ગાર્ન્યે, શાર્લ
January, 2010
ગાર્ન્યે, શાર્લ (જ. 6 નવેમ્બર 1825, પૅરિસ; અ. 3 ઑગસ્ટ 1898, પૅરિસ) : ફ્રાન્સના વિખ્યાત સ્થપતિ. 1861માં પૅરિસના વિશ્વવિખ્યાત ઑપેરા હાઉસના આયોજનની હરીફાઈમાં વિજેતા થયેલ અને 1873માં તેનું બાંધકામ પૂરું થયેલું. ફ્રાન્સ જેવા સેકન્ડ એમ્પાયરને અનુરૂપ આ બેનમૂન આયોજન હતું; તેનું બાહ્ય શ્ય અતિઅલંકૃત (baroque) સ્થાપત્યશૈલીનું હતું. વિશાળ પગથિયાં દ્વારા તેના પ્રવેશનું આયોજન કરાયેલું. ઉપરાંત પાશ્ચાત્ય સંગીતના મહાન સંગીતકારોની રચનાઓની રજૂઆત માટે કદાચ આનાથી વધુ સુસંગત આયોજન ભાગ્યે જ જોવા મળે.
આ સ્થપતિનાં અન્ય જાણીતાં બાંધકામોમાં મૉન્ટે કાર્લો ખાતેનો કૅસિનો, નિસ ખાતેની વેધશાળા, પૅરિસ ખાતેની ઓતેલ દ્યુ સકર્લ દ લા લાઇબ્રેરી તથા બિઝે અને ઑફેનબાક જેવી વિખ્યાત વ્યક્તિઓની કબરો ગણાય છે.
રવીન્દ્ર વસાવડા