ઝાલર (gills) : જળનિવાસી પ્રાણીઓનાં શ્વસનાંગો. આ શ્વસનાંગો દ્વારા પ્રાણીઓનાં શરીર અને પર્યાવરણ વચ્ચે વાયુની આપલે થાય છે. ઝાલરો પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનને સ્વીકારે છે, જ્યારે શરીરમાં ચયાપચયની પ્રક્રિયા દરમિયાન નિર્માણ થયેલ કાર્બનડાયૉક્સાઇડનો ત્યાગ કરે છે. માછલી જેવાં પ્રાણીઓમાં ઝાલરો શરીરના અંત:સ્થ ભાગ રૂપે આવેલી હોય છે અને તે કંઠનળી સાથે જોડાયેલી રહે છે. ઘણાં સંધિપાદોમાં, દા.ત., મે-કીટક(may fly)માં ઝાલરાંગો શરીરની બાહ્ય સપાટી પરથી નીકળે છે. ટૅડપોલ પ્રકારના દેડકામાં પણ ઝાલરો બાહ્ય હોય છે.

આદિ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ઝાલરોની સંખ્યા પ્રમાણમાં વધારે હોય છે. ચૂષમુખા (cyclostomes) માછલીમાં ઝાલરોની 14 જોડ આવેલી હોય છે. આદિ પૃષ્ઠવંશી પ્રાણીઓનાં ઝાલરાંગો ગળણી તરીકે કાર્ય કરી, મોં વાટે પ્રવેશેલા પાણીમાંથી ખોરાકના કણોને શરીરમાંથી બહાર જતા અટકાવે છે. જોકે મોટાભાગની માછલીઓમાં માત્ર ઝાલરો આવેલી હોય છે અને તે માત્ર શ્વસનાંગો તરીકે કાર્ય કરતી હોય છે.

પૃષ્ઠવંશી પ્રાણીઓની ઝાલરો શ્વાસનાલીય (bronchial) અને કંઠ-નાલીય (pharyngeal) કોથળીઓમાંથી વિકાસ પામે છે. આ કોથળીઓ હારમાં ગોઠવાયેલી હોય છે અને તેમની વચ્ચે પડદા (septum) આવેલા હોય છે. બે પડદા વચ્ચે આવેલાં છિદ્રોને ઝાલર-ફાટ કહે છે. પડદામાં ઝાલર-કમાનો આવેલી હોય છે. કાસ્થિમીનોમાં પડદાનો વિકાસ સારી રીતે થયેલો હોય છે, જ્યારે અસ્થિમીનોમાં માત્ર ઝાલર-કમાનો હોય છે. મોટાભાગની માછલીઓમાં ઝાલર-કમાનોની 5 જોડ હોય છે.

ઝાલર

પ્રત્યેક ઝાલર-કમાન સાથે ઝાલરાંગો ગોઠવાયેલાં હોય છે. પ્રત્યેક ઝાલર ઝાલરતંતુઓ(gill filaments)ની 2 હારની બનેલી હોય છે. પ્રત્યેક ઝાલરતંતુની સપાટી દ્વિતીય કક્ષાની ગડી બનાવે છે. આ ગડીઓને લીધે શ્વસન-સપાટીઓનો વિસ્તાર વધે છે અને વધુ ને વધુ પ્રમાણમાં ઝાલરાંગોમાંથી પસાર થતા પાણીના સંપર્કમાં આવે છે. પાણીમાં દ્રાવ્ય રૂપે ઑક્સિજન હોય છે. ઝાલરોની કેશવાહિનીઓમાં વહેતું રુધિર ઑક્સિજનનો સ્વીકાર કરે છે અને કાર્બનડાયૉક્સાઇડ છોડે છે.

કાસ્થિમીનોમાં આવેલી ઝાલરકોથળીઓ સ્વતંત્ર રીતે શરીરની બહારની સપાટીએથી ખૂલે છે. અસ્થિમીનોમાં ઝાલરો પ્રત્યેક બાજુએથી ઝાલર-ઢાંકણ (operculum) વડે ઢંકાયેલી રહે છે. શ્વસન ક્રિયા દરમિયાન મોં વાટે પાણી કંઠનળીમાં પ્રવેશે છે, જ્યારે કંઠનળીમાંથી પાણી ઝાલરાંગોમાંથી પસાર થાય છે. છેલ્લે (કાસ્થિમીનોમાં) ઝાલર-છિદ્રો વાટે અથવા (અસ્થિમીનોમાં) ઝાલર-ઢાંકણ ખૂલીને પાણી શરીરની બહાર ફેંકાય છે.

ઝાલર-તંત્રમાંથી થતું પાણીનું વહન એક દિશામાં થતું હોય છે. આ શ્વસન-વ્યવસ્થા હવાશ્વાસી પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હોય તેના કરતાં સાવ જુદી હોય છે; દાખલા તરીકે માનવી નાક વાટે હવાનો સ્વીકાર કરે છે અને ત્યાંથી તે ફેફસાંના વિવિધ ભાગોમાં પ્રસરે છે. ઉચ્છવાસ દરમિયાન આ જ માર્ગ વાટે હવા બહાર નીકળી જાય છે. આ વ્યવસ્થા ઓછી ક્ષમતાવાળી હોવાથી ફેફસાંમાં હવા અવશિષ્ટ રહી જાય છે. આના પરિણામે O2ના તાણ(oxygen tension)માં ઘટાડો થાય છે. તણાવમાં ઘટાડો થતાં, પ્રમાણમાં ઓછો ઑક્સિજન વાયુ રુધિરમાં પ્રવેશે છે. એક દિશાના વાયુની અવરજવર દરમિયાન ધમની(artery) ઑક્સિજન તણાવ ઉચ્છવાસના O2ના તણાવ કરતાં હંમેશાં વધારે હોય છે અને આ આંક લગભગ પાણીમાં રહેલ O2ના તણાવ જેટલો હોય છે.

પૃષ્ઠવંશીઓના તેમજ ઉચ્ચ કક્ષાનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓના પરિવહનતંત્રમાં હીમોગ્લોબિન હીમોસાયનિન જેવાં શ્વસનરંજકો આવેલાં હોય છે. આ શ્વસનરંજકો O2 અને CO2 સાથે અસ્થાયી રાસાયણિક સંયોજનો બનાવીને બાહ્ય પર્યાવરણમાંથી ઑક્સિજનનો સ્વીકાર અને પેશીમાંથી CO2નો સ્વીકાર કરે છે. આ પ્રક્રિયા ઑક્સિજનને પેશી તરફ લઈ જવામાં તેમજ CO2નો ત્યાગ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.

મ. શિ. દૂબળે