ઝાલાઓ : ઉત્તર સૌરાષ્ટ્રમાં શાસન અને વસવાટ કરતા ક્ષત્રિયો. સૈન્ધવો જેમ સિંધમાંથી આવી સૌરાષ્ટ્રમાં સ્થિર થયા તે પ્રમાણે ઝાલા પણ સિંધના નગરપારકર પ્રદેશમાંથી આવ્યા હોવાનું કહેવાય છે. આ રાજવંશ મૂળ મકવાણા(સિંધ)નો (મકવાણા) વંશ હતો અને સિંધના નગરપારકર નજીક કેરંતી નગરનો શાસક હતો. પાછળથી આ વંશના રાજવીઓ ઝાલા વંશના કહેવાયા.
કેરંતી ગઢના કેસર મકવાણાને 1055માં સિંધના રાજવીએ હરાવ્યો અને મારી નાખ્યો. તેથી તેના પુત્ર હરપાળે નાસીને પાટણના કર્ણદેવ સોલંકી(1064–1084)નો આશ્રય લીધો.
હરપાળની પત્ની શક્તિએ રાજમહેલ નજીક તેના રાજકુંવર તથા ચારણપુત્રને ઝરૂખામાંથી હાથ લાંબો કરીને ઝાલીને ગાંડા હાથીથી બચાવ્યા એટલે તે ઝાલા કહેવાયા એવી ‘રાસમાળા’માં અનુશ્રુતિ છે. ઝાલાઓ સિંધમાં રહેતા હતા. સિંધમાં સરોવરને ઝલ્લ કહે છે. તેના કાંઠે વસતા લોકો તે ઝાલા એમ કહી શકાય. ચારણો પણ તેમને ઝલ્લ રાણા કહે છે. 1451ની આસપાસ લખાયેલ ‘માંડલિક કાવ્ય’માં ઝાલા રાજાને ઝલ્લેશ્વર કે ઝલ્લરાજ કહ્યો છે. બલૂચિસ્તાનમાં ઝાલા શાખાના મુસ્લિમો રહે છે અને ઝાલા નામનું ગામ પણ હોવાનું કહેવાય છે.
અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો તેમ, હરપાળે પાટણના રાજવી કર્ણદેવ સોલંકીનો આશ્રય લીધો હતો. કર્ણદેવે હરપાળની સેવા બદલ સૌરાષ્ટ્રમાં 1800 અને ભાલ વિસ્તારમાં 500 ગામો જાગીર તરીકે આપ્યાં હતાં. પરંતુ હરપાળે કર્ણદેવની રાણીને બહેન તરીકે ગણીને ભાલનાં 500 ગામો પાછાં આપ્યાં હતાં.
ઝાલા પાટડીમાં 1090માં સ્થિર થયા. હરપાળને શક્તિદેવીથી સોઢોજી, મંગુજી અને શેખરજી નામે 3 પુત્રો તથા ઉમાદેવી નામની પુત્રી હતાં. બીજી રાણી થરપારકરના સોઢા રાજાની કુંવરીથી ખવડ, ખોડોજી વગેરે 9 પુત્રો થયા. સૌથી મોટો પુત્ર સોઢોજી ધ્રાંગધ્રા રાજ્યનો અને બીજો પુત્ર મંગુજી લીંબડીની ગાદીના મૂળ સ્થાપક હતા. મંગુજીને પિતા તરફથી જાંબુ (તા. લીંબડી) અને કુંડ(તા. ધ્રાંગધ્રા)ની ચોરાસીઓ જાગીરમાં મળી હતી. ત્રીજા પુત્ર શેખરજીને સચાણા અને ચોરવડોદરા ગરાસમાં મળ્યાં હતાં. ખવડજી કાઠી કન્યાને પરણ્યા અને તેના વંશજો ખવડ કાઠી થયા. એક બીજા પુત્ર બાપુજીના વંશજોએ ઇસ્લામ ધર્મ સ્વીકારતાં તે મોલેસલામ તરીકે જાણીતા થયા.
1115ની આસપાસ ઝાલાઓએ પાટડીથી ધામા રાજધાની ફેરવી અને હળવદ સુધીનો પ્રદેશ જીતી લઈ રાજ્યનો વિસ્તાર કર્યો. હરપાળના બીજા પુત્ર મંગુજીનો પુત્ર મધુપાલ કે મુંજપાલ હતો. તે જૂનાગઢના ચૂડાસમા રાવની પુત્રીને પરણ્યો હતો. તેનો પુત્ર ધવલ કે ધમલ હતો. તે વેરાવળના વાજા પાલાજીની પુત્રીને પરણ્યો. તેને પાલાજીએ 7 ગામો કરિયાવરમાં આપ્યાં હતાં. તેમણે જાંબુમાં 1195 સુધી રાજ્ય કર્યું હતું. દિલ્હીના સુલતાન કુત્બુદ્દીને આ પ્રદેશ ઉપર આક્રમણ કરતાં ઝાલાઓ સોરઠના કાંઠા પ્રદેશમાં વસ્યા. તેમણે તેમની રાજધાની જાંબુ અને કુંડણી ખાતે અવારનવાર બદલી હતી.
1414માં ગુજરાતના સુલતાન અહમદશાહે પાટડી જીતી લેતાં ઝાલાઓએ તેમની રાજધાની કચ્છના અખાતના કાંઠા નજીક કૂવા ગામે ફેરવી અને આ સ્થળનું નામ કંકાવટી રાખ્યું. આ વંશમાં સતાર સાલેજી (છત્રસાલ) (1408 –1420) થયો. તેણે માંડલને રાજધાની તરીકે પસંદ કર્યું. સુલતાન અહમદશાહ સામે તેણે ત્રણ વાર બળવો કર્યો હતો. સુલતાન મહમૂદ બેગડાએ 1486માં કૂવા ગામને ઘેરો ઘાલ્યો. આ લડાઈમાં ઝાલા રાજવી વાઘોજી તથા તેમના કુંવરો મેપજી, સંગ્રામજી, જોધાજી, અજોજી, રાયસિંહ અને નાયોજી માર્યા ગયા. જીવતા બચી ગયેલા કુંવરો અન્યત્ર વસ્યા. ઝાલા સત્તાનો કૂવામાંથી ઉચ્છેદ થયો. આ ભીષણ યુદ્ધ ‘કૂવાના કેર’ તરીકે જાણીતું છે.
વાઘોજીના અનુગામી રાજોધરજીએ 1488માં હળવદનો કિલ્લો બાંધી ત્યાં રાજધાની કરી. હળવદ ઉપર અવારનવાર મુસ્લિમ આક્રમણો થતાં તેઓએ રાજધાની ધ્રાંગધ્રા ખસેડી. ધ્રાંગધ્રા ઉપરાંત લખતર, વાંકાનેર, ચૂડા, વઢવાણ અને લીંબડીમાં ઝાલાઓનાં રાજ્યો સ્થપાયાં. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર જેવા પ્રદેશનું મુસ્લિમ આક્રમણો દરમિયાન ઝાલા રાજવીઓએ (હળવદ-ધ્રાંગધ્રા) રક્ષણ કર્યું હતું. ધ્રાંગધ્રાનો એક ભાયાત રાજસ્થાનમાં જઈને મેવાડના આશ્રયે રહ્યો હતો. હલદીઘાટના યુદ્ધમાં રાણા પ્રતાપનું છત્ર પોતાના ઉપર લઈને તેનું રક્ષણ કરનાર ઝાલો રાણો માનસિંહ હતો. આઝાદી પૂર્વે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે (રતલામ નજીક) ઝાલાવાડનું દેશી રાજ્ય હતું.
શંભુપ્રસાદ દેસાઈ