અલહાગી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોસી) કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિને પૅપિલિયોનોઇડી ઉપકુળમાં મૂકવામાં આવી છે. Alhagi pseudalhagi (Bieb.) Desv. syn. A. camelorum Fisch. (સં. मता; હિં. जवासो; ગુ. જવાસો, ધમાસો;  અં. કૅમલ થોર્ન) જાણીતી જાતિ છે. કૌંચા, ચણોઠી, ઇકડ વગેરે તેનાં સહસભ્યો છે.

Alhagi pseudalhagi

અલહાગીનો છોડ

સૌ. "Alhagi pseudalhagi, Mersin" | CC BY-SA 4.0

આશરે 1 મીટર ઊંચાઈ ધરાવતો કાંટાળો છોડ. ઝીણાં રુવાંટીવાળાં પર્ણો. લીલું દોરી જેવું પ્રકાંડ. રાતાં ભૂરાં થોડાં પુષ્પોવાળી કલગી. કાંટા ઉપર પણ પુષ્પો ઊગે. પતંગિયાકાર પુષ્પો. એક કે બે બીજ ધરાવતાં અસ્ફોટી ફળ. સિંધ, રાજસ્થાન, બલુચિસ્તાન વગેરે સૂકા પ્રદેશમાં થાય છે. ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના રેતાળ પ્રદેશો તથા કચ્છમાં બહુ જ મળે છે. ઉનાળામાં અને દુકાળમાં જ્યારે બીજા બધા છોડ સુકાઈ જાય ત્યારે આ છોડ સરસ રીતે નવાં નાનાં પાનથી ખીલી નીકળે છે. પરંતુ વરસાદ પડવા માંડે કે તરત જ તેનું જીવનચક્ર પૂરું થઈને સુકાઈ જાય છે.

Camel Thorn flower

અલહાગીનું પુષ્પ

સૌ. "Camel Thorn flower" | CC BY-SA 3.0

આર્થિક મહત્વ : આ વનસ્પતિનો ખાંડ જેવો ગળ્યો સ્રાવ (મન્ના) પશ્ચિમ એશિયાના દેશોમાંથી એકત્ર કરીને ભારતમાં લાવવામાં આવે છે. તેને ફારસીમાં તુરજબીન કહે છે. તેના નાના ગોળ દાણા ભેગા થઈને અપારદર્શક જથ્થો બને છે. તેમાં ઘણુંખરું મેલીઝીટોઝ નામની શર્કરા સુક્રોઝ અને નિષ્ક્રિય શર્કરા હોય છે.

ભારતમાંના છોડ પર ‘મન્ના શર્કરા’ મળતું નથી. મન્ના હલકો જુલાબ છે. છાતીના રોગોમાં ઉપયોગી છે. ઊંટને ઘાસચારા તરીકે અપાય છે. પ્રકાંડની શાખાઓમાંથી પડદાઓ કે ટટ્ટીઓ બનાવી શકાય છે.

દિનેશ હરસુખરાય મંકોડી

સરોજા કોલાપ્પન