ગાંધીધામ : કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું મહત્વનું વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 23° 04’ ઉ. અ. અને 70° 08’ પૂ. રે.. તે ભૂજથી 50 કિમી., આદિપુરથી 8 કિમી. અને કંડલા બંદરેથી 16 કિમી.ને અંતરે આવેલું છે. ભારતના ભાગલાને કારણે પાકિસ્તાનથી ભારતમાં મોટી સંખ્યામાં દાખલ થયેલા વિસ્થાપિતોના પુનર્વસવાટ માટે આ નગર વસાવવામાં આવ્યું છે. તેનો કુલ વિસ્તાર 28.32 ચોકિમી. છે. 2022ની વસ્તીગણતરી મુજબ આશરે તેની વસ્તી 4,22,000 છે, નગરની વસ્તીમાં 40% સિંધી, 40% ગુજરાતી તથા 20% અન્ય લોકો છે.
નગરની સ્થાપનાની શરૂઆત 1947માં થયેલી. તેના વિકાસ માટે 1948માં સિંધુ રીસેટલમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ નામની સ્વાયત્ત સંસ્થા રચવામાં આવી હતી. નગર માટે કચ્છના મહારાવે 15,000 એકર જમીન ભેટ આપેલી. આ નગરનું આયોજન ઇટાલિયન અને અમેરિકન સ્થપતિઓએ કરેલું છે. બાંધકામ 1949માં શરૂ થયું અને 1956 સુધીમાં 7,000થી વધુ ટેનામેન્ટ બંધાયેલાં. આ શહેર આદિપુર, સરદારગંજ અને ગોપાલપુરીની ત્રણ વસાહતોનું બનેલું છે. સરદાર વલ્લભભાઈની સ્મૃતિ સાથે સંકળાયેલું સરદારગંજ વેપારી કેન્દ્ર છે. ગોપાલપુરી સાથે ભારત સરકારનાં દેશી રાજ્યોનું ખાતું સંભાળનાર ગોપાળસ્વામી આયંગરનું નામ જોડાયેલું છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓ અહીં વસે છે. આ નગર હવે તે વિસ્તારના એક શિક્ષણધામ તરીકે ખ્યાતિ પામ્યું છે. આદિપુરમાં વિનયન અને વાણિજ્ય કૉલેજ, વિજ્ઞાન કૉલેજ, પૉલિટૅક્નિક, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), અંગ્રેજી, હિંદી તથા ગુજરાતી માધ્યમની શાળાઓનો નોંધપાત્ર વિકાસ થયો છે.
1965માં કંડલા બંદર નજીક 284 હેક્ટર વિસ્તારમાં મુક્ત વ્યાપાર ક્ષેત્ર(free trade zone)ની સ્થાપના કરવામાં આવી, તેને કારણે અગત્યના વ્યાપારી કેન્દ્ર તરીકે ગાંધીધામનો ઝડપી વિકાસ થયો છે. ત્યાં મીઠું, બારદાન, ધાતુની બનાવટો, બાંધકામ અને સૅનિટરી વસ્તુઓ, વાહનવ્યવહારને લગતી વસ્તુઓ વગેરેનો વેપાર મોટા પ્રમાણમાં થાય છે. પરિણામે નગરમાં ઉદ્યોગ અને વેપારને લગતી ઘણી સંસ્થાઓ વિકસી છે. દા.ત., કચ્છ મૅનેજમૅન્ટ ઍસોસિયેશન, ગાંધીધામ ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ટિમ્બર મર્ચન્ટ્સ ઍસોસિયેશન, ગ્રેન મર્ચન્ટ્સ ઍસોસિયેશન વગેરે. 1961માં ત્યાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવામાં આવી તેને કારણે ઘણી ઔદ્યોગિક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા નાના તથા મધ્યમ કદના ઔદ્યોગિક ઘટકોનો ત્યાં વિકાસ થયો છે. ઉપરાંત, ખાતરનું ઉત્પાદન કરતું ‘ઇફકો(IFFCO)નું કારખાનું પણ ત્યાં આવેલું છે. તેની ઉત્પાદન ક્ષમતા 3,75,000 ટન જેટલી છે. આ કારખાનાએ નવેમ્બર 1974માં ઉત્પાદન શરૂ કર્યું હતું. રોજગારી ઊભી કરવામાં આ કારખાનાનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. કારખાનામાં કામ કરતા શ્રમિકો માટે ગાંધીધામમાં ‘ઉદયનગર’ નામનું વસવાટ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે.
ગાંધીધામ ખાતે મેંગલોરી નળિયાં, ટાઇલ્સ, ફર્નિચર, સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો અને ધાતુઓના ઉદ્યોગ વિકસ્યા છે.
રેલ, બસ તથા વિમાન સેવાઓ દ્વારા ગુજરાત અને દેશનાં મહત્ત્વનાં સ્થળો સાથે ગાંધીધામને સાંકળી લેવામાં આવ્યું છે. ભૂજ–કંડલા તથા ડીસા–કંડલા મીટર ગેજ રેલમાર્ગની શરૂઆત 1950માં થયેલી. 1970માં કંડલાવીરમગામ બ્રૉડ ગેજ રેલવે શરૂ કરવામાં આવી.
નગરના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે એક અલાયદા ‘ગાંધીધામ વિકાસ સત્તામંડળ’(Gandhidham Development Authority)ની સ્થાપના કરી છે.
તાજેતરમાં કેન્દ્રની સાહિત્ય અકાદમીની નિશ્રામાં ગાંધીધામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સિંધોલૉજીની સ્થાપના કરવામાં આવી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
શિવપ્રસાદ રાજગોર