ટાગોર, દ્વારકાનાથ (જ. 1794, જોડાસાંકો, કૉલકાતા; અ. 1 ઑગસ્ટ 1845, સરે, ઇંગ્લૅન્ડ) : બંગાળના ઉદ્યોગપતિ, વેપારી અને સમાજસુધારક. તેમના દાદા નીલમણિ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારી હતા. નીલમણિના પુત્ર રાસમણિના બીજા પુત્ર તે દ્વારકાનાથ. દ્વારકાનાથના સૌથી મોટા પુત્ર દેવેન્દ્રનાથ તે બ્રહ્મોસમાજના અગ્રણી અને કવિ રવીન્દ્રનાથના પિતા.
દ્વારકાનાથે ઓગણીસમી સદીની પરંપરા મુજબ પ્રથમ અરબી અને ફારસીનો અને ત્યારબાદ અંગ્રેજીનો અને કાયદાનો અભ્યાસ કર્યો. 1818માં તેમણે નોકરીનો પ્રારંભ ચોવીસ પરગણાના કલેક્ટરના શિરસ્તેદાર તરીકે કર્યો. તેમની કાર્યદક્ષતા જોઈને 1829માં તેમને કસ્ટમ બોર્ડના દીવાન તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો. આ જ વરસે વેપારઉદ્યોગના વિકાસ માટે તેમણે યુનિયન બૅંકની સ્થાપના કરી ઉત્તરોત્તર તેનો વિકાસ કર્યો.
સરકારી નોકરીનાં નિયંત્રણો તેમને બંધનરૂપ જણાતાં 1834માં તેમણે વેપારઉદ્યોગમાં ઝંપલાવ્યું અને યુરોપિયન વેપારીઓની ભાગીદારીમાં ‘કાર ટાગોર ઍન્ડ કંપની’ સ્થાપી. મુખ્યત્વે ગળી તથા અન્ય વસ્તુઓના વેપારમાં ઘણો નફો થતાં તેમણે દેશભરમાં તેમની કંપનીની ઘણી શાખાઓ ખોલી હતી. આ ઉપરાંત તેમણે ખાંડનું તથા રેશમી કાપડનું કારખાનું તથા ‘બૅંગાલ કોલ કંપની’ની સ્થાપના કરી. 1837માં વરાળ-સંચાલિત જહાજ ખરીદી જહાજી કંપની સ્થાપી અને હુગલીના કાંઠે કીડરપોર ખાતે જહાજોના સમારકામ માટે ગોદી બાંધી.
લોકકલ્યાણની પ્રવૃત્તિઓ તરીકે તેમણે રાજા રામમોહન રાય સાથે રહીને ગવર્નર-જનરલ લૉર્ડ વિલિયમ બૅન્ટિકને સમજાવીને સતીપ્રથા બંધ કરાવી હતી. 1817માં કૉલકાતામાં ‘હિંદુ કૉલેજ’ સ્થાપી અંગ્રેજીના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું. ઍલૉપથીના શિક્ષણ માટે તેમણે બે યુવાનોને ઇંગ્લૅન્ડ મોકલ્યા હતા. તેમના પ્રયત્નોથી 1835માં કૉલકાતા ખાતે મેડિકલ કૉલેજ શરૂ થઈ હતી. તેમણે વિવિધ સંસ્થાઓને ઉદાર હાથે સખાવતો પણ ઘણી આપી હતી.
તેમણે ‘બંગાળ હરકાર’ નામના વર્તમાનપત્રના સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો તેમજ અખબારી સ્વાતંત્ર્ય ઉપર કાપ મુકાતાં અખબારી સ્વાતંત્ર્ય માટેની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેના પરિણામે જ ગવર્નર-જનરલ મેટકાફે અખબારી નિયંત્રણો દૂર કર્યાં હતાં.
સરકારી તંત્ર સાથે તેમના સુમેળભર્યા સંબંધો હોવા છતાં ભારતના હિતને નુકસાનકારક પ્રવૃત્તિઓનો તેમણે વિરોધ કર્યો હતો. ખ્રિસ્તી પ્રજા દુનિયામાં સૌથી વધારે સંસ્કારી છે એવા ઈસાઈ પાદરીઓના દાવાને તેમણે પડકાર્યો હતો. શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને મુસ્લિમ શાસન દરમિયાન અપાયેલી રાહતો કે દાન બ્રિટિશ શાસકોએ પાછાં ખેંચી લેતાં તેમણે તેનો વિરોધ કર્યો હતો.
1842માં યુનાઇટેડ કિંગ્ડમ ગયા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રાણી વિક્ટોરિયાએ પણ તેમને મુલાકાત આપી હતી. લંડનના લૉર્ડ મેયરે તેમના માનમાં ભોજન સમારંભ યોજ્યો હતો. સ્કૉટલૅન્ડના પ્રવાસ દરમિયાન એડિનબરોમાં તેમને એડિનબરોના સ્વાતંત્ર્યનું સ્મરણચિહન અર્પણ થયું હતું.
તેમની ઉદાર અને વૈભવી જીવનશૈલીને કારણે તેમને ‘પ્રિન્સ’નું બિરુદ અપાયું હતું.
શિવપ્રસાદ રાજગોર