ગરીબી : વિશ્વની એક ટોચની આર્થિક સમસ્યા : ભારતના પ્રાણપ્રશ્નોમાં ગરીબી ટોચની અગત્ય ધરાવે છે. 1947ની પંદરમી ઑગસ્ટે દેશ આઝાદ થયો ત્યારે વ્યાપક ગરીબી હતી. આઝાદી વખતે ગરીબી જેટલા પ્રમાણમાં વ્યાપક હતી તેટલી હવે નથી, આમ છતાં ગરીબ માણસોની સંખ્યાની ર્દષ્ટિએ આ પ્રશ્નની ગંભીરતા હજુ પણ ઓછી નથી થઈ. ભારતની વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક ઉદ્દેશ તરીકે ગરીબીનિવારણને પ્રાધાન્ય અપાયું છે. તેમ છતાં હજુ પણ ગરીબોની સંખ્યા લગભગ ચોવીસ કરોડ હોવાનો અંદાજ છે.
ગરીબી ભારત સહિત તમામ વિકાસશીલ દેશોનો સવાલ છે. આફ્રિકા, એશિયા અને દ. અમેરિકાના દેશોમાં પણ ગરીબી વ્યાપક પ્રમાણમાં છે. ગરીબીના આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે 1997–98ના વર્ષમાં દુનિયામાં પ્રવર્તતી ગરીબીમાં દક્ષિણ એશિયા, સહરા નીચેના આફ્રિકાના દેશો અને પૂર્વ એશિયાના દેશોનો હિસ્સો 91 ટકા જેટલો હતો. ઉત્તર અમેરિકા, પશ્ચિમ યુરોપ, જાપાન અને ‘એશિયન ટાઇગર્સ’ ગણાતા સિંગાપોર, મલેશિયા, હૉંગકૉંગ, દ. કોરિયા વગેરે જેવા જગતના ગણ્યાગાંઠ્યા દેશોમાં ગરીબીની સમસ્યા હવે રહી નથી.
જગતના મોટા ભાગના બિનગરીબ દેશો અગાઉનાં સામ્રાજ્યો છે. ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, પોર્ટુગલ, જર્મની, નેધરલૅન્ડ્ઝ વગેરે દેશોએ અઢારમી સદીથી સામ્રાજ્યવાદ ફેલાવ્યો. આ દેશોએ હારેલા દેશોનું આર્થિક શોષણ કર્યું. તેમની આર્થિક નીતિ જિતાયેલાં સંસ્થાનોમાંથી બને તેટલું ધન એકઠું કરવાની હતી. વળી, ઓગણીસમી સદીની ઔદ્યોગિક ક્રાંતિની ઘટના પછી સુતરાઉ કાપડના મિલઉદ્યોગ જેવા નવા ઉદ્યોગો સામે ખાદી અને હાથસાળ ઉદ્યોગો ટકી ન શક્યા. આવાં નવી ટેક્નૉલૉજી ઉપર આધારિત કારખાનાંની ઉત્પાદનશક્તિ પરંપરાગત એકમોની તુલનાએ અનેકગણી હતી. આથી આવા પરંપરાપગત એકમો અને ક્યારેક સમગ્ર ઉદ્યોગો નાશ પામ્યા. સામ્રાજ્યવાદીઓની આર્થિક નીતિને લીધે જૂના ઉદ્યોગોનો વિનાશ અને નવા ઉદ્યોગોની સ્થાપના વચ્ચે પણ ઘણો સમય પસાર થઈ ગયો. આથી બેકારી વધી અને ખેતી અને આનુષંગિક વ્યવસાયોમાં મજૂરી સિવાય કોઈ વિકલ્પો રહ્યા નહિ. આથી પછાતપણું વધ્યું.
વિકાસશીલ દેશોમાં ગરીબી નિરપેક્ષ સ્વરૂપની હોય છે; પરંતુ કેટલાક વિકસિત દેશોમાં પણ કેટલાક લોકોની મકાન કે કપડાં જેવી જરૂરિયાતો સંતોષાતી નથી. સ્વમાનભેર જીવવા માટેની આવશ્યકતાઓ સંતોષાતી ન હોય ત્યારે તેમને સાપેક્ષ ગરીબ ગણવામાં આવે છે. આવા ગરીબ બધા જ દેશોમાં હોય છે. એક ગણતરી અનુસાર અમેરિકા જેવા સમૃદ્ધ અને શક્તિશાળી દેશની તેર ટકા વસ્તી ગરીબ છે. યુરોપના વિકસિત દેશોમાં પણ ગરીબી પ્રવર્તે છે.
એશિયા અને આફ્રિકાના દેશોમાં પ્રવર્તતી ગરીબી માત્ર વ્યાપક જ નથી પણ તેનું સ્વરૂપ પણ નિરપેક્ષ પ્રકારનું છે. જ્યારે માણસોને જીવતા રહેવા માટે અનિવાર્ય ગણાય તેટલું લઘુતમ પોષણ આપનાર ખોરાક, લઘુતમ વસ્ત્રો અને સામાન્ય રહેઠાણની સગવડ મેળવવા માટે પૂરતાં નાણાં મળતાં ન હોય ત્યારે નિરપેક્ષ ગરીબી કહેવાય છે. આ ર્દષ્ટિએ ગરીબીનો વિચાર લઘુતમ જીવનધોરણના સંદર્ભમાં કરવામાં આવે છે. લઘુતમ જીવનધોરણમાં કઈ બાબતનો સમાવેશ કરવો તે બાબત જીવવૈજ્ઞાનિક હોવા સાથે સમાજની સાંસ્કૃતિક બાબતો સાથે પણ નિસબત ધરાવે છે. માણસ સામાજિક પ્રાણી હોવાથી તેના જીવનધોરણની આવશ્યકતાઓમાં સામાજિક જરૂરિયાતો પણ લક્ષમાં લેવાવી જોઈએ. વળી, સમાજ આર્થિક ર્દષ્ટિએ પણ ગતિમાન હોય છે. આર્થિક પ્રવાહોની અસર સામાજિક જીવન ઉપર પડે છે. સમૃદ્ધ સમાજમાં લઘુતમ જીવનધોરણ, ગરીબ સમાજની તુલનાએ ઊંચું હોય છે. આમ, જીવન ટકાવી રાખવા માટેની અનિવાર્ય વસ્તુઓ સિવાય, એક વ્યાપક અર્થમાં ગરીબી સાપેક્ષ બને છે. આમ છતાં, બીજા શબ્દોમાં મૂકીએ તો માથાદીઠ નીચી આવક ધરાવતા દેશોમાં ગરીબીનું પ્રમાણ વધારે હોય છે અને માથાદીઠ ઊંચી આવક ધરાવતા દેશોમાં તે વધારે હોય છે.
ગરીબીની રેખા નીચે જીવતી વસ્તીની સંખ્યા, ગરીબી માટેનાં કારણો તેમજ લાક્ષણિકતા સમજવાથી ગરીબીનિવારણના ઉપાયો વિશે વિચારી શકાય. ગરીબીનું માપન આ ર્દષ્ટિએ અગત્યનું બને છે. ગરીબ અને બિનગરીબ વચ્ચે તફાવત પાડવા માટે દૈનિક સરાસરી કૅલરીની વપરાશને માપદંડ તરીકે સ્વીકારવામાં આવી છે. શરીરને ઘસારો પાડ્યા વગર જીવતા રહેવા માટે આબાલવૃદ્ધ કે સ્ત્રી-પુરુષને એકસમાન કૅલરીની જરૂર હોતી નથી. માણસના શરીરને કેટલી કૅલરીની જરૂર પડે તે અંગેની ગણતરીમાં ઉંમર, ઊંચાઈ, વજન, કામનો પ્રકાર, જાતિ, આબોહવા વગેરેના આધારે ભેદ પાડવામાં આવે છે. વળી ખોરાકના નિશ્ચિત જથ્થામાંથી મળવાપાત્ર કૅલરી અને અન્ય પોષક તત્ત્વોનું પ્રમાણ નક્કી કરવામાં ખોરાક રાંધવાની રીત પણ મહત્ત્વની છે. આમ છતાં ગરીબીની સમસ્યાના અભ્યાસના હેતુથી આ બધી જ વિગતોના આધારે દરેક માટે અલગ અલગ કૅલરીની આવશ્યકતા નક્કી કરવી જરૂરી નથી. ભારતમાં સત્તાવાર રીતે ગરીબીની રેખા નક્કી કરવા ગ્રામીણ વિસ્તારો માટે રોજની માથાદીઠ 2400 કૅલરીનું અને નગરવિસ્તારોમાં 2100 કૅલરીનું ધોરણ અપનાવવામાં આવ્યું છે. કૌટુંબિક વપરાશખર્ચની જે સપાટીએ લોકો કૅલરીના આ ધોરણ પ્રમાણેના આહારની ચીજો ખરીદી શકે તે ખર્ચને ગરીબીની રેખા ગણવામાં આવે છે. આહારની ચીજોના વધતા ભાવો પ્રમાણે વીતેલાં વર્ષોમાં ગરીબીની રેખા ઉત્તરોત્તર ઊંચી સપાટી પર જઈ રહી છે. નીચેની સારણીમાં તેની વિગતો દર્શાવવામાં આવી છે.
સારણી 1 : જુદાં જુદાં વર્ષોમાં સમગ્ર ભારત માટે ગરીબીરેખા (માસિક
માથાદીઠ ખર્ચ ચાલુ ભાવોએ)
ગરીબી અંગેના વિચારનો વિકાસ : ગરીબી અંગેના વિવિધ અભ્યાસો દ્વારા ગરીબીના ખ્યાલનો પણ વિકાસ થયો છે અને તે અંગેની સમજ ક્રમશ: વધુ સૂક્ષ્મ સ્વરૂપની અને વાસ્તવિક થતી આવી છે. ગરીબીમાપન અને ગરીબીની ઓળખ અંગે આવેલાં મુખ્ય પરિવર્તનો આ પ્રમાણે છે :
(ક) કૅલરીની આવશ્યકતા : વ્યક્તિની ઉંમર, જાતિ, વજન, કામનો પ્રકાર વગેરેના આધારે કૅલરીની આવશ્યકતા બદલાય છે. આ સમજ 1970ના દાયકામાં વધુ સ્પષ્ટ થઈ. કૅલરીની આવશ્યકતા અંગે ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનિઝેશનનું ધોરણ માથાદીઠ દૈનિક સરાસરી 3200 કૅલરીનું અને સૌને માટે એકસમાન હતું. આટલા ઊંચા ધેરણે ભારતમાં ગરીબીનું પ્રમાણ ઘણું વધારે થઈ જાય. વળી, શરીરવિજ્ઞાન સંબંધી સંશોધનો દ્વારા સ્પષ્ટ થયું કે ભારત જેવા ગરમ પ્રદેશમાં, ઓછી ઊંચાઈ ધરાવતાં શરીરો માટે આટલા ઊંચા આહારમૂલ્ય ધરાવતા ખોરાકની જરૂર નથી. એશિયા, આફ્રિકાના ઓછી ઊંચાઈ ધરાવતા લોકોના શરીર માટે ‘સ્મૉલ બટ એફિશિયન્ટ’ ર્દષ્ટિકોણ વિકસ્યો.
1991–92માં લાકડાવાલા સમિતિએ નોંધ્યા અનુસાર ભારતમાં ગ્રામવિસ્તારમાં 2400 અને શહેરી વિસ્તારમાં 2100 કૅલરી હવે જરૂરી મનાય છે. એકંદર માપ તરીકે એક ભારતીયને 2250 કૅલરીનું પોષણ મળે તે પૂરતું ગણાય છે.
પરંતુ શરીરને માત્ર કૅલરીની જ આવશ્યકતા હોતી નથી. કૅલરીના નામે મળતી ગરમી ઉપરાંત પ્રોટીન, વિટામિન, ક્ષાર અને લોહતત્ત્વ વગેરેની પણ જરૂર પડે છે. વળી, કૅલરીની જરૂર સંતોષાય તો અન્ય તત્ત્વોની જરૂર પણ તેની સાથે જ સંતોષાય છે. ખોરાકનાં વિવિધ ઘટકતત્વો હોવાથી કૅલરીની સાથે અન્ય તત્વો પણ મળી જતાં હોય છે. આથી દરેક તત્વની અલગ અલગ આવશ્યકતા ઉપર ધ્યાન રાખવાની જરૂર રહેતી નથી. આને પરિણામે ગરીબી અંગેની ચર્ચામાં કૅલરીનો જ ઉલ્લેખ થાય છે.
(ખ) ગરીબીની તીવ્રતાનો ખ્યાલ : ગરીબી-રેખાની નીચે જીવતા હોવા છતાં તમામ ગરીબો એકસરખા ગરીબ હોતા નથી. આથી ગરીબીની રેખા હેઠળ જીવનારાને દસ દશકજૂથ(decile groups)માં વહેંચીને જોવામાં આવે છે. સૌથી ઉપરના દશકના ગરીબો ગરીબી-રેખાની લગોલગ હોવાથી તેમને ગરીબી-રેખા પાર કરાવવાનું કાર્ય એટલું મુશ્કેલ નથી જેટલું સૌથી હેઠેના દશકના ગરીબો માટે હોય. દા. ત., સૌથી ઉપરના દશકના ગરીબો 2000થી 2250 કૅલરી મેળવતા હોય તો તેમની વપરાશમાં મહત્તમ 250 કૅલરીનો જ ઉમેરો કરવાથી તે બિનગરીબ બની જશે, પરંતુ જો સૌથી નીચેના દશકમાં 400થી 500 કૅલરી મેળવનારો સમૂહ હશે તો તેમને માટે રોજની વધારાની 1850 કૅલરીની જરૂરિયાત સંતોષવાની રહેશે.
કૅલરીની પ્રાપ્યતાના આધારે ગરીબ જનસમૂહને દસદસના દશકોમાં ગોઠવવાનો એક ઉદ્દેશ, ઉપર જોયું તેમ, ગરીબોને બિનગરીબ બનાવવા માટે કેટલી માત્રામાં મદદની જરૂર છે તે શોધવાનો છે. બીજો ઉદ્દેશ ગરીબીની તીવ્રતા વિશે માહિતી મેળવવાનો છે. સૌથી ટોચના અને સૌથી નીચેના દશક વચ્ચે કેટલી મોટી ખાઈ છે તે જાણવાથી ગરીબીની તીવ્રતાનો ખ્યાલ આવે છે. ગરીબોમાં રહેલી અસમાનતા માપવા માટે સૌથી ટોચના અને સૌથી નીચેના ગરીબોની સરાસરી દૈનિક માથાદીઠ વપરાશનો ગુણોત્તર કાઢવાની એક સરળ રીત છે. દા.ત., સૌથી ટોચના દશકની સરાસરી વપરાશ 2100 કૅલરી હોય અને સૌથી નીચેના દશકની આવી વપરાશ 400 કૅલરી હોય તો ગુણોત્તર 0.1905 થશે; પરંતુ સૌથી નીચેના દશકની વપરાશ 700 કૅલરી હશે તો ગુણોત્તર 0.3333 થશે. આનું તાત્પર્ય એ છે કે પ્રથમ કિસ્સા કરતાં બીજા કિસ્સામાં ગરીબીની તીવ્રતા ઓછી છે. એટલે કે ગરીબોમાં અસમાનતા ઓછી છે. નીતિવિષયક નિર્ણયો કરવામાં આ માહિતી ઉપયોગી છે.
(ગ) આવકને સ્થાને ખર્ચ–આધારિત ગણતરી : ગરીબીની રેખાનું સ્થાન નક્કી કરવામાં તથા તેની નીચે જીવતી જનસંખ્યાની કે કુટુંબની ગણતરી કરવામાં માથાદીઠ ખર્ચની વિગતોનો ઉપયોગ કરાય છે. ગરીબો પાસે આવકનાં સુનિશ્ચિત સાધન હોતાં નથી. આથી નિશ્ચિત સમયગાળા દરમિયાન તેમને કેટલી આવક થઈ તેની આધારભૂત માહિતી મળતી નથી. વળી, મોટા ભાગે તે અભણ હોવાથી હિસાબકિતાબ રાખતા હોતા નથી. આવક ઉપર આધાર ન રાખવાનું ત્રીજું કારણ એ છે કે વ્યક્તિ કે કુટુંબ કેટલી આવક મેળવે છે તે જાણવા કરતાં વપરાશયોગ્ય વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરે છે તે માહિતી વધુ ઉપયોગી હોય છે.
સમગ્ર દેશમાં તમામ વર્ગના લોકોના ખર્ચ અંગેની આંકડાકીય વિગતો મોજણીની પદ્ધતિ દ્વારા નૅશનલ સૅમ્પલ સરવે (એન.એસ.એસ.) દ્વારા એકઠી કરવામાં આવે છે. આ અંગે આંકડાશાસ્ત્રીય ઢબે નિદર્શ (sample) કુટુંબો પસંદ કરાય છે. અભ્યાસમાં ઋતુગત પરિવર્તનોની અસર ન પડે તે માટે, પસંદ કરાયેલાં કુટુંબો પાસેથી એક વર્ષમાં ચાર વખત વપરાશી વસ્તુઓ અને ખર્ચની વિગતો એકઠી કરવામાં આવે છે. આ વિગતો વસ્તુલક્ષી અને પૃથક્કરણાત્મક સ્વરૂપની હોય છે.
(ઘ) કુટુંબ કે વ્યક્તિ આધારિત ગણતરી : ગરીબીની રેખા નીચે જીવનાર લોકોની કુલ સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી તે પણ એક સમસ્યા છે. ઉપર જોયું તેમ એન.એસ.એસ.ની મોજણી કૌટુંબિક ખર્ચની હોય છે. કુટુંબે ખર્ચ કરીને જે ખાદ્ય સામગ્રી મેળવી હોય તે સૌ સભ્યો વચ્ચે સમાન ધોરણે વહેંચાઈ જાય છે એવી ધારણા કરીએ તો જ ગરીબ કુટુંબના સૌ ગરીબ અને બિનગરીબ કુટુંબના સૌ બિનગરીબ એમ ધારી શકાય. વાસ્તવમાં આ સાચું નથી. ભારતમાં ખાસ કરીને ગ્રામીણ કુટુંબોમાં રૂઢિગત રીતે સ્ત્રીઓનો સામાજિક દરજ્જો નીચો ગણાયો છે. સ્ત્રીઓએ ત્યાગ કરવો જોઈએ, પતિ તથા અન્ય પુરુષ વર્ગને પહેલાં જમાડવા જોઈએ વગેરે પરંપરાઓને લીધે બિનગરીબ કુટુંબોમાં પણ સ્ત્રીઓને પૂરતું પોષણ મળતું નથી. બીજી તરફ કુટુંબોમાં પુરુષોનો ખોરાક ઉપર પ્રથમ અધિકાર મનાયો હોવાથી ગરીબ કુટુંબોમાં પણ પુરુષો બિનગરીબ હોઈ શકે છે. આ સમસ્યા સમાજશાસ્ત્રીય સ્વરૂપની છે. માત્ર વપરાશી ખર્ચ માપવાથી બિનગરીબ કુટુંબોની ગરીબ સ્ત્રીઓ અને ગરીબ કુટુંબોના બિનગરીબ પુરુષો અંગે સ્પષ્ટ માહિતી મળતી નથી. આવી વ્યક્તિઓની ચોખ્ખી સંખ્યા બહુ મોટી નહિ હોય તેમ માની ગરીબી અંગેની માહિતીની આ એક મર્યાદા સ્વીકારવી રહી.
સ્ત્રીઓની એકંદરે પછાત આર્થિક-સામાજિક પરિસ્થિતિને જાતિગ્રહ(gender-bias)ની ર્દષ્ટિએ અલગ રીતે તપાસવામાં આવે છે. તાજેતરમાં ગરીબીના અર્થ અંગે પણ નવેસરથી વિચારણા શરૂ થઈ છે. ગરીબી માત્ર રોટી, કપડાં અને મકાનની આવશ્યકતાઓ પૂરતી સીમિત નથી. માણસમાં માત્ર જીવતા રહેવાની જ વૃત્તિ નથી, તે તો કોઈ પણ પ્રાણીમાં છે. પણ માણસ સુખવાંછું છે. જીવનનું સાતત્ય, સર્જનાત્મકતા, હૂંફ, સ્વતંત્રતા, જ્ઞાન, રોમાંચ વગેરેની પણ માણસના જીવનમાં આવશ્યકતા છે. આ વિચારનો ફલિતાર્થ એ છે કે જગતના સામ્યવાદી દેશોમાં રોટી, કપડાં મકાનની જરૂરિયાત સંતોષાય; પરંતુ સ્વતંત્રતા, રક્ષણ, હૂંફ, સર્જનાત્મક્તા વગેરે ન સંતોષાય તો તે દેશના નાગરિકો તેટલા પ્રમાણમાં ગરીબ ગણાય. બીજો ફલિતાર્થ એ છે કે ગરીબીનિવારણ માટે સમાજની જવાબદારી માત્ર સગવડ કે વિકાસની તકો પૂરી પાડવાની નથી. સમાજની વ્યવસ્થામાં આ ઉપરાંત, વ્યક્તિસ્વાતંત્ર્ય, જીવનની સર્જનાત્મકતા, રક્ષણ કે પરસ્પરની હૂંફ અને ભાઈચારા જેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ. આમ ગરીબીનિવારણની જવાબદારી સમાજ અને તેના વતી રાજ્યની છે અને તે પણ માત્ર રોટી, કપડાં અને મકાન પૂરતી મર્યાદિત નથી.
આમ, ગરીબી અંગેના ચિંતનમાં ઉત્તરોત્તર નવાં અને મહત્વનાં પાસાં ઉમેરાયાં છે. ગરીબી શા માટે ઉદભવે છે ? કોણ શા માટે ગરીબ હોય છે, ગરીબોને ઓળખવા કેવી રીતે અને ગરીબી નિવારવા માટે ભારતમાં કેવી નીતિ ઘડાઈ છે તેની ચર્ચા પણ મહત્વની છે.
ગરીબી : મૂડીવાદી ર્દષ્ટિકોણ : આ ર્દષ્ટિકોણ મુજબ ગરીબીનાં કારણોની ચર્ચા આ પ્રમાણે છે :
રાગ્નર નકર્સ નામના અર્થશાસ્ત્રીએ આ આકૃતિ દ્વારા ગરીબીનું વિષચક્ર આલેખ્યું છે. ગરીબ દેશોમાં એકંદરે આવક ઓછી હોય છે, તેથી બચત અને ખર્ચ બંને ઓછાં હોય છે. ખર્ચ ઓછું હોવાથી માગ ઓછી હોય છે અને માગ ઓછી હોવાથી ઉત્પાદન ઓછું હોય છે. રોજગારી ઉત્પાદનનું પરિણામ છે અને રોજગારી ઓછી હોવાથી આવક પણ ઓછી રહે છે. બીજી તરફ બચત ઓછી હોવાથી મૂડીરોકાણ ઓછું હોય છે, તેથી પણ ઉત્પાદન, રોજગારી અને આવક ઓછાં હોય છે.
આ વિષચક્ર દર્શાવે છે કે આવક, માગ, બચત અને મૂડીરોકાણ તથા રોજગારીનું અપૂરતાપણું ગરીબી માટે જવાબદાર છે. ઉપરાંત ગરીબીની પરિસ્થિતિ એવી સળંગ પ્રક્રિયાને જન્મ આપે છે કે જે પોતે આખરે ગરીબીમાં જ પરિણમે છે. નકર્સ આ સ્થિતિમાંથી બહાર નીકળવા નિ:શુલ્ક શ્રમયજ્ઞની હિમાયત કરે છે. શ્રમયજ્ઞ થવાથી ઉત્પાદન વધશે અને તેથી માગ, રોજગારી, આવક, બચત તથા મૂડીરોકાણ પણ વધશે, તેથી દેશની ગરીબી દૂર થશે. જો ઉત્પાદન વધે તો રોજગારી વધે અને બેકારોને રોજી મળે એટલે ગરીબી પણ દૂર થાય. આમ માગ પ્રેરિત ઉત્પાદનપ્રથા અપનાવવામાં આવે તો તેનાથી એક તરફ આર્થિક વૃદ્ધિ ઝડપથી થશે અને બીજી તરફ લોકોને કામધંધો મળતાં ગરીબી આપોઆપ દૂર થશે.
ગરીબી : સામ્યવાદી ર્દષ્ટિકોણ : સામ્યવાદી ર્દષ્ટિકોણ અનુસાર ગરીબી શોષણનું પરિણામ છે. મૂડીવાદી સમાજમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી ખાનગી હાથોમાં હોય છે. આ માલિકી અસમાન સ્વરૂપની પણ હોય છે. વળી, ધનપતિઓ હંમેશાં વધુ ને વધુ ધન એકઠું કરવા તાકતા હોય છે. મૂડીવાદી વ્યવસ્થામાં અમીરો ગરીબોના શોષણ દ્વારા વધુ ને વધુ ખાનગી સંપત્તિની જમાવટ કરતા જાય છે. આખરે સમાજ, મૂઠીભર ધનવાનો અને અસંખ્ય ગરીબો એમ બે ધ્રુવમાં વહેંચાઈ જાય છે. લોહિયાળ વર્ગસંઘર્ષ ખેડીને સમાજના ગરીબો મૂઠીભર અમીરોને ફેંકી દે ત્યારે શોષણની અન્યાયી પ્રથાનો અંત આવે. આ પ્રથાને કાયમી ધોરણે દફનાવી દેવા માટે ખાનગી મૂડીની પ્રથા જ બંધ કરી દેવી અને કામદારોનું જ રાજ્ય સ્થપાય એવા વિચારો રજૂ થયા છે.
ગરીબી : ગાંધીવાદી વિચાર : ગાંધી-વિચાર સત્ય અને અહિંસાના આદર્શો ઉપર સ્થપાયો છે. આથી માર્કસવાદની સમાનતા તેને પસંદ છે, પરંતુ માલિકો કે મજૂરોની હિંસાની તે વિરુદ્ધ છે. ગાંધીમતાનુસાર યંત્રવાદ, વપરાશવાદ અને વેપારવાદમાંથી અસમાનતા, ગરીબી અને હિંસા જન્મે છે. યંત્રોના ઉપયોગથી ‘મૂઠીભર લોકો કરોડોની કાંધ ઉપર ચડી બેસે’ છે. બિનજરૂરી વપરાશની વૃત્તિ પણ આર્થિક તથા કુદરતી સાધનો ઉપર અંકુશ જમાવવા માટે હિંસાને ઉત્તેજન આપે છે. આ રોકવું હોય તો સાદું પણ ઉચ્ચાશયી જીવન જીવવાનો ગાંધીજીનો અનુરોધ છે. જગતના તમામ ધર્મોમાં પણ સાદા જીવનનો મહિમા સેવાયો છે. ગાંધીજીએ ગરીબોનું ગૌરવ વધારવા માટે અને સમાજ તેમની તરફ વધુ સંવેદનશીલ બને તે માટે ‘દરિદ્રનારાયણ’ શબ્દપ્રયોગ કર્યો. ગાંધીજીના મત અનુસાર જેમની પાસે વધુ સંપત્તિ હોય તે સમાજના ઉપયોગમાં વાળે અને તમામ વસ્તુ ઈશ્વરની છે એમ માની બધું વહેંચીને ભોગવે. વિનોબાજીએ આ વિચારને ભૂદાન, ગ્રામદાન, બુદ્ધિદાન જેવાં ક્ષેત્રોમાં વાળ્યો. ગાંધીજીના ટ્રસ્ટીશિપના વિચારનો આ વ્યાપક અર્થ હતો.
ગાંધીવિચાર નૈતિકતા અને આદર્શનાં મૂલ્યો ઉપર આધારિત જીવનપ્રણાલી ઉપર ભાર મૂકે છે, જે વ્યવહારમાં બહુ ઉપયોગી બન્યો નથી. આમ છતાં છેલ્લા એક દાયકાથી પર્યાવરણના મુદ્દે ઊભી થયેલી ચિંતાને કારણે લોકોનો રસ ગાંધીવિચારમાં વધ્યો છે. અમર્યાદ ઉપભોગવૃત્તિને પરિણામે જગતનું પર્યાવરણ ઝડપથી બગડી રહ્યું છે અને આ જીવનઢબ ચાલુ રહે તો સમગ્ર માનવજાત વિનાશના કિનારે પહોંચી શકે તેમ છે. તેથી ઉપભોગવૃત્તિ ઘટાડવી પડે તેમ છે. યંત્રવાદ, વેપાર, અમર્યાદ સંપત્તિ, શોષણ વગેરે સાદા અને પ્રાકૃતિક જીવન સાથે સુસંગત નથી.
માનવજાત પાસે ગરીબી સંપૂર્ણ નાબૂદ કરવાનો કીમિયો નથી. તે જ રીતે કયા ચોક્કસ વૈચારિક માર્ગે ચાલવાથી ગરીબી દૂર થશે તેની પણ સ્પષ્ટતા નથી.
ગરીબીનાં લક્ષણો : ગરીબી અંગેના વિવિધ અભ્યાસ ઉપરથી ગરીબી અંગેનાં કેટલાંક લક્ષણો પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીય સ્વરૂપના અને વિગતવાર અભ્યાસ વગર ગરીબ માણસોની ઓળખ માટેની મુખ્ય નિશાનીઓ સાંપડે છે.
(ક) ઉત્પાદનનું ક્ષેત્ર : ભારતના મોટા ભાગના ગરીબો ગ્રામીણ વિસ્તારના છે. ગ્રામીણ ક્ષેત્રનાં કુટુંબોમાંથી જેમની પાસે એક હેક્ટરથી ઓછી જમીન હોય તથા જમીન હોય જ નહિ અને ખેત-મજૂરી કરતા હોય તેવા લોકો એકંદરે ગરીબ જણાયા છે. વળી જેમની પાસે સિંચાઈની સગવડ ન હોય અને આકાશિયા ખેતી કરવી પડતી હોય તે લોકો પણ ગરીબ જણાયા છે.
(ખ) રોજગારીનું ક્ષેત્ર : એકંદરે પરંપરાગત કુટિર અને ગ્રામોદ્યોગના કારીગરો, અસંગઠિત ક્ષેત્રના કામદારો અને શહેરોમાં સ્થળાંતર કરી જનારા ઝૂંપડાંવાસીઓ પણ આ વર્ગમાં આવે છે.
(ગ) સામાજિક ક્ષેત્ર : ભારતમાં સામાજિક-ધાર્મિક ક્ષેત્રે જ્ઞાતિપ્રથાની પકડ છે. જ્ઞાતિ અને વંશપરંપરાના વ્યવસાયો પણ જોડાયેલા છે. આથી સફાઈ કરનારા હરિજન, ચમાર, કુંભાર, મોચી, વાળંદ વગેરે સામાજિક ર્દષ્ટિએ પછાત ગણાતા સમૂહો આર્થિક ર્દષ્ટિએ પણ પછાત છે. આ ઉપરાંત જંગલોમાં વસતા આદિવાસીઓની પણ આવી હાલત છે. વળી તેમનામાં શિક્ષણનું પ્રમાણ પણ અલ્પ છે.
સરકારી અભિગમ : ગરીબીનિવારણ સરકારની વિવિધ યોજનાઓનું મુખ્ય અંગ છે. આ માટે સરકારે વિવિધ અભિગમ વિકસાવ્યા છે. કેટલીક યોજનાઓમાં સરકારનો અભિગમ રોજગારી વધારવાનો છે તો અન્ય કેટલીકમાં ઉત્પાદક સંપત્તિ આપવાનો. કેટલીક યોજનાઓ ચોક્કસ પ્રકારના સામાજિક સમૂહોના લાભાર્થે ચાલે છે, તો અન્ય કેટલીકમાં ચોક્કસ વિસ્તારના પ્રશ્નો ઉકેલીને ગરીબીનું નિમિત્ત દૂર કરવા પ્રયાસ થાય છે. આ ઉપરાંત ચોક્કસ વસ્તીસમૂહોના વિકાસ માટે અને સામાજિક વિકાસલક્ષી યોજનાઓ પણ હાથ ધરવામાં આવી છે. આવી કેટલીક યોજનાઓ નીચે મુજબ છે :
(ક) રોજગારવૃદ્ધિ : ગરીબીનું એક કારણ બેકારી જણાયું છે. વર્ષના ઓછા દિવસો માટે અને નીચા વેતનદરે જ રોજગારી મેળવનારા ખેત-મજૂર જેવા વર્ગના લોકોની ગરીબી દૂર કરવા માટે તેમને વધુ દિવસ કામ મળે તે માટે ગ્રામીણ મજૂર રોજગાર ખાતરી યોજના (RLEGP), કામ માટે અનાજ (FWP) વગેરે યોજનાઓ કરવામાં આવી છે.
(ખ) ઉત્પાદક સંપત્તિ : શહેરો તેમજ ગ્રામીણ સમાજમાં કારીગર વર્ગનાં એવાં ઘણાં કુટુંબો છે જેમની પાસે આવડત-હોશિયારી હોવા છતાં થોડીક મૂડીના અભાવે તે કામધંધો કરી શકતાં નથી. આવા લોકોને થોડીક તાલીમની પણ જરૂર હોય છે. ગ્રામીણ યુવાનોને સ્વરોજગાર માટેની તાલીમ યોજના (TRYSEM) તાલીમની સગવડ આપે છે. તે ઉપરાંત સુસંકલિત ગ્રામ વિકાસ યોજના (IRDP) દ્વારા બૅંકો પાસેથી ધિરાણ મેળવીને મૂડીની આવશ્યકતા પૂરવાનો પ્રયાસ થાય છે.
ચોક્કસ સમૂહો માટેની યોજના : ભારતમાં આદિવાસીઓ એકંદરે ગરીબ સમૂહ છે. તેમના વિકાસ માટે એક વિશેષ યોજના ચલાવાય છે જેને આદિવાસી માટેની પેટા યોજના (TASP) કહેવાય છે. આ યોજના દ્વારા આદિવાસીઓની ખેતી, શિક્ષણ અને તાલીમ, સ્વાસ્થ્ય, જંગલ ઉછેર વગેરે પાસાંને આવરી લેવામાં આવે છે.
પછાત વિસ્તારોના વિકાસની યોજનાઓ : ભારતમાં લગભગ પંચોતેર ટકા વસ્તી ગામડાંમાં રહે છે અને ખેતીનું ક્ષેત્ર તેમને માટે આજીવિકાનું મુખ્ય અને ઘણીવાર એકમાત્ર સાધન હોય છે. આમ છતાં, ખેતી હેઠળના વિસ્તારનો લગભગ 60 % ભાગ સિંચાઈની સગવડ ધરાવતો નથી. પરિણામે આ વિસ્તારમાં ખેતીની પ્રવૃત્તિ વરસાદ સાથેના જુગાર સમાન નીવડે છે. આવા દુકાળસંભાવ્ય વિસ્તારોના લોકોની ગરીબી દૂર કરવા માટે પણ ખાસ યોજના (DPAP) ચલાવવામાં આવે છે.
છેલ્લા ત્રણ દસકા દરમિયાન દેશમાં ગરીબોનું પ્રમાણ ઘટ્યું છે તે એક નિર્વિવાદ મુદ્દો છે; પરંતુ ગરીબી કેટલી ઘટી છે તે અંગે ઘણા મોટા વિવાદો પ્રવર્તે છે. આ વિવાદો વિશેષ કરીને 1993 પછીનાં વર્ષોમાં ગરીબી કેટલીક ઘટી તેને અંગેના છે. અહીં આપણે કેવળ આયોજનપંચના સત્તાવાર અંદાજો નોંધીશું. આ અંદાજ પ્રમાણે 1987–88માં દેશમાં ગરીબોનું પ્રમાણ 39 ટકા જેટલું હતું, જે ઘટીને 2004–05 28.5 ટકા થયું હતું. આનો અર્થ એવો થાય કે દેશમાં હજી લગભગ 30 કરોડ જેટલા લોકો ગરીબ છે. આમાંથી લગભગ 25 કરોડ જેટલા ગરીબો ગ્રામીણ વિસ્તારોમાં વસે છે.
ગરીબીની આંતરરાષ્ટ્રીય રેખા : 1980 પછીનાં વર્ષોમાં દુનિયામાં પ્રવર્તતી ગરીબી આંતરરાષ્ટ્રીય નિસબતનો વિષય બની છે. એના અનુસંધાનમાં વૈશ્વિક સ્તરે સમાનધોરણે ગરીબી માપવા માટે એક માપદંડ અપનાવવામાં આવ્યો છે. આ માપદંડ પ્રમાણે જુદા જુદા દેશોમાં રોજની વ્યક્તિદીઠ આવક એક અમેરિકી ડૉલર કરતાં ઓછી હોય તેમને ગરીબ ગણવામાં આવ્યા છે. અહીં ડૉલરનું મૂલ્ય જે તે દેશના ચલણના ડૉલરની સાથેના હૂંડિયામણના દર પ્રમાણે નથી ગણવાનું; પરંતુ અમેરિકાના ડૉલરની મદદથી 1993–94ના વર્ષમાં અમેરિકામાં એક ડૉલરની મદદથી જેટલા જથ્થામાં ‘સરેરાશ ચીજવસ્તુ’ ખરીદી શકાય તે જથ્થામાં જે તે દેશમાં કેટલાં નાણાં સ્થાનિક ચલણમાં ચૂકવવાં પડે તેના આધારે ગણવાનું છે. સમજવા માટે એક સાદું અને કાલ્પનિક ઉદાહરણ લઈએ. ધારો કે એક ડૉલરની મદદથી અમેરિકામાં સરેરાશ જે જથ્થામાં વસ્તુ ખરીદી શકાય છે તે જથ્થામાં ખરીદવા માટે ભારતમાં દસ રૂપિયા ખર્ચવા પડે છે.
(i) આ દાખલામાં ડૉલરની કિંમત રૂ. 40 નહિ ગણાય; પરંતુ રૂપિયા દસ ગણાશે. અર્થશાસ્ત્રની પરિભાષામાં આને સમખરીદ શક્તિના આધાર (PPP) પર ગણવામાં આવેલો હૂંડિયામણનો દર ગણવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે કરવામાં આવેલી ગણતરી પ્રમાણે 2000ના વર્ષની આસપાસનાં વર્ષોમાં વિવિધ દેશોમાં ગરીબોનું પ્રમાણ નીચે પ્રમાણે હતું. (ગરીબોનું પ્રમાણ કુલ વસ્તીના ટકારૂપે છે.)
1997–98ના વર્ષમાં દુનિયામાં પ્રવર્તતી ગરીબીના આ માપ પ્રમાણે, દક્ષિણ એશિયા, સહરાની નીચેના દેશો અને પૂર્વ એશિયાના દેશોમાં દુનિયાના કુલ ગરીબોના 91 ટકા ગરીબો વસતા હતા. તેમાં દક્ષિણ એશિયાના દેશોનો હિસ્સો 43 ટકાથી વધુ હતો.
રોહિત શુક્લ