ટર્નર, જૉસેફ મૅલર્ડ વિલિયમ

January, 2014

ટર્નર, જૉસેફ મૅલર્ડ વિલિયમ (જ. 23 એપ્રિલ 1775, લંડન; અ. 19 ડિસેમ્બર 1851, ચેલ્સી, લંડન) : વોટરકલર્સ (જળરંગો) વડે લૅન્ડસ્કેપ આલેખનાર ચિત્રકાર. તે ઓગણીસમી સદીના સૌથી મહાન લૅન્ડસ્કેપ-કલાકાર લેખાય છે. પ્રકાશ, રંગછટા તથા વાતાવરણ અંગેનું તેમનું સૂક્ષ્મ નિરીક્ષણ અને ઝીણવટપૂર્વકનો અભ્યાસ અદ્વિતીય ગણાયાં છે.

જૉસેફ મૅલર્ડ વિલિયમ ટર્નર

થોડું પ્રારંભિક શિક્ષણ મેળવ્યા પછી 14 વર્ષની વયે તેઓ રૉયલ એકૅડેમીમાં જોડાયા અને થોડા જ વખતમાં પોતાનાં ચિત્રોનું સ્વતંત્ર પ્રદર્શન પણ યોજવા લાગ્યા. વ્યાપક પ્રવાસ ખેડી તેમણે બ્રિટનનાં કેથીડ્રલ ધરાવતાં શહેરોના સ્થાપત્યનાં રેખાંકનો કર્યાં. ત્રણ વર્ષ ગેર્ટિન સાથે રહીને જળરંગી (water colour) ચિત્રો તૈયાર કર્યાં. ત્યાર પછી તૈલરંગી ચિત્રો તરફ વળ્યા. 1819માં ઇટાલીની મુલાકાત લીધા પછી તેમનાં ચિત્રોમાં ઘણો સાહિત્યિક પ્રભાવ જોવા મળ્યો; દા.ત., ‘યુલિસિસ ડિરાઇડિંગ પૉલિફીમસ’ (1829) જેવી કલાકૃતિઓ. 1829ની બીજી વારની  ઇટાલીની મુલાકાત તેમની કારકિર્દીના સર્વોચ્ચ સર્જનકાળ માટે નિર્ણાયક નીવડી; દા.ત., ‘રેન, સ્ટીમ ઍન્ડ સ્પીડ’ (1844) જેવી કલાકૃતિઓ.

કલાક્ષેત્રે તેમણે પ્રયોજેલી ક્રાંતિ ઇમ્પ્રેશનિઝમના આગમન માટે પૂર્વભૂમિકારૂપ નીવડી. એ રીતે તેમનાં ચિત્રસર્જનો કલા-ઇતિહાસમાં મૂલ્યવાન લેખાય છે. તેમની ચિત્રશૈલીને જૉન રસ્કિન જેવાનું સમયસર સબળ સમર્થન મળી રહેવાથી ટીકાખોર કલાવિવેચકો પણ ટર્નરના પ્રશંસક બની રહ્યા. પોતાનાં 300 ચિત્રો તથા 20,000 રેખાંકનો અને જળરંગી ચિત્રો તેમણે રાષ્ટ્રને અર્પણ કર્યાં હતાં.

મહેશ ચોકસી