ગર્ભનાળ (umbilical cord) : ગર્ભશિશુ(foetus)ને ઓર (placenta) સાથે જોડતી લોહીની નસોવાળી નળી. તેની લંબાઈ જુદી જુદી હોય છે; પરંતુ તે સરેરાશ 55 સેમી. લાંબી હોય છે. 12મા દિવસે પ્રાગર્ભ (ભ્રૂણ, embryo) 1 મિમી. લંબાઈનો હોય છે. તેના પોલાણમાંના મધ્યપેશીય (mesenchymal) કોષો ભેગા મળીને કાયદંડ (body stalk) બનાવે છે. તેમાંથી સમય જતાં ગર્ભનાળ બને છે. કાયદંડ પ્રાગર્ભ(ભ્રૂણ)ને પોષણદાયી કૉરિયન સાથે જોડે છે. તેવી જ રીતે પ્રાગર્ભમાં વિકસતા ગર્ભશિશુને ગર્ભનાળ ઓર સાથે જોડે છે (આકૃતિ 1). ઓરમાં માતા અને ગર્ભનાળમાંની નસોમાં વહેતું ગર્ભશિશુનું લોહી પાસપાસે આવે છે અને આમ ગર્ભને પોષણ મળતું રહે છે.
વૃદ્ધિ અને વિકાસની શરૂઆતમાં પ્રાગર્ભ ચપટો હોય છે; પરંતુ તેના પૃષ્ઠભાગની વૃદ્ધિ ઝડપી હોવાને કારણે તે ગર્ભજળકોષ્ઠ(amnion)માં ઊપસી આવે છે. તે સમયે પ્રાગર્ભની અગ્ર સપાટી તરફ આવેલી યોકની કોથળીમાંથી ગર્ભશિશુનાં આંતરડાં બને છે અને પ્રાગર્ભના વધતા જતા કદને કારણે તથા અલગ અલગ પેશીઓની વૃદ્ધિના અલગ અલગ દર હોવાને કારણે યોકની કોથળીના પુચ્છીય (caudal) છેડે કાયદંડ વિકસે છે. 3 મહિનાના ગર્ભમાં કાયદંડમાંથી ગર્ભનાળ બને છે. ગર્ભના વિકાસ સાથે મોટા ભાગનાં આંતરડાં ગર્ભમાંની દેહગુહા(coelomic cavity)માં સમાઈ જાય છે; પરંતુ મધ્યઆંત્ર(midgut)ની ટોચ વાયટેલિન નલિકાના રૂપે ગર્ભનાળમાં રહે છે. ગર્ભનાળમાં બે ધમની અને બે શિરા વિકસે છે. તેમાંની જમણી શિરા કરમાઈ જાય છે અને તેથી જન્મ સમયે ગર્ભનાળમાં ડાબી અને જમણી ધમનીઓ તથા ડાબી (એકમાત્ર) શિરા હોય છે. ગર્ભનાળના મધ્યભાગમાં નાભિલક્ષી પુટિકા (umbilical vesicle) હોય છે. તેવી જ રીતે એક બીજી નળી એલેન્ટોઇસના અવશેષરૂપે જોવા મળે છે. ક્યારેક તેનો પેટમાંનો ભાગ કરમાઈ ન ગયો હોય તો તે પુખ્તવયે મેકેલની અંધનાળ (Meckel’s diverticulum) રૂપે જોવા મળે છે. ગર્ભનાળના બંધારણમાં ક્યારેક ખામીઓ પણ હોય છે. ક્યારેક તે ખૂબ લાંબી (300 સેમી.) હોય અથવા તો ન પણ વિકસી હોય. લાંબી ગર્ભનાળમાં ક્યારેક લોહી જામી જાય છે અથવા ગાંઠ (knot) પડે છે. અતિશય નાની ગર્ભનાળ હોય તો ઓરપાત (abruptio placenta) થવાનો અથવા ગર્ભાશય અવળું થઈ જવાનો ભય રહે છે. ક્યારકે ફક્ત એક જ ધમની વિકસે છે અને તે સમયે ક્યારેક ગર્ભમાં પણ ઘણી સંરચનાની ખામીઓ જોવા મળે છે. ક્યારેક તેમાં ચાર નસો જોવા મળે છે; પરંતુ તે કોઈ જોખમી ખામી ગણાતી નથી. સામાન્ય રીતે ગર્ભનાળ ઓરના કેન્દ્રસ્થાને જોડાય છે. ક્યારેક આવું જોડાણ છેડા પાસે પણ હોય છે. ક્યારેક ગર્ભનાળની નસો ઓરમાં અલગ અલગ પ્રવેશે છે. તેને વેલમય જોડાણ (velamentous insertion) કહે છે. આવી વેલ જેવી અલગ નસો જો જન્મ સમયે ગર્ભશિશુના માથા કરતાં પહેલાં બહાર આવવા માંડે તો તે ગર્ભશિશુને માટે જોખમી પણ થઈ શકે છે. તેને વાહિની-અગ્રિતા (vasa previa) કહે છે. ગર્ભનાળમાં ગાંઠ (knot) પડે, તેનું ગૂંચળું થાય, તે અમળાઈ જાય (torsion), તેમાં ખાંચ (stricture) થાય, લોહી જામી જાય, કોષ્ઠ (cyst) ઉદભવે અથવા તેમાં સોજો આવે તો તે ગર્ભશિશુ માટે જોખમી સ્થિતિ પેદા કરે છે.
ગર્ભશિશુની નાભિ અને ઓરને ગર્ભનાળ જોડે છે અને તેમાંની ત્રણ નસો દ્વારા ગર્ભશિશુનું રુધિરાભિસરણ થાય છે (આકૃતિ 2).
જો જન્મસમયે ગર્ભશિશું ઊંધું હોય તો ક્યારેક ગર્ભનાળ દબાય છે અને તેથી જન્મ પામતા શિશુને ઑક્સિજનની ઊણપ થાય છે. ક્યારેક જન્મસમયે ગર્ભનાળ વહેલી ઊતરી આવે છે અને તેને ગર્ભનાળ ભ્રંશ (umbilical cord prolapse) કહે છે. આ જીવનને જોખમી સંકટ ગણાય છે.
જન્મસમયે ગર્ભનાળને કાપી નાખી બાંધી દેવામાં આવે છે અને આમ નવજાત શિશુનો માતા સાથેનો દૈહિક સંબંધ પૂરો થાય છે. નવજાત શિશુની ગર્ભનાળને પેટથી 2–3 સેમી. અને 4–5 સેમી.ના અંતરે એમ બે સ્થળે બે દાબકારી ચીપિયા(clamps)થી પકડવામાં આવે છે અને બંનેની વચ્ચેથી કાપી કઢાય છે. આ સમયે ઓરમાંનું મોટા ભાગનું લોહી શિશુમાં પ્રવેશે તે ખાસ જોવામાં આવે છે તથા નવજાત શિશુનો શ્વસનમાર્ગ પણ પૂરેપૂરો ચોખ્ખો છે કે નહિ તે જોવામાં આવે છે.
જન્મ પછી નવજાત શિશુની નાભિ સાથે જોડાયેલ ગર્ભનાળનો સ્તંભ તેમાંની વ્હૉર્ટન્સ જેલી(Wharton’s jelly)માંનું પાણી સુકાવાથી કરમાઈ જાય છે અને 24 કલાકમાં તેના ભીના ભૂરાશ પડતા સફેદ રંગને સ્થાને કાળો અને સુક્કો રંગ બની જાય છે. થોડાક દિવસમાં તે નાભિ આગળથી છૂટો પડીને ખરી પડે છે (3થી 45 દિવસ; સરેરાશ 2 અઠવાડિયાં). હવા સાથેના સંસર્ગમાં તે ઝડપથી સુકાતો હોવાથી તેને ડ્રેસિંગ કરીને ઢાંકવામાં આવતો નથી.
ગર્ભનાળના કપાયેલા છેડાની યોગ્ય માવજત ન લેવામાં આવે તો તેમાં ચેપ લાગે છે અને સ્ટૅફાઇલોલૉકસ ઑરિયસ, સ્ટ્રેપ્ટોકૉકાઇ કે ઇ. કોલી જીવાણુઓનો ચેપ લાગતો અટકાવવા ઍન્ટિબાયૉટિક કે પોવિડોન આયોડિનનો મલમ લગાડવામાં આવે છે. તેમાંથી ધનુર્વા (tetanus) ન થાય તે માટે સગર્ભા સ્ત્રીને રસી મૂકવામાં આવે છે જેથી કરીને નવજાત શિશુમાં ધનુર્વાના જીવાણુ સામેનાં પ્રતિદ્રવ્યો માતાના શરીરમાંથી આવ્યાં હોય.
ગર્ભનાળમાંની નસોમાંથી લોહી મેળવીને તેની તપાસ કરવાથી ઘણી ઉપયોગી માહિતી મળે છે (આકૃતિ 3). જન્મસમયે ગર્ભનાળમાંના લોહીનું pH મૂલ્ય તથા ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ અને બાયકાર્બોનેટનો સ્તર જાણવાથી નવજાત શિશુને ઑક્સિજનની કેવીક ઊણપ લાગે છે તે જાણી શકાય છે. હાલ નવજાત શિશુની ગર્ભનાળમાંના લોહીમાંના કોષોનો સારવાર માટે ઉપયોગ થાય છે. તેના વડે પુખ્તવયની વ્યક્તિમાં લોહીના કોષો ઉત્પન્ન ન થતા હોય અને તેથી અસ્થિમજ્જાની નિષ્ફળતા થઈ હોય તો તેની સારવાર કરવાના પ્રયોગો ચાલે છે.
ગર્ભશિશુની ગર્ભનાળમાંથી સૌપ્રથમ બૅન્ગ અને તેમના સાથીદારોએ પરીક્ષણ માટે લોહી મેળવ્યું હતું (1982). તેમણે 23 અઠવાડિયાંના ગર્ભની ગર્ભનાળમાંથી પણ લોહી મેળવ્યું હતું. તે માટે 20–25 ગેજની તથા 10થી 13 સેમી. લાંબી સ્પાયનલ નીડલ(સોય)માં 3.8 % સોડિયમ સાઇટ્રેટ ભરીને તેની સાથે લોહીનું ગઠન થતું રોકતા 0.1 મિલિ. દ્રાવણવાળી સિરિંજ સાથે લગાવવામાં આવે છે અને તેને પેટની તથા ગર્ભાશયની આગળની દીવાલમાંથી અંદર નાખવામાં આવે છે. સોયની ટોચની ગર્ભનાળ શિરામાં પેસાડવા માટે અલ્ટ્રાસૉનોગ્રાફીની મદદ લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં 1.1 % કિસ્સામાં ગર્ભશિશુનું મૃત્યુ થાય છે. 97 % કિસ્સામાં પ્રથમ પ્રયત્ને લોહીનો નમૂનો મળી શકે છે. આ પ્રક્રિયાને કારણે ગર્ભશિશુની દેહધાર્મિક ક્રિયાઓ, રોગોનું નિદાન તથા સારવારમાં ઘણો સુધારો થયો છે. માતા તથા ગર્ભશિશુનું લોહી જો અલગ અલગ Rh જૂથવાળું હોય તો ગર્ભશિશુમાં રક્તકોષલયી પાંડુતા(haemolytic anaemia) થાય છે, જેને કારણે ક્યારેક તેનું મૃત્યુ થાય છે. ગર્ભનાળના લોહીનું પરીક્ષણ કરવાથી તેનું નિદાન શક્ય છે તથા ગર્ભનાળ-શિરા દ્વારા જરૂર પડ્યે લોહી ચડાવી પણ શકાય છે. ગર્ભનાળના લોહીના પરીક્ષણથી ગર્ભના જનીનીય વિકારો, તેને પડતી ઑક્સિજનની ઊણપ તથા તેના સ્વપ્રતિરક્ષાના વિકારનું નિદાન કરી શકાય છે.
શિલીન નં. શુક્લ
નિરુપમા શાહ