જ્વાળામુખી શક્તિપીઠ : ઉત્તર ભારતનું પ્રસિદ્ધ શક્તિપીઠ તીર્થ. હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લામાં 574 મી. ઊંચાઈ પર હિમાલયની પ્રારંભિક માળાની ખીણમાં આવેલું છે. નિકટમાં 960 મી. ઊંચું જ્વાળામુખી શિખર છે. જમ્મુ, કટરા આદિ સ્થળોથી બસ માર્ગે જવાય છે. લગભગ 400 કિમી. લાંબો માર્ગ વચ્ચે 775 મી. ઊંચાઈ પરથી જાય છે.
જ્વાળામુખી પ્રસિદ્ધ તીર્થ છે. દેવીભાગવતમાં તેનો ઉલ્લેખ છે. દક્ષયજ્ઞમાં માનભંગ થયેલાં સતીની જીભ કપાઈને અહીં પડેલી મનાય છે. તેથી તે શક્તિપીઠ છે. દુર્ગામાતાનું સ્થાન છે. પ્રાચીન કાળથી અહીં ભૂગર્ભમાંથી છિદ્રો વાટે બહાર આવતો પ્રાકૃતિક વાયુ દશ જ્યોતિ રૂપે અખંડ પ્રજ્વલે છે. પાંચ જ્યોત મંદિરના ગર્ભાગારમાં છે, પાંચ મંદિરની પછીતવાળી ભીંતમાં છે. પ્રારંભે મંદિર જેવી રચના નહોતી. કેવળ ગુફા તથા કુંડ હતાં. 1855માં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. અંબિકા અથવા માતેશ્વરીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ. આખ્યાયિકા અનુસાર જાલંધર દૈત્યના મુખમાંથી જ્વાળાઓ નીકળે છે. પ્રાકૃતિક શોભા અને ધાર્મિક મહિમાને કારણે સ્થળ થોડાં જ વર્ષોમાં જાણીતું થયું. મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય રાજવીઓ તથા શ્રેષ્ઠીઓના દાનથી ચાલતું રહ્યું. અત્યારે આ સુંદર વિશાળ મંદિર સંપૂર્ણપણે શ્વેત આરસનું છે. તેમાં માતા દુર્ગા ઉપરાંત સંતોષી માતા, શિવજી, અંબાજી, ગોરખનાથ આદિનાં સ્થાનો છે. વિશાળ માતૃદર્શન-કક્ષ છે, સભાખંડ છે, જળકુંડ છે. યાત્રીઓ માટે રહેવા-જમવાની સગવડ છે. વરસના અનુકૂળ મહિનાઓમાં યાત્રીઓની ભીડ રહે છે.
બંસીધર શુક્લ