ઝેન્ગઝોઉ (zhengzhou) : ઉત્તર-મધ્ય ચીનમાં આવેલું હેનાન પ્રાંતનું પાટનગર, તેનું ભૌગોલિક સ્થાન આશરે 34° 35´ ઉ. અક્ષાંશવૃત્ત અને 113° 38´ પૂ. રેખાંશવૃત્ત પર છે. ‘ચેન્ગ-ચાઉ’ કે ‘ચેન્ગ-સિન’ તરીકે પણ તે ઓળખાય છે. તે હોઆંગહો કે પીળી નદીનાં દક્ષિણનાં મેદાનોમાં આવેલું કૃષિપેદાશોનું વ્યાપારી કેન્દ્ર, ઔદ્યોગિક મથક અને હેનાન પ્રાન્તનું વહીવટી મથક છે. વસ્તી આશરે શહેરની 66,50,532 (2020), મહાનગરની 1,02,60,667 (2020).

વીસમી સદીની શરૂઆતમાં અહીં રેલમાર્ગો શરૂ થયા. આજે તે  કૅન્ટૉનથી બેજિંગ જતા અને પીળા સમુદ્રથી સિક્યાંગ જતા ઉત્તર-દક્ષિણ રેલમાર્ગનું મધ્યવર્તી કેન્દ્ર છે. રેલ અને સડક માર્ગીય પરિવહન સેવાઓનું કેન્દ્ર છે. વિવિધ માર્ગો દ્વારા તે મહત્ત્વનાં શહેરો સાથે જોડાયેલું છે. વળી તે હવાઈ મથક પણ ધરાવે છે. આ શહેર કપાસ ઉગાડતા પ્રદેશનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર હોવાથી 1970માં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. હવે આ ઉદ્યોગે ઘણી પ્રગતિ સાધી છે. આ સિવાય અનાજ દળવાનો મિલ-ઉદ્યોગ તથા ખાદ્ય-પ્રક્રિયાના ઉદ્યોગો; કૃષિઓજારો, સિગારેટ, રેલ-એન્જિનો તથા તેના ભાગો બનાવવાના તથા તેના સમારકામને લગતા ઉદ્યોગો મુખ્ય છે. વળી આ શહેરમાં આ પ્રદેશના નૂતન પાષાણયુગથી માંડીને અત્યાર સુધીના માનવ-ઇતિહાસના નમૂના ધરાવતું સંગ્રહસ્થાન પણ છે.

આ નગર અતિપ્રાચીન મનાય છે. પુરાતત્ત્વવેત્તાઓએ અહીંથી નૂતન પાષાણયુગની વસાહતો અને કાંસ્યયુગની સંસ્કૃતિના અવશેષો શોધી કાઢ્યા છે. આ પ્રાચીન સંસ્કૃતિ ઈ. સ. પૂ. 1500માં પાંગરી હોવાનું અનુમાન છે. આ શહેર ઈ. સ. પૂ.ની તેરમી સદીમાં શાન્ગ વંશના સમ્રાટોનું પાટનગર હતું. ઈ. સ. 1112થી ઈ. સ. પૂ. 771ના ચોઉ શાસનકાળમાં તે કુઆન રાજવંશના હાથમાં હતું, તેથી તે ઈ. સ. પૂ.ની છઠ્ઠી સદીથી ‘કુઆન-ચેન્ગ’ તરીકે ઓળખાતું હતું. આ શહેરમાંથી ચોઉ સમય (આશરે ઈ. સ. પૂ. 1050)ની કબર પણ મળી આવી છે. આ શહેરમાં ખરેખરા વહીવટની શરૂઆત ઈ. સ. 587થી થઈ. તે વખતે તેનું નામ ‘કુઆન ચોઉ’ હતું, ત્યાર પછી ઈ. સ. 605થી તેનું વર્તમાન નામ ‘ચેન્ગ-ચોઉ’ રાખવામાં આવ્યું. આ પછી સુઈ (ઈ. સ. 581–618), ટાન્ગ (ઈ. સ. 618–907) અને સુન્ગ (ઈ. સ. 960–1126) રાજવંશના શરૂઆતના શાસનકાળમાં આ નગરની ઘણી પ્રગતિ થઈ.

બીજલ પરમાર