જૉલિયો-ક્યૂરી ફ્રેડરિક (જ. 19 માર્ચ 1900, પૅરિસ, ફ્રાન્સ; અ. 14 ઑગસ્ટ 1958, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ભૌતિક રસાયણવિદ. જેમને 1935માં પત્ની આઇરીન ક્યૂરી સાથે, સંયુક્ત રીતે, નવાં કૃત્રિમ રેડિયોઍક્ટિવ તત્વોની શોધ માટે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અર્પણ થયો હતો.
અભ્યાસ કરતાં, ફ્રેડરિક ખેલકૂદમાં આગળ હતા. કૌટુંબિક સંજોગોને કારણે, વિના-શુલ્ક શિક્ષણ માટે લેવોઝિયર મ્યુનિસિપલ સ્કૂલમાં જવાની ફરજ પડી, જ્યાંથી પ્રથમ ક્રમ સાથે ઇજનેરીમાં સ્નાતક બન્યા. પછી લશ્કરી સેવામાં જોડાયા. લશ્કરી સેવાઓ પૂરી કર્યા બાદ તેમણે સંશોધન માટેની શિષ્યવૃત્તિ મેળવી અને ભૌતિકશાસ્ત્રી પૉલ લૅન્ગેવિનની ભલામણથી 1925માં મેરી ક્યૂરીએ પોતાની પ્રયોગશાળામાં તેમને મદદનીશ તરીકે રાખ્યા. અહીં ફ્રેડરિકની ક્યૂરીની પુત્રી આઇરીન સાથે મુલાકાત થઈ. મુલાકાત દરમિયાન આઇરીનને લાગ્યું કે ફ્રેડરિક પોતાની સાથે વિજ્ઞાન, કળા, ખેલકૂદ અને માનવવાદમાં સહયોગ સાધી શકે તેમ છે તેથી 26 ઑક્ટોબર, 1926ના રોજ બંને લગ્નગ્રંથિથી જોડાયાં. હવે ફ્રેડરિક જૉલિયો-ક્યૂરી બન્યા. આઇરીનના માર્ગદર્શન હેઠળ ફ્રેડરિકે પ્રાયોગિક રીતરસમો શીખી લીધી. સાથે વધુ આવક માટે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. 1928થી બધા જ વૈજ્ઞાનિક-લેખો તેઓ બંને સંયુક્ત રીતે તૈયાર કરતાં હતાં. પત્ની આઇરીન સાથે કૃત્રિમ રેડિયોઍક્ટિવ તત્વો, ન્યૂટ્રૉન અને ધન ઇલેક્ટ્રૉન પૉઝિટ્રૉન ઉપર તેમણે અનેક સંશોધન કર્યાં.
1937માં ફ્રેડરિકની નિમણૂક ફ્રાન્સ-દ-કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે થઈ. તે દરમિયાન નવા વિકિરણસ્રોત તૈયાર કરવા પાછળ તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની દેખરેખ નીચે આર્ક્યુલકાકાન અને આવરી ખાતે તૈયાર થઈ રહેલ પ્રવેગક (accelerator) અને ફ્રાન્સ-દ-કૉલેજમાં 7 MeVના સાઇક્લોટ્રૉન તૈયાર થયાં. [1 Mev = 1 મિલિયન ઇલેક્ટ્રૉન વોલ્ટ = 106 eV = 1.6 10-13 જૂલ]
1941માં ‘નૅશનલ ફ્રન્ટ કમિટી’ની રચનામાં તેમણે ભાગ લીધો હતો. 1956માં સામ્યવાદી પક્ષના મધ્યસ્થ સમિતિના સભ્ય બન્યા. જ્યારે તેમનાં પત્ની અને બાળકોએ સ્વિટ્ઝર્લૅન્ડમાં આશ્રય લીધો ત્યારે ફ્રેડરિક પૅરિસમાં જ રહ્યા અને પોતાનું નામ બદલીને જીન પિયેર ગોમૉ રાખ્યું. ત્યાંની પ્રયોગશાળામાં વિસ્ફોટક પદાર્થો બનાવ્યા. આ માટે લશ્કરી માન-ખિતાબોથી તેમનું સન્માન કરવામાં આવ્યું.
1945માં અણુ-ઊર્જા ઉત્પાદનની યોજના માટે જનરલ દ-ગૉલે તેમને સત્તા આપી. 1946માં ‘ઇન્સ્ટિટ્યૂટ-દ-રેડિયમ’ના નિર્દેશક તરીકે તેમની નિમણૂક થઈ. અહીં ન્યૂક્લિયર ભઠ્ઠીની રચનામાં તેમણે ખૂબ મહત્વનો ફાળો આપ્યો.
મે, 1953માં ફ્રેડરિકને હૃદયરોગનો પ્રથમ હુમલો થયો. તેમ છતાં તેમણે પૅરિસમાં ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનની નવી પ્રયોગશાળા શરૂ કરી અને તેમાં પ્રવેગકોની સ્થાપના કરી.
1956માં આઇરીનના અવસાન બાદ તેમનું અધૂરું કાર્ય પૂરું કરવા ફ્રેડરિક કટિબદ્ધ થયા. આઇરીનના અવસાનથી પૅરિસ યુનિવર્સિટીમાં ખાલી પડેલી ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપકની જગ્યા ઉપર ફ્રેડરિકની નિમણૂક થઈ. અહીં રહીને તેમણે આર્સે પ્રયોગશાળાની સ્થાપના કરી. ત્યાં સંશોધન ચાલુ થયાનો સંતોષ લઈને 1958માં તેઓ અવસાન પામ્યા.
પ્રહ્લાદ છ. પટેલ