ગુઆહાટી : આસામ રાજ્યનું મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 26° 10´ ઉ. અ. અને 91° 45´ પૂ. રે.. આસામનું પાટનગર ભલે દિસપુર હોય; પરંતુ તેનું રાજકીય પાટનગર ગુઆહાટી છે, જ્યાં તેની વડી અદાલતનું મથક છે.
ગુઆહાટીનું જૂનું નામ પ્રાગજ્યોતિષપુર હતું. બ્રહ્મપુત્ર નદીને કિનારે વસેલું આસામનું આ સૌથી મોટું શહેર છે. અહીં ચા, ઇમારતી લાકડું તેમજ રેશમ અને હાથવણાટના કાપડનો વેપાર મોટા પ્રમાણમાં વિકસ્યો છે.
કામરૂપ જિલ્લાનું આ શહેર તેઝપુર, દિબ્રુગઢ, દિસપુર તેમજ માલીગાંવ સાથે રેલમાર્ગે જોડાયેલું છે. દિસપુર ગુઆહાટીથી અગ્નિ દિશામાં માત્ર 8 કિમી. દૂર છે તેથી જોડિયા શહેર તરીકે તેનો વિકાસ થઈ રહ્યો છે. ગુઆહાટી વ્યાપારી મથક ઉપરાંત શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ર્દષ્ટિએ પણ આસામનું અગત્યનું શહેર છે. અહીં અનેક દર્શનીય મંદિરો છે, જેમાં કામાખ્યા દેવીનું મંદિર, બ્રહ્મપુત્ર નદીના એક બેટ પર આવેલું ઉમાનંદ મંદિર અને નવગ્રહ મંદિર મુખ્ય છે. દુર્ગામાતાનું જ એક સ્વરૂપ કામાખ્યાદેવી અહીં પૂજાય છે. તેનું મંદિર એક ઊંચી ટેકરી પર છે. આસામનું સૌથી જૂનું નવગ્રહ મંદિર સીલ પોખરી તળાવને કિનારે આવેલું છે. બ્રહ્માજીએ સૌપ્રથમ અહીં બેસીને નવગ્રહોની રચના કરી જ્યોતિષશાસ્ત્રનો પ્રારંભ કર્યો હતો એવી આ મંદિર અંગે લોકવાયકા છે. અહીંનું પ્રાણીસંગ્રહાલય પણ જોવા લાયક છે.
1961માં ગુઆહાટી નજીક નૂનમતીમાં ખનિજતેલના શુદ્ધીકરણ માટે રિફાઇનરીનો પ્રારંભ થયો હતો. અહીં નાહારકોટિયા અને ઢૂલિયાજાન જેવા વિસ્તારોમાંથી અશુદ્ધ ખનિજતેલ પાઇપલાઇન દ્વારા લાવવામાં આવે છે. અહીં રેશમ, ચા, લાકડાંનો વેપાર નજીકના તિનસુખિયાની પેઠે મોટા પાયે થાય છે.
શહેરીકરણની સાથે શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમાણ અહીં અધિક છે. ડાંગર, ચા, રબર જેવી પેદાશોના સંશોધન માટે અહીંની કૃષિ યુનિવર્સિટી સમગ્ર અસમમાં પ્રખ્યાત છે. છેલ્લાં થોડાં વર્ષોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રાજકીય અશાંતિ વધી છે. ગુઆહાટી આવવા માટે અમીનગાંવ સુધી જ રેલમાર્ગની સુવિધા મળે છે. ત્યાંથી બ્રહ્મપુત્ર નદી પાર કરવા માટે સ્ટીમબોટનો ઉપયોગ કરવો પડે છે. આસામનાં વિકસિત શહેરોમાં પર્યટક શહેર તરીકે ગુઆહાટી જાણીતું છે. આ શહેરની વસ્તી 13,58,000 (2023) જ્યારે મેટ્રો શહેરની વસ્તી 13,65,000(2023).
મહેશ ત્રિવેદી