ઝેરીકો, તીઓદૉર (જ. 26 સપ્ટેમ્બર 1791, રુઆન; અ. 26 જાન્યુઆરી 1824, પૅરિસ) : રંગદર્શી (romantic) તેમજ વાસ્તવદર્શી એમ બંને પ્રકારની ફ્રેન્ચ કલાશૈલી પરત્વે પ્રભાવક અસર દાખવનાર ચિત્રકાર. મૂળે એક ફૅશનપરસ્ત શોખીન વ્યક્તિ હોવા ઉપરાંત તેમને ઘોડેસવારીનો ભારે શોખ હતો. રાજકીય વિચારસરણીની ર્દષ્ટિએ તે બોનાપાર્ટતરફી હતા, પણ એવા જ ઉદારમતવાદી અને માનવતાવાદી પણ ખરા.

ચિત્રાત્મકતા તથા ચેતનવંતી વ્યક્તિઓથી ધબકતી તેમની કૃતિઓમાં વિશાળ તેમજ કાર્યવેગવાળાં સંયોજનોથી માંડીને રમતગમતનાં જોશીલાં ર્દશ્યો જેવા વિષયો ઉપરાંત મનોરોગી વ્યક્તિઓનાં સમભાવપૂર્વક આલેખેલાં વ્યક્તિચિત્રો (portraits) એમ વિવિધતા અને વ્યાપકતા જોવા મળે છે. રમતગમતની આંગ્લ ચિત્રશૈલીની પરંપરાના સંસ્કાર ફ્રેન્ચ ચિત્રકાર કાર્લ વર્નેટ(vernet) પાસેથી ઝીલવાની સાથે પશુઓનાં હલનચલનનાં ગતિ-વેગ લાક્ષણિક સહજતા તથા સામર્થ્યપૂર્વક આલેખ્યાં.

સંયત ચિત્રશૈલીથી માનવદેહની આકૃતિ આલેખવામાં તેમજ બહુવિધ સંયોજનો પ્રયોજવામાં તેમણે જે પ્રભુત્વ મેળવ્યું તે ફ્રેંચ ચિત્રકાર પિયર ગુરિનના માર્ગદર્શનના પ્રતાપે.

1816–17માં તે ફ્લૉરેન્સ તથા રોમની મુલાકાતે ગયા ત્યારે માઇકલઍન્જેલો તથા બરોક ચિત્રશૈલીથી સોળમી સદીના બરોક ચિત્રકાર કારાવાજિયોથી ભારે આકર્ષિત અને પ્રભાવિત થયેલા.

ફ્રાન્સ આવ્યા પછી, તેમણે લશ્કરને લગતી વિષયસામગ્રીના લિથોગ્રાફનો સંપુટ તૈયાર કર્યો અને આ કલામાધ્યમમાં તે સમયના તે સર્વોત્કૃષ્ટ નમૂના લેખાયા. ‘ધ રૅફ્ટ ઑવ્ ધ મેદુસા’થી 1818–19માં ચર્ચાનો ભારે વાવંટોળ સર્જાયો; એમાં કેટલાંક કારણો કલાવિષયક હતાં તો બીજાં કેટલાંક સામાજિક કારણો પણ નિમિત્તરૂપ હતાં. અમુક બદનક્ષીભર્યા રાજકારણી સંકેતાર્થો ધરાવતી તત્કાલીન જહાજ-દુર્ઘટનાથી પ્રેરાઈને રચાયેલી તેમની આ ચિત્રકૃતિ મહાકાવ્ય તથા ટ્રૅજેડીની ભવ્યતાને આંબવા મથે છે; મૃત તથા મરણોન્મુખ પાત્રો જે તાર્દશતાથી આલેખાયાં છે તેનાથી રૂંવાડાં ખડાં થઈ જાય છે. આ કૃતિના આવા વાસ્તવલક્ષી ચિત્રણના પરિણામે નવપ્રશિષ્ટવાદી (neoclassical) તથા રોમૅન્ટિક કલાપ્રવાહો વચ્ચે સંઘર્ષ તથા વિવાદનો પ્રારંભ થયો.

પોતાની કૃતિને સાંપડેલા જાકારાથી નિરાશ થઈને તેઓ ઇંગ્લૅન્ડ ચાલ્યા ગયા. અહીં અશ્વો તથા જૉકીનાં પાત્રોનો વિષય પસંદ કર્યો. તે પરથી અદભુત રંગછટા તથા ભવ્ય સાદગીથી મોહક લાગતા આકારોવાળાં લિથોગ્રાફ, જળરંગી ચિત્રો તેમજ તૈલચિત્રો બનાવ્યાં. તેમની ટૂંકી પરંતુ વિવાદપૂર્ણ કારકિર્દીના અંતિમ ગાળામાં તૈયાર થયેલી સૌથી મહત્વની કૃતિઓ તે મનોરોગની જુદી જુદી કક્ષા દર્શાવવા માટે તૈયાર કરાયેલાં પાંચ મનોરોગીનાં વ્યક્તિચિત્રો. માનવચિત્તની વિષમ અંતિમતાનો તાગ કાઢવામાં તેમણે દાખવેલો સમજભર્યો અને સદભાવપૂર્ણ અભિગમ અગાઉ ભાગ્યે જ કોઈ કલાકારને સ્ફુર્યો હશે. એ કરુણ વિધિહાસ લેખાય કે ઘોડા પરથી પડી જવાથી માત્ર તેત્રીસ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.

મહેશ ચોકસી