અર્થપ્રકૃતિ : સંસ્કૃત નાટકમાં પ્રવર્તતા કથાવસ્તુની સંકલનાના પાંચ પ્રકાર. નાટ્યશાસ્ત્રીઓએ સંસ્કૃત નાટકમાં, કથાવસ્તુની સંકલનાની દૃષ્ટિએ, બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી અને કાર્ય – એ પાંચ અર્થપ્રકૃતિઓનું વિધાન કર્યું છે. આમાંથી પતાકા અને પ્રકરી એ બંને નાટકના પ્રાસંગિક (ગૌણ) વૃત્ત સાથે, જ્યારે બાકીની ત્રણ આધિકારિક (મુખ્ય) વૃત્ત સાથે સંકળાયેલી છે.
નાટકમાં અર્થપ્રકૃતિઓના મહત્વ વિશે નાટ્યશાસ્ત્રીઓમાં મતભેદ પ્રવર્તે છે. અભિનવગુપ્ત, ધનિક અને રામચંદ્ર તેમને (નાટ્યગત) ફલના હેતુઓ તરીકે, ભોજ અને શારદાતનય તેમને કથાશરીરના હેતુઓ તરીકે, જ્યારે સાગરનંદી તેમને કથાવસ્તુના સ્વભાવો તરીકે ખપાવે છે.
બીજ : નાટકના ફલનું મુખ્ય કારણ બીજ કહેવાય છે. નાટ્યશાસ્ત્રમાં મળતી વ્યાખ્યાઓ પ્રમાણે, નાટકના આરંભમાં, જેનો આછોપાતળો સંકેત કે સૂચન હોય અને પછી આગળ જતાં જે અનેકગણું પ્રસરી જાય અને ફલપ્રાપ્તિ સુધી જેનું કાર્ય પહોંચે તેને બીજ કહેવાય છે.
માતૃગુપ્ત અને અભિનવગુપ્તે બીજને સૂચવવાની અનેક રીતોનો નિર્દેશ કર્યો છે, જેમ કે માત્ર કારણ દ્વારા, ફલ દ્વારા, ફલ માટેની ક્રિયા દ્વારા કે ફલ અને ક્રિયા બંને દર્શાવીને બીજ સૂચવી શકાય છે. સાગરનંદીના મત પ્રમાણે બીજન્યાસ શ્લેષ, છાયા (કથાસામ્ય) અને ઉપક્ષેપ (અર્થોપસ્થાપન) દ્વારા થઈ શકે છે. માતૃગુપ્ત ફલબીજ (બીજ), વસ્તુબીજ (કથા) અને અર્થબીજ (નાયક) – એમ ત્રણ પ્રકારનાં બીજ દર્શાવે છે, જેમાંથી નાટકના સ્વરૂપ પ્રમાણે ગમે તે એક બીજનું પ્રાધાન્ય હોય.
બિન્દુ : તેલના બિન્દુની માફક આખા નાટકમાં પ્રસરી જનાર અને અનુસંધાન કરાવનાર વૃત્તને બિન્દુ કહેવાય છે. નાટ્યશાસ્ત્ર પ્રમાણે, પ્રયોજનોનો વિચ્છેદ થવા છતાં જે અવિચ્છેદના કારણ તરીકે કાર્યની સમાપ્તિ સુધી રહે તેને બિન્દુ કહેવાય. કોહલ પણ માને છે કે અવાન્તર ફલ વડે જ્યારે પ્રધાનફલમાં વિક્ષેપ આવે, ત્યારે બિન્દુ અવિચ્છેદનો હેતુ બની રહે છે. અભિનવના મત પ્રમાણે, કાર્યમાં કોઈ કારણે વિક્ષેપ આવે ત્યારે નાયકના પક્ષે અનુસંધાનની કડી વિશેની સભાનતા તે બિન્દુ છે. સાગરનંદી માને છે કે અપમાન કે ઉત્સાહ દ્વારા જે નાટકના કાર્યનો પ્રત્યેક અંકમાં ખ્યાલ આપ્યા કરે તેને બિન્દુ કહેવાય છે.
બીજનું કામ પૂરું થાય, ત્યાં બિન્દુનું કામ શરૂ થાય છે. બિન્દુ અંકના અંતમાં કે જ્યાં કથાવસ્તુમાં વિક્ષેપ લાગે, ત્યાં આવી શકે છે.
પતાકા : નાટ્યશાસ્ત્ર પ્રમાણે જે વૃત્ત પરાર્થે હોય, પ્રધાનને ઉપકારક હોય અને પ્રધાનની જેમ જેનું વિધાન થયું હોય તેને પતાકા કહેવાય. અભિનવ ‘પ્રધાન’નો અર્થ નાયક કરી, નાયકનો ઉપકારક વૃત્ત એમ અર્થ ઘટાવે છે, જ્યારે સાગરનંદી તેનો અર્થ કથાવસ્તુ કરી, તેને ઉપકારક વૃત્ત તે પતાકા એમ માને છે. શારદાતનય અને સિંહભૂપાલના મતે ઉપનાયકનું વૃત્તાંત તે જ પતાકા છે. પ્રતિનાયકનો સહાયક પણ પતાકાનો નાયક હોઈ શકે એ સાગરનંદીનો મત છે. પતાકાનાયકના અંગત પ્રયોજનની સિદ્ધિ આ વૃત્તમાં દર્શાવવામાં આવે છે, પણ તે દર્શાવવી જ જોઈએ એવું નથી. તેના અંગત પ્રયોજનની સિદ્ધિ કોઈ રીતે સ્વતંત્ર ન રહેતાં, નાયકની સિદ્ધિમાં ઉપકારક થવી જોઈએ. અભિનવ માને છે કે ધ્વજની જેમ, આ વૃત્ત નાટકમાં ઉપયોગી હોવાથી પતાકા કહેવાય છે. સાગરનંદી પ્રમાણે સૈન્યનો ધ્વજ જેમ સૈન્યને સૂચવે છે, તેમ આ પતાકા આખા નાટકનો પ્રકાશિત કરે છે. ધનિક માને છે કે જેમ ધ્વજ એ રાજાનું ચિહ્ન છે તેમ પતાકા નાયકનાં વિશેષ ચિહ્નો દર્શાવી તેને ઉપકારક બને છે. નાટકમાં આ વૃત્તનું અસ્તિત્વ પ્રકરીના પ્રમાણમાં લાંબા સમય માટે હોય છે અને તેનું નિરૂપણ વિમર્શસંધિના અંત સુધીમાં પૂરું થવું જોઈએ.
પ્રકરી : નાટ્યશાસ્ત્ર પ્રમાણે, જેનું ફલ કેવળ પરાર્થ માટે હોય છે એવા અનુબન્ધ વિનાના વૃત્તને પ્રકરી કહેવાય છે. સામાન્ય રીતે કથાવસ્તુના એક નાના ભાગને આવરતા રસપ્રદ પ્રસંગને પ્રકરી કહેવાય છે. અભિનવ માને છે કે સ્વાર્થની અપેક્ષા વિના પ્રકૃષ્ટપણે બીજાનું કાર્ય કરે છે તેથી આ વૃત્તને ‘પ્રકરી’ કહે છે. સાગરનંદી અને શારદાતનય પુષ્પપ્રકરની માફક પ્રકરીને નાટક માટે શોભાજનક વૃત્ત ગણે છે. પ્રકરીના નાયકને પોતાનો કંઈ અંગત ઉદ્દેશ સિદ્ધ કરવાનો હોતો નથી અને નાટકમાં તે ટૂંકા સમયગાળા માટે હોય છે. આ બંને બાબતમાં પ્રકરીવૃત્ત પતાકાવૃત્ત કરતાં જુદું પડે છે.
કાર્ય : દરેક સંસ્કૃત નાટકની સમાપ્તિ નાયકની કોઈક કાર્યસિદ્ધિ સાથે થતી હોય છે. નાટકના પ્રધાન નાયકના કાર્યની સમાપ્તિને કાર્ય કહેવાય. નાટ્યશાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે, જે આધિકારિક વસ્તુ ફલરૂપની સિદ્ધિ અર્થે પ્રયોજાય છે અને જેના માટે નાટકનો સમારંભ છે તે કાર્ય છે. કાર્યની બાબતમાં અભિનવે દર્શાવેલા મતનો સારાંશ એ છે કે બીજા ઉપાયોની મદદથી મુખ્ય ઉપાય બીજનું ચેતનતત્ત્વો વડે ફલમાં પરિણમન કરાવાય છે અને આ પરિણમન તે જ કાર્ય છે.
કાર્યની વ્યાખ્યા બાબતમાં એક સમસ્યા એ છે કે નાટ્યશાસ્ત્રીઓ એક બાજુ દરેક અર્થપ્રકૃતિને ફલનો હેતુ માને છે, બીજી બાજુ કાર્યને અને ફલને એક જ માને છે, તો ફલ પોતે ફલનો હેતુ કેવી રીતે બની શકે ? આ સમસ્યાને કેટલાક વિદ્વાનો એવી રીતે ઉકેલે છે કે કાર્ય એ ફલાગમનની એકદમ પૂર્વે આવતો પ્રસંગ છે. આ અને આવી બીજી સમજૂતીઓ પણ આ ગૂંચવણને બરાબર દૂર કરી શકી નથી.
આ પાંચ અર્થપ્રકૃતિમાંથી જેના વડે નાયકનો કોઈ વિશેષ ઉદ્દેશ સરતો હોય અને જે કાર્યની દૃષ્ટિથી વધારે ઉપયોગી હોય તે નાટકમાં પ્રાધાન્ય ભોગવે છે, બાકીની ગૌણ બની જાય છે. અભિનવના મતે નાટકમાં બીજ, બિન્દુ અને કાર્ય – એ ત્રણ ખાસ આવશ્યક છે.
નીલાંજના શાહ