જોશી, રમણલાલ જેઠાલાલ

January, 2014

જોશી, રમણલાલ જેઠાલાલ (જ. 22 મે 1926, હીરપુરા, તા. વિજાપુર. અવસાન 10 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : ગુજરાતી વિવેચક, સંપાદક, પ્રાધ્યાપક. પ્રાથમિક શિક્ષણ વતન વડનગરમાં, ઉત્તર ગુજરાતમાં; માધ્યમિક શિક્ષણ વિજાપુર તાલુકાના પિલવાઈ ગામમાં. કૉલેજનું શિક્ષણ વડોદરામાં. 1950માં તેઓ ગુજરાતી મુખ્ય તથા સંસ્કૃત ગૌણ વિષય સાથે, બી.એ.ની પરીક્ષામાં સમગ્ર મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. 1954માં એમ.એ.માં ઉચ્ચ દ્વિતીય વર્ગ સાથે યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે  ઉત્તીર્ણ થયા. 1962માં ગુજરાત યુનિવર્સિટીમાંથી શ્રી ઉમાશંકર જોશીના માર્ગદર્શન હેઠળ ‘ગોવર્ધનરામ એક અધ્યયન’ વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી. થયા.

રમણલાલ જોશી 1954થી 1959 સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ‘રિસર્ચ ફેલો’ રહ્યા. 1959થી 1962નાં ત્રણેક વર્ષ અમદાવાદની જી.એલ.એસ. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. 1962થી 1968 સુધી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં વ્યાખ્યાતા રહ્યા. 1969માં તેઓ ગુજરાતી વિભાગમાં રીડર અને 1979માં પ્રોફેસર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા. ત્યારબાદ એમણે ભાષા-ભવનના ડિરેક્ટર તરીકેની જવાબદારી પણ સંભાળેલી અને 1986માં તેઓ આ પદેથી નિવૃત્ત થયા. એ પછી પણ ગુજરાત યુનિવર્સિટીમાં ‘કૉલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ’ના ડિરેક્ટર તરીકેની તેમણે સેવાઓ આપી. 1988માં તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તરફથી એમિરિટસ પ્રોફેસર તરીકે નિમાયા હતા. આ ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઓની અભ્યાસસમિતિઓ, એકૅડેમિક કાઉન્સિલ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર્સ પસંદ કરવાની ‘સર્ચ કમિટીઝ’ વગેરેમાં એમણે સક્રિય યોગદાન આપ્યું હતું.

રમણલાલ જોશી 1985માં ગુજરાતી અધ્યાપક સંઘના 36મા અધિવેશનમાં અધ્યક્ષ બન્યા. 1984થી 1988 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ અને 1986–87નાં વર્ષોમાં ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી. 1984માં તેમના વિવેચનગ્રંથ ‘વિવેચનની પ્રક્રિયા’ને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત, 1993માં શ્રી અનંતરાય રાવળ વિવેચન ઍવૉર્ડ, 2002માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’ જેવાં સાહિત્યજગતનાં અનેકવિધ સન્માનો પણ એમને પ્રાપ્ત થયાં હતાં.

ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે ડૉ. રમણલાલ જોશીનું મુખ્ય પ્રદાન વિવેચન અને સંપાદનક્ષેત્રે છે. તેમનો મહાનિબંધ ‘ગોવર્ધનરામ એક અધ્યયન’ 1963માં પ્રગટ થયો ત્યારે આ પ્રકારના સંશોધન-અભ્યાસગ્રંથોમાં નમૂનારૂપ લેખાયો. 1978માં તેની સંશોધિત આવૃત્તિ પ્રગટ થઈ. 1979 અને 1980માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ અંગ્રેજીમાં, હિન્દીમાં, કન્નડ, તમિળ તેમજ ભારતની બીજી ભાષાઓમાં ગોવર્ધનરામ વિશેના તેમણે લખેલા ‘મોનોગ્રામ’ પ્રસિદ્ધ કર્યા. 1983માં તેમના સંપાદન હેઠળ ‘ગોવર્ધન પ્રતિભા’ ગ્રંથ પ્રગટ થયો. ગોવર્ધનરામ અને ગોવર્ધન સાહિત્યના ઊંડા અભ્યાસી તરીકે ડૉ. જોશીએ અવારનવાર લખ્યું છે.

રમણલાલે વિવેચનક્ષેત્રે એકધારું પ્રદાન કર્યું છે અને પ્રશિષ્ટ સાહિત્ય અને સાહિત્યકારોની સાથે સાથે સર્જાતા સાહિત્યના સતત સંપર્કમાં રહીને એમના વિવેચ્ય વિષયોમાં એને પણ આવરી લીધું છે. ‘અભીપ્સા’ (1968, 1978), ‘પરિમાણ’ (1969), ‘શબ્દસેતુ’ (1970), ‘પ્રત્યય’ (1970), ‘ભારતીય નવલકથા’ (1974), ‘સમાન્તર’ (1976, 1978), ‘વિનિયોગ’ (1977), ‘વિવેચનની પ્રક્રિયા’ (1981), ‘પરિવેશ’ (1988), ‘નિષ્પત્તિ’ (1988), ‘વિવેચનની આબોહવા’ (1989), ‘નિરૂપણ’ (1999), ‘ગ્રંથનો પંથ’ (1999), ‘ગ્રંથની કેડીએ’ (2003) એમના વિવેચનસંગ્રહો છે. ઉપરાંત, ‘Variations on a theme : Essays on Gujarati Literature’ (1993) એ એમનાં ગુજરાતી સાહિત્ય વિશેનાં અંગ્રેજી લક્ષણોનો સંગ્રહ છે જે ‘PEN’, ‘Indian Literature’ જેવાં સામયિકોમાં પ્રગટ થયાં હતાં. 1963માં ‘ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી’માં એ વર્ષ દરમિયાન પ્રગટ થયેલાં પુસ્તકોની સમીક્ષાઓ છે. સાહિત્ય અકાદમી-દિલ્હી તરફથી પ્રકાશિત ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ના પાંચ ભાગ તૈયાર કરવા માટે ગુજરાતી ભાષાના ક્ધવીનર તરીકેની મહત્ત્વની કામગીરી પણ એમને સોંપવામાં આવી હતી.

‘શબ્દલોકના યાત્રીઓ’ ભા. 1-2 (1983) અને ‘અક્ષરના આરાધકો’ ભા. 1-2 (1999)માં 256 જેટલા ગુજરાતી સાહિત્યકારોનાં રેખાચિત્રો છે.

રમણભાઈએ સંશોધન-સંપાદનક્ષેત્રે પણ ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે. ‘અખેગીતા’ (ઉમાશંકર જોશી સાથે, 1967, 1978)માં એમના મધ્યકાલીન સાહિત્યના સ્વાધ્યાયનો પરિચય પ્રાપ્ત થાય છે તો ‘ઉત્તમલાલ ત્રિવેદીના ગદ્યરિદ્ધિ’ (રામપ્રસાદ બક્ષી સાથે, 1971)માં એમની આગવી સંપાદનસૂઝ પ્રગટ થાય છે. એમણે ‘અખાનાં કાવ્યો’ (1985)માં અખાની ઉત્તમ કવિતાનું સંપાદન કર્યું છે તો ‘કાવ્યસંચય-3’ (જયંત પાઠક સાથે, 1981)માં શ્રેષ્ઠ કવિતાઓનું સંપાદન કર્યું છે. ઉપરાંત તેમણે સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત (લે. ગોવર્ધનરામ ત્રિપાઠી) અને કવિજીવન (લે. નવલરામ લ. પંડ્યા 1966, 1995) ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ, ‘ફૂલ ઝરે ગુલમહોર’ (1982, 1984, 1991, 1995, 2008), ‘સુન્દરમનાં કાવ્યો’ (1993), ‘ઈશ’ (લે. સુન્દરમ્ ભોળાભાઈ પટેલ સાથે, 1995), ‘લોકલીલા’ (કૃષ્ણ સુદામાનો એક પ્રવાસ, ભોળાભાઈ પટેલ સાથે, 1995), ‘સુન્દરમની પ્રતિનિધિ વાર્તાઓ’ (2003), ‘કવિ દયારામનો અક્ષરદેહ’ (2004), ‘લીલાવતી જીવનકલા’ (2004) જેવાં સંપાદનો પણ આપ્યાં છે. તેમણે 1976થી ગુજરાતી સાહિત્ય સર્જકોનો પરિચય આપતી ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ સંપાદિત કરવી શરૂ કરી હતી. મહત્ત્વના સમકાલીન, અર્વાચીન અને આધુનિક સાહિત્યકારોનાં જીવન અને સાહિત્યસર્જનનો પરિચય કરાવતી આ શ્રેણીમાં 48 લઘુગ્રંથો પ્રકાશિત થયા છે. આ લઘુગ્રંથોમાંથી મોટાભાગના ગ્રંથોની એકથી વિશેષ આવૃત્તિઓ થઈ.

ડૉ. રમણલાલ જોશીએ 1990માં ‘ઉદ્દેશ’ નામે ‘સાહિત્ય અને જીવનવિચારનું સામયિક’ શરૂ કર્યું. 15 ઑગસ્ટ, 1990માં સુન્દરમે કરેલા નામકરણ સાથે એનો પ્રથમ અંક પ્રગટ થયો હતો. તેમણે એ પૂરી નિસબત સાથે અંતિમ શ્વાસ સુધી અવિરત ચલાવ્યું અને સુખ્યાત કે અલ્પખ્યાત કલમોને કે પછી જૂની અને નવી સર્જક-વિવેચક પ્રતિભાઓને એકસાથે મૂકી આપી. સાહિત્યના બધા જ પ્રકારોને આ માસિકમાં એ સ્થાન આપતા રહ્યા અને નવી કલમોને ઘડતા રહ્યા. એમના અવસાન પછી પણ આ સામયિક નિયમિત રીતે અદ્યપર્યંત પ્રકાશિત થતું રહ્યું છે. ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વના ઇતિહાસમાં પણ રમણલાલ જોશીનું સીમાચિહનરૂપ સ્થાન છે. ‘જન્મભૂમિ’, ‘જનસત્તા-લોકસત્તા’, ‘ફૂલછાબ’, ‘સમભાવ’ જેવાં વર્તમાનપત્રોમાં પણ એ નિયમિત રીતે લખતા રહેલા. ‘અક્ષરની આબોહવામાં’, ‘શબ્દ-પ્રતિશબ્દ’, ‘સાહિત્ય-સંવેદના’ જેવી એમની કટારો ખૂબ લોકપ્રિય નીવડી હતી. એમાં એમણે ગુજરાતી સાહિત્ય ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓના સાહિત્યસંદર્ભે કે પછી પશ્ચિમના સાહિત્યકારો કે સાહિત્યકૃતિઓ વિશે પણ લખ્યું છે, તો ગઈકાલના સાહિત્યની સાથોસાથ અર્વાચીન કે આધુનિક વિશે લખવાનું પણ કર્યું છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ

પ્રબોધ જોશી