ઝેરવું : ‘અશ્વત્થામા’ એકાંકીસંગ્રહમાંનું ગુજરાતી એકાંકી. લેખક મધુ રાય (મૂળ નામ મધુસૂદન વલ્લભદાસ ઠાકર). તેમાં નાયક ‘હું’ના ત્રણ સ્ત્રીઓ સાથેના પ્રેમસંબંધની અને અંતે નિષ્ફળતાની વાતને વણી લેવામાં આવી છે. રૂપરૂપના અંબાર સમી આયેશા ‘હું’ને નહિ પણ ‘હું’માં રહેલા ચંડીદાસના વિસ્ફોટક પૌરુષને, બીજી નાયિકા કુમારી ‘હું’ને નહિ પણ પોતાના કલ્પિત રૂપને અને સરેરાશ સ્ત્રી દેવિકા ‘હું’ને પરણવાની હોવા છતાં સ્ત્રીચરિત્રથી અજિતને ચાહે છે. ‘હું’ની પ્રેમવિફલતાની વ્યથાને તાર સ્વરે મૂકવા નાટ્યકારે ‘ચાહવું’ના સાર્દશ્યયોગમાં ‘ઝેરવું’ ક્રિયાપદ લાક્ષણિક રીતે પ્રયોજ્યું છે.
નાટ્યકારે રંગમંચની વિવિધ તરકીબોનો ઉચિત રીતે વિનિયોગ કરી ‘હું’ની ચૈતસિક અવસ્થાને નિરૂપતું પ્રયોગશીલ એકાંકી રચ્યું છે. નાટ્યકારે ‘હું’ અને ‘તમે’ નામનાં બે અમૂર્ત પાત્રોને ખૂબીપૂર્વક મંચનક્ષમ બનાવ્યાં છે. ‘હું’ દેવલાલનું આંતર મન છે. દેવલાલને ત્રણ નાયિકાઓ સાથે બાહ્યસ્તરે ચાલતા વ્યવહારની નીચે કેવી આંતર પ્રક્રિયાઓ સર્જાઈ રહી છે તેનો સાચો પરિચય ‘હું’ દ્વારા જ મળી રહે છે. ‘હું’ અને દેવલાલ અભિન્ન હોવા છતાં બંનેને નોખા પાડવા લેખક કેટલીક યુક્તિઓને લેખે લગાડે છે; જેમ કે, રંગમંચ પર ‘હું’ અને દેવલાલ એકબીજા સામે નજર મેળવી વાત કરતા નથી. ‘હું’ ‘તમે’ને બધાં જ પાત્રોનો પરિચય કરાવે છે પણ દેવલાલનો કરાવતો નથી. તેવી રીતે એકાંકીના આરંભે તાળીઓના ગડગડાટથી છલંગ મારીને ઊભો થતો ‘હું’ રૂમને વ્યવસ્થિત કરે અને અંતમાં દેવલાલની આજ્ઞા થતાં ‘હું’ પથારીમાં સૂઈ જાય, ફરી પ્રકાશ થાય ત્યારે પથારી અને ‘હું’ અર્દશ્ય બને. હવે સ્ટેજ પર આરંભમાં, ‘હું’ના આગમન પૂર્વે, જેવું અસ્તવ્યસ્ત રાચરચીલું હતું તેવું જ દેવલાલ કરી નાખે. નાટ્યકારે ‘તમે’ના પાત્રને આ સર્વ પ્રસંગો અને પ્રતિક્રિયાઓનું સાક્ષી બનાવ્યું છે. ‘તમે’નું પાત્ર સદેહે રંગમંચ પર આવતું નથી. ‘તમે’ વેન્ટિલેશનમાંથી હાથ નાખી સ્ટૉપર ખોલે, પ્રેક્ષકગૃહમાં ચોક્કસ જગ્યાએ સ્થાન લે વગેરે ‘હું’ની ઉક્તિઓથી સમજાય છે. આમ ‘તમે’ એટલે કે પ્રેક્ષકોની નાટકમાં સીધી સંડોવણી થાય છે. અંતમાં દેવલાલ ‘હું’ને ચૂપ કરી સુવડાવી દે અને અજાણ બન્યાનો દંભ કરીને પ્રેક્ષકગૃહમાં ખોવાઈ જાય જેવાં ધ્વન્યાત્મક સૂચનો દ્વારા નાટ્યકારે દેવલાલનો અંતર્મહેલ બંધ કરીને અનેક પ્રેક્ષકોની જેમ દેવલાલ સપાટી પરનું કૃતક જીવન જીવશે તેવો સૂક્ષ્મ સંદર્ભ રચી આપ્યો છે. રંગમંચની અસાધારણ સૂઝ તથા અનેક અર્થસંકેતો સર્જતી વાગ્મિતાને કારણે મધુ રાયનું આ એકાંકી ગુજરાતી નાટ્યસાહિત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે.
લવકુમાર દેસાઈ