ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂયૉર્ક : 1959)
January, 2010
ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂયૉર્ક : 1959) : સૉલોમન ગુગનહાઇમ ફાઉન્ડેશન માટે, ખાસ કરીને ચિત્રોના પ્રદર્શન માટે બાંધવામાં આવેલું સંગ્રહાલય. આ સંગ્રહાલયની રચના વિશ્વવિખ્યાત અમેરિકન સ્થપતિ ફ્રૅન્ક લૉઇડ રાઇટ દ્વારા, એક ભમરિયા આકારના મકાન તરીકે કરવામાં આવેલી છે. તેમાં ભમરિયા ઢાળ પર ઊતરતાં ઊતરતાં વર્તુળાકાર ઊભી કરાયેલ દીવાલો પર ચિત્રો ટાંગવાની વ્યવસ્થા કરાયેલી. મુલાકાતીઓને એક લિફ્ટ દ્વારા સૌથી ઉપરના ભાગમાં લવાતા અને ત્યાંથી તેઓ ભમરિયા ઢાળ પર ફરતાં ફરતાં ચિત્રો નિહાળતાં નીચલા મજલા પર આપોઆપ આવી રહેતા. સ્થપતિના વિચારો પ્રમાણેની આ જાતની રચનાના પરિણામે ચીલાચાલુ સંગ્રહાલયોનાં મકાનોની જેમ ચિત્રો નિહાળવા માટે, કંટાળારૂપ ફરવાનું રહેતું નથી. તેને બદલે શરૂઆતથી અંત સુધીનું ભમરિયા ઢાળ પરનું કુંકકાકાર (spiral) ભ્રમણ એક અનેરો અનુભવ પ્રદાન કરે છે. ઉપરાંત ચિત્રોને ટાંગવાની રીત પણ ત્રાંસી દીવાલો પર હોવાથી વધારે અનુકૂળ અવલોકન કરવામાં તે મદદરૂપ થાય. ચીલાચાલુ આયોજનથી અલગ પડતી આ પદ્ધતિ વપરાશની ર્દષ્ટિએ ખાસ અનુકૂળ નીવડી નહિ.
ગુગનહાઇમ મ્યુઝિયમનું મકાન ન્યૂયૉર્ક શહેરમાં એક પ્રવૃત્તિમય વિસ્તારમાં બે રસ્તાના ખૂણા પર રચવાનું હતું. આ સ્થાનની ર્દષ્ટિએ અને તે વખતના શહેરી આયોજનોની ર્દષ્ટિએ તેને એક અપ્રતિમ રચના તરીકે વર્ણવી શકાય. તે ગોળાકાર ભમરિયા આકારમાં રચાયેલ હોવાથી ખૂણાની જગ્યા ઉઠાવ પામતી નથી. તેનો આકાર રચવામાં અપ્રતિમ કાબેલિયત ર્દષ્ટિગોચર થાય છે. આ જાતના મકાનમાં કુદરતી પ્રકાશ ભમરિયા ઢાળની વચ્ચે કૂવા જેવા ભાગમાંથી મેળવવામાં આવ્યો છે. ચિત્ર સંગ્રહાલય ઢાળ પર ફરતે ગોઠવવામાં આવ્યું છે અને સંગ્રહાલયને અનુરૂપ બીજી બધી સવલતો બાજુના ગોળાકાર ભાગમાં રાખવામાં આવી છે.
આ સદીના ખ્યાતનામ અમેરિકન સ્થપતિ ફ્રૅન્ક લૉઇડ રાઇટ માટે આ એક મહત્વની રચના હતી. આ પ્રકારનાં ભમરિયા આકારનાં મકાન બાંધવાની તેમની મહેચ્છા માટે અનુકૂળ તક તેમને સૉલોમન ગુગનહાઇમ ફાઉન્ડેશન દ્વારા સાંપડી અને તેના પરિણામે સ્થાપત્ય-જગતમાં આ એક બેનમૂન અને બહુચર્ચિત ઇમારત સાકાર થઈ.
આધુનિક કલાની ર્દષ્ટિએ ગુગનહાઇમ મ્યુઝિયમ ઘણું અગત્યનું છે. ‘સોલોમોન આર. ગુગનહાઇમ કલેક્શન’ અહીં કાયમી ધોરણે પ્રદર્શિત છે. ઈ. સ. 1910 પછી સર્જાયેલ ચિત્ર-શિલ્પકલાના શ્રેષ્ઠ સંગ્રહોમાં એક તરીકે આ કલાસંગ્રહ જાણીતો છે. તેમાં પાબ્લો પિકાસો, જ્યૉર્જ બ્રાક (Georges Braque), જૅક્સન પોલોક (Jackson Pollock), ફ્રાંસિસ બેકન (Francis Bacon), માર્ક રોથ્કો (Mark Rothko), મેક્સ અર્ન્સ્ટ (Max Ernst), સાલ્વાડોર ડોલી, (Salvador Dali), રેને માગ્રીત (Rene Margritte), જ્યૉર્જયો કિરિકો(Gergeo Chirico)નાં ચિત્રોના તથા હેન્રી મૂર (Henri Moore) અને આલ્બર્ટો જ્યાકોમેતી(Alberto Giacometti)નાં શિલ્પોના કેટલાક શ્રેષ્ઠ નમૂના અહીં છે. શરૂઆતમાં આ મ્યુઝિયમમાં ‘મ્યુઝિયમ ઑફ નોનઑબ્જેક્ટિવ આર્ટ’ નામે જાણીતું હતું. તેનો હેતુ આધુનિક કલા ‘મોડર્ન આર્ટ’નો પ્રચાર તથા પસાર રહ્યો છે. આ મ્યુઝિયમના પ્રથમ ક્યુરેટર હિલા રિબે ફોન એરન્વાઇસને (Hilla Rebay Von Ehrenwisen) મ્યુઝિયમના કલાસંગ્રહને વિસ્તૃત કર્યો. પરિણામે તેમાં ઘણાં નવાં ચિત્રો અને શિલ્પોનો સમાવેશ શક્ય બન્યો. 1939માં શરૂ થયેલ આ મ્યુઝિયમ ન્યૂયૉર્ક નગરમાં ફિફ્થ એવન્યુ પર ફ્રેન્ક લૉઇડ રાઇટે બાંધેલ મકાનમાં 1959માં ખસેડાયું. કાર્લ નીરેમ્ડોર્ફ એસ્ટેટમાંથી 1948માં કેમ્ડીન્સ્કીનાં 18 ચિત્રો, કોકોશ્કાનું 1 ચિત્ર, ક્લીનાં 110 ચિત્રો, શેગેલનાં 6 ચિત્રો, ફિનીન્જરનાં 6 ચિત્રો ઉમેરાયાં. એ પછી કેથેરિન ડ્રીયર બીક્વેસ્ટમાંથી 1953માં મોને, માને, પિસારો, સિસ્લે, દેગા જેવા પ્રભાવવાદી (Impressionist) ચિત્રકારોનાં ચિત્રો ઉમેરાયાં. 1953 પછી કાલ્ડર, જ્યોકોમેતી, હેન્રી મૂરે, બ્રાન્કુસી, હ્યુશોં-બિલોંનાં શિલ્પો ઉમેરાયાં. હાલમાં આ મ્યુઝિયમમાં 3500થી વધુ ચિત્ર-શિલ્પ છે.
રવીન્દ્ર વસાવડા
અમિતાભ મડિયા