ઝેન : બૌદ્ધ મહાયાન સંપ્રદાયની ચીનમાં આરંભાયેલી અને જાપાનમાં પ્રસરેલી શાખા. દક્ષિણ ભારતના આચાર્ય બોધિધર્મ (ઈ. સ. 470–543) ચીન ગયેલા; તેમના દ્વારા ઝેનનો ત્યાં આરંભ થયો. મૂળ સંસ્કૃત શબ્દ ‘ધ્યાન’નું ચીની ભાષામાં ‘ચ-આન’ કે ‘ચાન’ (ch-an) અને જાપાની ભાષામાં ‘ઝેન’ એવું રૂપાંતર થયેલું છે. ભગવાન બુદ્ધે ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરેલું. તે સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઝેનમાં મોટું માહાત્મ્ય છે. બૌદ્ધ યોગાચાર પંથમાં અને એમ તો બધાં ભારતીય દર્શનોમાં ધ્યાનનું મહત્વ છે, પણ ત્યાં ધ્યાન એક સાધનમાત્ર છે. ઝેનમાં ધ્યાનની ચીની પ્રણાલી અને તેના ઉપર તાઓ સંપ્રદાયની પદ્ધતિની અસરને લીધે તે અન્ય દાર્શનિક પ્રણાલીઓથી કંઈક વિશિષ્ટ પ્રણાલી છે. ઝેન માત્ર ધ્યાનની પ્રક્રિયા જ નહિ પણ ધ્યાન દ્વારા પ્રાપ્ત કરવાની સિદ્ધિ છે. એ મનની નિર્વિકલ્પ સ્થિતિ છે જેમાં ધ્યાતા અને ધ્યેયનું દ્વૈત મટી જાય છે. ધ્યાતા પોતાના શુદ્ધ નિર્ગુણ અસ્તિત્વનો એટલે કે સત્ ચિતનો અનુભવ કરે છે. ઉપનિષદના ‘अहं ब्रह्मास्मि’–અનુભવને ઝેનના અનુભવની સાથે સરખાવી શકાય. બુદ્ધે તેમના એક શિષ્ય મહાકાશ્યપને આવા ધ્યાનનો ઉપદેશ કરેલો. આ જ્ઞાન શિષ્યપરંપરાએ અઠ્ઠાવીસમી પેઢીના આચાર્ય બોધિધર્મને પ્રાપ્ત થયેલું. ગુરુની આજ્ઞાથી બોધિધર્મ ઈ. સ. 520 કે 526માં ચીન ગયા અને ત્યાં વેઈ રાજ્યમાં આવેલા એક બૌદ્ધવિહારમાં રહ્યા. ત્યાં તે ભીંત સામે બેસી ધ્યાન કરતા. કદાચ તેથી જ ભીંત સામે બેસી ધ્યાન કરવાની પદ્ધતિ ઝેનમાં પ્રચલિત થઈ. બોધિધર્મના સર્વપ્રથમ શિષ્ય હુઈ-કે હતા. તે કન્ફ્યૂશિયસ અને બૌદ્ધ બંનેય દર્શનોના મોટા પંડિત હતા. તેમણે વેશભૂષા વગેરેના આડંબર વિના ઝેનનો પ્રચાર કરવા માંડ્યો તે ત્યાંના પરંપરાવાદી ચીની ધર્મગુરુઓને ન રુચ્યો અને તેમણે રાજા પાસે હુઈ-કેને મૃત્યુદંડની સજા કરાવી. હુઈ-કેના શિષ્ય સેંગ-ત્સાંગે ચીની ભાષામાં એક ગ્રંથ લખ્યો જેના શીર્ષકનો અર્થ થાય ‘હૃદયની શ્રદ્ધા’. એમાં તેમણે બુદ્ધમન અને વ્યક્તિનું મર્યાદાઓવાળું પરિચ્છિન્ન મન એક જ છે એમ કહ્યું. ઝેનના પ્રચારમાં આ ગ્રંથે મહત્વનો ભાગ ભજવ્યો. આ પંથના ચીની આચાર્ય હુઈનેંગ (ઈ. સ. 638–713) ચીનના છેલ્લા આચાર્ય હતા. તેમણે આઠ વર્ષ સુધી ગુરુની એકનિષ્ઠ સેવા કરી ગુરુના ઉપદેશ વિના પણ સ્વયંસ્ફુરણાથી ઝેનનું રહસ્ય પ્રાપ્ત કર્યું હતું. તેથી ગુરુએ તેમને પોતાના ઉત્તરાધિકારી નીમેલા.

આ સમય દરમિયાન જાપાનમાં ઝેનનો પ્રચાર શરૂ થયો. જાપાનના યેઈ-સાઈ નામે સાધુએ ચીનમાં જઈ ઝેનનું વિધિવત્ જ્ઞાન મેળવી જાપાન આવી ક્યોતો નગરમાં ધ્યાનવિહાર સ્થાપ્યો (ઈ. સ. 1191). ત્યાર પછી જાપાનમાં સર્વત્ર ઝેન પ્રસર્યો અને તેના અસંખ્ય અનુયાયીઓ અને ધ્યાનવિહારો થયા.

ઝેનમાં કોઈ વિધિવિધાનનું આલંબન નથી. શાસ્ત્રગ્રંથોનાં વિધાનોને પણ ચુસ્તપણે વળગી નહિ રહેતાં તેની પેલે પાર મુક્ત વિહાર કરવાનો છે. તેમાં શબ્દરૂપકો અને સંકેતોનું આલંબન કરવાનું નથી. મનને અહં અને મમ એ ભાવોમાંથી મુક્ત કરી તેને શુદ્ધ કરવાનું છે અને તે દ્વારા સ્વ-સ્વરૂપનું દર્શન એટલે કે બોધિ-સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. બોધિ- સ્થિતિ એટલે શુદ્ધ કેવલ આત્મસ્વરૂપ. વિધિવિધાન આદિનો આધાર લીધા વિના જ શિષ્યને બોધિસ્વરૂપ સમજાવવા સારુ ગુરુ ઉક્તિવૈચિત્ર્યનો આશ્રય લે છે. ગુરુશિષ્યના પ્રશ્નોત્તરો ઉપલકિયા ર્દષ્ટિએ અસંબદ્ધ લાગે પણ તેમની વ્યંજના સચોટ હોય છે; જેમ કે, એક ઝેન સાધુએ કહ્યું ‘હું જ્યારે પુલ ઉપરથી પસાર થાઉં છું, ત્યારે પાણી નથી વહેતાં, પુલ વહેવા માંડે છે.’ અર્થાત્ જે તે ક્રિયા કે પ્રસંગમાં લીન થઈ અભેદ અનુભવવો તે ઝેન. એટલે કે પોતે જાતે જ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. તેમાં કોઈ આલંબનની જરૂર નથી, કોઈ મૂર્તિ કે પ્રતીકની પણ નહિ. મનમાં જે શાસ્ત્રગ્રંથોના પૂર્વાર્જિત ગ્રહો એટલે કે પોતે સ્વીકારેલા શાસ્ત્રના અભિપ્રાયોમાંથી મુક્ત થયા સિવાય આ સ્થિતિ પ્રાપ્ત ન થાય. એક વિદ્વાન ઝેનનું જ્ઞાન મેળવવા એક ઝેન સાધુ પાસે ગયો. સાધુએ જોયું કે તે વિદ્વાનના મનમાં અનેક માન્યતાઓનો શંભુમેળો હતો. ગુરુએ તેમના કપમાં ચા રેડવા માંડી. કપ ઊભરાવા લાગ્યો. પેલો વિદ્વાન બોલી ઊઠ્યો : ‘અરે, તમે ચા ઢોળી રહ્યા છો !’ સાધુએ કહ્યું, ‘તમારું મન પણ અનેક માન્યતાઓથી ભરેલું છે. તે ખાલી થાય તો જ હું ઝેન વિશે કંઈક કહી શકું ને ?’

ઝેનના આવા કર્મકાંડથી અને ગૃહીત માન્યતાઓથી પર રહેલા સ્વરૂપને લીધે વિશ્વમાં બૌદ્ધિકોમાં તે સિદ્ધાંત આદરપાત્ર બન્યો છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ