ગાંધી, ઇન્દિરા
January, 2010
ગાંધી, ઇન્દિરા (જ. 19 નવેમ્બર 1917, અલ્લાહાબાદ; અ. 31 ઑક્ટોબર 1984, નવી દિલ્હી) : ભારતનાં પહેલાં મહિલા વડા પ્રધાન. તેઓ 24 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1977 તથા 14 જાન્યુઆરી 1980થી તેમના અવસાન સુધીના બે સમયગાળા દરમિયાન ભારતના વડા પ્રધાનપદે રહ્યાં હતાં. સંમોહક વ્યક્તિત્વ સાથે પ્રતાપી અને પ્રભાવક રાજકારણ દ્વારા તેમણે દેશમાં તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
શરૂઆતનું શિક્ષણ અલ્લાહાબાદની અંગ્રેજી માધ્યમની કૉન્વેન્ટ સ્કૂલમાં લીધું. ત્યાર બાદ 1926માં માતા કમલા નહેરુને સારવાર માટે સ્વિટ્ઝર્લૅન્ડ લઈ જવાતાં તેમણે જિનીવાની ફ્રેન્ચ માધ્યમની શાળામાં શિક્ષણ મેળવ્યું. સ્વિટ્ઝર્લૅન્ડના અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યે એમના બાળમાનસને ગાઢ રીતે પ્રભાવિત કર્યું. એમનો આજીવન પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણનાં જતન અને સંગોપનની તીવ્ર ઝંખના એમના બાળપણના આ સંસ્કારને આભારી છે. શાળાજીવન દરમિયાન તેઓ યુરોપીય સાહિત્યના પરિચયમાં આવ્યાં. બાળપણમાં તેમણે ‘જોન ઑવ્ આર્ક’ની વાર્તા વાંચેલી, જેની ગાઢ અસર એમના બાળમાનસ પર થયેલી. ત્યાર બાદ 1932–1934 દરમિયાન પુણેની પ્યૂપિલ્સ ઓન સ્કૂલમાં દાખલ થઈ એપ્રિલ 1934માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. શાળાજીવન દરમિયાન શાળાનાં નાટકોમાં તેમણે ભાગ લીધેલો અને શાળાની ‘પાર્લમેન્ટ’ની ચૂંટણીમાં તેઓ ‘વડા પ્રધાન’ તરીકે ચૂંટાઈ આવેલાં.
ત્યાર બાદ તેઓ વધુ અભ્યાસ અર્થે શાંતિનિકેતન ગયાં. ત્યાં વિવિધ વિષયોના અભ્યાસ ઉપરાંત તેઓ નૃત્ય અને ચિત્રકળા પણ શીખ્યાં.
માતાની વિદેશમાંની સારવાર દરમિયાન તેમને ફિરોઝ ગાંધીનો પરિચય થયો. ફિરોઝ લંડનની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં વધુ અભ્યાસ માટે જોડાયેલા. દરમિયાન 1936માં માતા કમલા નહેરુનું અવસાન થતાં, પિતાની ઇચ્છાને માન આપી તેઓ વધુ શિક્ષણ મેળવવા લંડનની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જોડાયાં. આ સમય દરમિયાન ઇંગ્લૅન્ડમાં ખાસ કરીને યુવકોમાં તેમના ઉદ્દામવાદી વિચારો ઘણા લોકપ્રિય બન્યા હતા. સમાજવાદ સંબંધી કેટલાંક પુસ્તકો તો તેમણે શાંતિનિકેતનમાં જ વાંચ્યાં હતાં. અહીં તેમણે સામ્યવાદી વિચારધારાને લગતાં કેટલાંક પુસ્તકોનું વાચન કરેલું. ભૂપેશ ગુપ્તા, જ્યોતિ બસુ, મોહન કુમારમંગલમ્, મીનુ મસાણી, નિખિલ ચક્રવર્તી અને રેણુકા રાજ વગેરેના સંપર્કમાં આવ્યાં. નાદુરસ્ત તબિયતના કારણે અભ્યાસ અધૂરો મૂકી તેઓ ભારત પાછાં આવ્યાં.
26 માર્ચ 1942ના રોજ તેઓ ફિરોઝ ગાંધી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ફિરોઝ લખનૌના ‘નૅશનલ હેરલ્ડ’માં જોડાતાં તેઓ તેમની સાથે થોડો સમય લખનૌમાં રહ્યાં. 1942ના હિંદ છોડો આંદોલન સમયે તેઓ મુંબઈ ગયાં અને જેલવાસ વેઠ્યો. તેમના બે પુત્રો રાજીવ અને સંજયનો 1944 અને 1946માં જન્મ થયો.
પિતા જવાહરલાલ નહેરુ વડાપ્રધાન થતાં તેમણે તેમના મદદનીશ તરીકે તેમની સાથે રહેવાનું પસંદ કર્યું. અવારનવાર તેમની સાથે દેશવિદેશની મુલાકાતોમાં ફરતાં તેઓ અનેક રાજદ્વારી નેતાઓના સંપર્કમાં આવતાં રહ્યાં. 1953માં રાણી ઇલિઝાબેથના રાજ્યાભિષેકના સભારંભમાં હાજરી આપવા તેઓ ઇંગ્લૅન્ડ ગયાં હતાં.
1957ની સામાન્ય ચૂંટણીમાં એક તરફ ફિરોઝ ગાંધી સંસદમાં ચૂંટાયા અને ત્યાર બાદ મુંદ્રા કેસની વિગતો મેળવી સરકારની ટીકા કરવા લાગ્યા તો બીજી બાજુ ઇન્દિરા 1958માં 41 વર્ષની વયે કૉંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યાં. 1959માં તેમની પ્રેરણા અને દોરવણી નીચે કેરળમાં સત્તા ઉપર આવેલી સામ્યવાદી સરકારને બરતરફ કરવામાં આવી.
1964માં નહેરુના અવસાન પછી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થતાં તેઓ તેમાં માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે જોડાયાં. 11 જાન્યુઆરી 1966ના દિવસે લાલબહાદુરનું અવસાન થતાં તેમના અનુગામી અંગે સર્વસંમત નિર્ણયના અભાવે કૉંગ્રેસ સંસદીય પક્ષમાં નેતાગીરી અંગે ચૂંટણી થતાં ઇન્દિરાને 355 અને મોરારજી દેસાઈને 169 મત મળતાં તેઓ વડા પ્રધાન બન્યાં; પરંતુ 1966, 1967નાં વર્ષો તેમને માટે કસોટીરૂપ નીવડ્યાં. ચોમાસું નિષ્ફળ જતાં દેશના મોટા ભાગમાં દુકાળની પરિસ્થિતિ ઊભી થઈ. અનાજની અછતની સાથે ચીજવસ્તુના ભાવ વધ્યા અને પરિણામે તેમને રૂપિયાનું અવમૂલ્યન કરવાની ફરજ પડી. આ નિરાશાજનક પરિસ્થિતિ 1967ની સામાન્ય ચૂંટણીમાં પ્રતિબિંબિત થઈ. કૉંગ્રેસે ઘણાં રાજ્યોમાં સત્તા ગુમાવી અને હરીફ પક્ષોએ સંયુક્ત વિધાયક દળો સર્જી સત્તા પ્રાપ્ત કરી.
રાષ્ટ્રપતિ ઝાકીરહુસેનના અવસાન બાદ તે સ્થાનની પસંદગીના પ્રશ્ને કૉંગ્રેસમાં મોટા પાયે ભંગાણ થયું. ઇન્દિરા ગાંધીએ પોતાના ઉમેદવાર તરીકે વી. વી. ગિરિને પસંદ કર્યા અને તેઓ પાતળી બહુમતીથી ચૂંટાઈ આવતાં કૉંગ્રેસના ભાગલા પડ્યા – (1969) જે કૉંગ્રેસ (I) અને કૉંગ્રેસ (O) [સત્તાધારી ઇન્દિરા કૉંગ્રેસ અને સંસ્થા (organisation) કૉંગ્રેસ] તરીકે ઓળખાયા. તેમણે પ્રગતિશીલ નીતિ અપનાવીને જલદ પગલાં લીધાં. 14 જેટલી આગળ પડતી બૅંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું તથા રાજવીઓનાં સાલિયાણાં નાબૂદ કર્યાં. આ પગલાં લેતાં પહેલાં તેમણે મોરારજી દેસાઈ પાસેથી નાણા ખાતું લઈ લીધું જેને પરિણામે મોરારજી દેસાઈએ રાજીનામું આપી દીધું. ઇન્દિરા ગાંધીની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ અને તે ડાબેરી વિરોધ પક્ષના ટેકાથી ટકી શકી. આ જહાલ પગલાંની સાથે મોરારજી દેસાઈની વિદાયથી તેમને વિશે એક પરિવર્તનવાદી અને ગતિશીલ નેતા તરીકેની પ્રતિમા લોકમાનસમાં ઊભી થઈ. એક રાજકારણી તરીકેની તેમની કાબેલિયત અને વ્યૂહરચના ઉપરના તેમના પ્રભુત્વની કસોટી 1971માં પૂર્વ પાકિસ્તાનમાંથી ભારત આવેલા થોકબંધ શરણાર્થીઓના પ્રશ્ન ઉપર થઈ. ભારરૂપ બનેલા આ શરણાર્થીઓને પાછા મોકલવા તે સહેલું ન હતું. પાકિસ્તાનની બંને પાંખ વચ્ચેના વિસંવાદનો ક્યાસ કાઢી તેમણે મુત્સદ્દીગીરી અને કુનેહ બતાવી પૂર્વ પાકિસ્તાનના મુજીબુર રહેમાનને ટેકો આપી લશ્કરી હસ્તક્ષેપ કરીને તેને સ્વાતંત્ર્ય બક્ષ્યું અને બાંગ્લાદેશનો એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જન્મ થયો. લશ્કરી પગલાં લેતા પહેલાં ઇન્દિરાએ 9 ઑગસ્ટ 1971ના રોજ રશિયા સાથે 20 વર્ષ માટે મૈત્રી અને સહાયના કરાર કર્યા હતા.
1945 પછીના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં 1971નો આ બનાવ અભૂતપૂર્વ હતો. આટલો મોટો પ્રદેશ પાકિસ્તાનથી જુદો પડી જાય તે માત્ર એશિયા માટે જ નહિ પરંતુ સમગ્ર દુનિયા માટે એક મોટું પરિવર્તન હતું. પૂર્વ પાકિસ્તાનના પતનના છેલ્લા દિવસો દરમિયાન અમેરિકાના પ્રમુખ નિક્સને એન્ટરપ્રાઇઝ નામનું લશ્કરી જહાજ બંગાળના ઉપસાગરમાં ભારત ઉપર અંકુશ રાખવા મોકલ્યું હતું પણ તેની પરવા કરવામાં આવી ન હતી. અમેરિકાના વિદેશમંત્રી હેન્રી કિસિંજરે આ બનાવનું ભારતના એક સત્તા તરીકેના ઉદય રૂપે મૂલ્યાંકન કર્યું હતું. આ ટૂંકા 14 દિવસના અને પરિણામદાયી યુદ્ધ પછી ઇન્દિરા અને પાકિસ્તાનના ઝુલ્ફિકાર ભૂટ્ટો વચ્ચે સિમલામાં મંત્રણાઓ થઈ, જેના પરિણામે સિમલા કરાર (2 જુલાઈ, 1972) કરવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાન તેમની વચ્ચેના બધા પ્રશ્નો (કાશ્મીર સહિત) એકમેકની સાથે ચર્ચા કરીને ઉકેલે તેમ તેમાં નક્કી કરાયું હતું.
સફળ યુદ્ધ દ્વારા લોકચાહનાના શિખરે પહોંચેલાં ઇન્દિરાએ હવે સંસદની ચૂંટણી એક વર્ષ વહેલી યોજી અને મોટી બહુમતી હાંસલ કરી. આ ચૂંટણી માટે તેમણે ‘ગરીબી હટાઓ’નો નારો વહેતો મૂક્યો અને ભારતીય રાજકારણની ગતિશીલતા વધારી તેને લોકાભિમુખ બનાવ્યું. બીજે વર્ષે રાજ્યોની ચૂંટણીઓ યોજી. એમણે ચારે તરફ કૉંગ્રેસનો જયજયકાર બોલાવ્યો. નહેરુના સમયમાં ચાલતી કૉંગ્રેસની એક-પક્ષ-પ્રભાવ-પ્રથા ઇન્દિરાના હાથે પુનર્જીવિત થઈ.
વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં પણ તેમણે પૂરતું ધ્યાન આપ્યું. તેમના સત્તાકાળ દરમિયાન અંતરિક્ષમાં ઉપગ્રહો તરતા મૂકવા, અણુવિજ્ઞાનના આધારે રિઍક્ટરો ઊભાં કરવાં વગેરે જેવી આધુનિકીકરણની નીતિ અનુસરવામાં તેમણે હંમેશાં પહેલ કરી. આ ક્ષેત્રમાં તેમના સમયનો સૌથી પ્રભાવક બનાવ તે 18 મે 1974ના રોજ રાજસ્થાનમાં પોખરણ મુકામે ભૂગર્ભમાં કરવામાં આવેલો અણુધડાકો હતો. આ બનાવથી દેશે અણુવિજ્ઞાનક્ષેત્રે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. જોકે તેના શાંતિમય ઉપયોગની નીતિને ભારત વળગી રહ્યું.
12 જૂન 1975ના દિવસે અલ્લાહાબાદની વડી અદાલતે ઇન્દિરાની રાયબરેલીની ચૂંટણી રદબાતલ કરતાં વડા પ્રધાન તરીકેના તેમના સ્થાનને મોટો ધક્કો પહોંચ્યો. આ ચુકાદાની સામે તેમણે સર્વોચ્ચ અદાલતમાંથી ‘સ્ટે’ મેળવ્યો પરંતુ સંસદમાં મત આપવાનો અધિકાર તેમને રહ્યો નહિ. જેમ સંસદમાં તેમ સંસદની બહાર પણ પરિસ્થિતિ વણસતી રહી. મોંઘવારી, ભ્રષ્ટાચાર વગેરે પ્રશ્નોને કારણે લોકોમાં અસંતોષ વધતો જતો હતો. ગુજરાતમાં શરૂ થયેલી નવનિર્માણ ચળવળના આધારે જયપ્રકાશના નેતૃત્વ નીચે બિહારમાં અને ત્યાર બાદ સમગ્ર ભારતમાં જૂન 29, 1975ની આસપાસ ચળવળ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી હતી. અદાલતના ચુકાદાની સાથે આવી ચળવળ ઇન્દિરાને ભયરૂપ લાગી અને તેમણે આત્યંતિક પગલું ભરીને દેશમાં કટોકટીની જાહેરાત કરી (જૂન 25, 1975) અને જયપ્રકાશ, મોરારજી વગેરે નેતાઓની ધરપકડ કરી. આથી પણ આગળ જઈને તેમણે પ્રેસ ઉપર નિયંત્રણો લાદ્યાં અને આકરી સેન્સરશિપ શરૂ કરી. સ્વતંત્ર ભારતમાં લોકશાહી પ્રક્રિયાને આટલી હદે અવરોધવાનું આ પહેલું અને આકરું પગલું હતું. કટોકટીના આ દિવસો દરમિયાન તેઓ સંસદથી તેમજ પ્રજાથી વેગળાં થતાં ગયાં અને તેમના નાના પુત્ર સંજયની દોરવણી નીચે પગલાં લેવા લાગ્યાં. કુટુંબનિયોજનના ક્ષેત્રે સંજયે આકરાં પગલાં લઈ સરકારની અપ્રિયતામાં વધારો કર્યો. ગરીબ જનતાનાં ઝૂંપડાં રાતોરાત દૂર કરવામાં પણ સંજયે પાછી પાની ન કરી. કટોકટી દરમિયાનના જુલ્મોને કારણે તેમની અપ્રિયતામાં વધારો થયો.
1977માં કટોકટી ઉઠાવી લેવામાં આવી અને ચૂંટણીઓ યોજાઈ ત્યારે પ્રજાનો કટોકટી અંગેનો રોષ પ્રગટ થયો. ઇન્દિરાની હાર થઈ અને તે સાથે ઉત્તર ભારતમાં કૉંગ્રેસ લગભગ નામશેષ થઈ ગઈ. જનતા પક્ષની સરકાર રચાઈ જેના વડાપ્રધાન તરીકે મોરારજી દેસાઈની વરણી થઈ. લોકશાહી ફરીને પ્રસ્થાપિત થઈ. એક વખત પ્રસિદ્ધિની ટોચ ઉપર રહેનાર ઇન્દિરાની ધરપકડ કરવામાં આવી. પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે તેમની વિરુદ્ધ જાય તે પહેલાં ઇન્દિરાએ કર્ણાટકમાંથી ચીકમંગલૂરની સંસદીય બેઠકની પેટા-ચૂંટણી જીતી લીધી. દરમિયાન જનતા સરકારની અસ્થિરતા વધતી ગઈ અને મોરારજી દેસાઈના રાજીનામા પછી ચરણસિંહની નેતાગીરી નીચે સરકાર સત્તા ઉપર આવી, પણ તે સરકાર લાંબો સમય ટકી શકી નહિ અને ઑગસ્ટ 1979માં સંસદને બરખાસ્ત કરવામાં આવી.
ફરીને ચૂંટણી થતાં ઇન્દિરાએ બહુમતી પ્રાપ્ત કરી અને ફરીથી વડા પ્રધાન તરીકે સત્તારૂઢ થયાં; પરંતુ થોડા જ દિવસો બાદ તેમના નાના પુત્ર સંજય ગાંધીનું વિમાન-ઉડ્ડયન દરમિયાન થયેલા અકસ્માતમાં અવસાન થયું; પરંતુ આ આઘાતમાંથી બહાર નીકળીને તેમણે સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં. હવે પછીના દિવસોમાં જેમ કેટલાક યાદગાર બનાવો બન્યા તેમ કેટલીક ઘટનાઓથી તેઓ ઘેરાયેલાં પણ રહ્યાં. દિલ્હીમાં એશિયાડની રમતો યોજાઈ, નવાં સ્ટેડિયમ ઊભાં થયાં અને દૂરદર્શનની મોટા પાયે શરૂઆત થઈ. બ્રિટનમાં ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા યોજાયો. તેના ઉદઘાટન વખતે ઇન્દિરાની ઉપસ્થિતિમાં ભારતનું રાષ્ટ્રગીત બ્રિટનની ધરતી પર સૌપ્રથમ વાર ગવાયું. જુલાઈ 1982માં તેમણે અમેરિકાની અને રશિયાની મુલાકાત લીધી. તેથી પણ વિશેષ 1983ના માર્ચમાં બિનજોડાણની નીતિને વરેલા (Non-aligned Movement – NAM) 101 દેશોની સાતમી પરિષદ દિલ્હીમાં યોજાઈ જેમાં ક્યૂબાના પ્રમુખ કાસ્ટ્રો પાસેથી પરિષદના પ્રમુખનો હવાલો ઇન્દિરાએ લીધો. આ આંદોલનનું પ્રમુખપદ ઇન્દિરાએ સ્વીકાર્યું. 1983માં રાજીવ કૉંગ્રેસ પક્ષના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા. બીજી તરફ પંજાબમાં હિંસાનો દોર વધતો ચાલ્યો અને આતંકવાદ ચારે તરફ પ્રસરતો ગયો. કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લાની સરકારને બરખાસ્ત કરવામાં આવી. પંજાબની વકરેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા છેવટે ઇન્દિરાએ અમૃતસરના સુવર્ણમંદિર ઉપર લશ્કર મોકલ્યું (6 જૂન 1984) જે ઑપરેશન બ્લૂ સ્ટાર તરીકે ઓળખાય છે. આ પગલું લેવામાં રહેલા જોખમનો તેમને પૂરો ખ્યાલ હતો; પરંતુ હવે બીજો કોઈ માર્ગ રહ્યો ન હતો તેની પણ તેમને ખાતરી થઈ હતી.
આ બનાવ પછી તેમની સામેનાં જોખમોથી તેઓ વાકેફ હતાં. ગુપ્તચર સંસ્થાએ તેમને શીખ અંગરક્ષકો ન રાખવાની સલાહ પણ આપી હતી. ઑક્ટોબર 1984ના છેલ્લા દિવસોમાં તેઓ ઓરિસા ગયાં ત્યાં 29 ઑક્ટોબરે મળેલી જંગી સભામાં બોલતાં તેમણે તેમના લોહીના છેલ્લા બુંદ સુધી દેશની સેવા કરવાની અને એ લોહી દ્વારા દેશની એકતા જાળવવાની હાકલ કરી. આ શબ્દો જાણે કે તેમના નજીક આવી રહેલા અંતની આગાહીરૂપ હતા. બીજે દિવસે સવારે દૂરદર્શનના કાર્યક્રમ સારુ તેમના નિવાસેથી નજીકમાં આવેલી ઑફિસમાં જતાં તેમના અંગરક્ષકોએ ગોળીઓ છોડીને તેમની હત્યા કરી.
ઇન્દિરા ગાંધી શક્તિશાળી નેતા હતાં. મહિલા વડા પ્રધાન તરીકે તેમની ગણના બ્રિટનનાં માર્ગરેટ થેચર તથા ઇઝરાયલનાં ગોલ્ડા મેર સાથે કરવામાં આવે છે. વિદેશનીતિ અને વ્યવહારમાં નેહરુનીતિને અનુસરીને તેમણે તેને વિસ્તારી અને વેગવંતી બનાવી. બાંગ્લાદેશની ટૂંકી પણ અસરકારક લડાઈ લડીને તેમણે દક્ષિણ એશિયામાં ભારતની વ્યૂહાત્મક સરસાઈ મેળવી. તેમના શાસનકાળ દરમિયાન દેશે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે તેમજ અન્ન-ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી.
ઘરઆંગણે પ્રતિસ્પર્ધીઓનો સામનો કરીને તેમણે તેમનું સ્થાન મજબૂત કર્યું પરંતુ તેમનું જીવન સંઘર્ષમય રહ્યું. તેમના સમયના રાજકારણને ઘાટ આપવામાં તેઓ વ્યક્તિનિષ્ઠ રહ્યાં. નહેરુના સમયના એક-પક્ષ-પ્રભાવ-પ્રથાની જગાએ તેમણે એક-વ્યક્તિ-પ્રભાવ-પ્રથાને જન્મ આપ્યો. ચૂંટણીઓમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવામાં તેઓ અજોડ રહ્યાં; પરંતુ તેમાં તેમણે લોકરંજની (populist) રાજકારણનો આશરો લઈને તેને જુદો વળાંક આપ્યો. રાજ્યો સાથેના વ્યવહારમાં પણ તેમણે કેન્દ્ર સરકારને શક્તિશાળી બનાવવા તરફ ઝોક આપ્યો. વ્યક્તિત્વ તથા શાસનપદ્ધતિ દ્વારા તેઓ ભારતીય રાજકારણમાં વિશિષ્ટ મુદ્રા અંકિત કરી ગયાં છે.
ઇન્દિરા ગાંધીને વિવિધ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે જેમાં ભારતરત્ન (1971), સોવિયેત યુનિયન દ્વારા લેનિન પીસ પ્રાઇઝ (1985) અને બાંગ્લાદેશ તરફથી 2011માં બાંગ્લાદેશ ફ્રીડમ ઑનર (મરણોત્તર) વગેરે
નરેન્દ્ર અ. પુરાણી
દિનેશ શુક્લ