જોશી, લક્ષ્મણશાસ્ત્રી

January, 2014

જોશી, લક્ષ્મણશાસ્ત્રી (જ. 27 જાન્યુઆરી 1901, પિંપળનેર; અ. 27 મે 1992, મહાબળેશ્વર) : મહારાષ્ટ્રના અગ્રણી ચિંતક, સંસ્કૃતના પ્રકાંડ પંડિત તથા મરાઠી વિશ્વકોશના આદ્ય સંપાદક. પિતાનું નામ બાળાજી તથા માતાનું નામ ચંદ્રભાગા. 1915માં તેઓ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના વાઈ ગામની પ્રજ્ઞા પાઠશાળામાં દાખલ થયા, જ્યાં તેમને શ્રેષ્ઠ કોટિના સંસ્કૃતના વિદ્વાન કેવલાનંદ સરસ્વતી(1877–1955)નું માર્ગદર્શન પ્રાપ્ત થયું. વ્યાકરણ, ન્યાય, મીમાંસા તથા અદ્વૈત વેદાન્તના વધુ અભ્યાસાર્થે 1918માં વારાણસી ગયા હતા. આ પછી તેમણે કૉલકાતાના શાસકીય સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી ‘તર્કતીર્થ’ પદવી મેળવી. સાથોસાથ સ્વપ્રયત્નથી તેમણે અંગ્રેજી ભાષા ઉપરાંત પશ્ચિમના પ્રમાણભૂત અને ઉચ્ચકોટિનાં વિજ્ઞાન અને તત્વજ્ઞાનનું અધ્યયન કર્યું.

1922માં તેઓ વાઈની પાઠશાળામાં વ્યાખ્યાતા તરીકે જોડાયા હતા. આ પાઠશાળાનું વાતાવરણ પ્રગતિશીલ વિચારસરણી તથા રાષ્ટ્રીયતાથી ઓતપ્રોત હોવાથી લક્ષ્મણશાસ્ત્રીજીએ તેમાંથી રાષ્ટ્રીય આંદોલન તથા સામાજિક સુધારણાની ચળવળોમાં સક્રિય ભાગ લેવાની પ્રેરણા મેળવી. મહાત્મા ગાંધીજીના અસ્પૃશ્યતાનિવારણના કાર્યને સમર્થન કરે તેવું હિંદુ ધર્મશાસ્ત્રોને આધારે તેમણે ભાષ્ય તૈયાર કરી આપ્યું હતું. 1930–32 દરમિયાન સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા માટે તેમને બે વાર છ-છ માસનો કારાવાસ ભોગવવો પડ્યો હતો. 1936માં તે નવમાનવતાવાદના જનક રૅડિકલ હ્યૂમૅનિસ્ટ એમ. એન. રૉય (1887–1954)ના રૅડિકલ ડેમૉક્રૅટિક પક્ષમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા (1936–48). 1940 સુધી અને ત્યારબાદ આઝાદી પછી પણ ભારતીય રાષ્ટ્રીય કાગ્રેસ સાથે તેમનું સૈદ્ધાંતિક જોડાણ ચાલુ રહ્યું હતું.

વાઈની પાઠશાળાને બૃહદ્ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઉપસાવવામાં તથા વાઈ ગામના બહુવિધ વિકાસમાં તેમનું નેતૃત્વ નિર્ણાયક નીવડ્યું હતું. ગામમાં હરિજન વિદ્યાર્થી છાત્રાલય, હાથથી બનાવવામાં આવતા કાગળનું કારખાનું, અદ્યતન મુદ્રણાલય વગેરે પ્રવૃત્તિઓને તેમણે સફળતાથી ચાલના આપી હતી. 11 ખંડોમાં પ્રકાશિત થયેલ બૃહદ્ ધર્મકોશ અને મીમાંસાકોશના સંપાદનનું બહુમૂલ્ય કાર્ય પણ તેમણે કર્યું હતું. આ ગ્રંથોમાં ભારતનાં પ્રાચીન શાસ્ત્રોમાંથી કુટુંબસંસ્થા, હિંદુ સંસ્કારો, જ્ઞાતિપ્રથા, લગ્નવ્યવસ્થા, નીતિશાસ્ત્ર, ભારતીય દર્શન વગેરે અંગે સંકલિત કરેલી અધિકૃત માહિતી સમાવી લેવામાં આવી છે. ગામના મહાવિદ્યાલયની સ્થાપનામાં પણ તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી.

લક્ષ્મણશાસ્ત્રી જોશી

મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય-સંસ્કૃતિ મંડળની સ્થાપના (1960) થઈ ત્યારથી તેઓ તેના અધ્યક્ષ હતા. મરાઠી ભાષા અને મરાઠી સાહિત્ય અંગેની વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત મરાઠી ભાષામાં વીસ ગ્રંથોની શ્રેણી દ્વારા વિશ્વકોશ તૈયાર કરવાના કાર્યમાં પણ તેમનું નેતૃત્વ તથા તેમની ક્રિયાશીલતાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમની હયાતીમાં તેમણે સંપાદન કરેલા મરાઠી વિશ્વકોશના ચૌદ ખંડો ઉપરાંત એક અલાયદો પરિભાષાકોશ પણ પ્રકાશિત થયો છે.

તેમણે દેશવિદેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો, જેમાં અમેરિકા, રશિયા, યુરોપ ખંડના વિવિધ દેશો, એશિયા તથા આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક દેશોની ભારત સરકારના પ્રતિનિધિ મંડળના સદસ્ય તરીકે તેમણે મુલાકાત લીધી હતી. 1951માં પ્રભાસ પાટણ ખાતેના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે મુખ્ય પુરોહિત તરીકે તેઓ હાજર રહ્યા હતા. 1925માં કુકુરમુંડે ખાતે આયોજિત સનાતન ધર્મપરિષદ તથા 1929માં વારાણસી ખાતે આયોજિત સંસ્કૃત પંડિતોના અખિલ ભારતીય સંમેલનમાં ભાગ લઈ તેમણે ધર્મસુધારણાનું જાહેર સમર્થન કર્યું હતું. ભારતના બંધારણનું સંસ્કૃત ભાષાંતર પણ તેમણે કર્યું છે. 1954માં દિલ્હી ખાતે આયોજિત અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના તેઓ અધ્યક્ષ હતા. હિંદી રાષ્ટ્રભાષા પ્રસાર સમિતિના કાર્યમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા. 1989માં તેઓ સાહિત્ય અકાદમીના સભ્ય બન્યા હતા.

1975માં મુંબઈ યુનિવર્સિટીએ તેમને એલએલ.ડી.ની માનદ પદવી એનાયત કરી હતી. ભારત સરકારે 1973માં સંસ્કૃત પંડિત તરીકે તેમને સન્માન્યા હતા. 1976માં તેમને ‘પદ્મભૂષણ’ પદવી એનાયત કરવામાં આવી હતી.

1975માં સમગ્ર મહારાષ્ટ્રમાં તેમનો અમૃત મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો, અને તે માટે રચાયેલી સમિતિએ તેમના લેખો સંકલિત કરી ગ્રંથ રૂપે પ્રગટ કરવાનો નિર્ણય લીધો હતો.

તેમણે વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જન કર્યું છે : ‘શુદ્ધિસર્વસ્વમ્’ (1934), ‘આનંદમીમાંસા’ (1938), ‘હિંદુ ધર્માચી સમીક્ષા’ (1941 : પ્રવચનોનો સંગ્રહ), ‘જડવાદ’ (1941), ‘વૈદિક સંસ્કૃતિચા વિકાસ’ (1951 તથા 1974), ‘આધુનિક મરાઠી સાહિત્યાચી સમીક્ષા વ રસસિદ્ધાંત’ (1973), ‘નવમાનવતાવાદ’, ‘નિરીશ્વરવાદ’ તથા ‘ચાર્વાક સમીક્ષા’ તેમના સ્વતંત્ર ગ્રંથો છે. ઉપરાંત, ‘રાજવાડે લેખસંગ્રહ’ (1964) તથા ‘લોકમાન્ય ટિળક લેખસંગ્રહ’ (1969) અને ‘ધર્મકોશ’ (11 ખંડો) તેમણે સંપાદન કરેલા ગ્રંથો છે. વિવિધ વિષયો પરના લેખો તથા તેમણે આપેલાં વ્યાખ્યાનો પણ ગ્રંથ રૂપે પ્રગટ થયેલાં છે.

આદિ શંકરાચાર્યનું ચરિત્ર લખવાની તેમની નેમ હતી; પરંતુ તે કાર્યાન્વિત થઈ શકી ન હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે