ગાંધી, દેવદાસ મોહનદાસ (જ. 22 મે 1900, ડરબન; દ. આફ્રિકા; અ. 3 ઑગસ્ટ 1957 નવી દિલ્હી, ભારત) : પાંચમા અને છઠ્ઠા દાયકામાં દેશના એક વરિષ્ઠ પત્રકાર તથા મહાત્મા ગાંધીજીના ચારે પુત્રોમાં કદાચ સૌથી વધુ જાણીતા. પિતાના ઘડતરકાળમાં દક્ષિણ આફ્રિકામાં ડરબન ખાતે જન્મેલા દેવદાસે પરંપરાગત શિક્ષણ અને રીતસરની ઉપાધિ મેળવ્યાં નહોતાં, પણ ગુરુકુલ કાંગડી અને શાન્તિનિકેતનમાં તેમજ સવિશેષ તો પિતાના સાન્નિધ્યમાં એમણે જીવનની દીક્ષા મેળવી હતી. ચક્રવર્તી રાજગોપાલાચારીનાં પુત્રી લક્ષ્મી સાથે તેમનાં લગ્ન થયાં હતાં.

દેવદાસ મોહનદાસ ગાંધી

1920–21માં અસહકારની ચળવળમાં, 1932માં બીજી ગોળમેજી પરિષદ બાદ, 1933માં અને 1942માં એમ ચાર વખત કારાવાસ વહોરી ચૂકેલા દેવદાસે દિલ્હીમાં જામિયા મિલિયા ખાતે હિન્દીના શિક્ષણની અને દક્ષિણ ભારતમાં હિન્દી પ્રચારની કામગીરીઓ પણ 1929થી 1933ના સમયગાળા દરમિયાન બજાવી હતી.

1920–21માં મોતીલાલ નહેરુના ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી વિભાગમાં જોડાયેલા દેવદાસે 1923–24 દરમિયાન મહાત્મા ગાંધીના ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ પત્રોના સંપાદન-સંચાલનમાં સહયોગી ભૂમિકા પણ ભજવી હતી. દેશને જોકે એમની પત્રકાર પ્રતિભાનાં ખરાં દર્શન 1933થી એમણે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં જવાબદારી સ્વીકારી ત્યારપછી થયાં. ટૂંક સમયમાં જ અખબારનો પ્રચાર-પ્રસાર વધ્યો, રાષ્ટ્રીય ચળવળના લોકમાધ્યમ તરીકે તેની પ્રતિષ્ઠા બંધાઈ અને અંગ્રેજી ઉપરાંત હિન્દી આવૃત્તિ પણ શરૂ થઈ. ઑલ ઇન્ડિયા ન્યૂઝ એડિટર્સ કૉન્ફરન્સના પ્રમુખ તરીકે, પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા(PTI)ના અધ્યક્ષ તરીકે, યુનાઇટેડ નેશન્સ કમિશન ઑન ફ્રીડમ ઑવ્ થૉટ ઍન્ડ ધ પ્રેસના સભ્ય તરીકે, એમ વિવિધ સ્તરે સેવા આપીને એમણે પત્રકારો અને પત્રકારત્વ બેઉનાં ધારાધોરણો અંગે ચોક્કસ પ્રણાલિકાઓ ઊભી કરવામાં અગ્ર ભૂમિકા ભજવી હતી.

પ્રકાશ ન. શાહ