ટીંબરવા : વડોદરા જિલ્લાનું પ્રાગૈતિહાસિક અવશેષો ધરાવતું ગામ. તે તાલુકામથક સિનોરથી 15 કિમી. દૂર આવેલું છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતતત્વ-વિભાગે આ ગામ નજીકના સ્થળનું ઉત્ખનન કરેલ છે. આ સ્થળેથી ઈ. સ. પૂ. 500 આસપાસના સમયના ઉત્તર ભારતની ગંગાની ખીણના પંજાબથી બંગાળ અને ઉત્તર મહારાષ્ટ્ર સુધીના વિસ્તારમાંથી કાળાં કે પોલાદ જેવાં ભૂખરાં મૃદ્-પાત્રોના અવશેષો મળ્યા છે. ગુજરાતમાં ટીંબરવા અને સોમનાથ – આ બંનેમાંથી આવા અવશેષો મળ્યા છે. મૃતદેહો સાથે દફનાવેલા મહાશિલાયુગીન અવશેષો અંદરથી સફાઈદાર કાળા રંગનાં અને બહારથી લાલ રંગનાં મૃદ્-પાત્રોનાં છે. આ પાત્રો inverted firing પદ્ધતિથી પકાવેલાં છે. ત્યાં મળી આવેલા મૌર્ય અને ક્ષત્રપકાળ પૂર્વેના લઘુપાષાણ યુગનાં અકીક, કૅલ્સીડની, ચર્ટ અને જેસ્પરના અર્ધકીમતી પથ્થરોનાં બનેલાં ઓજારો ઈ. સ. પૂ. 500થી ઈ. સ. 100 આસપાસના સમયનાં છે એવો અંદાજ છે.
શિવપ્રસાદ રાજગોર