અર્ગોસ્ટેરોલ : માઇકોસ્ટેરોલ વર્ગનું સંયોજન. આ અર્ગટ (અનાજ ઉપરની એક પ્રકારની ફૂગ) તથા યીસ્ટમાં મળી આવે છે. તે સફેદ, સ્ફટિકમય, પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય પદાર્થ છે. તેનું ગ.બિ. 1630 સે. અને અણુસૂત્ર C28H44O છે.
પારજાંબલી પ્રકાશની અસરથી તેનું કેલ્સિફેરોલ(વિટામિન D2)માં નીચે દર્શાવેલ સોપાનો મારફત રૂપાંતર થાય છે. વિટામિન D2 બધાં જ પ્રાણીઓનાં (પક્ષીઓ માટે વિટામિન D3) હાડકાંના વિકાસ માટે જરૂરી છે. તેની ઊણપથી રિકેટ્સ નામનો રોગ થાય છે.
અર્ગોસ્ટેરોલ લ્યુમિસ્ટેરોલ → ટેકિસ્ટેરોલ → કેલ્સિફેરોલ.
ત્વચામાં અલ્પ પ્રમાણમાં અર્ગોસ્ટેરોલ હાજર હોઈ સૂર્યપ્રકાશની અસરથી જરૂરી વિટામિન D2 પેદા થાય છે.
પ્રહલાદ બે. પટેલ