ગર્ભનાળ-રુધિર પ્રતિરોપણ

January, 2010

ગર્ભનાળ-રુધિર પ્રતિરોપણ (cord blood transplantation) : નવજાત શિશુની ગર્ભનાળ(umbilical cord)ના લોહીના આદિકોષો (stem cells) વડે લોહીના કોષો ન બનતા હોય એવા વિકારની સારવાર. હાલ તેનો પ્રયોગાત્મક ઉપયોગ જે દર્દીઓને અસ્થિમજ્જા-પ્રતિરોપણ (bone marrow transplantation) માટે સમજનીની દાતા (allogenic donor) ન મળી શકતો હોય તેઓ માટે કરવામાં આવે છે. ગર્ભનાળના લોહીના કોષોની પ્રતિજનશીલતા (antigenicity) ઓછી હોવાને કારણે દર્દીને આપેલા કોષો સફળતાથી કાર્યરત બને છે. તેથી પ્રતિરોપિત કોષોની નિષ્ફળતા તથા તીવ્ર અને ઉગ્ર પ્રકારનો નિરોપ-વિરુદ્ધ-સ્વીકારક (graft versus host) નામનો રોગ પણ થતો નથી. નવજાત શિશુની માતાના ટી-લસિકા કોષો(T-lymphocytes)નું નિરોપણ થવાનો જે સૈદ્ધાંતિક ભય છે તે વ્યવહારમાં જોવા મળતો નથી. આ સારવાર ઓછી ખર્ચાળ છે. હૉસ્પિટલમાં દાખલ થવાની કે દર્દીને બેહોશ કરવાની જરૂર પણ હોતી નથી. આ પ્રકારના પ્રતિરોપણ પછી આનુષંગિક તકલીફો ઓછી અને મંદ હોય છે. પ્રતિરોપણની સફળતા ઘણી જ હોય છે. આમ તેને ભવિષ્યમાં અસ્થિમજ્જા પ્રતિરોપણની અવેજીમાં ઉપયોગમાં લઈ શકાય તેવી શક્યતા અને આશા ઉત્પન્ન થઈ છે. તેથી જે ગર્ભનાળમાંના લોહીને આજ સુધી ફેંકી દેવાતું હતું તેનાં નિયમિત સંગ્રહ, સાચવણી તથા વર્ગીકરણ થવાની સંભાવના વધી છે.

અસ્થિમજ્જા પ્રતિરોપણની માફક તે ફાન્કોનીનો એનીમિયા, તીવ્ર અપસર્જી (aplastic) એનીમિયા, ઉગ્ર લસિકાબીજકોષી રુધિર કૅન્સર (acute lymphatic leukaemia, ALL), પ્રતિરક્ષા ઊણપ (immune deficiency), ચયાપચયની જન્મજાત ખામીઓ (inborn errors of metabolism), સિકલ સેલ એનીમિયા અને થેલૅસેમિયા જેવા હીમોગ્લોબિનના જન્મજાત વિકારોમાં ઉપયોગી નીવડશે એમ મનાય છે. અસ્થિમજ્જા પ્રતિરોપણ માટે જો લોહીની સગાઈવાળો યોગ્ય દાતા ન મળે તો અન્ય દાતાને શોધવા માટે રાષ્ટ્રીય નોંધણી (national registry) રાખવી પડે. હાલ આ સેવા અમેરિકામાં ઉપલબ્ધ છે અને ઘણી ખર્ચાળ પણ છે. જો ગર્ભનાળ-રુધિરને સંગૃહીત કરી રાખવામાં આવે તો આ પ્રશ્નનો સહેલો ઉકેલ આવે એમ મનાય છે. વળી આ પ્રકારનો સંગૃહીત જથ્થો, ક્યારેક વિકિરણજન્ય અકસ્માતો થાય અને પુષ્કળ પ્રમાણમાં અસ્થિમજ્જા પ્રતિરોપણની જરૂર પડે એવા વિકારો થાય તોપણ ખાસ ઉપયોગી રહે તેમ મનાય છે. જોકે હાલ તેમનો ઉપયોગ યોગ્ય માનવ શ્વેતકોષી પ્રતિજન(human leucocyte antigen, HLA)ની સંગતતા (compatibility) હોય એવા દાતાની ગેરહાજરીમાં જ કરવાનું સૂચવાય છે.

ગર્ભનાળના લોહીને વર્ગીકૃત કરીને સંગ્રહવાના અને તેનું સંવર્ધન કરવાના પ્રયોગો માટે ઘણા વ્યાવહારિક અને નૈતિક મુદ્દાઓ પણ છે જેનું નિરાકરણ લાવવું બાકી છે.

ભરત જે. પરીખ

શિલીન નં. શુક્લ