જ્યૉર્જ, કે. એમ. (જ. 1914) : મલયાળમ ભાષાના લેખક, વિવેચક અને ભાષાવિદ. તેમણે સાહિત્ય માટે નવી દિશાઓ ઉઘાડી અને અન્ય સાહિત્ય સાથે નિકટતા સ્થાપવાનો આરંભ કર્યો. મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1941માં મલયાળમ સાથે એમ.એ.ની ઉપાધિ લીધી; ‘રામચરિતમ્ ઍન્ડ ધ સ્ટડી ઑવ્ મલયાળમ’ મહાનિબંધ માટે 1956માં પીએચ.ડી., મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપક તરીકે, સાહિત્ય અકાદમીના મદદનીશ સેક્રેટરી તરીકે તેમજ પ્રાદેશિક સેક્રેટરી તરીકે સેવા આપી છે. 6 વર્ષ સુધી ‘મલયાળમ જ્ઞાનકોશ’નું સંપાદન કર્યા પછી ‘ઍન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ના આરંભનાં દોઢ વર્ષ તંત્રી તરીકે સેવા આપી. કેરળ સાહિત્ય અકાદમી દ્વારા આરંભાયેલ ‘કમ્પેરેટિવ ઇન્ડિયન લિટરેચર’ના કાર્યનું પણ તેમણે આયોજન કર્યું.
વિવેચક તરીકે વિશાળ ર્દષ્ટિ અને સમભાવભર્યા મૂલ્યાંકન માટે જાણીતા છે. ‘મુન્તિરિચ્છરુ’ (1950) અને ‘જીવચરિત્રસાહિત્યમ્’ (1964) સાહિત્યિક વિવેચનોના સંગ્રહ છે. તેમણે ટૂંકાં નાટકો, પ્રવાસકથા, જીવનચરિત્રો અને નિબંધો લખ્યાં છે. તેમનો ‘અન્વેષનંગલ પથનંગલ’ (1980) નિબંધસંગ્રહ જાણીતો છે. 1958માં ‘મલયાળમ સાહિત્યના ઇતિહાસ’નું સંપાદન કર્યું. 1977માં ‘તમિળ સાહિત્યનો ઇતિહાસ’ પ્રકટ કર્યો. અંગ્રેજીમાં ‘એ સર્વે ઑવ્ મલયાળમ લિટરેચર’ (1968), ‘વેસ્ટર્ન ઇન્ફ્લ્યુઅન્સ ઑન મલયાળમ લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર’ (1972) એ બે પુસ્તકો પ્રકટ કર્યાં છે. વળી કવિ કુમારન આસન (1974) અને વિદ્વાન એ. આર. રાજરાજ વર્મા (1979) પર લઘુગ્રંથ લખ્યા છે. તેમને ભારત સરકાર તરફથી 1988માં ‘પદ્મશ્રી’ અને 2001માં ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા. સમગ્રપણે તેમનાં લખાણોમાં સન્નિષ્ઠ સંશોધક અને વિદ્વાનની છાપ અનુભવાય છે.
અનિલા દલાલ