જ્યોતિષશાસ્ત્ર : ત્રિસ્કંધ સિદ્ધાંત

January, 2014

જ્યોતિષશાસ્ત્ર

ત્રિસ્કંધ સિદ્ધાંત : વેદોક્ત તથા અન્ય આવશ્યક કર્મો કરવા માટે કાલજ્ઞાપનનું નિરૂપણ કરતું શાસ્ત્ર. તે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો વગેરે જ્યોતિ-પ્રકાશપુંજ ઉપર આધાર રાખતું હોવાથી જ્યોતિષશાસ્ત્ર કહેવાય છે. યજ્ઞો માટે વેદની રચના થઈ છે. કાલના આધારે યજ્ઞો થાય છે. એટલે કાલનાં વિધાનને કહેનાર જ્યોતિષશાસ્ત્રને જે જાણે છે તે જ યજ્ઞોને જાણે છે. કલ્પના નિયમાનુસાર યજ્ઞાદિ કરવાને માટે ઋતુઓનું જ્ઞાન, દર્શપૌર્ણમાસનું જ્ઞાન, અષ્ટકા આદિનું જ્ઞાન અપેક્ષિત રહે છે. ગર્ભાધાન વગેરે સંસ્કારો તેમજ ગૃહનિર્માણગૃહપ્રવેશ આદિ કર્મોને માટે નક્ષત્રજ્ઞાન અપેક્ષિત રહે છે. એટલા માટે મહામુનિ લગધે જ્યોતિષશાસ્ત્રનું નિર્માણ કર્યું. આ વેદાંગ જ્યોતિષ છે. ઋગ્વેદ અને બીજા પ્રાચીન ગ્રંથોમાં જ્યોતિષ સંબંધી નિર્દેશો છે. વેદાંગ જ્યોતિષના ત્રણ ગ્રંથો છે : (1) ઋગ્ જ્યોતિષ, (2) યાજુષ્ જ્યોતિષ અને (3) અથર્વ વેદાંગ જ્યોતિષ. આ વેદાંગના ગ્રંથોમાં સામાન્ય રીતે કાલમાન, ભગણ, ગણિત વગેરે વિષયોનાં નિરૂપણ છે. આમાં કાલનું માપ કાષ્ઠાથી આરંભીને વર્ણવ્યું છે. તેમાં ઘડી, દિવસ, પક્ષ, માસ, પર્વ, ઋતુ, અયન, વર્ષ અને યુગ સુધીની ગણતરીઓ આપેલી છે. કાલજ્ઞાન માટે જરૂરી સઘળી બાબતો આમાંથી મળી શકે છે. આનાથી સિદ્ધ થાય છે કે જ્યોતિષ જ્ઞાનમાં કાલજ્ઞાન ઘણું મહત્વનું અને ઉપયોગી છે.

જ્યોતિષશાસ્ત્રીય સાહિત્યના પં. વરાહમિહિરે ત્રણ વિભાગો ગણાવ્યા છે : (1) સિદ્ધાંત, (2) સંહિતા અને (3) હોરા. વરાહમિહિર પહેલાંના ગ્રંથોમાં જેમ કે વૃદ્ધગર્ગ સંહિતા આદિમાં સિદ્ધાંત-સંહિતા અને હોરા વિભાગો મિશ્ર રૂપે જોવા મળે છે. તે વરાહના સમય પહેલાં વ્યવસ્થિત થવા માંડેલા હશે. જેને વરાહમિહિરે પૂર્ણ રીતે વ્યવસ્થિત કરી ત્રણ સ્કંધોનું વિભાગીકરણ જગત સમક્ષ મૂક્યું છે.

સિદ્ધાંત : ‘‘ત્રુટીથી લઈ પ્રલયકાળ સુધીની કાલગણના, સૌર, સાવન આદિ કાલમાનના ભેદ ગ્રહોની બે પ્રકારની ગતિમધ્યમ અને સ્પષ્ટનું ગણિત તથા ત્રિપ્રશ્નાધિકારના પ્રશ્નો અને તેના ઉત્તરો, પૃથ્વી, નક્ષત્રો, ગ્રહો ઇત્યાદિ સ્થિતિનું વર્ણન અને મન્ત્રાદિનું વર્ણન જેમાં હોય તેવા ગણિતના ગ્રંથને સિદ્ધાંત ગ્રંથ કહે છે. ભારતમાં ‘સૂર્યસિદ્ધાંત’ની સારી પ્રતિષ્ઠા છે. સૂર્યસિદ્ધાંતનો કર્તા કોણ ? રચનાકાળ કયો ? રચનાસ્થળ કયું ? — આ પ્રશ્નોના જવાબ ઇતિહાસમાંથી મળતા નથી; પરંતુ ભારતીય ખગોળશાસ્ત્રમાં જે કાંઈ મોટા ફેરફારો અને આવિષ્કારો થયા છે, તેની પૂરેપૂરી સ્પષ્ટતા ‘સૂર્યસિદ્ધાંત’ કરી જાય છે. વરાહમિહિરે કહ્યું છે કે પૈતામહ-વસિષ્ઠ-રૌમક-પૌલિશ અને સૌર એ પાંચ સિદ્ધાંતોમાં ‘સૂર્યસિદ્ધાંત’ સૌથી ઉત્તમ છે. ‘‘स्पष्टतर: सावित्रः’’ આ વચન આ વિધાનને સ્પષ્ટ કરે છે. વરાહમિહિરનો જન્મ ઈ. સ. 490ની આસપાસ અને મૃત્યુ ઈ. સ. 587માં થયું હતું. વરાહમિહિર સમર્થ જ્યોતિષી, ખગોળવેત્તા અને બહુમુખી પ્રતિભા ધરાવતા અનેક શાસ્ત્રોના પારંગત વિદ્વાન હતા. જ્યોતિષ વિજ્ઞાનના ત્રણેય સ્કંધોમાં એમણે બહુમૂલ્ય રચનાઓ આપી છે. જેમાંની કેટલીક ‘પંચસિદ્ધાંતિકા’, ‘વિવાહપટલ’, ‘બૃહજ્જાતક’, ‘લઘુજાતક’, ‘બૃહદ્યોગયાત્રા’ અને ‘બૃહત્સંહિતા’ ગણી શકાય. આ બધા જ ગ્રંથો લોકપ્રિય અને મહત્વના છે. કેટલાક ગ્રંથો પર પ્રસિદ્ધ ટીકાકાર ભટ્ટોત્પલ(ઈ. સ. 966)ની ટીકાઓને લીધે તે સુગમ અને સરલ બન્યા છે. વિવેચકોની માન્યતાનુસાર કહી શકાય કે ‘સૂર્યસિદ્ધાંત’ ઈ. સ. 400ની પહેલાં રચાયેલો ગ્રંથ છે અને તેના કર્તાનું નામ અજ્ઞાત છે. આ ગ્રંથમાં જ્યોતિષ ખગોળશાસ્ત્રનું પુષ્કળ જ્ઞાન રહેલું છે. આ ગ્રંથમાં ચૌદ અધ્યાયો છે. આમાં પહેલા દસ અધિકારોમાં ખગોળ સંબંધી અગત્યની બાબતોની ચર્ચા છે જે વિગતવાર સંક્ષેપમાં જોઈએ :

અધ્યાય (1) : મધ્યમાધિકાર : આ અધ્યાયમાં કાલનિરૂપણ, યુગમાન, મન્વન્તરમાન, કલ્પમાન, પરાર્ધકાલમાન, વર્ષગણ, ગ્રહોની ગતિનું નિરૂપણ, ભગણ, અહર્ગણ-સાધન, સંવત્સરાનયન, મધ્યમ ગ્રહાનયન, રેખા દેશાદિ, વાર પ્રવૃત્તિ, કાલજ્ઞાન ઇષ્ટકાલના ગ્રહો બનાવવા આદિનું નિરૂપણ છે.

અધ્યાય (2) : સ્પષ્ટાધિકાર : આ અધ્યાયમાં મધ્યમ ગ્રહોનું આકાશીય સ્થાન અને પ્રત્યક્ષ દેખાતા સ્થાનમાં જે તફાવત પડે છે, જેને મંદફળ સંસ્કાર કહેવામાં આવે છે, તેનું સર્વપ્રથમ નિરૂપણ જોવામાં આવે છે. અહીં મંદકેન્દ્ર, શીઘ્રકેન્દ્ર, પાત વગેરે તત્વોનું નિરૂપણ છે.

અધ્યાય (3) : ત્રિપ્રશ્નાધિકાર : આ અધ્યાયમાં દિગ્, દેશ અને કાળ એ ત્રણે બાબતોની ચર્ચા કરેલી છે. સિદ્ધાંત જ્યોતિષમાં આ એક મહત્વનો અને બુદ્ધિયુક્ત અભ્યાસ છે, જેમાં બાર આંગળના શંકુની છાયા ઉપરથી વિવિધ સિદ્ધિઓ લેવામાં આવે છે. આ અધ્યાયમાં અયનચલન સંબંધી મહત્વની વાતો દર્શાવી છે અને અયનાંશયુક્ત ગણતરી કરવાનું કહ્યું છે. અયનાંશ સિદ્ધિ કરવા માટે જે વિધિ બતાવી છે તે પણ જોવા જેવી છે. વર્ષો પહેલાં અયનાંશ માટે ઊહાપોહ થયો ત્યારે છાયાર્ક પક્ષ આગળ પડતો રહ્યો. તે વખતે કોઈ પણ તારાના આધારે અયનાંશ સિદ્ધિ લાવવી નહિ એવો મત થયો અને આ પક્ષનું પંડિતોએ સમર્થન કર્યું. આમાં છાયા એટલે વેધથી ગણેલો સૂર્ય અને કરણાગત એટલે ‘સૂર્યસિદ્ધાંત’ના આધારે ગણેલો સૂર્ય તે બેનું અંતર તે અયનાંશ. શ્રીગણેશ દૈવજ્ઞે પણ પોતાના ‘ગ્રહલાઘવકરણ’ ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે : सौरोडर्क: ‘સૂર્યસિદ્ધાંત’ પ્રમાણે આવેલો સૂર્ય દ્રૃક્તુલ્ય છે. આ દર્શાવે છે કે ‘સૂર્યસિદ્ધાંત’ના આધારે આવેલ સૂર્ય દ્રૃક્તુલ્ય છે એમ બધાંએ સ્વીકારેલું છે.

અયનાંશનો વિચાર કરતાં રેવતીયોગ તારા ઉપરથી અને ચિત્રા ઉપરથી અયનાંશ લાવવાની – એમ બે પદ્ધતિઓના આગ્રહીઓએ અયનાંશ સિદ્ધિ માટે મૂકી પોતપોતાના મતનું સ્થાપન કરવા પ્રયત્ન કરેલો. છેવટે ચિત્રા પક્ષીય અયનાંશ સર્વસંમત થયો. અત્યારે તે પ્રમાણે અયનાંશ સિદ્ધ ગણાય છે. આ અયનાંશ ચલિત છે. ‘સૂર્યસિદ્ધાંત’ અયનચલન 27 અંશની મર્યાદા સુધીની વૃદ્ધિ અને ત્યારબાદ હ્રાસ થઈ 0´ અંશ સુધી એમ સ્વીકારે છે. આ વાદને આંદોલનવાદ કહે છે. આમ અયન આંદોલન પ્રમાણે ફરે છે.

સાંપ્રત સમયના નવા વિદ્વાનો અયનાંશની 36 અંશની વૃદ્ધિને સ્વીકારે છે. પણ આમ 36 અંશ સુધી વૃદ્ધિ હોવાથી ભચક્રને ફરી પાછી શરૂઆત કરવી પડે છે. આમ નિરયન-સાયન વચ્ચેનું અંતર વ્યવહારમાં મુકાય કે નહિ ? એ વિચારણીય છે. આમ, ‘સૂર્યસિદ્ધાંત’માં ગ્રહસ્પષ્ટીકરણ માટે મંદ પરિધિઓ, અયનાંશ સિદ્ધિ અને સ્પષ્ટ ભૂપરિધિ જેવી અતિ ઉપયોગી બાબતોની ચર્ચા છે.

અધ્યાય (4) : ચંદ્રગ્રહણાધિકાર : આમાં ચંદ્ર, છાયા, સૂર્યનાં માન, ગ્રાસ, સ્થિત્યર્ધ, કોટી વલનાંશ વગેરે બાબતોનાં સ્પષ્ટીકરણ છે. જ્યોતિષ વિજ્ઞાનની પ્રત્યક્ષતા માટે સૂર્ય-ચંદ્રનાં ગ્રહણો અગત્યનાં છે.

અધ્યાય (5) : સૂર્યગ્રહણાધિકાર : આ અધ્યાયમાં ચંદ્રગ્રહણ અને ‘સૂર્યગ્રહણ’ સાધન કરવાની વિશેષતા, લંબન, નતિ વગેરે બાબતો વર્ણવી છે.

અધ્યાય (6) : પરિલેખાધિકાર : આમાં ગ્રહણોના પરિલેખ સંબંધી વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

અધ્યાય (7) : ગ્રહયુત્યધિકાર : આ અધ્યાયમાં ગ્રહયુતિ ભેદ, ક્કર્મ, બિંબકલાનયન, યુદ્ધ સમાગમ, અયન ર્દકકર્મ, ગ્રહબિંબ, ગ્રહદર્શન આદિ બાબતોનું નિરૂપણ કરવામાં આવેલું છે.

અધ્યાય (8) : નક્ષત્રગ્રહયુત્યધિકાર : આ અધ્યાયમાં નક્ષત્ર- ધ્રુવકજ્ઞાન, શરજ્ઞાન અને યોગતારાઓમાં જ્ઞાનની માહિતી આપવામાં આવેલી છે.

અધ્યાય (9) : ઉદયાસ્તાધિકાર : આ અધ્યાયમાં પંચતારા(પંચગ્રહ ભૌમાદિ)ના પશ્ચિમાસ્ત પૂર્વોદય, ચંદ્ર, બુધ-શુક્રનાં પૂર્વાસ્ત પશ્ચિમોદય ઇષ્ટ કાલાંશાનયન, ગુરુ વગેરેના કાલાંશો અને નક્ષત્રોના ઉદય-અસ્તનું જ્ઞાન આદિ માહિતી દર્શાવેલી છે.

અધ્યાય (10) : શૃંગોન્નત્યધિકાર : આ અધ્યાયમાં ચંદ્રશૃંગોન્નતિ તથા ચંદ્રોદય લાવવાની પદ્ધતિનું સવિસ્તર વર્ણન છે.

અધ્યાય (11) : સંહારાધ્યાય : આ અધ્યાયમાં ક્રાંતિ, સામ્યાનયન, સ્પષ્ટપાત, કાલજ્ઞાન, પંચાંગસ્થ (ખગોળીય) વ્યતિપાત જ્ઞાન, ગંડાન્ત સ્વરૂપ આદિ માહિતી વર્ણવી છે.

અધ્યાય (12) : ભૂગોલાધ્યાય : આ અધ્યાયમાં અધ્યાત્મવિદ્યા, કક્ષાસ્થિતિ, મેરુ, ભદ્રાશ્વ, યમકોટી, લંકા, કેતુમાલ, ધ્રુવ-નક્ષત્ર-ગ્રહ પૃથ્વીથી કેટલાં દૂર છે તે, જગદુત્પત્તિ, મહાભૂતોત્પત્તિ, પંચ તારાઓની ઉત્પત્તિ, ભાગવતોક્ત પ્રમાણે બ્રહ્માંડ ગોલવર્ણન, ગ્રહ-ભૂગોળ આદિનાં આકાશપરિભ્રમણ, ગોલસ્થિતિ, દેવાસુર-દિનરાત્રિ નિર્ણય, કક્ષા-નિરૂપણ આદિ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અધ્યાય (13) : જ્યોતિષોપનિષદ્ : આ અધ્યાયમાં ગોલબન્ધન વિધિ અનેક પ્રકારનાં યંત્રોનાં સાધન બનાવી તેના ઉપરથી ખગોળની બાબતો જાણવાની રીતિઓ છે.

અધ્યાય (14) : માનાધ્યાય : આ અધ્યાયમાં બ્રાહ્મ, દૈવ, પિત્ર્ય, પ્રજાપત્ય, બાર્હસ્પત્ય, સૌર, સાવન, ચાંદ્ર, નાક્ષત્ર એમ નવ પ્રકારનાં માન બતાવ્યાં છે. છેવટે ફલશ્રુતિ કહેવામાં આવી છે.

સામાન્ય રીતે સિદ્ધાંતગ્રંથોમાં ઉપર બતાવેલી ઘણીખરી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. કોઈ કોઈમાં એકાદ-બે ઓછીવત્તી બાબતો પણ બતાવેલ હોય છે. સિદ્ધાંતગ્રંથોમાં આ રીતે આકાશીય પદાર્થોની સ્થિતિ વગેરેની બાબતો હોય છે.

સંહિતાસ્કંધ

જ્યોતિષશાસ્ત્રનો બીજો વિભાગ સંહિતાસ્કંધ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્રની બધી શાખાઓનું જેમાં વિવેચન હોય તેને સંહિતા કહેવાય તેમ પ્રાચીન કાળમાં હતું; પરંતુ વરાહમિહિરના વખતમાં આ લક્ષણ બદલાઈ ગયેલું લાગે છે. ગણિત અને હોરા આ બે સિવાયની ત્રીજી શાખાને તે વખતે સંહિતા કહેતા હતા. જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતના વિષયમાં પ્રાચીન ગ્રંથોમાં અઢાર આચાર્યોનાં નામ છે; તેમ સંહિતા વિભાગ માટે પણ નામાવલી છે, જેમાં બ્રહ્મા, નારદ, વ્યાસ, વસિષ્ઠ, અત્રિ, પરાશર, લોમશ, યવન, સૂર્ય, ચ્યવન, કશ્યપ, ભૃગુ, પુલસ્ત્ય, મનુ, પૌલિશ, શૌનક, અંગિરા, ગર્ગ અને મરીચિ – એ નામો છે. આમાં બ્રહ્મસંહિતા, બૃહસ્પતિસંહિતા તેમજ વસિષ્ઠ, નારદ અને ગર્ગની સંહિતાના ગ્રંથો મળે છે. ત્યારબાદ વરાહસંહિતા અને ભદ્રબાહુસંહિતાના ગ્રંથો ઉપલબ્ધ છે.

આ સંહિતા-ગ્રંથોમાં પ્રાચીન ગણાતી ‘ગર્ગસંહિતા’ સંબંધે પ્રથમ વિચાર કરીએ. ગર્ગના નામના ઘણા ગ્રંથો છે. ગર્ગ પ્રાચીન યુગમાં થયેલા ઋષિ છે. તે લગધના પછીના છે. વેદાંગ જ્યોતિષ પછી તેમનો ગ્રંથ લખાયો હશે તે સ્પષ્ટ છે. વરાહમિહિરે પોતાના ગ્રંથમાં ‘વૃદ્ધ-ગર્ગસંહિતા’ ઉપરથી વિષય લીધાનું સ્વીકાર્યું છે. એટલે તેઓ વરાહની પહેલાંના છે. આ સંહિતા-ગ્રંથ 6500 શ્લોકપ્રમાણનો ગ્રંથ છે. તેમાં (1) તિથિ, નક્ષત્ર, મુહૂર્ત અને કરણ  – એ ચારના ગુણ અને તેમના સત્તાકાળમાં કરવા યોગ્ય કર્મોના નિર્દેશરૂપ ચતુર્વ્યૂહાત્મક કર્મગુણ, (2) ચંદ્ર માર્ગ, (3) નક્ષત્રકેન્દ્ર, (4) રાહુચાર, (5) બૃહસ્પતિચાર, (6) શુક્રચાર, (7) કેતુ-ધૂમકેતુચાર, (8) શનિચાર, (9) મંગળચાર, (10) બુદ્ધચાર, (11) સૂર્યાચાર, (12) અગસ્ત્યચાર, (13) અંતરચક્ર, (14) મૃગચક્ર, (15) શ્ર્વાનચક્ર, (16) વાતચક્ર, (17) વાસ્તુવિદ્યા, (18) અંગવિદ્યા, (19) વાયસકાક-વિદ્યા, (20) સ્વાતિયોગ, (21) આષાઢી યોગ, (22) રોહિણીયોગ, (23) જનપદવ્યૂહ, (24) મહાસલિલ – એ રીતે પહેલાં 24 અંગો છે. ત્યારબાદ બીજાં 40 અંગો જણાવ્યાં છે; જેમ કે, (1) ગ્રહકોશ, (2) ગ્રહયુદ્ધ, (3) ગ્રહશૃંગાટક, (4) ગ્રહપુરાણ, (5) ગ્રહપાક, (6) યાત્રાસિદ્ધિ, (7) અગ્નિવર્ણ, (8) સેનાવ્યૂહ, (9) મયૂરચિત્રક, (10) ગ્રહબલિ, (11) ગ્રહોપહાર, (12) ગ્રહશાંતિ, (13) ઉત્પાત, (14) તુલાકોશ, (15) યુગ-ભવિષ્ય, (16) સર્વભૂતરુત, (17) પુષ્પલતા, (18) બૃહસ્પતિપુરાણ, (19) ઉપાનહ્-લક્ષણ, (20) ઉપાનહ્-છેદ, (21) વસ્ત્રછેદ, (22) ભુવનકોશ, (23) ગર્ભાધાન, (24) ગાર્ગલ, (25) નિર્ધાતલક્ષણ, (26) ભૂમિકંપ, (27) પરિવેષ, (28) ઋતુસ્વભાવ, (29) સંધ્યા, (30) ઉલ્કાપાત, (31) સૌંદર્યપ્રાપ્તિ – આ ઉપરાંત ગ્રહયુદ્ધમાં અંશુવિમર્દ, ઉલ્લેખ વગેરે તથા મયૂરચિત્રક, ઉત્પાત વગેરે અધ્યાયોમાં અન્ય 9 મળીને કુલ 40 વિષયોનું વિવેચન આપ્યું છે. બૃહસ્પતિ પુરાણને અધ્યાયમાં ગણાવ્યો નથી; તેમ જ ઇન્દ્રધ્વજોચ્છ્રાય વગેરે પણ અધ્યાય તરીકે ગણાવ્યા નથી. પણ તે વિષયો આપેલા છે જેથી પ્રથમનાં 24 અને આ 40 મળી 64 અંગ થાય છે. ગર્ગની આ 64 અંગોની चतुःषष्ट्यंगं ज्योतिषम्ની રચના ઉપરથી જ્યોતિષ चतुःषष्ट्यंग ગણાયું જે પ્રમાદથી આગળ જતાં चतुर्लक्षं तु ज्योतिषम् ગણાવા લાગ્યું હશે. આ ગ્રંથમાં મહાસલિલ નામનો અગત્યનો અધ્યાય છે જે વૃદ્ધગર્ગને ભારતના પ્રથમ કક્ષાના ભૌતિક ખગોળશાસ્ત્રના વિદ્વાન તરીકે સિદ્ધ કરે છે.

આ સંહિતા ભારતીય જ્યોતિષશાસ્ત્રના ઇતિહાસમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સંહિતાનો રચનાકાળ ઈ. સ. પૂ. 1000થી અર્વાચીન જણાતો નથી. પ્રાચીનતામાં તેને ઘણે દૂર સુધી લઈ જઈ શકાય તેમ છે. આ રચનામાં ગર્ગે આપેલું નક્ષત્રવિજ્ઞાન ભારતીય જ્યોતિષશાસ્ત્રના આકાશનિરીક્ષણ અને ગ્રહો તેમજ તારાઓની ભૌતિકવિશેષતાઓ સંબંધી ખૂબ જ અગત્યનું જ્ઞાન દર્શાવે છે. એટલા બધા જૂના કાળમાં પણ ભારતીય વિદ્વાનોએ કેટલા ઊંડા પ્રમાણમાં આ જ્ઞાન મેળવ્યું હતું તેનું મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે.

નક્ષત્ર-પુંજોમાં કેટલાક તારા છે અને તેમના તેજ પ્રમાણેનું તેમનું વર્ગીકરણ અને વ્યાસ એ ગર્ગાચાર્યનું બહુમૂલ્ય પ્રદાન છે. નક્ષત્રોમાં કેટલા તારાઓ છે તે વિશે જણાવ્યું છે કે 1 તારાવાળાં શતતરા–પુષ્ય–આર્દ્રા–ચિત્રા–સ્વાતિ; 2 તારાવાળાં વિશાખા પૂ.ભા., ઉ.ભા., પૂ.ફા., ઉ.ફા., પુનર્વસુ અને અશ્વિની; 3 તારાવાળાં મૃગશીર્ષ–ભરણી–જ્યેષ્ઠા–અભિજિત, શ્રવણ; 4 તારાવાળાં પૂ.ષા., ઉ.ષા. અનુરાધા, રેવતી, ઘનિષ્ઠા; 5 તારાવાળાં હસ્ત અને રોહિણી તેમજ 6 તારાવાળાં કૃત્તિકા, મૂલ, આશ્લેષા અને મઘા.

નક્ષત્રોના વ્યાસ વિશે જણાવ્યું છે કે સ્વાતિ-શ્રવણ-અભિજિત, વરુણ અને અગસ્ત્યનો વ્યાસ 6-7 યોજન છે. સપ્તર્ષિઓ, રોહિણી, પુનર્વસુ, ચિત્રા, ઘનિષ્ઠા, જ્યેષ્ઠા, અહિર્બુધ્ન્ય (ઉ.ભા.), આ તારાઓના વ્યાસ પાંચ યોજન છે. બાકીના તારાઓના વ્યાસ 4 યોજનથી લઈ અડધા યોજન સુધીના છે. આ રીતે તારાઓના કદની વિગતો તથા બીજી પણ ઘણી બધી અગત્યની બાબતો આ સંહિતામાં ષ્ટિગોચર થાય છે.

સામાન્ય રીતે સંહિતા-સ્કંધમાં સૃષ્ટિ પર પ્રાકૃતિક પરિવર્તનોના આધારે સંભવિત ઘટનાઓનાં અનુમાનો સંબંધી નિયમો આપેલા હોય છે. સંહિતાના સામાન્ય રીતે બે ભાગ હોય છે : એક અંગ અને બીજો ભાગ ઉપાંગ. ગ્રહ-નક્ષત્રને ઉદ્દેશીને જે ફળ જાણવામાં આવે છે એ જે વિભાગમાં કહેવાયેલું હોય તે અંગ અને વ્યવહારમાં આવતી વસ્તુઓ, પ્રાણીઓ અને શકુનાદિક વિશે જે ભાગમાં લખવામાં આવેલું હોય તેને ઉપાંગ કહેવાય છે.

ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં લખાયેલા સંહિતા ગ્રંથોમાં વરાહમિહિરે લખેલી બૃહત્ સંહિતા અથવા વારાહી સંહિતા મુખ્ય છે. આ સંહિતા બે ભાગોમાં રચાયેલી છે : તેના પૂર્વાર્ધમાં કુલ 47 અધ્યાયો છે અને ઉત્તરાર્ધમાં 59 અધ્યાયો છે.

વરાહમિહિર પ્રાચીન જ્યોતિષશાસ્ત્રના અગ્રગણ્ય વિદ્વાન હતા. તેમણે સિદ્ધાંત, સંહિતા અને હોરા – એમ ત્રણેય સ્કંધોમાં વિવિધ રચનાઓ કરી છે. તેમાં બૃહત્સંહિતા અથવા વારાહી સંહિતા સંહિતા-વિભાગમાં આવે છે. આ ગ્રંથમાં ચર્ચાયેલા વિષયો આ પ્રમાણે છે : શરૂઆતનાં અગિયાર પ્રકરણોમાં જ્યોતિષી કેવો હોવો જોઈએ તેનાં લક્ષણો ઉપરાંત સૂર્ય, ચંદ્ર, રાહુ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ-કેતુ વગેરેના ચાર (ગતિ-ગમન) અને તેમનાં ફળ – એટલે નક્ષત્રમંડળમાંથી તેમના ગમનથી વિશ્વને મળનારાં શુભાશુભ ફળનાં વિસ્તૃત કથન છે. બારમા અને તેરમા અધ્યાયમાં અગસ્ત્યચાર અને સપ્તર્ષિચાર તથા તેમના ઉદયાસ્તથી થનારાં શુભાશુભ ફળ આપવામાં આવેલ છે. ચૌદમા નક્ષત્ર કૂર્માધ્યાયમાં ભરતખંડના જુદા જુદા નવ વિભાગો કલ્પીને તે તે વિભાગોમાં આવતા પ્રદેશો અને તે તે વિભાગો પર અમુક નક્ષત્રોનું આધિપત્ય તથા તેની અસરોનાં વર્ણન ખૂબ જ વિસ્તારપૂર્વક આપેલાં છે. ભરતખંડના લગભગ તમામ પ્રદેશો તેમાં આવરી લેવાયા છે. 15, 16, 17મા અધ્યાયમાં નક્ષત્ર, વ્યૂહ, ગ્રહભક્તિ અને ગ્રહયુદ્ધ તથા અઢારમા અધ્યાયમાં શશીગ્રહ સમાગમનાં નિરૂપણ અને ફળ કહ્યાં છે. સામાન્ય રીતે સંહિતા-ગ્રંથોમાં વ્યક્તિગત યા વ્યક્તિઓનાં ફળ હોતાં નથી. દેશના વિવિધ વિભાગોમાં ગ્રહોના આધારે થનારાં શુભાશુભ ફળ કહેલાં હોય છે. ઓગણીસમો અધ્યાય ગ્રહવર્ષ-ફળ નામનો છે. જેના આધારે આજકાલનાં વિવિધ પંચાંગોમાં સામાન્ય ફલાદેશ લખવામાં આવે છે. આ અધ્યાયમાં વર્ષાધિપ સૂર્યાદિ ગ્રહો પૈકીના જે જે ગ્રહો વર્ષાધિપ બનેલા હોય તે પ્રત્યેકનાં વિગતવાર ફળ, સમગ્ર પૃથ્વીમાં અંતર્ગત દેશો પર થાય છે તેનું વર્ણન છે. આમાં વર્ષમાં વરસાદ, ધાન્યોત્પત્તિ, લૂંટારા-ચોરભય, શાસન, પશુપાલન, વ્યાપાર વગેરેની ઘણીબધી ઝીણી ઝીણી બાબતો બતાવી છે. વીસમા અધ્યાયને ગ્રહશૃંગારક કહે છે. આમાં સૂર્યની પાસે અથવા એકાદા નક્ષત્રની પાસે બધા અથવા કોઈ ગ્રહ એક વખતે ધનુષ્ય-શૃંગ વગેરે આકારથી દેખાય તો તેનું શું ફળ મળે તે બાબતો દર્શાવેલી છે. એકવીસ, બાવીસ અને ત્રેવીસમા અધ્યાયોમાં વર્ષા, ગર્ભલક્ષણ, પ્રવર્ષણ અને સામાન્ય વર્ષા વગેરે વિષયોનાં વર્ણનો છે. તેમાં માગશર વગેરે માસમાં પર્જન્ય(વરસાદ)નું ગર્ભધારણ અને વૃષ્ટિ કેવી, કેટલી થશે તે બધી બાબતોનાં વિવેચન વિસ્તારથી છે. આ બધી બાબતોને આધારે હાલમાં કેટલાંક પંચાંગોમાં વરસાદની વિગતો લખાય છે અને ગર્ભધારણ ઉપરથી વરસાદ કેવો અને કેટલો થશે તેનું અનુમાન કરવામાં આવે છે જે ખેડૂતો, વ્યાપારીઓ અને ઇતર પ્રકારના લોકોને ઉપયોગી નીવડે છે. વધારામાં વરસાદ કેટલો પડ્યો તેનાં માપ લેવાની પ્રક્રિયાઓ કે રીતિઓ બતાવેલી છે. આના જ આધારે હાલમાં વપરાતી વરસાદ- માપનપદ્ધતિઓ અમલમાં આવી હશે તે પુરવાર થાય છે. આગળના ચોવીસ, પચીસ અને છવીસ અધ્યાયોમાં રોહિણી, સ્વાતિ, આષાઢી યોગો વર્ણવેલા છે. આ નક્ષત્રોના ચંદ્રથી થતા યોગો દર્શાવી તેનાં વિવિધ ફળો આપેલાં છે. અધ્યાય સત્તાવીસ, અઠ્ઠાવીસ અને ઓગણત્રીસમાં વાતચક્ર, સદ્યોવર્ષણ અને કુસુમફળ-લક્ષણ વર્ણવેલાં છે. 30મા અધ્યાયમાં સંધ્યા-લક્ષણની બાબત છે. સંધ્યા (સવાર અને સાંજે) આકાશમાં દેખાનારી રક્તિમા વગેરેનાં વર્ણન છે. એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ અને પાંત્રીસ અધ્યાયોમાં અનુક્રમે દિગ્દાહ, ભૂકંપ, ઉલ્કા, પરિવેષ, મેઘ(ઇંદ્ર)ધનુષ્યનાં લક્ષણો નિરૂપાયાં છે. છત્રીસમા અધ્યાયમાં ગંધર્વનગરની વિગતો છે. આ નગર આકાશમાં દેખાનારી એક ચમત્કૃતિ છે. આ બાબત એક સમાચાર ઈ.સ. 1880માં છપાયેલા છે. આ જગા ન્યૂહોલૅન્ડથી કેટલાક કિમી દૂર સમુદ્રમાં તે વર્ષે એક નગર દેખાયેલું તેનું વર્ણન છે. આ ગ્રંથકારની નિરીક્ષણ-શક્તિથી આલેખાયેલ આ માહિતી ખગોળની ચમત્કૃતિ છે. આગળના સાડત્રીસ, આડત્રીસ અને ઓગણચાલીસમા અધ્યાયોમાં પ્રતિસૂર્ય-લક્ષણ, રજોવૃત્તિ-લક્ષણ અને નિર્ઘાત-લક્ષણો અનુક્રમે વર્ણવેલાં છે. આ બધાં સૃષ્ટિચમત્કારોનાં રહસ્યો છે. ચાળીસમો અધ્યાય ધાન્ય વિશે સસ્યજાતક નામનો છે. આ અધ્યાયમાં અનાજનું ઉત્પાદન કેવું થશે તેની વિગતો વર્ણવેલી છે. એકતાળીસમા અધ્યાયમાં દ્રવ્યનિશ્ર્ચય અને બેતાળીસમા અર્ધકાંડ અધ્યાયમાં વ્યાપારની ચીજોના ભાવમાં વધઘટ, તેજી-મંદી વગેરે વર્ણવ્યાં છે. દ્રવ્યો, પશુઓ વગેરે ક્યારે વેચવાં યા લેવાં તેની વિગતોનાં વર્ણનો છે. અધ્યાય તેંતાળીસ અને ચુંવાળીસમાં ઇન્દ્રધ્વજ વિશે માહિતી તથા નીરાજનવિધિ વિશે માહિતી આપેલી છે. પિસ્તાળીસમા અધ્યાયમાં ખંજનાદિ પક્ષીઓનાં દર્શનથી થતાં ફળ કહેલાં છે. છેતાળીસમા અધ્યાયમાં ઉત્પાત—ભૌમ, દિવ્ય અને અંતરિક્ષ—માં થનારનાં વર્ણનો છે. અધ્યાય સુડતાળીસમો મયૂરચિત્રકનો છે. આમ આ સંહિતાના પૂર્વાર્ધમાં આવેલા વિષયોની ટૂંકમાં ચર્ચા છે.

આ સંહિતાના ઉત્તરાર્ધમાં ઓગણસાઠ અધ્યાયો આપેલા છે. તેનું સામાન્ય રૂપે સિંહાવલોકન કરતા જુદા જુદા અધ્યાયોમાં આપેલી બાબતો સાર રૂપે જોઈએ : ઉત્તરાર્ધના પ્રારંભમાં રાજાઓને ઉપયોગી બાબતો પુણ્ય, સ્નાન, મુકુટનાં લક્ષણો, ખડ્ગનાં લક્ષણોની વિશદ ચર્ચા કરી છે. આગળ વાસ્તુઅધ્યાય વિસ્તારપૂર્વક આપેલો છે. આ અધ્યાયમાં સામાન્ય રીતે ઘર બાંધવાની જગા અંગેની મીમાંસા છે. જુદાં જુદાં કામો માટે ઉપયોગી જુદા જુદા પ્રકારનાં ઘર બાંધવાની જગાઓ, વિવિધ પ્રકારનાં મકાનોનાં બાંધકામમાં વપરાતાં વિવિધ પ્રકારનાં લાકડાંની માહિતી વિસ્તારપૂર્વક આપેલી છે. આગળનાં પ્રકરણોમાં ભૂગર્ભનું પાણી જાણવાની પ્રક્રિયાઓ બતાવેલી છે. પૃથ્વીના પેટાળમાં પાણી ક્યાં, કેટલે ઊંડે, કયા પ્રકારનું અને કેટલા જથ્થામાં મળશે – આ વિદ્યા વિસ્તારથી વર્ણવી છે. આ જ બાબત અંગે ભૂસ્તરશાસ્ત્રની ઘણી વિગતો દર્શાવી છે. આજના કાળમાં પણ આ જ વિદ્યાના આધારે ભૂગર્ભના જળ વિશેની માહિતી વિશ્વાસપૂર્વક પૂરી પાડનારા લોકો છે, જેઓનાં સૂચનો વગેરે સત્ય પુરવાર થયેલાં છે. આ બતાવે છે કે સંહિતા-સ્કંધના ગ્રંથો સમાજને કેટલા ઉપયોગી છે. આ જ વિભાગમાં આગળના અધ્યાયમાં વૃક્ષાયુર્વેદ પ્રકરણ છે. આમાં વનસ્પતિવિજ્ઞાન તથા ઉદભિજ્જ બાબત વિમર્શ કરેલ છે. આગળના અધ્યાયમાં પ્રાસાદ-લક્ષણની વિગતો છે. આ શિલ્પશાસ્ત્રને લગતી બાબતો છે. તેમાં રાજપ્રાસાદોનાં નિર્માણ અંગેનું વિજ્ઞાન દર્શાવેલ છે. આ જ સંહિતાના આગળના અધ્યાયોમાં વજ્રલેપ (ચણતર માટે એક જાતનો ચૂનો) બનાવવાની પદ્ધતિ દર્શાવેલી છે. આગળના અધ્યાયોમાં દેવોની પ્રતિમાઓ અંગે વિચાર અને તેના ઘડનારાઓનાં વર્ણન આવે છે. આગળ વાસ્તુપ્રતિષ્ઠા અધ્યાય છે. ત્યારબાદ ગાયો, કૂતરાં, મરઘાં, કાચબા, ઘેટાંબકરાં અને મનુષ્યોનાં લક્ષણો, સ્ત્રી-ચિહ્નો વગેરે બાબતોની ચર્ચા કરેલી છે. આગળ ચામર, દંડપરીક્ષા વગેરે બાબતો વિચારી છે. ત્યાંથી આગળના અધ્યાયોમાં કામશાસ્ત્ર સંબંધી કેટલીક બાબતોની ચર્ચા કરેલી છે. તેથી આગળના અધ્યાયોમાં હીરા, મોતી, પદ્મરાગ વગેરે રત્નોની પરીક્ષાની રીતો બતાવી છે. ત્યારબાદના અધ્યાયમાં દીપલક્ષણ, દંતધાવન, શકુન વગેરે વિષયોની છણાવટ કરી છે. આગળના અધ્યાયમાં કૂતરાં, શિયાળ વગેરેના રડવાથી થતા અવાજોની શુભઅશુભ અસરોનાં વર્ણન છે. તેથી આગળના અધ્યાયમાં મૃગ-હાથી વગેરે પ્રાણીઓ સંબંધી વિચાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના અધ્યાયમાં ભિન્ન ભિન્ન તિથિ, નક્ષત્ર, કરણમાં જન્મ પામેલ જાતકને (બાળકને) મળનારાં શુભાશુભ ફળની વિગતો છે. ત્યારબાદ ગોચર ગ્રહોનાં ફળ વર્ણવેલ છે. આમ, સંહિતા-ગ્રંથો સામાન્ય રીતે અત્યારનાં વિકસિત વિજ્ઞાનો જેવાં કે ભૂગોળ–ખગોળ–વનસ્પતિ–ભૂસ્તરશાસ્ત્ર–જીવશાસ્ત્ર–પ્રાણીશાસ્ત્ર–વાસ્તુશિલ્પ–શકુન વગેરે વિજ્ઞાનોના વિવિધ વિષયોમાં સારી માહિતી પૂરી પાડે છે.

આ જ વિભાગના પ્રાચીન ગ્રંથોમાં એક સંહિતા भद्रबाहुसंहिता છે. આ ગ્રંથમાં સંહિતા-વિભાગની અનેક બાબતોની વિગતો જણાવેલી છે. આ ગ્રંથના રચયિતા કોણ હશે અને આ ગ્રંથ કયા અરસામાં લખાયો હશે તેમાં પણ કંઈક વિવાદ અને અનિશ્ચિતતા છે. જૈન સાહિત્યના ઇતિહાસમાં જણાવ્યું છે કે આ સંહિતાના રચયિતા વરાહમિહિરના ભાઈ ભદ્રબાહુ હશે. જેમ વરાહમિહિરે બૃહત્સંહિતા લખી છે તેમ તેના ભાઈએ પણ આ ગ્રંથ લખ્યો હોય. વરાહમિહિર અને ભદ્રબાહુનો સંબંધ રાજશેખરકૃત પ્રબન્ધપ્રકોપના 24મા અધ્યાયમાં બતાવેલ છે. એક અનુમાન એવું છે કે વરાહમિહિરે પોતાના બૃહત્ જાતક ગ્રંથમાં પોતાનું જન્મસ્થાન, પિતાનું નામ વગેરે બતાવ્યાં છે. અવન્તિ પાસે કાલ્પીનગરમાં સૂર્યથી વરદાન પ્રાપ્ત કરનાર વરાહમિહિરના પિતાનું નામ આદિત્યદાસ હતું. વરાહમિહિરે પિતાશ્રી પાસેથી જ્યોતિષનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમના એક ભાઈ ભદ્રબાહુ હતા. તેમને પણ જ્યોતિષશાસ્ત્રનું સારું જ્ઞાન હશે અને વરાહની માફક આ સંહિતા તેમણે લખી હોય; પરંતુ આ બાબત પણ વિવાદાસ્પદ છે. એક અન્ય મત પ્રમાણે આ ગ્રંથ ભદ્રબાહુ શ્રુતકેવલીનો બનાવેલો નથી; પરંતુ એક વાત સિદ્ધ થાય છે કે આ ગ્રંથ 17મી શતાબ્દીનો હોય. આ બધા મંથનમાં પડ્યા વગર भद्रबाहुसंहिताમાં આવતી બાબતોનું નિરીક્ષણ કરીએ. આ સંહિતાનો પ્રચાર જૈન સંપ્રદાયોમાં એટલો છે કે શ્વેતાંબર અને દિગંબર બંને પંથોમાં તે માન્ય છે. ભાષાની ર્દષ્ટિથી આ ગ્રંથ અત્યંત સરલ છે. આ ગ્રંથના શ્લોકો સંસ્કૃત ભાષામાં છે. કોઈક સ્થળે વ્યાકરણસંમત ભાષાના પ્રયોગોની અવહેલના થઈ છે. છન્દોભંગના ઘણા શ્લોકો છે. દરેક અધ્યાયમાં કેટલાક શ્લોકો છે તેમાં છન્દોભંગ છે. વ્યાકરણના દોષો પણ 100થી અધિક શ્લોકોમાં છે. આ ગ્રંથમાં કુલ 30 અધ્યાયો છે. જેમાંના 1થી 27 પ્રાપ્ત હોઈ આ ગ્રંથમાં સમાવિષ્ટ છે. અધ્યાય 28-29 અપ્રાપ્ત છે અને 30મો પરિશિષ્ટાધ્યાય છે. આ ગ્રંથમાં સમાવિષ્ટ વિષયોમાંના મોટા ભાગના વિષયો વારાહી સંહિતાના છે. કેટલીક વધારાની બાબતો આ ગ્રંથમાં છે. 25મો અધ્યાય ભિન્ન ભિન્ન વસ્તુઓની તેજી-મંદી વિશે છે. આ બાબત વારાહી સંહિતામાં પૂર્વાર્ધના 42મા અર્ધકાંડ નામના અધ્યાયમાં માત્ર 14 શ્લોકોમાં સામાન્યપણે અને વસ્તુઓની તેજી-મંદી યા ભાવતાલની વધઘટના રૂપમાં છે. આ જ બાબતો આ ગ્રંથમાં ખૂબ જ સૂક્ષ્મ અને વિસ્તારપૂર્વક વર્ણવી છે. 50 શ્લોકોમાં આ બાબતની ખૂબ જ વિશદતાપૂર્વક માહિતી આપેલી છે. નક્ષત્ર, વાર, તિથિ, કરણ, ચંદ્ર અને બાકીના ગ્રહોની ચાલ, તેમના માર્ગો, ઉદયાસ્તો, વક્રીમાર્ગીપણું – આ બધાંનો સૂક્ષ્મતાપૂર્વક વિચાર કરીને વ્યવહારમાં વપરાતી અને ઉપયોગમાં આવતી તમામ ચીજોના વ્યાપારી વર્તારા જાણી શકાય તેવું જ્ઞાન પ્રદર્શિત કરેલું છે. દરેક દેશમાં ખાસ કરી ભારતમાં તમામ મહિનાઓમાં વ્યાપારી બજારોની વ્યાપારી વસ્તુઓની તેજી-મંદીની રૂખ જાણવાનાં સાધનો આમાં છે. દરેક ચીજોની દૈનિક રૂખ – વધઘટ જાણવાની પદ્ધતિ બતાવી છે. આમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ, સંક્રાંતિ તથા જે જે વસ્તુઓની તેજી-મંદી જાણવી હોય તે તે તમામ વસ્તુઓના ધ્રુવકો પરથી ગણતરી કરીને તેજી-મંદી જાણી શકાય છે. આ બાબતોથી પ્રતીતિ થાય છે કે આ ગ્રંથના રચયિતાને વ્યવહાર, વ્યાપાર, ગ્રહ, નક્ષત્ર, સ્થિતિ તથા અન્ય ખગોળીય ચમત્કૃતિઓની સ્થિતિ અને તેના ભૂમંડળ પર થનારાં પરિણામો અંગેની ખૂબ જ ઝીણવટભરી જાણકારી હશે. આજે અદ્યતન ગણાતી બાબતો પણ તે વખતે જાણીતી હશે તેવું અનુમાન થયા વગર રહેતું નથી. ગ્રંથમાં સ્વપ્ન અંગેની વિસ્તૃત મીમાંસા છે. આ બાબતોનો પણ સંહિતા વિભાગમાં પ્રવેશ થયેલો દેખાય છે. આ અધ્યાયના કુલ 86 શ્લોકોમાં સ્વપ્નોના પ્રકાર-શુભ-અશુભ અવાન્તર પ્રકાર – તેના પણ અવાન્તર પ્રકાર, સ્વપ્નો ક્યારે આવે, કયા સમયે આવે, કેવાં આવે તથા તેનાં ફળ કેવાં મળે, ક્યારે મળે વગેરે છે. સ્વપ્નોના વર્ગ अથી માંડી य સુધીના છે. આ પ્રકારે આ વિજ્ઞાનનો પણ સંહિતા વિભાગમાં સમાવેશ થયો. ત્યાર બાદના 27મા અધ્યાયમાં તોફાનસૂચક નક્ષત્રોમાં ચંદ્રની સ્થિતિ, શાન્તિગૃહ વાટિકા-વિધાયક નક્ષત્રો, વિષ, શસ્ત્ર, આયુધ, આભૂષણ તથા ગ્રહોના વિકારની બાબતોની ચર્ચા છે. છેલ્લા 30મા અધ્યાયમાં નિમિત્ત કથનની બાબતો વર્ણવી છે. આ અધ્યાયમાં ભૌમ, અંતરિક્ષ વગેરે આઠ પ્રકારનાં નિમિત્ત, રાગોની સંખ્યા, અરિષ્ટોનું કથન, છાયાપુરુષ દર્શનથી થતાં અરિષ્ટો, સ્વપ્નફળ, પ્રશ્નફળ, ઉપરાંત શકુનવિચાર, અશ્વિનીથી આરંભીને 27 નક્ષત્રોમાં વસ્ત્રધારણનાં ફળ, વિવાહ, રાજ્યોત્સવ વગેરે કાળમાં વજ્રધારણનું ફળ વગેરે વિષયોનું નિરૂપણ છે. છેલ્લે પરિશિષ્ટાધ્યાયમાં નિમિત્તશાસ્ત્ર તથા હસ્તરેખા અને સામુદ્રિક શાસ્ત્ર કરલેખન અધ્યાયમાં ઘણી બાબતો છે. સામાન્ય રીતે હસ્તરેખા અને સામુદ્રિક વિજ્ઞાન જાતકસ્કંધના વિભાગમાં સમાવી શકાય. એમાં અહીં તેની ચર્ચા અનાવશ્યક છે. નિમિત્તશાસ્ત્રના અધ્યાયમાં નિમિત્તોના ભેદ, મેઘનાં ચિહનો, ઉત્પાતોના પ્રકાર, દૈવ, રાજ વગેરે; ઉલ્કા અને ગંધર્વનગરનાં લક્ષણ અને ફળ, પથ્થરની વર્ષાનું ફળ, વીજળીનાં લક્ષણો, મેધયોગ અને કેતુયોગનાં વર્ણન છે.

વરાહમિહિરે યાત્રાવર્ણન અને વિવાહ વગેરે માટે જુદા જુદા ગ્રંથો નિર્માણ કરેલા છે તેથી આ વિભાગમાં તેમણે આ બાબતોનો સમાવેશ કરેલો નથી. જોકે મુહૂર્ત વિષય સંહિતા-સ્કંધમાં સમાવી શકાય છે. એટલે આ બાબત અંગેની ચર્ચા – આ વિવરણમાં આવશ્યક હોવાથી તે બાબતનો પણ ટૂંકમાં વિચાર કરીએ.

મુહૂર્તમીમાંસા : સંહિતાસ્કંધમાં આ બાબતનો સમાવેશ કરી શકાય. ભારતની પ્રજા ધર્મપ્રાણ પ્રજા છે. માનવજીવનમાં કરવામાં આવતાં લગભગ મોટા ભાગનાં કામો માટે કાલજ્ઞાન જરૂરી છે. પોતે જે કાર્ય કરવું હોય તે માટે અમુક-દિવસ, વાર, નક્ષત્ર, લગ્ન અને ગ્રહસ્થિતિ નક્કી કરવાની જે પદ્ધતિ તે મુહૂર્તપદ્ધતિ. વૈદિક કાળમાં ઇષ્ટિઓ, યજ્ઞો, યજ્ઞસત્રો, જ્ઞાન શિબિરો વગેરે યોજવામાં આવતાં. એટલે તે તે કર્મો માટે મુહૂર્તો-સમય વગેરે જાણવા ખગોળશાસ્ત્રના આધારે નિર્મિત પંચાંગોનો ઉપયોગ થતો. આગળ જતાં જન્મનાર જાતક માટે કરવામાં આવતા ગર્ભાધાન તેમજ જન્મથી માંડી અંત્યેષ્ટિ સુધીના સંસ્કારો માટે તિથિ, નક્ષત્ર, યોગ, કરણ, પક્ષ, માસ, વર્ષ તથા ગ્રહસ્થિતિ અને લગ્નશુદ્ધિ વિચારવામાં આવતી. આ બાબતો નક્કી કરવા જે ગ્રંથો નિર્માણ થયા છે તે ગ્રંથો મુહૂર્ત-ગ્રંથોના નામે જાણીતા થયા છે. આ સંસ્કારોમાં ઉપનયન વિવાહનાં મુહૂર્તો વિશેષ મહત્ત્વનાં છે. બાદ માનવજીવનમાં કરવામાં આવતાં અન્ય શુભકર્મો તથા મકાન-વસવાટ ઘર, કૂવા, વાવ, જળાશય નિર્માણ સારા પ્રસંગો વગેરે જીવનને આવરી લેતી લગભગ ઘણીબધી ક્રિયાઓ માટે સારો દિવસ, સમય, જોવાની પદ્ધતિ નિર્માણ થઈ અને મુહૂર્ત-ગ્રંથો લખાયા. આવા ગ્રંથો ક્યારે સર્જાયા એનો કાલનિર્ણય કરવો કઠિન છે. મુહૂર્તની બાબત ફક્ત વૈદિક તથા હિન્દુ ધર્મવાળા જ માને છે તેમ નથી. જૈનો, બૌદ્ધો, મુસલમાનો, પારસીઓ, ખ્રિસ્તીઓ પણ કોઈ ને કોઈ સ્વરૂપે આ બાબતોને માને છે. આવા મુહૂર્ત-ગ્રંથોના રચનાકાળમાં શક સુમારે 560થી માંડી શક સંવત 1607ના ગાળામાં ઘણા ગ્રંથો રચાયા છે. અસંખ્ય મુહૂર્ત-ગ્રંથો હોવા છતાં વર્તમાન ભારતમાં ‘મુહૂર્તમાર્તણ્ડ’ અને ‘મુહૂર્તચિન્તામણિ’ નામના ગ્રંથો વધારે માન્ય છે અને ઉપયોગમાં લેવાય છે. આ બે ગ્રંથોની રચના અનુક્રમે શકે 1493 તથા શકે 1522માં થયેલી હોવાનું મનાય છે. જૈન સંપ્રદાયમાં પણ આરંભસિદ્ધિ, દિનશુદ્ધિ, દીપિકા વગેરે ગ્રંથો ઉપયોગમાં લેવાય છે. મુહૂર્તના તમામ ગ્રંથોમાં સૈદ્ધાંતિક બાબતો લગભગ એકસરખી જ હોય છે. મનુષ્યજીવનમાં ગૃહસ્થાશ્રમને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. માનવજીવનની ચાર અવસ્થાઓમાં પણ યુવાવસ્થાનું મહત્વ વિશેષ અંકાય છે. ગૃહસ્થાશ્રમ ધન્ય છે એમ એક કવિ કહે છે. આ આશ્રમનો આરંભ લગ્નથી થાય છે. આ માન્યતા પૂર્વકાલમાં પણ એવી જ હતી જેવી આજના યુગમાં છે. પરિણીત જીવન દરેક રીતે સુખી, સમૃદ્ધ અને વ્યવસ્થિત થાય તેની રીતો : વર-કન્યાની પસંદગી – બાદ લગ્નકાળ – તે પહેલાં કુંડળી, મેળાપક વગેરે બાબતો આવે છે.

જ્યોતિષશાસ્ત્રને વ્યવસ્થિત સમાજરચના માટે એક ઉપયોગી અંગ માનવાનું ઘણા જૂના કાળથી ચાલ્યું આવે છે. અમુક વ્યક્તિનું જીવન કેવું નીવડશે તેની પૂર્વધારણામાં જ્યોતિષશાસ્ત્ર ઘણું ઉપયોગી થઈ પડે છે. એટલે વર-કન્યાની પસંદગી સમાજમાં ઇચ્છવામાં આવતા શુદ્ધકુળ (ખાનદાન) ગુણદોષ તપાસીને પછી લગ્ન કરવું. તેમાં પણ અલ્પાયુષ્ય, ચારિત્ર્યહીનતા, દારિદ્ર્ય અને વન્ધ્યત્વના દોષો ખાસ જોવા જોઈએ. એથી ‘મુહૂર્તમાર્તણ્ડ’ અને ‘મુહૂર્તચિન્તામણિ’ જેવા ગ્રંથોમાં આવા દોષોના પરીક્ષણ માટે જન્મકુંડળી અને પ્રશ્નકુંડળી દ્વારા અનુમાન કરવાનું સૂચવેલું છે. આજકાલ જોવામાં આવતા મંગળના દોષને તથા ગુણાંકની રીતને આ હેતુ માટે ઉપયોગી ગણવામાં આવેલી છે. આવી રીતે વરકન્યાની પસંદગી કર્યા બાદ તેમનો લગ્નસંબંધ-વિવાહ-હસ્તમેળાપ પાણિગ્રહણના સમયની શુદ્ધતા ઉપર ભાર મૂકેલ છે. આ બાબતમાં લગ્નદિવસ નક્કી કરવા માટે છોકરા-છોકરીની અમુક ઉંમર-ગ્રહોની અનુકૂળતા ઋતુ, માસ, અયન, તિથિ, નક્ષત્ર અને લગ્નસમય વગેરે બાબતોનો વિચાર કરેલો છે. લગ્નજીવન સુખી નીવડે તે માટે હસ્તમેળાપનો સમય ખાસ કાળજીપૂર્વક જોવાય છે. આ પ્રકારની પરિપાટી પ્રાચીનકાળથી ચાલી આવે છે. આજના જમાનામાં કહેવાતા સુધરેલા લોકો લગ્નમેળાપ મુહૂર્ત વગેરે બાબતમાં વ્યભિચરિત બુદ્ધિની દલીલો કરે છે; પરંતુ આ વિષયમાં જો ખરેખર સર્વેક્ષણ કરવામાં આવે તો તેની યથાર્થતા સમજાય. આ પ્રકારની મુહૂર્તપદ્ધતિઓના આધારે આજકાલનાં પંચાંગોમાં આ સંબંધી માહિતી પૂરી પાડવામાં આવે છે.

જેમ અન્ય વિકસતાં વિજ્ઞાનોને વધુ સચોટ બનાવવાના યત્નો થાય છે તેમ આ તો ઘણે અંશે વિકસિત વિજ્ઞાન હોઈ સંશોધનાત્મક રીતે પ્રયત્નો કરવામાં આવે તો ગ્રહો-નક્ષત્રોથી તથા ઇતર બાબતોથી જગત પર થનારી શુભાશુભ ઘટનાઓનું જ્ઞાન વહેલેથી મેળવી શકાય અને નૈસર્ગિક આપત્તિઓથી બચવા માટે અવકાશ મળે.

હોરાસ્કંધ જાતકસ્કંધ

ત્રિસ્કંધ જ્યોતિષશાસ્ત્રના ત્રીજા વિભાગને જાતકસ્કંધ યા હોરાસ્કંધ કહે છે. આ સંસારની અંદર એવો કોણ હશે કે જેને જીવનમાં કોઈ પણ પળે એવો પ્રશ્ન નહિ ઉદભવ્યો હોય કે ભવિષ્યમાં મારું શું થશે ? આચાર્ય વરાહમિહિર કહે છે તેમ તો સંસારથી દૂર રહેલા અને પોતાને સંસારથી પર માનનારા ઋષિમુનિઓ પણ આ પ્રશ્નથી મૂંઝાઈ જાય છે. તેવાઓ પણ ભવિષ્ય વિશે પ્રશ્નો કરે છે. મનુષ્ય-જીવનમાં બનતા અને બનનારા બનાવોને જાણવા માટે પૂર્વકાળના આચાર્યોએ જ્યોતિષશાસ્ત્રમાં હોરાસ્કંધની રચના કરી છે. જ્યોતિષશાસ્ત્રના સામાન્ય રીતે પાડવામાં આવેલા વિભાગો પૈકીનો આ ત્રીજો વિભાગ છે જેને જાતક અથવા હોરાસ્કંધ કહેવામાં આવે છે. ભવિષ્ય જાણવા માટે જાતકની જન્મકુંડળીની જરૂર રહે છે.

કોઈ પણ મનુષ્યના જન્મ વખતે આકાશમાંની ગ્રહસ્થિતિના આધારે જન્મકુંડળી બનાવાય છે. જન્મકુંડળીમાં આવેલ લગ્ન તથા તેના બારેય ભાવોમાં આવેલી રાશિઓ અને ગ્રહોના આધારે જે ફલાદેશનિર્ણય કરવામાં આવે તે શાસ્ત્ર યા વિજ્ઞાનને હોરાશાસ્ત્ર યા જાતકશાસ્ત્ર કહેવાય છે. જન્મકુંડળીમાં બાર ખાનાં હોય છે તેને ભાવ કહેવામાં આવે છે. બારેય ભાવનાં જુદાં જુદાં નામ છે. તે દરેકમાં જુદી જુદી બાબતો જોવાય છે. આ બાબતો જેમાં વર્ણવેલી છે તેવા ગ્રંથોને જાતકગ્રંથો કહે છે.

જાતકગ્રંથોનું પૂર્ણસ્વરૂપ ટૂંકમાં કહેવું કઠિન છે. જાતકસ્કંધ પર હાલ ઉપલબ્ધ ગ્રંથો – પારાશરી, જૈમિનીસૂત્ર, ભૃગુસંહિતા વગેરે છે. આ જ શાખામાં કેરલમત, પ્રશ્ન, રમલ, સ્વપ્ન, તાજિક, સામુદ્રિક તથા હસ્તરેખાવિજ્ઞાન વગેરે બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે છે.

વરાહમિહિરનો ‘બૃહજ્જાતકગ્રંથ’ પ્રાચીન છે. તેમાં કુલ 28 અધ્યાયો છે. શ્લોક સંખ્યા 408ની છે. આ શ્લોકોની રચના વિવિધ છંદોમાં થયેલી છે જેમાં વરાહમિહિરના કવિત્વની, વિદ્વત્તાની તથા સર્વતોમુખી પ્રતિભાની ઝાંખી થાય છે. ઉપસંહાર અધ્યાયના પ્રારંભમાં આચાર્યે અન્ય ગ્રહો – રાશિસ્વભાવ અને નક્ષત્ર આ બેનો રાશિશીલમાં અન્તર્ભાવ કર્યો છે.

અધ્યાયાનુક્રમે નિરૂપણ : (1) રાશિઓનાં સ્વરૂપનું વર્ણનવિજ્ઞાન છે. હોરા શબ્દના અર્થનું કથન, કાળના અવયવોના સંકેત છે. લગ્નાદિ બારેય ભાવોનાં નામ જેવાં કે પ્રથમ ભાવ લગ્ન-હોરા, બીજો ભાવ કુટુંબી ભાવ, ત્રીજો ભાવ સહજ, ચોથો સુખ-માતૃ, પાંચમો પુત્રભાવ, છઠ્ઠો શત્રુભાવ, સાતમો સ્ત્રી, આઠમો રંધ્ર, નવમો ગુરુ-ધર્મ, દસમો માન-રાજ્ય, અગિયારમો ભાવ લાભ, બારમો વ્યય કહેવાય છે. લગ્નથી ચોથા, આઠમા ભાવોનું નામ ચતુરસ્ર અને સાતમાનું નામ દ્યૂન અને દસમા સ્થાનનું નામ ખ અને આજ્ઞા છે. ઉપરાંત, કેન્દ્ર, ત્રિકોણ, પણફર અને આપોક્લિમની વ્યાખ્યાઓ આપેલી છે. વધુમાં હોરા-દ્રેષ્કાણ વગેરેની માહિતી – ગ્રહોના ઉચ્ચનીચ વિભાગા-વર્ગોત્તમી અને મૂલત્રિકોણનું જ્ઞાન, લગ્નમાન અને રાશિઓના વર્ણ વર્ણવેલાં છે. (2) કાલપુરુષના અંગવિભાગ, ગ્રહસ્થાનનાં વર્ણન સૂર્યાદિ ગ્રહોનાં નામના બીજા પર્યાયશબ્દોની માહિતી, ગ્રહોના રંગ, વર્ણ, સ્વામી, સૂર્યાદિ ગ્રહોનાં સ્વરૂપ-ગ્રહોમાં સ્થાનની માહિતી છે. (3) ફક્ત આઠ શ્લોકો છે જેમાં કીટ, પક્ષી, સ્થાવર વગેરેનાં જન્મની માહિતી તથા વિયોનિ વિશે ઉપયોગી ચતુષ્પાદોના રાશ્યાત્મક અંગવિભાગનું જ્ઞાન દર્શાવેલું છે. (4) નિષેકાધ્યાય : આ અધ્યાયમાં ગર્ભાધાન સંબંધી જ્ઞાનમૈથુન-જ્ઞાન એકથી વધારે ગર્ભસંભવનું જ્ઞાન, વધારેઓછા અવયવોવાળા અથવા વિકલાંગ બાળકોનાં જન્મ–ગર્ભ–સંભવના સમયાનુસાર માતૃમરણના યોગ, ગર્ભસ્રાવ, ગર્ભપોષણયોગ, પુત્ર યા પુત્રી યા નપુંસક બાળકના જન્મના યોગ, બાળકના વામનપણા તથા કમ (ઓછાં) અંગો યા ખોડખાંપણવાળા બાળકના જન્મ અંગેની માહિતી – ગર્ભધારણ સમયથી પ્રસૂતિકાળનું જ્ઞાન, ગર્ભધારણ બાદ ત્રણ યા પાંચ યા બાર વર્ષે પ્રસૂતિ થવાના યોગ. (5) સૂતિકાધ્યાય : આ અધ્યાયમાં બાળકનો જન્મ ક્યાં થશે ? ઘરમાં–નાવમાં–પાણીમાં–કારાગારમાં–ખાડામાં–ક્રીડાસ્થાનમાં, દેવાલય, સ્મશાન વગેરેમાંથી ક્યાં ? કયા પ્રકારની જમીનમાં જન્મ થશે તથા બાળકના પ્રસવસ્થાનગૃહનું જ્ઞાનદ્વીપગૃહદ્વાર, ઉપરાંત સૂતિકા ગૃહવિસ્તાર, ઉપસૂતિકાની સંખ્યા, ઉત્પન્ન થયેલ બાળકનું સ્વરૂપ વગેરે બાબતોની સવિસ્તર ચર્ચા કરવામાં આવી છે. (6) અરિષ્ટાધ્યાય : આ અધ્યાયમાં અરિષ્ટજ્ઞાન – બાળકને યા તેનાં માતાપિતાને થનારી પીડામરણ, યા મૃત બાળકનો જન્મ વગેરે બાબતોને આવરી લેતી માહિતી આપેલી છે. (7) આયુર્દાધ્યાય : આ અધ્યાયમાં મય-યવનાદિ આચાર્યોના મતથી ગ્રહોનાં પરમાયુષ્યનાં પ્રમાણ, પરમ નીચ સ્થાનસ્થિત ગ્રહો ઉપરથી આયુર્દાનું જ્ઞાન, મનુષ્ય તથા હાથી, ઘોડા, ગધેડા, ઊંટ, ગાય, ભેંસ, કૂતરાં, બકરાં, ઘેટાં વગેરે પ્રાણીઓનાં પરમાયુષ્યનાં પ્રમાણ, જીવશર્મા અને સત્યાચાર્યના મતથી આયુર્દા લાવવાનો પ્રકાર વગેરે દર્શાવેલાં છે. કહ્યું છે કે મનુષ્યની કુંડળી ઉપરથી તેનું ફલાદેશ કરતાં પહેલાં આયુર્દાનો વિચાર કરવો – पूर्वमायुः परीक्षेत અર્થાત્ પહેલાં આયુર્દા નક્કી કરવી. આયુર્હીન જીવોનાં જાતક-ફલાદેશનું કંઈ પ્રયોજન હોતું નથી. (8) દશા-અન્તર્દશાધ્યાય : આ અધ્યાયમાં ગ્રહો પરથી વિવિધ દશાઓ કાઢવાની માહિતી છે. આ પદ્ધતિ અષ્ટોત્તરીવિંશોત્તરી યોગિની પદ્ધતિ અલગ છે. દશાઓ નક્કી થયા બાદ અંતર્દશાઓ કાઢવાની રીતો, ત્યારબાદ દશા-અંતર્દશાનાં વિગતવાર ફળકથનની વાર્તા કહેલી છે. (9) અષ્ટકવર્ગાધ્યાય : ફલાદેશ માટે એક ઉક્તિ છે કે तावदगोचरमन्वेष्यं यावन्न प्राप्यतेडष्टकम् । अष्टवर्गे तु संप्राप्ते गोचरं विफलं भवेत् ।। આમ, જન્મપત્રિકામાં અષ્ટકવર્ગની મહત્તા દર્શાવી છે. સૂર્યથી માંડી શનિ સુધીના ગ્રહો તથા લગ્નાષ્ટક બનાવવાની રીત તથા તે આધારે થતાં ફળકથનની બાબત આ અધ્યાયમાં દર્શાવી છે. (10) કર્માજીવાધ્યાય : જન્મકુંડળીના દસમસ્થાનને અનુલક્ષી-જાતકની આજીવિકા-વૃત્તિનો – પ્રકાર  ધનપ્રાપ્તિના પ્રકારનાં વર્ણન કરવામાં આવેલ છે. (11)  રાજયોગાધ્યાય : આમાં રાજયોગો સંબંધી યવનાચાર્ય અને જીવશર્માના મતો, 32 પ્રકારના રાજયોગ, 44 પ્રકારના અન્ય રાજયોગ – પાંચ મહત્વના રાજયોગ, બીજા ત્રણ રાજયોગ, રાજયોગમાં જન્મેલા ક્યારે રાજા થાય તે, ભોગીઓના અને શબરોના રાજયોગનાં વર્ણન છે. (12) નાભસ યોગાધ્યાય : આ અધ્યાયમાં બે-ચાર ત્રણ વિકલ્પોથી ઉત્પન્ન યોગોની સંખ્યા – તેમાં ત્રણ જાતના આશ્રય યોગ, બે જાતના દલયોગ, વજ્રાદિ ચાર યોગ, યૂપાદિ ચાર યોગ, નૌ-કૂટાદિ પાંચ યોગ, સમુદ્ર અને ચક્રયોગ, સંખ્યાથી થતા સાત યોગ, ત્રણ આશ્રય યોગ, અર્ધચંદ્રાદિ યોગો કેવી રીતે બને છે તે દર્શાવી આ યોગોનાં ફળ વર્ણવ્યાં છે. આના પછી રચાયેલા ફલાદેશના ગ્રંથોમાં પણ આ યોગોને અનુસરીને જ વિવરણ કરેલાં છે. (13) ચંદ્રયોગાધ્યાય : આ અધ્યાયમાં ફલકારક અધિયોગ, સુનફા, અનફા, દુર્ધરા નામના યોગો કેવી રીતે બને છે તે દર્શાવી તેમનાં ફળ, કેમદ્રુમ યોગ તથા તેના ભંગ અને ફળની બાબતોની ચર્ચા છે. (14) દ્વિગ્રહયોગાધ્યાય : આ અધ્યાયમાં જન્મલગ્નમાં ચંદ્ર વગેરે ગ્રહોથી યુક્ત સૂર્ય હોય તેનું ફળ, મંગળ વગેરે ગ્રહોની સાથે ચંદ્ર હોય તેનું ફળ; મંગળ, બુધ વગેરે ગ્રહોની સાથે હોય, બુધ-ગુરુ, શુક્ર-શનિ સાથે રહેલા હોય અને ત્રણ ગ્રહો એક સ્થાનમાં હોય તેનાં ફળ કહ્યાં છે. (15)  પ્રવ્રજ્યાધ્યાય કહે છે : આ અધ્યાયમાં પ્રવ્રજ્યાયોગનાં લક્ષણો તથા તેનાં ફળ, ચાર ગ્રહો એકઠા ન હોય છતાં પ્રવ્રજ્યાયોગ બનવાનાં લક્ષણો અને તેનાં ફળ. જે યોગોથી મનુષ્ય શાસ્ત્રકાર, રાજા અને દીક્ષિત થાય છે એ બેય યોગોનાં ફળનું નિરૂપણ કરેલું છે. (16) નક્ષત્રફલાધ્યાય : આ અધ્યાયમાં અશ્વિનીથી માંડી રેવતી નક્ષત્ર પૈકીના કોઈ પણ નક્ષત્રમાં જન્મેલ જાતકને શું ફળ મળે છે તેનાં વર્ણન છે. (17) ચંદ્રારાશિશીલાધ્યાય : આ અધ્યાયમાં મેષથી આરંભી મીન રાશિ સુધીમાં રહેલ ચંદ્રનાં પૃથક્ પૃથક્ ફળ નિરૂપેલ છે અને એના અપવાદ પણ વર્ણવ્યા છે. (18) રાશિશીલાધ્યાય : આ અધ્યાયમાં મેષથી આરંભી મીન રાશિ સુધીમાં રહેલા સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિનાં ફળ છે. (19) ર્દષ્ટિફલાધ્યાય : આ અધ્યાયમાં જન્મકુંડળીના તથા હોરા દ્રેષ્કાણ નવમાંશમાં પ્રત્યેક સ્થાન પર પડનારી ગ્રહોની ર્દષ્ટિનાં ફળ વિસ્તૃત રીતે આપેલાં છે. (20) ભાવાધ્યાય : આ અધ્યાયમાં લગ્નથી બારેય ભાવમાં રહેલા સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ વગેરે ગ્રહોમાં શુભાશુભ ફળની માહિતી આપવામાં આવી છે. (21) આશ્રય યોગાધ્યાય : આ અધ્યાયમાં લગ્નકુંડળી, હોરા, દ્રેષ્કાણ, નવમાંશ અને ત્રિંશાંશ કુંડળીઓમાં રહેલા ગ્રહોમાં ફળાદેશ નિરૂપિત કરેલા છે. (22) પ્રકીર્ણાધ્યાય : આ અધ્યાયમાં ગ્રહોની પરસ્પર કારક સંજ્ઞાઓ, તેમનાં ઉદાહરણો, બીજા પ્રકારની કારક સંજ્ઞાઓ તથા તેનાં ફળ, અષ્ટક વર્ગનાં ફળનો કાળ વગેરે બાબતો છે. (23) અનિષ્ટાધ્યાય : આ અધ્યાયમાં સ્ત્રી-પુત્રનાં સુખ-સુખહીનતાના યોગો, સ્ત્રીના અને પોતાના અંગહીનતાના યોગો, સ્ત્રીનું વાંઝિયાપણું, પરસ્ત્રીગમન યોગ, સ્ત્રી વ્યભિચારિણી હોવાનો યોગ તથા અન્ય પ્રકારના અનિષ્ટ યોગો બતાવેલા છે. (24) સ્ત્રીજાતકાધ્યાય : આ અધ્યાયમાં સ્ત્રીની જન્મકુંડળીમાંના બારેય ભાવોમાં પૃથક પૃથક રહેલા સૂર્યાદિ ગ્રહોનાં ફળ તથા સ્ત્રી સંબંધી વિવિધ માહિતી વર્ણવેલી છે. (25) નૈર્યાણિકાધ્યાય : આ અધ્યાયમાં જાતકનું મૃત્યુ કેવી રીતે થશે, અપમૃત્યુ થશે, મૃત્યુસંબંધી યોગો, સત્-મરણ, અસત્-મરણ, મરણનું સ્થળ, આ જીવાત્મા કયા લોકમાંથી આવ્યો છે અને તેની ગતિ શી થશે — આ વિષયો વર્ણવેલા છે. (26) નષ્ટજાતકાધ્યાય : આ અધ્યાયમાં પ્રસૂતિકાળનું જ્ઞાન, વર્ષ અને ઋતુનું જ્ઞાન, પ્રકારાન્તરથી લગ્ન લાવવાની રીતિ, પ્રશ્નસમય પરથી પ્રશ્નકુંડળી બનાવવાની પ્રક્રિયા વગેરે બાબતો આવે છે. (27) દ્રેષ્કાણાધ્યાય : આ અધ્યાયમાં મેષથી મીન સુધીના દ્રેષ્કાણમાં જન્મ પામેલાઓનું ભાવિ ફળ કેવું હોય તેનું વર્ણન છે. (28) ઉપસંહારાધ્યાય : આ અધ્યાયમાં બાકીની બાબતોની ચર્ચા છે. છેલ્લે આ ગ્રંથકાર વરાહમિહિરનાં જન્મસ્થાન-ગ્રામ-પિતાનું નામ વગેરે આપેલાં છે. જેમાં જણાવ્યું છે કે અવન્તી દેશ —ઉજ્જયિની નગર પાસે કાપિત્થ નામના ગામમાં જન્મ છે. પિતાનું નામ આદિત્યદાસ. જાતિ બ્રાહ્મણ. તેમના પુત્ર વરાહમિહિર છે.

આ સિવાય પણ જાતકશાસ્ત્રના ઘણા ગ્રંથો છે; પરંતુ તેમાંના મોટા ભાગના ગ્રંથો વરાહમિહિરના બૃહજ્જાતક લખાયા બાદ લખાયેલા છે. મોટા ભાગના ગ્રંથોમાં આધારભૂત આ જ ગ્રંથ દેખાય છે. આ ગ્રંથોમાં સારાવલી નામનો એક ગ્રંથ કલ્યાણવર્મા નામના વિદ્વાને લખેલો છે. આ ગ્રંથ વરાહમિહિર, યવનાચાર્ય, નરેન્દ્ર વગેરેના બનાવેલા ગ્રંથોમાંથી સાર લઈ બનાવેલ હશે એમ દેખાય છે. ‘‘જાતકપારિજાતક’’ નામનો એક ફલાદેશ-ગ્રંથ પણ ઉપલબ્ધ છે. તેના કર્તા શ્રી વૈદ્યનાથ પંડિત છે. તેમનું ગોત્ર ભારદ્વાજ છે. તેમના પિતાનું નામ વેંકટાદ્રિ છે. આ ગ્રંથની ગૂંથણીમાં પણ વિષયો યા બાબતો લગભગ બૃહજ્જાતકને મળતી જ છે. આ ગ્રંથમાં 1900 શ્લોકો છે. 18 અધ્યાયો છે. આ ગ્રંથમાં દશાઓનાં વર્ણન છે જેમાં કાળચક્રદશા વર્ણવી છે. આ દશા-અંતર્દશા સાધન તથા તેમનાં ફળ વગેરે વર્ણવેલાં છે. ઉપરાંત, અષ્ટોત્તરી અને વિંશોત્તરી દશા-અંતર્દશાઓનાં ફળ પણ નિરૂપણ કરેલ છે. આ ખંડમાં ‘સવાર્થ ચિંતામણિ’ નામક એક સારો ગ્રંથ છે. વળી મંત્રેશ્વરની ફળદીપિકા પણ પ્રસિદ્ધ છે. આ સ્કંધમાં ‘પારાશરી’ નામે એક ગ્રંથ છે. તેનાં ‘બૃહત્’ અને ‘લઘુપારાશરી’ એવાં નામો છે. ‘લઘુપારાશરી’ ઉપલબ્ધ છે અને આ દેશમાં ખૂબ જ પ્રચલિત છે. ‘લઘુપારાશરી’ 40 શ્લોકોનો સંપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથ પારાશર હોરાના સારભૂત સિદ્ધાંતોના આધારે હોવાનો તેના કર્તાએ ઉલ્લેખ કરેલો છે. આ નાનકડા ગ્રંથમાં કુલ 4 અધ્યાયો આપેલા છે : (1) સંજ્ઞાધ્યાય જેમાં 13 શ્લોકો છે. (2) યોગાધ્યાય જેમાં 9 શ્લોકો છે. (3) આયુર્દાધ્યાય જેમાં 6 શ્લોકો છે. (4) દશા ફલાધ્યાય જેમાં 12 શ્લોકો છે. બીજા શ્લોકો 41-42ને કેટલાક ક્ષેપક માને છે. તેની ચર્ચા અત્રે અસ્થાને છે.

આમ, આ નાનકડા ગ્રંથમાં ફલજાતકની ઘણી બાબતોની વિશદ સમજ છે. આમાં એક વાત અગત્યની છે કે ‘લઘુપારાશરી’ ગ્રંથ પ્રમાણે ફલાદેશ કરતી વખતે દશા વિંશોત્તરી જ લેવાની છે, અષ્ટોત્તરી દશા લેવાની નથી. લેખકે વિંશોત્તરી દશા જ માન્ય રાખેલી છે; પરંતુ તેનાથી ‘જાતકફલાદેશ’માં બીજી દશાઓ ન જ લેવી તેવું ફલિત થતું નથી. ફલાદેશ કથન કરતી વખતે જે જે ગ્રંથનો આધાર લેવાય તે તે ગ્રંથમાં દર્શાવેલી દશાઓને તે માટે સ્વીકારવી. આ ગ્રંથ પ્રમાણે ફળનિર્દેશમાં મુખ્યત્વે રાજયોગ અને મારક નિર્ણય સરળતાથી બને છે. મારક નિર્ણયથી વિંશોત્તરી દશા પ્રમાણે મારક ગ્રહની દશા-અંતર્દશામાં મનુષ્યનું આયુષ્ય નિશ્ચિત થતું હોઈ વિંશોત્તરીનો જ ઉપયોગ કરવો પરંતુ તેથી અષ્ટોત્તરી દશા તદ્દન નકામી છે એવું તાત્પર્ય નીકળે નહિ.

આ ફલાદેશ વિભાગમાં ‘જૈમિનીસૂત્ર’ નામનો ચાર અધ્યાયનો સૂત્રાત્મક (ગદ્યાત્મક) ગ્રંથ હાલ પ્રચારમાં છે. આના ઉપર જુદી જુદી ટીકાઓ પણ છે. આ ગ્રંથ સૂત્રાત્મક છે. આ ગ્રંથમાં રિષ્ફ, આર એ યાવની ભાષાના શબ્દો છે. વરાહમિહિર, ભટ્ટોત્પલ વગેરેના ગ્રંથોમાં જૈમિની સૂત્રનો ઉલ્લેખ નથી. તેથી આ આર્ષગ્રંથ હશે કે નહિ તે નિશ્ચિત કરી શકાય તેમ નથી. આ ગ્રંથની વિશેષતા એ છે કે તેમાં સૂત્રાત્મક ભાષામાં જાતકફલાદેશનું ઉત્તમ જ્ઞાન આપેલ છે. મલબારમાં આ ગ્રંથનો ઘણો પ્રચાર છે.

આ સ્કંધમાં ફલાદેશ માટે એક ખૂબ જ જાણીતો ગ્રંથ ‘ભૃગુસંહિતા’ છે. નામ ઉપરથી આ ગ્રંથ આર્ષ જણાય છે; પરંતુ વરાહમિહિર અને ભટ્ટોત્પલના ગ્રંથોમાં આનો કોઈ ઉલ્લેખ નથી તેથી તે આર્ષ હશે કે નહિ તે નિર્ણય કરી શકાય નહિ. આ ગ્રંથમાં કોઈ પણ માણસની જન્મકુંડળી મળી શકે. કુંડળીનાં બાર ખાનાં (બાર ભાવ) અને નવ ગ્રહો પ્રમાણે ગોઠવણી કરવામાં આવે તો આ ગ્રંથમાં 7, 46, 49, 600 કુંડળીઓ હોવી જોઈએ. આ ગ્રંથ ભૃગુગોત્રના વિદ્વાનોએ લખેલો હશે. આમાં કુંડળીઓ સાથે ફલાદેશ પણ લખેલા છે. ભાષા અતિ શુદ્ધ નથી. ફલાદેશમાં કુંડળી પ્રમાણે કેટલીક વાતો ઠીક મળતી પણ આવે છે. ફલાદેશમાં ભૂતકાળની તથા પૂર્વજન્મની પણ બાબતો દર્શાવેલી છે. કષ્ટ-રિષ્ટ દૂર કરવાના ઉપાયો પણ આમાં વર્ણવેલા છે.

આ વિભાગમાં નાડીગ્રંથો પણ છે. આ ગ્રંથો વિશેષ કરીને દક્ષિણ ભારતના પ્રદેશોમાં વપરાય છે અને ઉપલબ્ધ પણ છે. આવા પાંચ-છ નાડીગ્રંથોનાં નામ પ્રસિદ્ધ છે. પણ તેમાં સત્યાચાર્યનો ‘ધ્રુવનાડી’ ગ્રંથ સારો ગ્રંથ છે. આમાં નિરયન સ્પષ્ટ ગ્રહો પ્રમાણે કુંડળીઓ છે. આ રીતે વેધસિદ્ધ ગણિત સાથે ગ્રહો મળતા આવે છે. તેમાં બતાવેલી અયનાંશની બાબત પણ અર્વાચીન છે.

યવનજાતક : વરાહમિહિરે પોતાના ગ્રંથમાં યવનાચાર્યોનો ઉલ્લેખ કરેલો છે. આ પરથી સાબિત થાય છે કે વરાહમિહિરના પૂર્વકાળમાં એક યા વધુ યવનાચાર્યોએ જાતકશાસ્ત્ર પર ગ્રંથો લખ્યા હશે. બૃહજ્જાતકની ટીકામાં ભટ્ટોત્પલે યવનાચાર્ય સ્ફુજિધ્વજનું નામ આપ્યું છે. આનું તાત્પર્ય એ છે કે વરાહ પહેલાં પણ કેટલાક યવનાચાર્યો થઈ ગયા હશે. જાતક વિશે આ સિવાય પણ અનેક ગ્રંથો છે. વિસ્તાર ભયના કારણે બધાનો ઉલ્લેખ કરી શકાય તેમ નથી.

જાતકશાસ્ત્રમાં કેરલમત પણ એક મત છે. આમાં બીજા ગ્રંથો કરતાં કંઈક ભિન્ન નિયમો છે. કેરલમતના પણ ઘણા ગ્રંથો છે.

પ્રશ્નપદ્ધતિ : કોઈક વાર માણસ અમુક બાબત બનશે કે નહિ ? અથવા કોઈ વિશિષ્ટ બાબત માટે પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નકાળ ઉપરથી લગ્ન સિદ્ધ કરી જાતકે પૂછેલા પ્રશ્નના ઉત્તર આપવાની એક પદ્ધતિ છે. એટલે પ્રશ્નજાતક પણ હોરાસ્કંધનું એક અંગ ગણાય. આ બાબત માટે વરાહમિહિરના પુત્ર પૃથુયશાએ બનાવેલી ‘ષટ્પંચાશિકા’ નામની પુસ્તિકા પ્રચારમાં છે. આ ગ્રંથ સાત અધ્યાયોમાં વહેંચાયેલો છે : પહેલા અધ્યાયનું નામ હોરા અધ્યાય છે જેમાં પ્રશ્ન કહેવાની રીતિ કેવી છે તે સૂત્ર રૂપે સમજાવ્યું છે. બીજો અધ્યાય ગમાગમાધ્યાય છે જેમાં શત્રુસૈન્ય આવશે કે નહિ તેમજ ક્યારે આવશે ? કોનો પરાજય થશે યા કોનો જય થશે વગેરે બાબતો આલેખી છે. ત્રીજા અધ્યાય જયપરાજયાધ્યાયમાં કોનો વિજય થશે અને કોનો પરાજય થશે એ બતાવેલું છે. ચોથો શુભાશુભાધ્યાય છે જેમાં પ્રશ્નકર્તાનું શુભ થશે કે અશુભ તે જાણવાની રીતો છે. પાંચમો પ્રવાસાધ્યાય છે જેમાં પ્રવાસે ગયેલો માણસ ક્યારે પાછો આવશે વગેરે બાબતો દર્શાવેલ છે. છઠ્ઠો નષ્ટપ્રાપ્ત્યધ્યાય છે જેમાં ખોવાયેલી વસ્તુ કોણે લીધી છે, ક્યાં ગઈ છે વગેરેની ચર્ચા છે. છેલ્લો અર્થાત્ સાતમો મિશ્રકાધ્યાય છે જેમાં વિવાહ, ગર્ભ, વરસાદ, ચોર કઈ દિશામાં ગયો છે, શું ચોરાયું છે, ચોર કેવો છે વગેરે વિષયો વર્ણવ્યા છે. આમ સાત અધ્યાય અને 56 શ્લોકોમાં આખું પ્રશ્નજાતક કહી દીધું છે. આવા ગ્રંથો જાતકસ્કંધમાં નહિવત્ છે. પૃથુયશાનું આ સ્વતંત્ર પ્રદાન છે.

રમલ વિદ્યા : જાતકશાસ્ત્રમાં આ પણ એક પદ્ધતિ છે. આમાં પાસાઓનો ઉપયોગ થાય છે. પાસાઓ ઉપર ચિહ્નો કરેલાં હોય છે. પાસા શેના બનાવવા, ક્યારે બનાવવા, વગેરે બતાવ્યા બાદ પ્રશ્ન પૂછનાર પ્રશ્ન પૂછે. બાદ આ પાસા નાખવામાં આવે છે. આના ઉપરથી કોઈ પણ પ્રશ્નનો ઉત્તર અપાય છે. આ પણ પ્રશ્નવિદ્યા છે. આને પાશક વિદ્યા યા રમલ વિદ્યા કહે છે. ‘રમલ’ શબ્દ અરબી છે. રમલ વિદ્યા પર સંસ્કૃત ભાષામાં જે ગ્રંથો છે તે પૈકી એક ‘રમલનવરત્ન’ નામનો ગ્રંથ છે. આમાં ઘણા અરબી શબ્દોનો ઉપયોગ થયેલો છે. કેટલાકનો મત છે કે આ ગ્રંથની પદ્ધતિ યવનો પાસેથી મળેલી હશે, પરંતુ તેમ નિશ્ચિત કહી શકાય તેમ નથી. કોઈ કોઈ પાશક વિદ્યાના પ્રાચીન ગ્રંથો જોતાં રમલ વિદ્યા મૂળ આ દેશમાં પણ હોય તેવું પ્રતીત થાય છે. શકારંભ પહેલાં પણ આ વિદ્યાનું અસ્તિત્વ હશે. પ્રાચીન કાળમાં ભારતના આ વિદ્યાના જાણકારો યવન દેશોમાં ગયા હોય અને તેઓના સંસર્ગમાંથી કેટલાક અરબી શબ્દો પોતાના ગ્રંથોમાં આવ્યા હોય તેમ પણ અનુમાન થઈ શકે છે. રમલ ગ્રંથોમાં પણ જાતકે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા પાસા નાખી તેના પરથી નિર્ણય કરવામાં આવે છે. રમલ ગ્રંથોમાં આ બાબતોની વિશદ છણાવટ છે. ‘રમલચિંતામણિ’ નામનો પણ એક ગ્રંથ છે. ‘રમલામૃત’ નામના એક ગ્રંથનો પણ ઉલ્લેખ છે. જાતકશાસ્ત્રના ગ્રંથોમાં આ વિદ્યા પણ એટલી જ મહત્વની છે.

આ વિભાગમાં સ્વપ્ન – પલ્લી પતન વગેરે વિદ્યાઓ પણ છે. આ વિભાગો પર પણ સ્વતંત્ર ગ્રંથો લખાયેલા છે.

હોરાસ્કંધમાં તાજિકશાસ્ત્ર નામનો પણ એક પ્રકાર યા વિદ્યા છે. ‘તાજિક’ શબ્દનો અર્થ તાજું એવો કરી શકાય. આ અર્થ યુક્તિસંગત પણ છે. આ શાસ્ત્રનો આરંભ ક્યાં થયો હશે તે વિચારતાં એમ જણાય છે કે આ ગ્રંથો તુરુષ્ક દેશમાં રચાયેલા છે અને તેના બનાવનારાઓ તુર્કો છે. તેઓ પાસેથી અથવા તેમના ગ્રંથો દ્વારા આ શાસ્ત્ર શીખી તેનાં સંસ્કૃતમાં ભાષાંતર થયેલાં હશે. શ્રી ગણેશ દૈવજ્ઞ કહે છે :

खतखुतो रोमकश्च हिल्लाजो धिषणाद्वयः ।

दुर्मुखाचार्य इत्येते ताजिकस्य प्रयोजकाः ।।

यवनेन च यत्प्रोक्तं ताजिकं तत्प्रकाश्यते ।

આમ આ શાસ્ત્રના આદ્ય ગ્રંથકારો યવનો છે. તેઓએ તેઓની પોતાની ભાષામાં આ શાસ્ત્ર લખેલું હશે. તેના ઉપરથી સમરસિંહાદિ આચાર્યોએ સંસ્કૃતમાં અનુવાદ કર્યો હશે. આ બાબતને હાયનરત્નાકરે સ્પષ્ટપણે કબૂલી લીધી છે. આ સિવાય આ શાસ્ત્રમાં આવતી કેટલીક યાવની સંજ્ઞાઓથી, ર્દષ્ટિ આદિની અંદર જાતકથી તેમજ કેટલીક ભિન્નતાથી પણ માલૂમ પડે છે કે આ શાસ્ત્ર યવન દેશોમાં આરંભાયેલું છે. બાદ સંસ્કૃતમાં અનૂદિત થયેલું છે. ગણેશ દૈવજ્ઞ આગળ જતાં કહે છે કે આ શાસ્ત્ર ભલે યવનો દ્વારા લખાયેલું યા પ્રચલિત થયું હોય છતાં આ શાસ્ત્ર દ્વારા કહેલું ફળ સત્ય ઠરે છે એટલે તેના ગુણ તરફ જોઈ તેનો સ્વીકાર કરવો જોઈએ. સાચી વસ્તુ ગમે ત્યાંથી પણ સ્વીકારવી જોઈએ. આમ આ ગ્રંથોનાં ફલકથન ખૂબ જ સત્ય પ્રતીત થયાં છે. જ્યોતિષશાસ્ત્રમાં ખરી ખૂબી અને અંતિમ નિષ્કર્ષ ફલાદેશની સત્યતા છે. જેના આધારે વરતેલાં ફલકથન વધુ સત્ય આવે તે વધારે ગ્રાહ્ય બને છે, પણ આ યાવનશાસ્ત્ર છે એ સ્વીકારવું રહ્યું. આ પ્રકારના ગ્રંથોની રચના કરનારાઓમાં નીલકંઠ દૈવજ્ઞ ખૂબ જ માનનીય સ્થાન ભોગવે છે. તેમનો ‘તાજિકનીલકંઠી’ ગ્રંથ તાજિક વિદ્યાનો લગભગ પરિપૂર્ણ ગ્રંથ છે.

આના સ્વરૂપ બાબત વિચારતાં જન્મકાલીન સ્પષ્ટ ગ્રહો પૈકી સ્પષ્ટ સૂર્યના પરિભ્રમણવશાત્ પરિભ્રમણ કાલને ઇષ્ટ કાલ માની તેના ઉપરથી લગ્ન વગેરેનો નિશ્ચય કરી તે જ ઇષ્ટ કાલના સ્પષ્ટ ગ્રહો કરી આગળની બાબતોનું ગણિત કરવું. આમાં સૌર વર્ષને વર્ષ, સૌર માસને માસ અને સૂર્યના એક અંશને સૌર દિવસ માની આગળ વધવાનું હોય છે. આમાં એક બીજી અગત્યની વાત મુંથા છે અને તે જાતકોક્ત ભાવગણનાને કંઈક અંશે મળતી છે. આ વર્ષ ગણિતમાં એ તાજિકના ફલવિચારની પ્રૌઢતા છે. આમાં ભાવેશ-કારકેશ અને લગ્નનો સમન્વય કરી ફલાદેશ કહી શકાય છે. વર્ષફળના આધારે જાતકે પૂછેલા કોઈ પણ તાજા યા તાત્કાલિક પ્રશ્નોના ઉકેલ પ્રાપ્ત કરી શકાય છે. વર્ષફળની રચનામાં પ્રવેશકાલ સાધન, ર્દષ્ટિ, દિન-દશા સાધન, મુંથા-મુંથેશ, સહમ, હર્ષબલ, ત્રિપતાકા વગેરેનાં સાધન કરવામાં આવે છે. બાદ વર્ષેશનિર્ણય કરી વાર્ષિક ફળનો તથા માસ ફળનો નિર્ણય કરવામાં આવે છે. આમાં કોઈ પણ જાતકના એક વર્ષમાં બનનાર બનાવો, જાતકે પૂછેલા વર્ષ દરમિયાન બનનારી બાબતોના ખુલાસા વર્ણવી શકાય છે. આ ઉપરાંત પણ આ શાખામાં યોગાયોગનાં પણ વર્ણન છે. આ બધા યોગાયોગોનાં નામ યાવની શબ્દોમાં છે. આ જોતાં આ જ્ઞાન યવનો તરફથી ભલે મળેલું હોય પણ ઘણું ઉપયોગી હોઈ જાતક સ્કન્ધને સમૃદ્ધ બનાવે છે.

જ્યોતિષ ભારતેતર દેશોમાં

જ્યોતિષ એક એવું શાસ્ત્ર યા વિજ્ઞાન છે જેમાં જગતના વ્યવહારની દરેક બાબત સંબંધી કંઈ ને કંઈ વિચાર કરવામાં આવ્યો છે. જીવનના અતિકૂટ અને મહત્વના પ્રશ્નો જેનો નિર્ણય અન્ય શાસ્ત્રો દ્વારા થઈ શકે તેમ ન હોય તેમનો નિર્ણય જ્યોતિષ વિજ્ઞાનની પદ્ધતિથી થઈ શકે છે. ભારતીય જ્યોતિષ એ વિશ્વભરમાં અતિપ્રાચીન વિજ્ઞાન છે.

સર્વસામાન્ય રીતે પ્રાચીન સભ્યતાઓ અને સંસ્કૃતિઓ મોટે ભાગે વિશાળ-મોટી-લાંબી નદીઓના કિનારાઓના પ્રદેશોમાં તથા આવી નદીઓની ખીણોના પ્રદેશોમાં વિકાસ પામી. જેમ કે, ઇજિપ્તની નાઇલ નદીના કાંઠાની ઇજિપ્તી સંસ્કૃતિ, ભારતની વિશાળ નદી સિંધુ તટની સિંધુ સંસ્કૃતિ, ચીનની નદીઓની ચીનની સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની ગણાય. વળી પૃથ્વીના મધ્યભાગ જેવો પ્રદેશ જે ભૂમધ્ય સમુદ્રના કિનારાઓને સ્પર્શે છે તે પ્રદેશોમાં પણ કેટલીક સંસ્કૃતિઓ અને સભ્યતાઓનો વિકાસ થયો.

ભૂમણ્ડલના મોટા ભાગના દેશો જ્યારે અસંસ્કૃત, અર્ધસંસ્કૃત અને અલ્પસંસ્કૃત હતા ત્યારે ભારત આ બધા દેશો કરતાં વધુ સંસ્કૃત હતો. ભારતના પ્રાચીનતમ સાહિત્યમાં વેદો મુખ્ય છે. વેદોમાં રહેલા જ્ઞાનને જાણવા માટે વિવિધ અંગોની રચના થયેલી છે. આવાં છ અંગો છે. જેને વેદાંગ કહેવાય છે. આ છમાં જ્યોતિષ પણ એક મહત્વના અંગ તરીકે ગણાયેલું છે. ज्योतिषामयनं चक्षु: એ વાક્ય તેની સાબિતી છે. આ વેદના અંગેનો વિકાસક્રમ પણ તેટલો જ પ્રાચીન છે. ભારતીય માનવજીવનના વિકાસ સાથે અનેકવિધ સાહિત્ય ક્રમશ: વિકાસ પામ્યું તેમાં આ વિજ્ઞાન પણ વિકસ્યું છે. ભારતીય વેદાંગજ્યોતિષ ખૂબ જ પ્રાચીન અને સુવિકસિત શાસ્ત્ર છે.

વેદના અંગ રૂપ આ વિભાગનો જ્યારે પણ વિકાસ થયો હશે ત્યારે દેશ-વિદેશોના લોકોના આવાગમનના કારણે ભારતેતર દેશોમાં પણ આ જ્ઞાન કોઈ ને કોઈ રીતે વિકાસ પામ્યું હશે. ભારતની સાથે સંપર્કમાં આવેલા આવા પ્રાચીન દેશો લંકા, ચીન, સિયામ, અરબ રાષ્ટ્રો અને ભૂમધ્ય સમુદ્રની આસપાસના દેશો તેમાં મુખ્ય ગણાય.

ભારતીય જ્યોતિષશાસ્ત્રનો ભારતીય ગણિત વિદ્યા, અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, રેખાગણિત વગેરેનો ઉપયોગ મૂળમાં તો યજ્ઞયાગાદિકને ઉદ્દેશીને ઊભો થયો. વિશ્વમાં જ્યારે બીજા દેશો અવિકસિત હતા ત્યારે ભારતના પ્રાચીન મહર્ષિઓએ આ વિદ્યાઓનો ઊંડો અભ્યાસ કરી આ બધાં વિજ્ઞાનોનો વિકાસ સાધેલો જણાય છે. આ બધું જ્ઞાન વ્યવહાર દ્વારા એકબીજા દેશોમાં પહોંચી વિકાસ પામ્યું હશે. પણ આ બધાંના વિકાસનો મૂલસ્રોત ભારતમાં જ હશે. જે જે વિસ્તારોમાં આ વિદ્યાઓ વિકસી છે તેમાં એશિયાથી માંડી અમેરિકા સુધીનો વિસ્તાર આવી જાય છે.

મેક્સિકોઅમેરિકા : સામાન્ય રીતે અમેરિકાનો વિકાસ અર્વાચીન ગણી શકાય; પરંતુ કેટલાક અવશેષો અને મળેલી માહિતી પ્રમાણે હજારો વર્ષ પૂર્વે પણ આ દેશો ભૌગોલિક રીતે નહિ પણ અન્ય રીતે આ દેશ સાથે સંકળાયેલા હશે એવું અનુમાન થઈ શકે છે. આજથી બાર હજાર વર્ષથી લઈ સાઠ હજાર વર્ષના હિમયુગના ચાર અંતરાલમાં – પ્રમાણમાં સૂકા જેવા કાલખંડોનાં, પૂર્વ એશિયામાંથી બેરિંગની સામુદ્રધુની, હિમયુગમાં 135 મી. નીચી સમુદ્રની સપાટી હતી એ સંયોગી ભૂમિ હતી ત્યારે એ વાટે પીળી પ્રજા અમેરિકાના બેઉ ખંડોમાં વિસ્તરતી હતી. તેઓમાંના મેક્સિકોના ‘મય’ સંજ્ઞક આદિવાસીઓ પાસે આ વિદ્યા સચવાયેલી જોવા મળી છે. એમની પાસે વર્ણલિપિ ન હતી. ચિત્રલિપિ હતી. આવી પરિસ્થિતિમાં એમણે ભારતીય વૈદિક ભાષાના સંસ્કાર અને જ્યોતિષવિદ્યા સાચવી રાખેલી. કેટલીક પુરાવારૂપ બાબતો : શુક્ર ગ્રહના ગણિતમાં અત્યાર સુધીમાં ફક્ત 14 સેકન્ડનો તફાવત આવે છે. જ્યારે ગ્રહણોના વિષયમાં તો સેકન્ડનો પણ તફાવત નથી. આપણને નક્ષત્રોનું જ્ઞાન લગભગ સાત હજાર વર્ષ પૂર્વે થયેલું જોવા મળે છે. ગ્રહો સંબંધી જ્ઞાન પણ તેટલું જ પ્રાચીન છે. જો અમેરિકાના આદિવાસીઓના પૂર્વજોએ આજથી બાર હજાર વર્ષ પૂર્વે આ વિજ્ઞાન વિકસાવ્યું હોય તો ભારતીય જ્યોતિષવિજ્ઞાન તે કરતાં પણ વધારે પ્રાચીન હશે એમ સિદ્ધ કરી શકાય. ભારતેતર જે જે દેશોમાં આ વિજ્ઞાન વિકસ્યું છે તેમાં ભૂમધ્ય પ્રદેશીય દેશો મુખ્ય છે.

ખાલ્ડિયા (બેબિલોનિયા), ઇજિપ્ત (મીસર), ગ્રીક (ઍલેક્ઝાન્ડ્રિયા) ઇટાલી (રોમ) – આ બધા દેશો ભૂમધ્ય પ્રદેશીય દેશો છે. આ દેશોમાં તે તે દેશોની પ્રાચીન સંસ્કૃતિઓનો વિકાસ થયેલો છે. આ બધા દેશોમાં જ્યોતિષવિજ્ઞાનની શાખાઓના વિકાસ સારા પ્રમાણમાં થયેલા હશે એમ જણાય છે. કેટલાક પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો અને વિદ્વાનો એમ ઠસાવવા પ્રયત્ન કરે છે કે ભારતીય લોકોએ ગણિત અને જાતક જ્ઞાન ઉપર દર્શાવેલ પ્રદેશોના લોકો પાસેથી મેળવ્યું છે. આ બાબત ચર્ચાસ્પદ છે છતાં એક બાબત તો કહી શકાય કે કોઈ ને કોઈ રીતે આ પ્રદેશોમાં જ્યોતિષવિજ્ઞાનની ત્રણેય શાખાઓ ગણિત-સંહિતા અને જાતક વિકસેલાં હશે યાને ઉપરના દેશોમાં આ બધા પ્રકારનાં શાસ્ત્રો વિકસ્યાં હશે.

પ્રાચીન જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતસ્ક્ધધમાં 18 સિદ્ધાંતોનાં નામ છે. કોઈકમાં 19 તો કોઈક ગ્રંથમાં તેથી વિશેષ પણ છે. આ સિદ્ધાંતકારોમાં लोमश અને पुलिश – આ બે વિદેશીય નામો છે. તો વળી બીજા એક શ્લોકમાં ‘पौलिश रोमक’ – આમ બે નામો છે.

અર્વાચીન પાંચ સિદ્ધાંતોમાં પણ रोमशનું નામ છે. પ્રાચીન આર્ષ સિદ્ધાંતોમાં पुलिश અને રોમકનું નામ છે. આની વિશદ ચર્ચા અત્રે અસ્થાને છે. માત્ર આ સિદ્ધાંતકારો યા તેમના સિદ્ધાંતો તે પુરાણા સમયમાં અસ્તિત્વમાં હતા જે સાબિત કરે છે કે આ દેશોમાં જ્યોતિષશાસ્ત્રનો વિકાસ થયેલો હતો યાને સિદ્ધાંતનું જ્ઞાન તેઓમાં સારા પ્રમાણમાં હતું. ‘पुलिश’ આ સિદ્ધાંતનું ગણિત સૂક્ષ્મ નથી. આમાં સૂર્ય-ચંદ્ર અને ગ્રહણનું ગણિત સૂક્ષ્મ નથી, સ્થૂળ છે. અલ્બિરૂનીનો મત છે કે ઍલેક્ઝાન્ડ્રિયાવાસી પોલસના યુનાની સિદ્ધાંતના આધાર પર આની રચના થઈ છે.
ડૉ. કર્ન આ મતને ઠીક માનતા નથી; પરંતુ આ કોઈ યાવનિક ગ્રંથ મૂળ હશે એમ માને છે. જર્મનીનો પ્રસિદ્ધ ઐતિહાસિક વિદ્વાન વેબર કહે છે કે ગ્રીક પોલસનો જે ગ્રંથ પ્રસિદ્ધ થયો છે તેમાં માત્ર ફલિત જ છે, ગણિત નથી. આ મતોની ભિન્નતા એટલું તો પુરવાર કરે છે કે આ સમયમાં ગ્રીસમાં ફલિત અને ગણિત એમ બેય વિભાગનું સારું જ્ઞાન હશે.

ગ્રીસ અને રોમરોમક સિદ્ધાંત : આની રચના યવન જ્યોતિષના આધારે થયેલી છે. આ સિદ્ધાંત અને ગ્રીસ દેશના જ્યોતિષ-સિદ્ધાંત વચ્ચે સામ્ય છે. રોમક સિદ્ધાંતમાં જેટલું વર્ષમાન બતાવેલું છે તેટલું જ વર્ષમાન હિપાર્કસે બતાવ્યું છે. આ વર્ષમાન સાયન છે. આ સિદ્ધાંતમાં 2850 વર્ષનો યુગ માનેલો છે. એક યુગમાં 1050 અધિક માસ તથા 1654 ક્ષય દિન હોય છે. 2850ને 150થી ભાગ આપવામાં આવે તો 19 વર્ષમાં 7 અધિક માસ આવે. આ પ્રમાણ ઈ. સ. પૂ. 430માં થઈ ગયેલા ગ્રીસ દેશના ખગોળવેત્તા મેટનના પ્રમાણ જેટલું જ છે. આ સિદ્ધાંતનું વર્ષમાન 365 દિવસ 5 કલાક 55 મિનિટ અને 12 સેકન્ડ છે. આધુનિક જ્યોતિષ અનુસાર વર્ષમાન 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડનું છે. આ સાયન છે. રોમક સિદ્ધાંતનું વર્ષમાન અને હિપાર્કસનું વર્ષમાન સરખાં છે. આ જોતાં તે યુગમાં યાને લગભગ બે હજાર વર્ષ પૂર્વે પણ આ દેશમાં આ જ્ઞાન હતું, તેમ સિદ્ધ થાય છે.

અરબ રાષ્ટ્રો : ઘણા પ્રાચીન સમયથી અરબ રાષ્ટ્રો સાથે ભારત દેશના અનેક રીતે સંબંધો હતા. અરબો તથા ભારતીયો એકબીજાના દેશોમાં વિચરતા. વ્યાપારી સંબંધો વિશેષ હતા. આમ એકબીજાં રાષ્ટ્રોમાં આ પ્રજાના આવાગમનથી સાહિત્ય અને વિજ્ઞાનની બાબતોમાં પણ એકબીજાં પર અસરો થયેલી. અરબ રાષ્ટ્રવાસીઓ ખગોળવિદ્યાનું સારું જ્ઞાન ધરાવતા. તેમાં ભૌગોલિક કારણો જવાબદાર છે. આ પ્રદેશો તદ્દન ઓછા વરસાદના પ્રદેશો અને લગભગ બારેય માસ નિરભ્ર રહેતા. બીજું, અસહ્ય ગરમીના કારણે આ લોકો મોટે ભાગે રાત્રે મુસાફરી કરતા. તેથી આકાશદર્શનનો સૌથી વધુ લાભ તેઓ મેળવતા. તેમ કરતાં તેઓએ નક્ષત્રતારાઓ વિશે ઘણી માહિતી મેળવી હશે. નક્ષત્ર, તારા અને ગ્રહોના સતત સંપર્કથી ઘણીબધી વાતાવરણની આગાહીઓ આ લોકો સાચી કરી શકતા. તેથી ખગોળશાસ્ત્ર સાથે સંહિતા-વિભાગનું જ્ઞાન પણ આ લોકોમાં વિકસેલું અને ધીમે ધીમે તેઓએ વિકસાવેલું. વખત જતાં આ જ નક્ષત્રો-તારાઓ અને ગ્રહોની વનસ્પતિ-પ્રાણી અને છેવટે માનવજાત પર થતી અસરોનું જ્ઞાન પ્રાપ્ત કરી આ વિજ્ઞાન વિકસાવેલું. આ કાળ દરમિયાન તેઓની અવરજવર-આક્રમણો આ દેશમાં થતાં રહ્યાં અને આ જ્ઞાનનું આદાન-પ્રદાન પણ થયું. આ પ્રદેશોમાં પણ ઘણા જ્યોતિષીઓ આ રીતે થયા હતા.

કેટલાક પાશ્ચાત્ય જ્યોતિષ વૈજ્ઞાનિકો તથા ઇતિહાસકારોના મત પ્રમાણે ભારતે બૅબિલોનિયા પાસેથી નક્ષત્રપદ્ધતિ લીધી હશે; પરંતુ આ બાબત બરાબર નથી. આવા બીજા કેટલાક વિદ્વાનો માને છે કે રાશિઓનાં નામ પણ ગ્રીકો પાસેથી ભારતીયોએ મેળવ્યાં છે. જાતક- પદ્ધતિ પણ તેઓ પાસેથી આવી છે એમ ઠસાવવા તેઓએ પ્રયત્નો કર્યા છે. આ બધી ઘણી વિવાદાસ્પદ બાબતો હોઈ વિવાદના વંટોળમાં અટવાયા કરતાં એક વાતનો મર્મ જાણી શકાય કે ઘણા દૂરના ભૂતકાળમાં આ દેશોમાં આ વિષયોનું જ્ઞાન હતું. એટલે એક બાબત સિદ્ધ થઈ શકે કે અરબ રાષ્ટ્રોમાં સિદ્ધાંતસંહિતા અને જાતકશાસ્ત્રનું સારું એવું જ્ઞાન હતું. છતાં ઘણાબધા વિદ્વાનોના મત-ચર્ચા અને વિવાદનો અંત જોતાં આ જ્ઞાન પૂર્વમાંથી પશ્ચિમમાં ગયેલું છે એ વાત સિદ્ધ થઈ શકે છે.

અરબ રાષ્ટ્રોમાં જાતક વિજ્ઞાન સાથે તાજકશાસ્ત્રનો પણ વિકાસ દેખાય છે. ‘તાજક’ શબ્દ પરથી જ એમ પ્રતીતિ થાય છે કે આ જ્ઞાન ભારતે અરબો પાસેથી મેળવ્યું હોય; પરંતુ આ તર્ક વાજબી નથી. ફક્ત શબ્દો પરથી જ આ બાબત ભારતે તેઓ પાસેથી લીધી છે એવો નિષ્કર્ષ ન નીકળે.

ભારતીય જ્યોતિષના જાતક-વિભાગમાં વરાહમિહિરરચિત ‘બૃહજ્જાતક’ નામનો જાતક ફલાદેશનો પ્રાચીન અને અદભુત ગ્રંથ છે. આ ગ્રંથમાં 36 ગ્રીક શબ્દો છે. દેશની વિવિધ ભાષાઓમાં વપરાતા આવા પરદેશી શબ્દો સાહિત્ય, કાવ્ય યા વિજ્ઞાનના ગ્રંથોમાં આવી જાય તે વાત સ્વાભાવિક છે.

આ જ ગ્રંથમાં આવેલા શબ્દો ‘સુનફા’–‘અનફા’–‘દુર્ધરા’ અને ‘કેમદ્રુમ’ યોગવાચક શબ્દો પણ પરદેશી હોઈ શકે. વળી દ્રેષ્કાણ તથા હોરા એવા બે શબ્દ મળી કુલ 6 શબ્દોના સંસ્કૃત પર્યાયવાચક શબ્દો નથી. આ 6માં પહેલા ચાર યોગો છે. ભારતની દ્રેષ્કાણ પદ્ધતિ ખાલ્ડી અને ઇજિપ્તી લોકો કરતાં જુદી છે એમ કૉલબ્રુક કહે છે. માત્ર 36 શબ્દોથી જ આ જાતક-ગ્રંથ પરદેશી છે યા પરદેશ પાસેથી મેળવેલ જ્ઞાનનો છે એમ કહેવું અતાર્કિક છે. તાત્પર્ય એ છે કે જ્યારે આ ગ્રંથ લખાયો હશે તે કાળમાં યવન રાષ્ટ્રોમાં પણ આ જ્ઞાનને લગતા ગ્રંથો હશે એમ માની શકાય. આ તર્કના આધારે આ રાષ્ટ્રોમાં પણ જ્યોતિષશાસ્ત્રની વિવિધ શાખાઓનું જ્ઞાન અસ્તિત્વમાં હશે એમ સિદ્ધ થાય.

તાજિક શાખા અરબો પાસેથી પ્રાપ્ત થઈ એનો અર્થ એટલો જ છે કે વર્ષ પ્રવેશ કાળમાં જે લગ્ન હોય તે વર્ષ લગ્ન માની તેના ઉપરથી ફળકથન વર્ષ માટે કરી શકાય. આમ એક વર્ષ માટે ફળકથન કરવાની જે વિવિધ બાબતો તાજી હોઈ ‘તાજિક’ એવું નામ અપાયું છે. તાજિક ગ્રંથોમાં આવતા યોગોનાં નામ પણ અરબી ભાષાનાં છે; પરંતુ આવા શબ્દો વ્યવહારમાં વપરાતા હોઈ સાહિત્યમાં આવે એ અજુગતું નથી.

અરબ રાષ્ટ્રોમાં રમલ વિદ્યા પણ અસ્તિત્વ ધરાવતી હતી. આને પાશવિક વિદ્યા યા રમલ કહે છે. રમલ શબ્દ અરબી ભાષાનો શબ્દ છે. આ વિદ્યાના સંસ્કૃત ગ્રંથોમાં જે શબ્દો વપરાયેલા છે તે બધા અરબી શબ્દો છે. આ પરથી કેટલાક વિદ્વાનો એ બતાવવાનો પ્રયાસ કરે કે આ જ્ઞાન ભારતે અરબો પાસેથી લીધું હશે પરંતુ તે વાજબી દેખાતું નથી. રમલ યા અક્ષવિદ્યા ઉપર ભારતમાં પ્રાચીન ગુપ્તકાળમાં લખાયેલા સંસ્કૃત ગ્રંથોથી સાબિત થાય કે આ વિદ્યા પણ પ્રાચીન અને ભારતીય હશે; પરંતુ આ દેશોના યાને અરબ દેશોના લોકોને આ બાબતનું પણ સારું જ્ઞાન હશે એમ સિદ્ધ થઈ શકે.

ચીન : વિશ્વના પ્રાચીન દેશોમાં ચીન પણ આવી જાય. ચીન અને ભારત ભૌગોલિક રીતે પણ જોડાયેલા છે. ચીની મુસાફરો પગરસ્તે ભારતમાં આવેલા – રહેલા – ભણેલા અને ઘણી બધી માહિતી મેળવી ચીન જઈ આ બધું ગ્રંથસ્થ કરેલું એવું તેમનાં પુસ્તકો પરથી જાણી શકાય છે. આ લખાણો આ બેય દેશની સંસ્કૃતિઓ અને વિજ્ઞાનની પ્રગતિના પુરાવાઓ છે. પ્રાચીન ચીનમાં પણ ખગોળજ્ઞાન વિકસેલું હતું. તેવી જ રીતે સંહિતાસ્કંધનું જ્ઞાન પણ ચીનાઓને હતું. જાતકવિજ્ઞાનથી પણ તેઓ પરિચિત હતા.

પ્રાચીન કાળમાં આ જ્યોતિષ-વિદ્યા સારી રીતે વિકસી હશે એમ જણાય છે. ચીનના પ્રાચીન ગ્રંથોમાંથી આ સત્ય જાણી શકાય છે. ચીનના લોકોને રાશિઓના સંકેત અને તેની અન્ય બાબતોનું જ્ઞાન હશે. આ દેશમાં બાર રાશિઓની જગાએ 12 પ્રકારનાં પ્રાણીઓ જેવાં કે ઉંદર, સસલા, ડ્રૅગન, સર્પ, ઘોડો, ઘેટું, વાંદરો, કૂકડો, કૂતરો અને ભુંડ છે. જ્યારે પાંચ તત્વોની જગાએ ધાતુ-પાણી-લાકડું, અગ્નિ અને પૃથ્વી તત્વનો ઉલ્લેખ ફળસૂચક સંજ્ઞાઓ માટે કરેલ છે.

ચીનમાં થતી વર્ષગણનાની પદ્ધતિ જાણવા જેવી છે. ભારતીય ગણના મુજબ સંવત્સરોની સંખ્યા 60 છે. ચીનમાં પણ 60 વર્ષનું વર્ષ- ચક્ર છે. આની ગણતરી ગુરુ પરથી છે. આ સંવત્સર બાર્હસ્પત્ય સંવત્સરને મળતો આવે છે. આ લોકોએ ગુરુની ગતિને એક એક વર્ષના આવર્તન કરી સ્પષ્ટ કરી છે.

રાશિઓ પરથી ભવિષ્ય જોવા માટે અલગ અલગ દેશોની પદ્ધતિઓમાં વૈવિધ્ય હોવા છતાં ઘણી બધી સમાનતા છે. પશ્ચિમના દેશોમાં સૂર્યને વિશેષ મહત્ત્વ આપે છે. ભારતના લોકો ચંદ્રને મહત્વ આપે છે તેમ ચીની લોકો ગુરુને મહત્વ આપે છે.

વર્ષારંભ : આપણા દેશમાં વર્ષારંભ જુદા જુદા લોકો જુદા જુદા મહિનાઓમાં માને છે; પરંતુ સામાન્ય રીતે ચૈત્ર સુદ 1 કે કાર્તિક સુદ 1થી વર્ષારંભ ગણીએ છીએ. પશ્ચિમના લોકો જાન્યુઆરીની 1લી તારીખથી વર્ષારંભ ગણે છે જ્યારે ચીનમાં નવા વર્ષનો આરંભ કંઈક વિચિત્ર છે. ચીનનું નવું વર્ષ ભારતીય મહિનાઓ પ્રમાણે માઘ અથવા ફાગણમાં શરૂ થાય છે. આ બે મહિનાઓમાંથી જે મહિને સુદ પ્રતિપદા અને કુંભના ચંદ્ર સાથે આવે ત્યારથી ચીનનું નવું વર્ષ ગણાય. સામાન્ય રીતે અંગ્રેજી મહિના જાન્યુઆરી કે ફેબ્રુઆરી આવે.

ચીનની વર્ષગણના – વર્ષચક્ર ગુરુ ગ્રહના આધારે કરવામાં આવે છે. ગુરુને રાશિચક્રનું ભ્રમણ પૂરું કરવા માટે 12 વર્ષ જેટલો સમય લાગે છે. ભારતની માફક ચીનાઓ પણ 60 વર્ષના એકમ પ્રમાણે ચાલે છે. ગુરુ બાર વર્ષે રાશિચક્રનું એક વખત ભ્રમણ કરે છે. 60 વર્ષમાં તેનાં પાંચ ભ્રમણ પૂરાં થાય. ગુરુના આવા દરેક પંચવર્ષીય ભ્રમણમાં ખાસ જાતની અસર ઉત્પન્ન થાય છે. આ પાંચ વિભાગને પંચ મહાભૂત તત્વો સાથે જોડી તેના નામથી ઓળખવામાં આવે છે. આ તત્વો ધાતુ, પાણી, લાકડું, અગ્નિ અને પૃથ્વી છે.

આ વર્ષગણનામાં 60 વર્ષના પાંચ ભાગ થયા. દરેક ભાગ 12 વર્ષનો થયો. આ પાંચ ભાગના 60 વિભાગોમાં ગુરુ દરેક વર્ષ એક વિભાગમાં રહે છે. 12 વર્ષે એક રાશિચક્ર પૂરું કરે છે તે મુજબ ગુરુની 12 વર્ષની વધારાની 12 અસર ઉત્પન્ન થઈ. ચીનાઓએ આ 12 અસરોને 12 નામ આપ્યાં છે : ઉંદર, બળદ, વાઘ, સસલું, ડ્રૅગન, સર્પ, ઘોડો, ઘેટું, વાંદરો, કૂકડો, કૂતરો અને ભુંડ. ગુરુનાં આ બાર વર્ષ 12 પશુઓથી ઓળખાય છે. આ પશુઓના નામથી જ વર્ષનું નામ ઓળખાય છે. પ્રત્યેક વર્ષ જે પશુના નામથી શરૂ થતું હોય તે પશુના જેવા સ્વભાવ, રીતભાત અને વર્તન મુજબનું હોય છે. ગુરુના 60 વર્ષના પાંચ ભ્રમણચક્રના ક્રમાંકને તત્વોથી દરેક ચક્રના દરેક વર્ષને પશુઓના ક્રમાંકથી દર્શાવાય છે. આમ પાંચ તત્વ ગુણ્યા 12 પશુઓ મુજબ કુલ 60 વર્ષે એક મોટું ચક્ર પૂરું થયા બાદ પુનરાવર્તન થાય.

વ્યક્તિનું ભવિષ્ય જાણવા માટે આ ગણિત મુજબ પંચાંગ બનાવીને તેનો ઉપયોગ કરી શકાય. પાંચ તત્વો ધાતુ, પાણી, લાકડું, અગ્નિ અને પૃથ્વી છે. આના ગુણદોષ પરથી વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે.

પાંચ તત્વોના ગુણદોષ જાણ્યા પછી બાર રાશિઓના ગુણદોષ જાણી જાતકનો ફલાદેશ જાણી શકાય.

(1) ઉંદર : ખોદવાની, તરવાની, ઉપર ચઢવાની કળા જાણે છે. સ્વભાવ ચંચળ છે. બહાદુર છે. નીડર છે. ભવિષ્યમાં આવનારી આપત્તિનો સંકેત જાણે છે. અંધારામાં આવેલી વસ્તુઓ ઉપર વધુ આકર્ષણ હોય છે. અજાણ્યા પ્રદેશો – જગાઓ ખોદે છે. ઘરને અનેક પ્રવેશ અને નિર્ગમ દ્વારો રાખે છે. ઊંડા ભેદ જાણે છે. પોતાનાં કામ પોતાની જાતે કરતા હોય છે. આ રાશિનાં જાણીતાં ઉદાહરણો શેક્સપિયર, માઉન્ટ બેટન.

(2) બળદ : ભાર ખેંચતું પ્રાણી. ભાર ખેંચવામાં જ જીવન પૂરું કરે. સ્વભાવે શાંત–વિશ્વસનીય હોય. નર વધુ આક્રમક હોય, માદા ઈર્ષ્યાળુ હોય, બેઉને વાગોળવાની ટેવ હોય. ઉદા., એડૉલ્ફ હિટલર, વૉલ્ટ ડિઝની, ચાર્લી ચૅપ્લિન.

(3) વાઘ : ભય પેદા કરનાર પ્રાણી. ઝનૂની. ભૂખ્યો હોય તો હુમલો કરે. કનડનારને મારી નાખે. આ વર્ષમાં જન્મેલી કન્યા તકલીફ આપે. તેના પતિને વધારે ત્રાસ આપે. નર આળસુ, વધુ એકલપેટો. પોતાની રીતે રખડવું ગમે. મુસીબતોને ખતમ કરવાની શક્તિ હોય. ઉદા. રાણી એલિઝાબેથ, કાર્લ માર્કસ.

(4) સસલું : ધરતીના ઊંડાણમાં શાંતિથી રહે. ડરપોક, સંવેદનશીલ. હિંસક પ્રાણીથી ડરનાર. પાલતુ પ્રાણી બની શકે. મુશ્કેલીથી દૂર ભાગે. અજાણ્યા પ્રદેશમાં જાય નહિ, આજીવિકાનું સ્થાન નજીક પસંદ કરે. હંમેશાં સલામતી ઝંખે. પોતાના દરને એકથી વધુ રસ્તાઓ રાખે. મોટો અવાજ, હિંસા અને ઘાતકીપણાથી દૂર ભાગે; ઉદા. મહારાણી વિક્ટોરિયા.

(5) ડ્રૅગન : પૌરાણિક, અપૂર્વ, અતુલ્ય અને અદભુત પ્રાણી. પોતાની રાખમાંથી સજીવન થઈ ઊઠવાની, ઊડવાની શક્તિ ધરાવે છે. આ પશુના વર્ષમાં જન્મેલ વ્યક્તિ પોતાનામાં રહેલી યુક્તિઓને દર્શાવવાની શક્તિ ધરાવે છે. સીમા અથવા ડર સ્વીકારતું નથી. પોતાના માટે કંઈ અશક્ય હોતું નથી. સંકુચિતતા રાખતું નથી. કોઈની ચાકરી કરવાનું તેને ગમતું નથી. સ્વતંત્રતાપ્રિય પ્રાણી છે; ઉદા. અબ્રાહમ લિંકન, બર્નાડ શૉ, ચાર્લ્સ ડાર્વિન.

(6) સાપ : નાનાથી માંડી મોટા અજગર જેવા હોય. કેટલાક ઝેરી કેટલાક બિનઝેરી. જ્યાં સુધી પોતાને કનડગત કરવામાં ન આવે યા ભૂખ્યા ન થાય ત્યાં સુધી ગુસ્સે ન થાય. ગુસ્સે થતાં વીજળીની ગતિથી ભાગે. નિયમિત રીતે પોતાની કાંચળી ઉતારે છે મતલબ કે બદલવાની અને નવું કરવાની શક્તિ ધરાવે છે. અર્દશ્ય થવામાં પ્રવીણ. પ્રવૃત્તિઓ ભવ્ય. ખોટા દાવપેચમાં સમય ન બગાડે, શક્તિનો દુર્વ્યય ન કરે, શાંતિ ઝંખે; ઉદા. જ્હૉન કૅનેડી, પાબ્લો પિકાસો.

(7) ઘોડો : કામ કરવા માટે આતુર. અંકુશ યા લગામની જરૂર રહે. સ્વતંત્રતાપ્રિય પ્રાણી. મોટી અને ખુલ્લી જગાઓ વધુ પસંદ હોય. આ પ્રાણીમાં શક્તિ, સહનશક્તિ અને ઝડપ હોય છે. આ બાબતો ઉપયોગી, ઉદ્યોગી અને ચપળ જિંદગી માટે જરૂરી હોય છે. આને ખોટાં લાડ ન લડાવવાં. જે કનડે તેને લાત મારે. સારો વર્તાવ કરનાર સાથે દોસ્ત બને. રમતો અને તોફાનમસ્તી વધુ પસંદ. તેની પાસે મરજી વિરુદ્ધ કામ ન કરાવી શકાય. યાદશક્તિ તીવ્ર હોય છે. હઠીલું પ્રાણી છે; ઉદા. પ્રિન્સેસ માર્ગારેટ, રોઝર બુશ.

(8) ઘેટું : નર ઘેટા લડાઈખોર, જુસ્સાવાળા અને જક્કી હોય, માદા નમ્ર-શાંત હોય. પોતાનાં બચ્ચાંને વધુ ચાહે. સમૂહ અને અવિભક્ત કુટુંબ વધુ પસંદ કરે. મિત્રોની કંપની ચાહે. રૂઢિ પ્રમાણે અને આગેવાનની પાછળ દોરવાય. ઉદા. સર લૉરેન્સ, ક્લેમેન્ટ એટલી, જૉન ગ્રાંટ.

(9) વાંદરો : ચપળ, હોશિયાર, બુદ્ધિશાળી પ્રાણી. ડાહ્યો વાંદરો કદી કોઈની બૂરાઈ ન કરે, બૂરાઈ ન સાંભળે, બદબોઈ ન કરે. લાંબા સમય સુધી શાંત-ગંભીર રહે. મસ્તીખોર પણ ખરું. નકલ કરનાર, મજાકપ્રિય, લુચ્ચાઈ, ઝઘડાખોરી, સ્વાર્થીપણું અને અસ્થિરતા પણ હોય. ઇચ્છેલી વસ્તુ ન મળે તો ગુસ્સે થાય. રમતપ્રિય અને આનંદપ્રિય. કંઈક ઢોંગી હોય. માદા બચ્ચાની કાળજી વિશેષ કરે; ઉદા. એલિઝાબેથ ટેલર, વિલિયમ મેકમેહોન, રાજીવ ગાંધી.

(10) કૂકડો : વહેલા ઊઠવા–જાગવાની ટેવ. પ્રવૃત્તિમય જીવન. માદા ખૂબ જ ઉત્પાદક. નર ગુસ્સાદાર અને આક્રમક. પ્રાણાંત યુદ્ધ કરે. દંભી, ગર્વિષ્ઠ, આત્મવિશ્વાસુ હોય. ખૂબ ઊંચે ઊડી ન શકે. આ વર્ષમાં જન્મેલા ઊંચી આશાઓ રાખે પણ પાછા પૃથ્વી પર આવી જાય. નર-માદા બંને ખુલ્લા અને ઉદાર દિલનાં હોય. ખુમારીવાળું પ્રાણી; ઉદા. પ્રિન્સ ફિલિપ્સ, દાદાભાઈ નવરોજી.

(11) કૂતરો : ઘરનો રક્ષક, વફાદાર પ્રાણી. ઈર્ષ્યાળુ, ત્વરિત પરિવર્તનશીલ. પોતાના ચાહક પર પણ હુમલો કરે. તેના ભસવામાં સહાયતા અને ચેતવણીની સંજ્ઞા હોય. આ વર્ષમાં જન્મેલાં સતત બીજાંને શિખામણ આપતાં રહે. રોટલો આપનારની ખુશામત કરે. પેટ બતાવે, પૂંછડી હલાવે. ઘ્રાણેન્દ્રિય તીવ્ર હોય; ઉદા. ગ્રેહામ કૅનેડી, વિન્સ્ટન ચર્ચિલ (બુલડૉગ).

(12) ભુંડ : નર હોય કે માદા કદી ઊંચે જોતું નથી. હંમેશાં નીચી મુંડીએ ચાલે. પાર્થિવ પ્રાણી. ખૂબ મજબૂત આશાઓ-ઇચ્છાઓવાળું પ્રાણી. ગંદકીપ્રિય, અતિકામી. ગંદકી આરોગી સમાજસેવા કરે; ઉદા. લૉઇડ જ્યૉર્જ, એલિંગ્ટન, ચાર્લ્સ બાસ્ટન.

ચીની પંચાંગનું ગણિત ખૂબ જ કાળજીપૂર્વક કરવું પડે છે; કારણ કે તેનો વર્ષારંભ આઘોપાછો આવે છે.

આ રીતે ભારતેતર દેશો પૈકી અમેરિકા, મેક્સિકો, ખાલ્ડિયા, ઇટાલી, ગ્રીસ, અરબ રાષ્ટ્રો તથા ચીન દેશોમાં જ્યોતિષ-જ્ઞાન યા વિદ્યાની સ્થિતિનો સામાન્ય ખ્યાલ આપવાનો પ્રયાસ છે.

નટવરલાલ પુરોહિત