ગાર્બો, ગ્રેટા (જ. 18 સપ્ટેમ્બર 1905, સ્ટૉકહોમ, સ્વીડન; અ. 15 એપ્રિલ 1990, ન્યૂયૉર્ક, યુ.એસ.) : પાશ્ચાત્ય ચલચિત્રજગતની વિખ્યાત અભિનેત્રી. ગરીબ કુટુંબમાં જન્મેલી આ સ્વીડિશ કલાકારનું મૂળ નામ ગ્રેટા લોવિસા ગુસ્ટાફસન હતું, પરંતુ વિખ્યાત સ્વીડિશ દિગ્દર્શક મૉરિઝ સ્ટિલરે તેને ‘ગાર્બો’ તખલ્લુસ બક્ષ્યું (1924) અને તે જ નામથી તે સિનેજગતમાં વિખ્યાત બની. ચૌદ વર્ષની નાની ઉંમરે કુટુંબના ભરણપોષણ માટે તેણે કામ કરવાની શરૂઆત કરી. પ્રથમ વાળ કાપવાની દુકાનમાં અને ત્યારપછી ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં તેણે સામાન્ય નોકરી કરી. થોડાક સમય માટે મૉડલ તરીકે પણ કામ કર્યું. 1921–22 દરમિયાન તેણે જાહેરખબરોની ટૂંકી ફિલ્મોમાં અભિનય આપ્યો. ‘પીટર ધ ટ્રૅમ્પ’ એ તેનું પ્રથમ ચલચિત્ર (1922) હતું. 1922–24ના ગાળામાં અઢાર વર્ષની ઉંમરે તેણે સ્ટૉકહોમ ખાતેના રૉયલ ડ્રામૅટિક થિયેટરમાં તાલીમ લીધી અને તે દરમિયાન મૉરિઝ સ્ટિલરે તેનામાં રહેલા અભિજાત અભિનયગુણોની પરખ કરી તથા તેના દ્વારા દિગ્દર્શિત ‘ગોસ્ટા બર્લિગ સાગા’માં ગાર્બોને પહેલી મહત્વની ભૂમિકા ભજવવાની તક આપી. 1925માં જર્મનીમાં તૈયાર કરવામાં આવેલ ‘જૉયલેસ સ્ટ્રીટ’માં તેણે અભિનય આપ્યો. તે જ વર્ષે હૉલિવુડની વિખ્યાત સિને કંપની મેટ્રો ગોલ્ડવિન મેયરે સ્ટિલરને કંપનીની ફિલ્મોનું દિગ્દર્શન કરવાનું આમંત્રણ આપ્યું ત્યારે ગાર્બોને પણ તેમાં ભૂમિકા આપવાની શરતે બંને હૉલિવુડ ગયાં અને તે પછીના ટૂંક સમયમાં જ ગાર્બોને મહાન અભિનેત્રી તરીકેની પ્રતિષ્ઠા મળી. તેમાંની કેટલીક ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર ખોટ કરી હતી. ‘ધ ટૉરેન્ટ’ (1926), ‘ફ્લેશ ઍન્ડ ધ ડેવિલ’ (1927) અને ‘વાઇલ્ડ ઑર્કિડ્ઝ’ (1929) આ ત્રણ તેની નવ અવાક્ ફિલ્મોની શ્રેણીમાં ઉચ્ચ કોટિની ગણાઈ હતી. 1930–41ના ગાળામાં તેણે ચોવીસ જેટલી સવાક્ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો જે બધી જ પ્રશંસાપાત્ર બની હતી. અભિનય કારકિર્દી દરમિયાન એ જમાનાના રૂબેન મેમૉલિયર, મૉરિઝ સ્ટિલર, જૉર્જ કુકોર તથા અર્નેસ્ટ લુબિશ જેવા અગ્રણી દિગ્દર્શકોની ફિલ્મોમાં તથા જ્હૉન ગિલ્બર્ટ, ચાર્લ્સ બૉયર, રૉબર્ટ ટેલર, જ્હૉન બૅરિમોર, ક્લાર્ક ગૅબલ, રૉબર્ટ મૉન્ટગોમેરી તથા સૅમૉન નોવારો જેવા લોકપ્રિય કલાકારો સાથે તેણે કામ કર્યું હતું. 1941માં માત્ર છત્રીસ વર્ષની ઉંમરે અસાધારણ લોકપ્રિયતાની ટોચ પર પહોંચી ગયેલી આ અભિનેત્રીએ તદ્દન અજ્ઞાત કારણોસર એકાએક ચલચિત્રજગતને અલવિદા કરી નિવૃત્તિ વહોરી ત્યારથી અવસાન સુધી તેણે તેનું બાકીનું એકાંતિક જીવન મોટા ભાગે ન્યૂયૉર્કમાં ગાળ્યું હતું.

ગ્રેટા ગાર્બો

તેની કારકિર્દી દરમિયાન ચાર વાર અકાદમી ઍવૉર્ડ માટે તેના નામની દરખાસ્ત થઈ હતી, છતાં છેક સુધી તે તેનાથી વંચિત રહી હતી; પરંતુ 1954માં તેની સમગ્ર કારકિર્દીના સંદર્ભમાં ખાસ ઑસ્કાર દ્વારા તેનું બહુમાન કરવામાં આવ્યું હતું. રૂપેરી પડદા પર તેની વિસ્મયકારક સફળતા તેના સૌંદર્ય ઉપરાંત તેના અભિનયની શૈલીની અલૌકિકતા, વિશુદ્ધતા અને કૅમેરા સમક્ષ યથાર્થ સમયે ભૂલચૂક વિના વાસ્તવિક અભિનય કરવાની તેની જન્મજાત સૂઝ અને કુદરતી આવડતને આભારી છે.

તેની ચોવીસ જેટલી સવાક્ ફિલ્મોમાં ‘અન્ના ખ્રિસ્ટી’ (1930), ‘માતા હરી’ (1931), ‘ગ્રૅન્ડ હોટેલ’ (1932), ‘એઝ યુ ડિઝાયર મી’ (1932),  ‘ક્વીન ખ્રિસ્ટિના’ (1933), ‘ઍના કૅરેનીના’ (1935),  ‘કૅમિલ્લે’ (1936), ‘કૉન્ક્વેસ્ટ’ (1937), ‘મૅરી વાલેસ્કા’ (1937), ‘નિનોચ્કા’ (1939) તથા ‘ટૂ ફેસેડ વુમન’ (1941) વિશેષ નોંધપાત્ર ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે