોગ થાય છે. કાચ ખાંપું ટાંકવા માટે ‘ગાજ’ (બટન) ટાંકો ભરાય છે; અને ભરતના સમગ્ર આકાર પૂરવા માટેનાં ‘પૂરણાં’ ‘આડા ફાંટિયા’થી ભરાય છે.
ભરત ભરવામાં વપરાતાં સૂતર અને હીર મુખ્યત્વે છ વાના(રંગ)ના જ હોય છે. ભરતમાં ભરેલ સીકલ, ગોટા તેમજ દોરી – બંધવણું પીળા અને ધોળા સૂતરથી જ ભરાય છે. ભરતનાં બધાં પૂરણાં લાલ સામે લીલો, ભૂરા સામે ગુલાબી રંગના હીર વાનાથી પુરાય છે.
નાત, જાત, પ્રાંત પ્રમાણે લોકનારીના ભરત–પહેરવેશ : લોકવાયાં-ખેડવાયાં સ્ત્રીઓમાં પહેરાતા ઘાઘરા-ચણિયા નાત, જાત અને દેશપ્રાંત પ્રમાણે ભરત-આકાર-વૈવિધ્યવાળા હોય છે. સૌરાષ્ટ્રની ખેડવાયાં સ્ત્રીઓ છૂટી ફડકના ડેલાવાળા ચણિયા પહેરે છે; તો કોળી, કારડિયા, મોરી અને ખરકની સ્ત્રીઓ ડેલા અને ફડક વગરના સીવેલા ઘાઘરા પહેરે છે. હાલારી ખેડવાયાંમાં પહોળી કોરના ચણિયા ભરાય છે તો કચ્છમાં કણબી, ભણસાળી, વાગડિયાં રજપૂત, આયર વગેરેની સ્ત્રીઓ ખીચોખીચ ભરત ભરેલા અને ઠાંસેલી સાંકળી અને વાને વધતી રંગરચનાવાળા ઘાઘરા પહેરે છે. ગુજરાતની રબારી (દેસાઈ) સ્ત્રીઓમાં ઘાઘરા અને સાડલાની મોવનની મથરાવટીના ભરતમાં ‘પાંચ ફોફળ’, ‘લાડવા’ અને ‘તીતીડાની બુટ્ટી’નો વિશેષ ચાલ છે. નીલરંગી કપડા ઉપર ગુલાબી રંગનું ભરત ભારે રૂપાળું લાગે છે.
માલધારી સ્ત્રીઓ ભર્યા વગરની ‘જીમી’ કે ‘થેપાડું’ પહેરે છે, પણ અતલસનાં કાપડાં તો તેઓ ભરેલાં જ પહેરે છે, જેમાં ભરવાડ, રબારી, કોળી, કાંગસિયા, ડાંગસિયા વગેરેની બાઈઓ કાપડાં ઉપર કાચ, સતારા, મોતી, તુઈ, ગોખરુ વગેરે ટાંકીને ભરે છે. તેની ભાતો ‘તૂઈ તકિયા’, ‘છંદાવેલ’, ‘બાજુબંધ બેરખા’, ‘ચોખાચલી’ વગેરેની હોય છે.
કચ્છમાં જત, મેઘવાળ, આયર, રબારી વગેરેની સ્ત્રીઓ લાંબા પેટનાં (લાંબી ચાળવાળાં) કાપડાં પહેરે છે. બન્નીમાં જત સ્ત્રીઓ કંજરી પહેરે છે. તેનું ભરતકામ બહુ જ ખંતથી અને ગૂઢા રંગથી ભરેલું હોય છે. ઊજળિયાત વર્ણની બાઈઓ પણ 50 વરસ પહેલાં ‘મલકટી પેટવા’ (ટૂંકી ચાળનાં) ભરેલાં કાપડાં પહેરતી હતી.
ગુજરાતમાં રબારી સ્ત્રીઓ સાડલાની મથરાવટી ભરે છે, તો સૌરાષ્ટ્રની ભરવાડણો ધાબળીના છેડા પર વલોણું, રાસ, સાઇકલ, ગોટી, ઢોલરવો જેવા ‘મોટીફ’ ભરે છે.
ઘરશણગાર અને પશુશણગારનું લોકભરત : દીકરીને સાસરે વળાવે ત્યારે કરિયાવરમાં ઘરશણગારનું ભરત આપવાનો ચાલ સૌરાષ્ટ્ર-કચ્છમાં છે. ભાવનગર જિલ્લામાં કણબી, કારડિયા, કોળી, ખરક, પલેવાળ, પંચોળી, વસવાયાં વગેરેની નાતજાતમાં ઘરશણગારનું ભરત સફેદ પોતના કપડા પર ભરાતું હોવાથી તેને ‘ધોળું ભરત’ કહે છે.
મધ્ય સૌરાષ્ટ્રમાં હાલાર અમરેલી વિભાગમાં ઘરશણગારનું ભરત કણબી, આયર, સથવારા વગેરેમાં પીળા પોતના કપડા પર ભરાય છે તો ઝાલાવાડ વિભાગમાં પીળા અને સફેદ બંને પ્રકારનાં પોત પર ભરત ભરાય છે. સોરઠ, બરડામાં સફેદ અને પીળા પોત પર ભરવાનો ચાલ છે.
ગુજરાત બનાસકાંઠામાં ખેડવાયામાં સફેદ અને પીળા ગદના પોત પર ભરાય છે. આ ભરતપરંપરામાં શોભન-આકૃતિઓમાં પંજાબમાં ભરાતી ફૂલકારીની હળવી અસર જોઈ શકાય છે.
કચ્છ અને બન્નીમાં ધૂળરજોટાથી મેલું ન થાય તેથી નીલા, મરૂન અને સફેદ પોતના કપડા પર ઘરશણગારનું ભરત ભરાય છે. તેમાં ભૌમિતિક આકૃતિઓ ઉપરાંત શોભનરૂપની ફૂલબુટ્ટી, ભજબુટ્ટી, બાજોઠ, સૂરજગલ અને સુશોભન પ્રકારની પશુ, પંખી અને માનવ-આકૃતિઓ પણ ભરાય છે.
ઘરશણગારનાં લોકભરતમાં એકએકી કોથળીનું તોરણ, બે ચાકળા, બે તરિયા, બે પાન કોથળિયા કે ટરપરિયા, બે તકિયા, બે ટોડલિયા, બે સાખપટ્ટી, એક મોડવાની કાંધી, એક પછીત પાટી, એક ઉલેચ કે ધ્રાણિયો, એક ગણેશસ્થાપન આટલું હોય છે.
આ ઉપરાંત ઘરવપરાશની નાનીમોટી ચીજજણસમાં પણ ભરતનું સુશોભન કરાય છે. એમાં ઈંઢોણી, ઓશિકાનું ખોળિયું, થેલી, ઓછાડ અને માલડી હોય છે.
પાળેલાં પશુઓમાં બળદ માટે બળદના શીંગરોટિયાં કે ખોભળાં, માથાની લેલાવટી, મોરડા, કાન અને ઝૂલો ભરાય છે. ઘોડાના શણગારમાં ઝૂલ અને ઘૂઘી હોય છે.
કાઠી પરંપરાનું લોકભરત અને તેની શોભનભાતો : કાઠી કોમ આશરે દસમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવીને સ્થિર થયેલી. કાઠી કોમનું ભરત શૈલીસ્વરૂપે જુદી પરિપાટી સર્જે છે. કાઠી કોમ ક્ષાત્ર સંસ્કારવાળી મલાજો પાળતી પાટીદાર પ્રજા છે, એટલે તેમના ભરતમાં, શોભન-અલંકારમાં રજપૂતી સંસ્કારનો ઠાઠ હોય છે.
તળપદ ખેડવાયાં-લોકપ્રજાની ભરતભાતોમાં ભાતીક રૂપરચનાનું અલંકરણ ભરી શકાય એવાં ઝાડ, પાન, ફૂલ, પશુ-પંખીને આલેખીને ભરાય છે. આ ઉપરાંત ડાબલી, થાળી જેવી કથિપીની ભાતો ભરાય છે, તો કાઠી ભરતમાં આકૃતિમૂલક કથાઓ ઉપરાંત ભૂમિતિના વૈવિધ્યવાળી કથિપી ભરાય છે.
કાઠીભરતની રૂપરચનામાં ગુજરાતમાં પ્રચલિત ‘અપભ્રંશ શૈલી’ની ચિત્રપરંપરા તેમજ મધ્યકાલીન ‘સલાટી કલમ’, ‘કળાંગરી કલમ’નાં ભીંતચિત્રોની પરિપાટી ઝિલાણી છે. એટલે આ ભરતકામનો નમૂનો લોકચિત્રણા જેવો લાગે છે.
ઘરસુશોભનની માંડણી માટે કાઠી નરનારી પોરસીલાં હોવાથી તેઓ બેઠકખંડને ખાસ રીતે શણગારે છે. તેને ‘કાઠીઘર’ કહેવાય છે. બેઠક- ખંડની ભીંતો પર ‘પછીતપાટી’, ‘પંખા’ અને ‘બેસણ’ (વેષ્ટન) ટાંગવામાં આવે છે. પછીતપાટી તે કંદોરાબદ્ધ પટ્ટી હોય છે. તેમાં બાવન જાતનાં ઘોડા, ઊંટ, હાથી, કેસરી સિંહ, કપટી મૃગ, મોર, પોપટ ઉપરાંત ગણેશ, લક્ષ્મી, કૃષ્ણલીલા, રામકથા, રૂપાંદે વેરાવલજીનાં લગ્ન વગેરે આકૃતિમૂલક સુશોભન ભરાય છે. ‘બેસણ’ના ચાકળામાં રાસલીલા, રામલીલા, હાથી, ઘોડા, વનસંપત્તિ, ઢોલામારુ, લગ્નમંડપ, અવર પશુપંખી અને વૈવિધ્યાકારે કથિપીનું ભરત ભરાય છે.
કાઠીઘર ખડીથી ધોળેલું હોવાથી તેને શોભાવવા માટેનાં વેષ્ટનો હમેશાં નીલા અને સોનેરી પીળા રંગના કપડા પર ભરાય છે. તેમાં તોરણ, ચાકળા, સાખતોરણ અને સૂરજ-સ્થાપન જેવા નમૂનાનો પણ ચાલ છે. કાઠીભરતમાં આલેખેલી આકૃતિ પર લાલ મરૂન રંગનાં હીર કે સૂતરથી આકૃતિનું બંધવણું થાય છે, તે પછી બંધવેલ આકૃતિમાં વાના પ્રમાણે લીલા, ગુલાબી, ભૂરા, લાલ, સફેદ, કેસરી, પીળા જેવા રંગીન હીરથી ભરાય છે. વચ્ચે વચ્ચે ઝીણા કાચ (ખાંપ) પણ ભરાય છે. કાઠીભરત ભરણું લોકભરત કરતાં સહેજ પાંખું પાંખું હોય છે.
કટાવકામ : સૂઈ મેરાઈએ સિલાઈ કરતાં વધેલાં કાપેલાં કટકા-કાપલીમાંથી સૂઈ સ્ત્રીઓએ ‘કટાવ’(કટાબ)ની સરજત કરી છે, જેમાં સફેદ અથવા લાલ કે નીલ પોતનું કપડું લઈ તેના ઉપર કટકા- કાપલીમાંથી કાપેલા આકારો વ્યવસ્થિત ગોઠવીને નીચેના પોત સાથે ઉપર કાપી-કોરીને ગોઠવેલા આકારને સોયદોરાથી ટાંકી દે છે. આમ નીચેનું એકરંગી પોતનું કપડું અને કાપી-કોરીને ઉપર ચોંટાડેલ રંગરંગીન વસ્ત્રાકારના સમન્વયમાંથી ભાતીક રચના થાય છે, તેને ‘કટાવકામ’ કહે છે. કટાવની સરજત મેરાઈ સ્ત્રીઓ ઉપરાંત મોચી કારીગરો પણ રાજરજવાડાં માટે કરે છે. એમાં ચંદરવા, ચંદણી, ઉલેચ, ચાકળા વગેરે છે. મોચીનું કટાવ બહુ શોભનીય અને તેમાં થયેલ અલંકરણ પણ દર્શનીય હોય છે, જેમાં હાથીનો હોદ્દો, ઘોડા, વ્યાલ, લગ્નમંડપ, રામલીલા, કૃષ્ણલીલા, મહાભારતના પ્રસંગો ઉપરાંત કલ્પવૃક્ષ, કદંબ વગેરે રંગરંગીન કે ભાતીક કપડામાંથી કાપી-કોરીને સુંદર રીતે કટાવમાં જડી દે છે.
ગ્રામ અને શહેરોમાં મહાજન, જૈન, ખોજા, લોહાણા, જત વગેરેની સ્ત્રીઓ પણ કટાવકામ કરે છે. કટાવના નમૂનાઓમાં ધ્રાણિયા, ચંદરવા, ચાકળા, તોરણ, ખોયાં, ગાદલી, ખલેચા, પદડી વગેરે થાય છે. શિહોર, મહુવા, ગઢડા અને ભાવનગર જેવાં શહેરો તથા ગામડાંઓમાં કટાવકામ ઘણું થતું. આજે આ પરંપરા ઓછી મળે છે.
કટાવકામ ત્રણ પ્રકારે થાય છે :
(૧) કાપેલું : એટલે ફાળામાંથી તાલિયો, ત્રિકોણ, ચોકૂન, લંબચોરસ પટાકાર વગેરે જેવા આકારો કાપીને એ કપડામાંથી ભૌમિતિક ભાતરચના કરીને – સંધાડીને બનાવેલું કટાવકામ તે કાપેલું કટાવ.
(૨) કોરેલું : એટલે એક સમચોરસ, ગોળ કે લંબચોરસ કપડાના ફાળાને બેવડો કે ચોવડો કરી સંકેલી લઈ, ચારેય પડોને કાતર વડે સુશોભન-ભાતના આકારથી કાપી નાખી તેને ઉખેળતાં તે સમગ્ર ફાળામાં એક કે કોતર્યા પ્રમાણે ચાર પ્રકારની સુશોભન-ભાત કોતરાઈ જાય છે. આ કોતરેલા રંગીન ફાળાને સફેદ પોતના કપડા ઉપર ગોઠવી ટાંકાથી સીવીને જે નમૂનો બનાવાય છે, તેને કોરેલું કટાવકામ કહે છે.
(૩) ચોડેલું : આ પ્રકારનું કટાવ રચના અને અલંકૃતતાની કુશળતા બતાવે છે. ચિત્રકામ અને રચનાબંધની જાણકારીવાળાં સ્ત્રીપુરુષો આ પ્રકારનું કટાવકામ કરી શકે છે. એમાં લીંબોળી, પાંખડી, પાન, ઘણો, તીરખી, માનવાકૃતિ, પશુપંખી, ઉપસ્કરો વગેરે જેવા આકારો રંગીન કપડામાંથી કોતરી છૂટા પાડીને સફેદ કે રંગીન પોતના કપડા પર વિષય અને સુશોભનની સંયોજિત રચના કરીને તેને ઝીણા દાણાદાર ટાંકાથી સીવી લેવાય છે; તેને ચોડેલું કટાવ કહેવાય છે.
આવા પ્રકારના કટાવકામ પર કોઈ કોઈ સ્ત્રીઓ ભરત અને ખાંપ પણ લગાવે છે; સમગ્ર કટાવકામનો નમૂનો હાથ-સિલાઈ અને લીંખ, બખિયા અને ટાંકાટેભાથી જ થાય છે.
મોતીપરોણું અને તેનું સુશોભન : સૌરાષ્ટ્રને ‘કાઠિયાવાડ’ નામ અપાવનાર કાઠી કોમની સ્ત્રીઓ લોકકલાકારીના ઉમદા સંસ્કારવાળી હોય છે. આ સ્ત્રીઓ મોતીપરોણામાં ઘણી નિષ્ણાત હોય છે. સૌરાષ્ટ્રનું મોતીપરોણું એ કાઠીઓની આગવી સરજત છે.
કીડિયાં મોતીના નામે જાણીતાં ઝીણાં કાચનાં મોતી ઓગણીસમી સદીના મધ્યભાગે ઇટાલીથી આયાત થતાં હતાં. ઇટાલિયન મોતી કદમાં એકસરખાં, તેજસ્વી અને રંગીન હોવાથી ઓગણીસમી સદીમાં તેના જે નમૂના બન્યા તેનું સુશોભન સુંદર, રેખાઓનું સમતોલપણું ખૂણાબંધ અને ચોક્કસ હતું, જ્યારે દેશી મોતીનાં પરોણાંમાં મોતી નાનાંમોટાં હોવાથી નમૂનો ક્યાંક ક્યાંક ગંઠાઈ ગયેલો જણાય છે.
મોટાભાગે સફેદ મોતીની પશ્ચાદભૂમિ અને કોઈ વાર જાંબુડી નીલા, લીલા કે પીળા મોતીના નમૂનામાં કાનગોપી, સરવણ કાવડિયો, કપટી મૃગ, રાસલીલા, દાણલીલા, પારણું, પલંગ, વેલડી ઉપરાંત હાથી, ઘોડા, ગાય, કૂતરાં, સિંહ, મોર, પોપટ, રૂંડભેરૂંડ, ઝાડપાન, ફૂલબુટ્ટા વગેરે સુંદર સુશોભનો પરોવાય છે.
ઓગણીસમી સદીમાં મોચી તેમજ કાઠી સ્ત્રીઓએ જે મોતીપરોણું કર્યું છે, તે તદ્દેશીય શોભનભાતો અને અલંકરણવાળું હોય છે. તેમાં પટોળાની ભાતપરંપરાનું આકલન છે, પણ વીસમી સદીમાં મહાજન કોમની સ્ત્રીઓએ મોતીપરોણું અપનાવ્યું છે. તેમણે તોરણ, ચાકળા, પંખા, રમકડાં વગેરે ઉપર મોતીપરોણું કર્યું છે. મહાજન સ્ત્રીઓમાં થયેલાં મોતીપરોણાંમાં વહાણ, પારસીબુટ્ટા, ભુજબુટ્ટા, અંગ્રેજી કૂંડું વગેરે નવી ભાતો અને અલંકરણો આવ્યાં છે.
મોચી, કાઠી અને મહાજન કોમોએ ત્રણ મોતીનાં પરોણાંનું જ વિશેષ ચલણ કર્યું છે. તે ઉપરાંત પાંચ કે સાત મોતીથી પણ પરોણું કર્યું છે; તો કણબી, કારડિયા વગેરેએ એક મોતીનું પરોણું કર્યું છે.
કાઠી કોમમાં પછીત પાટી, તોરણ, સાખતોરણ, બેસણ, ટોડલિયા, ચાકળા, પંખા, સૂંથિયાં, ઓશીકાં, તેમજ ઘોડાના શણગારમાં ઘૂઘી, લગામ વગેરે હોય છે.
અન્ય કોમોમાં મોતીપરોણાનો ચાલ મર્યાદિત છે. તેઓમાં ટોડલિયા, પંખા, ઈંઢોણી, કંકાવટી જેવા નમૂના પરોવાય છે, તો વણકરમાં મોતીની કેડકોથળીનો ખાસ ચાલ છે.
ગુજરાતમાં મોટા વિવિધ રંગીન કાચના કે પ્લાસ્ટિકના મણકા સાથે કાચની (પ્લાસ્ટિકની પણ) સળીઓ દોરામાં કે તારમાં પરોવી બારસાખનાં તોરણો પણ લોકકળા રૂપે વિકાસ પામ્યાં હતાં. વળી રંગીન કાચના કે પ્લાસ્ટિકના મણકા દ્વારા ફૂલછાબ–બાસ્કેટ તથા અન્ય રમકડાં બનાવવાની કલા વિકાસ પામી છે.
રંગોળી : ગૃહના આંગણમાં પ્રવેશદ્વાર આગળ કરોઠી(પથ્થર-આરસનો લોટ જેવો ભૂકો-સફેદ તેમજ રંગીન)થી ગુજરાતમાં ખાસ કરીને દિવાળીના તહેવારોમાં જે ભાત તૈયાર કરવામાં આવે છે તેને સામાન્ય ભાષામાં સાથિયા કહે છે. મહારાષ્ટ્રીય લોકોમાં રંગોળીથી આંગણું સુશોભિત કરવાનો રિવાજ ખૂબ પ્રચલિત છે અને તે લોકો દરરોજ ગૃહઆંગણે રંગોળી પૂરે છે. પારસી લોકોમાં આ રિવાજ ચાલુ છે. તેઓ ઘણુંખરું ધાતુનાં કાણાં પાડેલ બીબાંથી ગૃહઆંગણું સજાવે છે. રંગોળી પૂરવા માટે અનેક પદ્ધતિઓ છે. અમુક અંતરે ટપકાં પાડી પછી તેને જુદી જુદી ભાત પ્રમાણે જોડવામાં આવે છે, તે ટપકાં પદ્ધતિ. પિત્તળની નળી કે વાંસ કે સાંઠીકડાંની નળીમાં ભાત પડે એવાં બારીક છિદ્રો કરી, તેમાં કરોઠી ભરી ગોળ કે ચોરસ કે અન્ય પ્રકારની ભાતમાં સરકાવી ગોળ કે ચોરસની ચારે બાજુ વિવિધ ભાતની પટ્ટીઓ આલેખાય છે. બંગાળીઓ ભીના અર્ધપ્રવાહી રંગથી રંગોળી બનાવે છે તેને અલ્પના કહે છે. (આ ગૃહસુશોભનના પ્રકારની વિવિધ ભાતો માટે કેટલીક સચિત્ર માર્ગદર્શક-પુસ્તિકાઓ પણ તૈયાર થયેલી છે.) શિક્ષિત વર્ગના લોકોમાં આ કલાનો સારો વિકાસ સધાયો છે અને સધાય છે.
રંગોળીની કલાનો ચિત્રકલાના સ્વરૂપે પણ વિકાસ થયો છે. વિવિધ રંગો અને તેના મિશ્રણથી મોટા ગાલીચા જેવી કે અન્ય સુંદર ચિત્ર જેવી રંગોળી પણ બનાવાય છે. આવી રંગોળીની સ્પર્ધાઓ યોજાય છે. સૂકી કરોઠી તથા સૂકા રંગોના ભૂકાથી બનાવેલી રંગોળી ટૂંક સમય માટે જ જાળવી શકાય છે. આથી હાર્ડબૉર્ડ કે સિમેન્ટના પતરા પર ફેવિકોલ કે બીજા ચોંટે તેવા પદાર્થનું પડ ચડાવી તેના પર રંગીન રેતી કે કરોઠીથી રંગોળીની ભાતો કે ચિત્રો તૈયાર કરી તેને ભીંતોના શણગાર રૂપે (wall piece) પણ તૈયાર કરવામાં આવે છે. આમાં રંગ સાથે આભલાંનો – ખાંપનો — પણ ઉપયોગ થઈ શકે છે. તેમાં ચળકતી જરીની વિવિધરંગી ભૂકી વાપરી અત્યંત સુંદર અને સ્થાયી સુશોભન તૈયાર કરવામાં આવે છે. આમ રંગોળી પરથી ગૃહસુશોભન માટે વિવિધ પ્રકારે ‘ભીંત-શણગાર’ બનાવવાની કલા હજુ સુંદર રીતે વિકસી રહી છે.
ખોડીદાસ પરમાર
કૃષ્ણવદન જેટલી