જ્વાળામુખી-દાટો

January, 2014

જ્વાળામુખી-દાટો (volcanic plug) : વિસંવાદી અંતર્ભેદકનો એક પ્રકાર. (જુઓ, ‘અંતર્ભેદકો’ પૈકી વર્ગીકરણ.) શંકુ આકારના જ્વાળામુખી પર્વતો રચાવા માટે મૅગ્મા દ્રવ્ય પસાર થવા નળાકાર પોલાણ હોય છે. પ્રસ્ફુટનના અંતિમ ચરણમાં આ નળાકાર પોલાણ મૅગ્મા દ્રવ્યથી ભરાઈને જામી જવાથી પુરાઈ જાય ત્યારે તે જ્વાળામુખી-દાટા તરીકે ઓળખાય છે. આવાં નળાકાર પોલાણ જ્યારે લાવા સહિત પ્રસ્ફુટિત ખડકટુકડાથી ભરાઈ જાય ત્યારે તેને જ્વાળામુખી પોલાણ-પૂરણી (volcanic vent) અથવા જ્વાળામુખી કંઠ (volcanic neck) પણ કહે છે. તે જો સખત ખડકબંધારણવાળું હોય અને આજુબાજુના ખડકો તેના કરતાં નરમ હોય તો, ખડકો ઘસાઈ જતાં નળીના ખડકો નળી કે સ્તંભ-સ્વરૂપે ખુલ્લા બની ટાવર જેવા દેખાય છે. આવા નળાકારનો વ્યાસ કેટલાક મીટરથી સેંકડો મીટર સુધીનો હોઈ શકે છે અને આજુબાજુની ખડક-સંપર્ક સપાટી ઉગ્ર ઢોળાવવાળી હોય છે.

ગિરીશભાઈ પંડ્યા