ગાંધી, સોનિયા (જ. 9 ડિસેમ્બર 1946, લુસિયાના, ઇટાલી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં વિદ્યમાન (2006) મહિલા-પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનાં પત્ની. ઇટાલીમાં જન્મેલાં અને ઊછરેલાં સોનિયા ગાંધીનું મૂળ નામ એડવિગે ઍન્ટૉનિયા અલ્બિના માઇનો હતું. પિતા સ્ટેફાનો માઇનો તથા માતા પાઓલા માઇનો. મકાનોના કૉન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા પિતા સાથે કિશોરાવસ્થા સુધી આરબાસાનો નગરમાં તેઓ વસતાં હતાં. આ પરિવાર રોમન કૅથલિક ખ્રિસ્તી હોવાથી શાલેય અભ્યાસ કૅથલિક શાળામાં કર્યો હતો. 1964માં અંગ્રેજી ભાષાના અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ જઈ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો અને અંગ્રેજી ભાષાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યાં ઇન્દિરા ગાંધીના સુપુત્ર રાજીવ ગાંધી સાથે મુલાકાત–પરિચય થયો. આ પરિચય પ્રણયમાં પરિવર્તિત થતાં 1968માં ભારત આવ્યાં અને રાજીવ ગાંધી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.
ઇન્દિરા ગાંધીનાં આ પુત્રવધૂ 1991 સુધી ગૃહિણી તરીકે સીધું-સાદું જીવન ગુજારતાં હતાં. 1982માં તેમના પતિ રાજીવ ગાંધી રાજકારણમાં પ્રવેશ્યા ત્યારથી 1991માં તેમના પતિની હત્યા થઈ ત્યાં સુધી તેઓ રાજકારણમાં રસ લેતાં; પરંતુ સક્રિય રાજકીય જીવનથી દૂર રહેલાં. ત્યાર બાદ કૉંગ્રેસ પક્ષે તેમને રાજકીય જીવનમાં જોડાવા આમંત્રિત કર્યાં હતાં, પણ તેમણે તેનો ઇન્કાર કરેલો અને પી. વી. નરસિંહરાવની સરકાર રચાયેલી.
તે પછી તેઓ રાજકીય રીતે કંઈક સક્રિય બન્યાં અને 1998માં ભારતીય રાજકારણમાં પ્રવેશ્યાં અને કૉંગ્રેસ પક્ષનાં પ્રમુખ બન્યાં. 1999ની 13મી સામાન્ય ચૂંટણીમાં ભાગ લઈ તેઓ પ્રતિનિધિ ચૂંટાયાં અને લોકસભામાં વિરોધપક્ષના નેતા બન્યાં.
આ સમય દરમિયાન તેમના પ્રતિસ્પર્ધીઓએ તેમના વિદેશી મૂળનો, લગ્નનાં 15 વર્ષ બાદ તેમણે લીધેલા ભારતીય નાગરિકત્વનો અને ઇટાલિયન વ્યાપારી ઑટોવિયો ક્વૉટ્રૉચી દ્વારા આચરાયેલ બૉફોર્સ કૌભાંડ(રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ખરીદવામાં આવેલ બૉફોર્સ તોપો અંગે જન્મેલા વિવાદ સાથે આ મુદ્દો સંબંધ ધરાવતો હતો.)ના મુદ્દે વ્યાપક વિવાદ ઊભો કર્યો હતો. વડાપ્રધાન-પદના ઉમેદવારના મુદ્દે કૉંગ્રેસ પક્ષમાં વિવાદ ઊભો થયો હતો કે સોનિયા ગાંધીનાં મૂળ વિદેશી હોવાથી તેઓ વડાં પ્રધાન બની શકે નહીં. (શરદ પવાર, પૂર્ણો સંગમા અને તારીક અનવર જેવા વરિષ્ઠ અને અન્ય કૉંગ્રેસી સભ્યો આ મંતવ્ય ધરાવતા હતા.)
2004ની સામાન્ય ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરી અને લોકસભામાં ચૂંટાયાં. આ ચૂંટણીમાં તેમનો પક્ષ ચૂંટણીમાં વિજેતા બન્યો પણ બહુમતી-બેઠકો મેળવી શકેલો નહીં, તેથી 15 પક્ષોની સંયુક્ત સરકાર યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) તરીકે રચાઈ. 15 પક્ષોની સંયુક્ત સરકારનું નેતૃત્વ સર્વાનુમતિથી શ્રીમતી સોનિયા ગાંધીને સોંપાયું હતું. તેમના વિદેશી મૂળ અંગેના દેશવ્યાપી વિવાદ પછી તેમણે પોતે જ વડાપ્રધાન-પદના ઉમેદવાર તરીકે ડૉ. મનમોહન સિંહ પર પસંદગી ઉતારતાં નવું પ્રધાનમંડળ રચાયું. આમ કેન્દ્રીય રાજકારણમાં તેમજ કૉંગ્રેસ પક્ષમાં ટૂંકા ગાળામાં તેમણે નોંધપાત્ર સ્થાન ઊભું કરી લીધું.
2009માં ભારતના રાષ્ટ્રપ્રમુખ તરીકે પ્રતિભા પાટિલની ઉમેદવારી તથા ભારતની લોકસભાના હોદ્દા પર મીરા કુમારની ઉમેદવારી સૂચવીને તેમણે તેમના પરિપક્વ અને દૂરંદેશીભર્યા નેતૃત્વનો પરિચય કરાવ્યો. તો બીજી બાજુ રાજકારણમાં સામાજિક ઇજનેરીની પદ્ધતિનો પરિચય કરાવી કૉંગ્રેસ પક્ષની સામાજિક-રાજકીય નિષ્ઠાને અન્ય રાજકીય પક્ષો કરતાં અનેકગણી અગ્રિમ સ્થાને મૂકી દીધી. આ નિર્ણયો દ્વારા મહિલા અનામત ખરડા અંગે કૉંગ્રેસ પક્ષની સર્વોચ્ચતાને તેમણે ચૂપચાપ સૌપ્રથમ સ્થાને મૂકી આપી છે.
23 માર્ચ 2006ના રોજ લાભદાયી પદ(ઑફિસ ઑવ્ પ્રૉફિટ)ના મુદ્દે તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું કારણ કે તેઓ નૅશનલ એડવાઇઝરી કાઉન્સિલના પણ સભ્ય હતાં. ત્યાર બાદ તુરત જ મે 2006માં તેઓ લોકસભામાં ફરી ચૂંટાયાં. તેઓ હાલ (2006) લોકસભામાં ઉત્તરપ્રદેશના રાયબરેલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. યુનાઇટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સની સરકારે તેનો કાર્યકાળ ઘણી ઘણી મુશ્કેલીઓ સાથે પૂરો કર્યો; પરંતુ લોકસભાની 15મી સામાન્ય ચૂંટણી 2009માં યોજાઈ તેમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ સમૂહ 261 બેઠકો પર વિજયી બની સૌથી મોટા જૂથ તરીકે ઊભર્યો તેનો ઘણો યશ સોનિયા ગાંધીએે કૉંગ્રેસનું નેતૃત્વ કર્યું તેને જાય છે. પક્ષની દીર્ઘર્દષ્ટિભરી વ્યૂહરચના તેમના નેતૃત્વનું જમા પાસું રહ્યું. ચૂંટણી પૂર્વે જ ડૉ. મનમોહન સિંહને વડાપ્રધાનપદના ઉમેદવાર ઘોષિત કરીને તેમણે પ્રતિસ્પર્ધીઓને માત કરી દેનારી ચાલ ચાલી, કૉંગ્રેસ પક્ષને પ્રજાની નજીક લાવી દીધો. આ સામાન્ય ચૂંટણી દ્વારા સોનિયા ગાંધીનું નેતૃત્વ તેમના અન્ય પુરુષ સહભાગીદારો કરતાં વધુ ગરિમામય, સંકલ્પઢ અને લડાકુ પ્રમાણિત થયું.
તેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશન, ઇન્દિરા ગાંધી મેમૉરિયલ ટ્રસ્ટ, જવાહરલાલ નહેરુ મેમૉરિયલ ફંડ, નહેરુ ટ્રસ્ટ ફૉર કેમ્બ્રિજ યુનિવર્સિટી, કમલા નહેરુ મેમૉરિયલ સોસાયટી ઍન્ડ હૉસ્પિટલ, નહેરુ મેમૉરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરી – એમ ઘણી સંસ્થાઓમાં અધ્યક્ષપદે સેવાઓ આપે છે.
‘રાજીવ’ અને ‘રાજીવ્ઝ વર્લ્ડ’ – એવાં બે પુસ્તકો તેમણે લખ્યાં છે. વધુમાં ‘ફ્રીડમ્સ ડૉટર ઍન્ડ ટુ અલોન, ટુ ટુગેધર’ એ ગ્રંથનું બે ખંડમાં સંપાદન કર્યું છે; જેમાં 1922થી 1964ના ગાળા દરમિયાનનો જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી વચ્ચેનો પત્રવ્યવહાર આવરી લેવાયો છે.
તેમના પુત્ર રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી જીત્યા અને પક્ષની યુવાપાંખના શિરમોર કાર્યકર રહેવાનું પસંદ કરી સરકારમાં જોડાવાથી દૂર રહ્યા.
રક્ષા મ. વ્યાસ