જ્વર-ઉગ્ર રુમેટિક

January, 2014

જ્વર-ઉગ્ર રુમેટિક (acute rheumatic fever) : સ્ટ્રેપ્ટોકોકસ પાયોજીન્સ નામના જીવાણુની ચોક્કસ જાતના ચેપ દ્વારા ઉત્તેજિત થયેલી પોતાની જ પેશીની સામેની ઍલર્જીથી થતો રોગ, પોતાના કોષો સામેની ઍલર્જીને પ્રતિ-સ્વઍલર્જી (autoallergy) કહે છે. બીટા હીમોલાયટિક સ્ટ્રેપ્ટોકોકાઈ નામના જીવાણુથી જ્યારે ચેપ લાગે ત્યારે તેની સામે પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. આ પ્રતિદ્રવ્યો વ્યક્તિની પોતાની પેશી સાથે સહ-પ્રતિક્રિયા (cross-reaction) કરીને તેનો નાશ કરે છે. સામાન્ય રીતે તે બાળકો અને યુવાનોને અસર કરે છે. ભારતમાં મોટા ભાગના દર્દી 5 વર્ષથી નાની ઉંમરના હોય છે.

લક્ષણો અને ચિહનો : તે એક બહુતંત્રીય (systemic) વિકાર છે અને તેમાં સાંધાનો દુખાવો, ચામડી પર સ્ફોટ (rash), હૃદયશોથ (carditis) અને ચેતાતંત્રીય વિકારો થાય છે. સાંધામાં થતા શોથકારી (inflammatory) વિકારથી થતા દુખાવાને ઉગ્ર આમવાત (acute rheumatism) કહે છે. તે આમવાતી સંધિવા(rheumatoid arthritis)થી અલગ એવો વિકાર છે. વારાફરતી જુદા જુદા સાંધા અસરગ્રસ્ત થાય છે. તેને ફરતી બહુસંધિપીડ (migrating poly- arthralgia) કહે છે. તેમાં સાંધામાં દુખાવો, સ્પર્શવેદના (tenderness), લાલાશ અને ક્યારેક પ્રવાહી ભરાવાનો વિકાર થાય છે. સામાન્ય રીતે હાથ, પગ, કરોડસ્તંભ, જડબાનો સાંધો કે પાંસળી- કાસ્થિ સાંધા અસરગ્રસ્ત થાય છે. ગળાના સોજા પછી લગભગ 2થી 4 અઠવાડિયે આ વિકાર થાય છે. નાનાં બાળકોમાં હૃદયશોથ અને મોટી ઉંમરની વ્યક્તિઓમાં સંધિશોથ વધુ પ્રમાણમાં થાય છે.

ચામડીમાં કેટલાક સ્ફોટ થાય છે. તે અવિશિષ્ટ પ્રકારના કે કિનારીવત્ રક્તિમા (erythema marginatum), ગંડિકાકારી રક્તિમા (erythema nodosum) તથા અવત્વકીય ગંડિકા(subcutaneous nodules)ના રૂપમાં હોય છે. 10 %થી 20 % બાળકોમાં કિનારીવત્ રક્તિમા થાય છે. તેમાં ચામડી પર લાલ રંગના ડાઘા થાય છે જે કેન્દ્રમાં ઝાંખા હોય છે. પણ તેમની કિનારી લાલ (રક્તિમ) રહે છે. તેથી લાલ વીંટીઓ જેવા ડાઘા થાય છે, જે એકબીજા સાથે જોડાય છે. ક્યારેક લાલ રંગની ફોલ્લીઓ (papules) કે નાની ગંડિકાઓ થાય છે. તે સામાન્ય રીતે પગના નળાની આગળ જોવા મળે છે. તેને ગંડિકાકારી રક્તિમા કહે છે. હાડકાં અને સ્નાયુબંધ પાસે, ચામડીની નીચે નાની, દુખાવો થાય તેવી ગાંઠો થાય છે. તેને અવત્વકીય ગંડિકા કહે છે. તે હૃદયશોથ સાથે ઘણી વખત જોવા મળે છે.

ઉગ્ર રુમેટિક જ્વર(તાવ)નું મહત્વનું લક્ષણ હૃદયની અંદરની દીવાલમાં તથા સ્નાયુમાં આવતો શોથજન્ય સોજો છે. તેને હૃદયશોથ કે હૃદ્શોથ(carditis) કહે છે. તેને કારણે હૃદયના ધબકારાની વધતી ગતિ, છાતીમાં દુખાવો તથા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હૃદય પહોળું થાય છે અને તેમાં મૃદુમર્મર ધ્વનિ (soft murmur) ઉદભવે છે. તેને કેરિ-કુમ્બસનો મર્મરધ્વનિ કહે છે. મુખ્યત્વે હૃદયનો દ્વિદલવાલ્વ (mitral valve) અસરગ્રસ્ત થાય છે. જોકે અન્ય વાલ્વ(કપાટ)ને પણ અસર પહોંચે છે. હૃદયની આસપાસના આવરણ-(પરિહૃદ્-કલા, pericardiums)માં શોથજન્ય વિકાર થવાથી પરિહૃદ્-શોથ (pericarditis) થાય છે. તેને કારણે ઘર્ષણનાદ (friction rub) ઉદભવે છે અને છાતીમાં દુખાવો પણ થાય છે. હૃદયના વાલ્વ (દ્વિદલ, મહાધમનીય વગેરે) બગડવાથી હૃદયની ક્ષમતા ઘટે છે. ક્યારેક હૃદયમાંનું આવેગવહન અસરગ્રસ્ત થાય છે અને તેથી ક્યારેક મૂર્ચ્છા આવે છે.

સાંધા અને હૃદયના વિકાર પછી ઘણી વખત છ મહિને હાથ કે પગમાં આંચકાવાળી અનૈચ્છિક હલનચલનની ક્રિયાઓ થાય છે. તેને સિડેનહામનું અંગનર્તન(chorea) કહે છે. સામાન્ય રીતે તે આપોઆપ મટે છે; પરંતુ તેના પછી લાંબા ગાળાના હૃદયના વાલ્વના વિકારો થાય છે.

સારણી 1 :

ઉગ્ર રુમેટિક જ્વરના નિદાન માટેની કસોટીઓ

જૂથ ઉદાહરણ
1. શરીરમાં વ્યાપક રોગ

હોવાની સાબિતી

તાવ આવવો, લોહીમાં શ્વેતકોષોની વધેલી

સંખ્યા, રક્તકોષ ઠારણદર (erythrocyte

sedimentation rateESR) વધેલો હોવો

2. પહેલાં સ્ટ્રેપ્ટોકોક્લ

જીવાણુથી ચેપ

લાગ્યો હોવાની

સાબિતી

ગળામાંથી પ્રવાહી કે પરુ લઈને તેના

જીવાણુના સંવર્ધન(culture)માં સ્ટ્રેપ્ટોકોક્લ

જીવાણુની હાજરી, તે જીવાણુ સામે કાર્યરત

એન્ટી સ્ટ્રેપ્ટોલાયસિન-ઓ (ASO) નામનાં

પ્રતિદ્રવ્યોની લોહીમાં હાજરી (200થી 300

યુનિટ કે તેથી વધુ).

3. હૃદયશોથની સાબિતી છાતીના એક્સ-રે ચિત્રણ દ્વારા હૃદયનું પહોળું

થવું તથા ફેફસામાં પ્રવાહી ભરાવાની

નિશાનીઓ હૃદ-વીજાલેખ (electro

cardiogram  — ECG)માં સૂચક ફેરફારો

તથા હૃદ્-પ્રતિધ્વનિ-લેખન (echocardio-

graphy) દ્વારા હૃદયની સ્થિતિનું નિર્દેશન

સારણી 2 : ઉગ્ર રુમેટિક જ્વરની લાક્ષણિકતાઓ
અતિમહત્વની નિશાનીઓ /ગુણવત્તા લક્ષણો :
હૃદશોથ (carditis), બહુસંધિશોથ (polyarthritis) અંગનર્તન

(chorea), કિનારીવત્ રક્તિમા (erythema marginatum),

અવત્વકીય ગંડિકાઓ (subcutaneous nodules)

અલ્પમહત્વની નિશાનીઓ/ગુણવત્તા લક્ષણો :
તાવ, સાંધામાં દુખાવો, અગાઉ આ રોગ થયો હોવાની જાણકારી,

ESR, પ્રથમ બે કક્ષાનો હૃદયરોધ (heart block)

નોંધ :      વધેલું ASOનું પ્રમાણ અથવા સ્ટ્રેપ્ટોકોક્લ જીવાણુ સંવર્ધન થયેલું

હોવું જરૂરી.

નિદાન : નિદાન મુખ્યત્વે શારીરિક તપાસ પર આધારિત છે. તેથી તેમનું મહત્વ ગણવા માટેના ડકેટ-જૉન્સનાં ગુણવત્તા-લક્ષણો અથવા નિશાનીઓ(criteria)ને અમેરિકન હાર્ટ ઍસોસિયેશને સુધાર્યાં છે. જો તેમાંનાં 2 અતિમહત્વનાં અથવા એક અતિમહત્વનું અને બે અલ્પમહત્વનાં લક્ષણો/નિશાનીઓ હોય તથા અગાઉ સ્ટ્રેપ્ટોકૉકલ જીવાણુથી ચેપ લાગેલો હોય એવી સાબિતી હોય તો ઉગ્ર રુમેટિક જ્વરનું નિદાન કરાય છે (સારણી 1 અને 2). સ્ટ્રેપ્ટોકોકલ જીવાણુનો ચેપ લાગે એટલે તેની સામે પ્રતિ-સ્ટ્રેપ્ટોલયીન-ઓ (anti- streptolysino – ASO) નામનાં પ્રતિદ્રવ્યો ઉત્પન્ન થાય છે. તેમની હાજરી ભૂતકાળમાં આ ચેપ લાગ્યો છે તેની સાબિતી ગણાય છે. જીવાણુના ચેપની સાબિતી રૂપે તે જીવાણુનું ગળાના પ્રવાહીમાંથી સંવર્ધન (culture) કરીને પણ દર્શાવી શકાય છે.

સારવાર : પથારીમાં સંપૂર્ણ આરામ, એસ્પિરિન, જરૂર પડ્યે કૉર્ટિકોસ્ટિરોઇડ, પૅનિસિલીન કે અન્ય સ્ટ્રેપ્ટોકોકલના ચેપ સામે અસરકારક ઍન્ટિબાયૉટિક, અન્ય સહાયક સારવાર અને નિયમિત રીતે પાછળથી કરાતી વારંવારની તપાસ આ રોગોના ઉપચારનાં મહત્વનાં અંગો છે. થાક, તાવ અને ESR ઊંચો હોય ત્યાં સુધી સંપૂર્ણ આરામ કરવાનું સૂચવાય છે. જો વ્યક્તિને હૃદ્-શોથ પણ થયેલો હોય તો ESR ઘટ્યા પછી પણ 2થી 6 અઠવાડિયાં આરામ અપાય છે. એસ્પિરિનની મોટી માત્રા (60 મિગ્રા/કિગ્રા. શારીરિક વજન/24 કલાક) અપાય છે. તેને 4 કે 6 સરખી માત્રાઓમાં વહેંચાય છે. પુખ્તવયે તે માત્રા લગભગ બમણી કરાય છે; પરંતુ 8 ગ્રામથી વધુ કરાતી નથી. તેની મુખ્ય આડઅસરોમાં ઊબકા, ઊલટી, ઍસિડોસિસ, ઊલટીમાં કે મળમાં લોહી પડવું વગેરે છે. કૉર્ટિકોસ્ટીરોઇડની અસર ઝડપી છે અને તે સાંધા કે હૃદયના વિકારમાં અપાય છે. તે આપતાં પહેલાં રુધિરકૅન્સર (leukaemia) થયેલું નથી એમ ખાસ જોઈ લેવાનું સૂચન કરાય છે. બેન્ઝાથિન પૅનિસિલીનને દર 2થી 3 અઠવાડિયે વ્યક્તિ 20 વર્ષની થાય ત્યાં સુધી સતત અપાય છે. હૃદયશોથ કે સંધિશોથનો દુખાવો થવો, શ્વાસ ચડવો, હૃદયની ગતિમાં તફાવત આવવો, હૃદયના વાલ્વના કાર્યમાં વિક્ષેપ પડવો વગેરે તકલીફોની સહાયક સારવાર અપાય છે. કેટલાક કિસ્સામાં લાંબા ગાળાના હૃદયના વાલ્વના વિકારો થાય છે. માટે નિયમિત લાંબા ગાળાની શારીરિક અને પ્રયોગશાળાકીય નિદાનલક્ષી તપાસ કરાવવી જરૂરી ગણાય છે.

શિલીન નં. શુક્લ