જોશી, રાજેશ (જ. 1946, નરસિંહગઢ, મધ્યપ્રદેશ) : હિંદી કવિ, અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દો પંક્તિયોં કે બીચ’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે જંતુવિજ્ઞાનમાં એમ.એસસી. અને સમાજશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. રેખાચિત્રો બનાવવાં તે તેમની રુચિનો વિષય છે. 1972થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું અને તેમની કાવ્ય-રચનાઓ ‘વાતાયન’, ‘લહર’, ‘પહલ’, ‘ધર્મયુગ’, ‘સાપ્તાહિક હિંદુસ્તાન’, ‘સારિકા’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થતી. તેઓ નિરાલા, નાગાર્જુન, ત્રિલોચન, મુક્તિબોધ જેવા પ્રગતિશીલ કવિઓથી પ્રભાવિત રહ્યા છે.
તેમણે 4 કાવ્યસંગ્રહો, 2 વાર્તાસંગ્રહો અને 4 નાટકો આપ્યાં છે. ‘સમરગાથા’ નામક દીર્ઘ કાવ્ય પણ પ્રગટ કર્યું છે. તેમણે માયકૉવસ્કીનાં કાવ્યોનો હિંદી અનુવાદ ‘પતલૂન પહને બાદલ’ અને ભર્તૃહરિનાં કાવ્યોનો અનુવાદ ‘ભૂમિ કા કલ્પતરુ’ નામથી કર્યો છે. ‘ગેંદ નિરાલી મિટ્ઠુ’ નામનો તેમનો બાળકાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયો છે. તેમનાં કાવ્યો અંગ્રેજી, જર્મન, રશિયન, ઉર્દૂ અને અન્ય ભારતીય ભાષાઓમાં અનૂદિત કરવામાં આવ્યાં છે. તેઓ ત્રૈમાસિક મૅગેઝિન ‘ઇસ લિયે’નું સંપાદન અને પ્રકાશન પણ કરે છે. તેમણે લઘુ ફિલ્મોની પટકથા લખી છે તેમજ ‘પિયાનો બિકાઉ હૈ’ નાટકનું દિગ્દર્શન પણ કર્યું છે. સાહિત્યિક સેવા બદલ તેમને મુક્તિબોધ પુરસ્કાર, માખનલાલ ચતુર્વેદી પુરસ્કાર, શ્રીકાંત વર્મા સ્મૃતિ સન્માન, શમશેર સન્માન, પહલ સન્માન અને શિખર સન્માન(2002)થી વિભૂષિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘દો પંક્તિયોં કે બીચ’ તેમની પોતાની કાવ્ય-પરંપરાનું વિકસિત સ્વરૂપ છે. તેમાં નિરંતરતા અને નવીનતાનો આગ્રહ જોવા મળે છે. નાની વસ્તુઓનો મોટો અનુભવ તેમની બીજી વિશેષતા છે. માનવતાનાં મૂલ્યોના હ્રાસ પ્રત્યે ચિંતા, બજારનો વધતો જતો હુમલો અને યાંત્રિકતા સાથે માનવતાની અથડામણ આ કાવ્યોમાં વિશેષ રૂપે વ્યક્ત થતી હોવાથી આ કૃતિ હિંદીમાં લખેલી ભારતીય કવિતાનું એક નોંધપાત્ર પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા