ગંભીરપુરા (સ્તૂપચિત્રો) : ગુજરાતમાં બૌદ્ધ ધર્મ-પ્રસારના સ્પષ્ટ સંકેતરૂપ ચોથી–પાંચમી સદીનાં ચિત્રો. પુરાવસ્તુની ર્દષ્ટિએ આજનો ઈડર તાલુકો ઘણો સમૃદ્ધ છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંથી કેટલાંક ગુફાચિત્રો શોધી કાઢ્યાં હતાં; જેમાં સાંપાવાડા, લાલોડા અને ઈડરનાં શૈલાશ્રય ચિત્રો ધ્યાનાર્હ છે.

ગંભીરપુરામાંની ગુફા નંબર 14, 15, 16 અને 18માંથી ભીંતો ઉપરથી સ્તૂપોનાં સાત ચિત્રોમાંનું અંકન હાથ લાગ્યું છે. ચૌદમી ગુફામાંનું સ્તૂપનું રેખાંકન ગેરુઆ રંગનું છે. છત્રયષ્ટી છે. પીઠિકા સ્પષ્ટ નથી. પંદરમી ગુફામાં સ્તૂપનાં બે રેખાંકનો છે, જેમાંનું ડાબી તરફનું મોટું અને જમણે થોડું નાનું છે. લાલ અને સફેદ રંગનાં આ રેખાંકનો ગુફા 16ના રેખાંકન કરતાં વિકસિત જણાય છે. સોળમી ગુફામાં સ્તૂપનાં ત્રણ રેખાંકનો છે. ત્રણેયની કારીગરી એકસરખી નથી. અઢારમી ગુફામાં એક સ્તૂપનું રેખાંકન છે પણ તે સાથે થોડા બ્રાહ્મી લિપિના વર્ણો કોતરેલા છે. લિપિ મરોડના આધારે આ સ્તૂપચિત્રો ચોથીપાંચમી સદીનાં હોવા સંભવે. છત્રયષ્ટી બધા સ્તૂપો ઉપર જોવા મળે છે. આ ચિત્રો ઉપરથી આ સમય દરમિયાન આ વિસ્તારમાં બૌદ્ધ ધર્મના પ્રસારના સ્પષ્ટ સંકેત પ્રાપ્ત થાય છે. શામળાજી પાસેના દેવની મોરીમાંથી હાથ લાગેલા બૌદ્ધ મહાસ્તૂપ અને મહાવિહાર આ ચિત્રો સંદર્ભે ધ્યાનાર્હ છે.

રસેશ જમીનદાર