ટર્નપ્લેટ (terneplate) : સીસું (લેડ) અને કલાઈ(ટિન)ની મિશ્રધાતુનું – ટર્ન ધાતુનું – પડ ધરાવતું સ્ટીલનું પતરું. ટર્ન ધાતુનું સંઘટન 50 % ટિન : 50 % લેડથી માંડીને 12 % ટિન : 88 % લેડ સુધીનું હોઈ શકે છે. પડ ચડાવવા માટે સ્ટીલને પીગળેલી મિશ્રધાતુમાં બોળવામાં આવે છે. તેમાંના લેડના ઊંચા પ્રમાણને કારણે મિશ્રધાતુ દેખાવે ઝાંખી હોય છે. લેડ એકલું સ્ટીલ સાથે મિશ્રધાતુ બનાવી શકતું નથી પણ તેમાં ટિન ઉમેરવાથી તે સ્ટીલને ભીંજવે છે અને તે રીતે લોખંડ અને લેડની મેળવણી શક્ય બને છે. ટર્નપ્લેટ બનાવવાની વિધિ જસતી ઢોળ ચડાવવાની અથવા કલાઈ કરવાની વિધિ જેવી જ હોય છે. તેમાં પતરાને પ્રથમ ઝિંક ક્લૉરાઇડનું દ્રાવણ ભરેલા કુંડમાં, તે પછી પીગળેલી ટર્ન ધાતુના કુંડમાં અને છેલ્લે તાડના તેલના કુંડમાં ડુબાડવામાં આવે છે. ટર્નપ્લેટ સ્ટીલ જેવી મજબૂતાઈ અને પ્રરૂપણીયતા (formability) તથા ટર્ન ધાતુ જેવી અક્ષારણીય (noncorrosive) સપાટી તથા ઝારણક્ષમતા (solderability) ધરાવે છે. 20 μm જેટલું પડ ધરાવતી ટર્નપ્લેટ છાપરાં, રસાયણો માટેની આલમારીઓ, પેટ્રોલની ટાંકીઓ, નાળો (gutters) અને પતનાળો (downsprouts) તેમજ તેલના ડબા અને રંગ, દ્રાવક તથા રેઝિન ભરવાનાં પાત્રો માટે વપરાય છે. જોકે હવે તેને બદલે વધુ ટકાઉ અને સહેલાઈથી  ઉત્પાદન કરી શકાય તેવી સ્ટીલની બનાવટો વપરાતી થઈ છે.

જ. દા. તલાટી