ગીલાની, હકીમ અબુલ ફતહ (ઈ.સ.ની સોળમી સદી) : અકબરના દરબારના વિદ્વાન. ઈશ્વરી વિદ્યા અને હિકમતમાં નિપુણ મૌલાના અબ્દુર્રઝ્ઝાક ગીલાનીના પુત્ર. 1566–67માં ગીલાન પ્રાંત પર ઈરાનના શાહ તેહમાસ્પ સફવીનો કબજો થયો ત્યારે ત્યાંના હાકેમે મૌલાના અબ્દુર્રઝ્ઝાકને બંદી બનાવ્યા અને કેદખાનામાં જ તેમનું મૃત્યુ થયું.

શહેનશાહ અકબરના રાજ્યઅમલના વીસમા વર્ષ દરમિયાન (1575) પોતાના બે ભાઈઓ હકીમ હમામ અને હકીમ નૂરુદ્દીન સાથે તે હિંદ આવ્યા અને અકબરના દરબારમાં જોડાયા. ખાનેખાનાન અબ્દુર્રહીમની જેમ અકબરના દરબારના અમીરોમાંથી ગીલાની હકીમ અબુલ ફતહે પણ કવિઓ અને વિદ્વાનોને આશ્રય અને ઉત્તેજન આપ્યું. મૌલાના હયાતી અને ઉર્ફી પણ તેમની કદરદાનીથી પોષાયા હતા. ઉર્ફીએ તેમની પ્રશંસામાં કસીદા કાવ્યો રચ્યાં છે અને તેમના મૃત્યુ સમયે શોકકાવ્ય (મરસિયાં) પણ લખ્યું છે. ફૈઝીએ પણ તેમના અવસાન સમયે એક લાંબું શોકકાવ્ય રચ્યું છે.

તે પોતાની સાહિત્યિક સિદ્ધિઓ અને વિદ્યાપ્રિયતાને લીધે પ્રમુખસ્થાને રહ્યા અને અકબરના એક નિકટના સાથી બન્યા. અકબરને તેમણે એટલા પ્રભાવિત કર્યા હતા કે બીજા દરબારીઓ તેમની ઈર્ષા કરતા; પરંતુ તેમની પોતાની બુદ્ધિપ્રતિભા જ વિરલ હતી.

અબુલ ફઝલે નોંધ્યું છે તેમ તેમનામાં નિખાલસતા, સ્વભાવની પરખ, સર્વ પ્રત્યે પ્રેમ, વાક્ચાતુર્ય, ઉદારતા, બુદ્ધિમત્તા અને જ્ઞાન વગેરે જેવા વિશિષ્ટ ગુણો હતા.

તેમની કેટલીક રચનાઓ હિકમત, તત્વજ્ઞાન અને પત્રલેખની પર છે. ‘રૂકઆતે ચાર બાગ’ તેમના પત્રોનો સંગ્રહ છે. તેમના ગદ્યમાં સરળતા છે. ‘ફતાહી’ હકીમ અબૂ અલીસીનાના ‘કાનૂન’નું વિવેચન છે જ્યારે ‘ક્યાસિયહ’ અખ્લાકે નાસિરીનું વિવરણ છે.

ઈસ્માઈલ કરેડિયા