ગરુડ (1) : સિંચાનક (Falconiformes) શ્રેણીનું અને એક્સિપિટ્રિડી કુળનું સમડીને મળતું મોટું શિકારી પક્ષી. પુરાણોમાં તે ભગવાન વિષ્ણુના વાહન તરીકે જાણીતું છે. તેથી તેને ભારતીય પરંપરાને અનુરૂપ ગૌરવશાળી સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત માથે ટાલવાળાં ગરુડ(bald eagle, Haliacetus leucocephalus)ને ઉત્તર અમેરિકાએ રાષ્ટ્રીય પક્ષી તરીકે માનવંતું સ્થાન આપ્યું છે. Accipitridae કુળનાં સમળી તથા ગીધની જેમ તે પણ માંસાહારી પ્રાણી છે. ગરુડ એટલે સર્પોનો શત્રુ. તીડ, દેડકાં, કાચંડા, ઉંદર, ખિસકોલી અને સસલાં જેવાં પ્રાણીઓના શિકાર પણ તે કરે છે. મરેલાં પ્રાણીઓનું માંસ પણ તેને ખૂબ ભાવે છે. સામાન્યપણે તે ઊંચાઈએ વાસ કરે છે. ગાઢ જંગલ ધરાવતી ઊંચી ઊંચી પર્વતમાળા, ખીણ વિસ્તાર તથા વહેતી નદીઓનાં કોતરો તેનાં પ્રિય નિવાસસ્થાનો છે. ઊંચાઈએ ઊડવાની શક્તિ અને તીક્ષ્ણ ર્દષ્ટિને કારણે જમીન પર વાસ કરતાં પ્રાણીઓને તે સહેલાઈથી જોઈ શકે છે. અત્યંત ઝડપથી અને ચોકસાઈથી ભક્ષ્ય પર ત્રાટકી પગના નહોરથી શિકાર કરીને સત્વરે ગરુડ હવામાં ગાયબ થઈ જાય છે. વૃક્ષ જેવી શાંત જગ્યાએ બેસી તે પોતાનું ભક્ષ્ય નિરાંતે આરોગે છે. સુવર્ણ ગરુડ (Golden eagle – Aquilla chrysaetos) તો નાના હરણનો શિકાર પણ કરે છે.

ગરુડની શરીરરચના ભક્ષ્યનો શિકાર કરવાની અને ખોરાક ખાવાની ખાસિયતને સાવ અનુરૂપ હોય છે. દાખલા તરીકે, તેના પગના નહોર તેમજ પંજા ખૂબ જ મજબૂત અને તીક્ષ્ણ હોય છે જેથી તે ભક્ષ્યને જીવતું પકડી શકે છે જ્યારે ચાંચની મદદથી તે ખોરાકના ટુકડા કરી તેને ગળે છે. ભક્ષ્ય શોધવા ખૂબ જ ઊંચાઈએ વિહાર કરનાર ગરુડની પાંખનો પ્રસ્તાર વિશાળ હોય છે.

ભારતમાં પ્રચલિત ગરુડની કેટલીક જાતો :

(1) ડોગરા ચીલ, રાવળ અથવા શિખાધારી ગરુડ (crested eagle Spirornis cheela) : સમગ્ર ભારતમાં જોવા મળે છે. રંગે ભૂખરું હોવા ઉપરાંત ગળાના ભાગથી પેટ સુધી તેને સફેદ અને ભૂખરાં ટપકાંવાળાં પીછાં હોય છે. પાંખો ગોળાકાર અને છેડા તરફ સહેજ વળેલી હોય છે. કલગી પરથી ડોગરા ચીલને સહેલાઈથી ઓળખી શકાય છે. દેખાવમાં નર અને માદા સરખાં લાગે પરંતુ નર કરતાં માદા સહેજ મોટી હોય છે. વિપુલ પાણી અને ગીચ ઝાડી હોય તેવા સ્થળે તે સામાન્યપણે જોવા મળે છે. સામાન્ય રીતે તે સાપ તથા દેડકા જેવાં પ્રાણીનો શિકાર કરે છે. કોઈક વાર જંગલી મરઘાં જેવાંને પણ તે પકડે છે. ડોગરા ચીલનો પ્રજનનકાળ ડિસેમ્બરથી એપ્રિલ સુધીનો હોય છે. આ ગાળા દરમિયાન તે ઊંચા ઝાડની ટોચે માળો બાંધે છે. માળો નાનાં ડાળખાં અને નાનીમોટી સળીઓ અને પાંદડાંનો બનેલો હોય છે.

શિખાધારી ગરુડ (crested eagle  Spirornis cheela)

(2) ઢેંક અથવા મચ્છરંગ ગરુડ (Indian fish eagle Haliacetus leucoryphus) : આ ગરુડ સમળી કરતાં પણ મોટું અને ઘેરા તપખીરિયા રંગનું હોય છે. તેનું માથું આછા સોનેરી રંગનું અને રાખોડી પડતાં પીછાંવાળું છે. તેની પૂંછડી પરનાં પીછાં પર એક સફેદ પટ્ટો હોય છે. તેથી ઢેંકને સહેલાઈથી ઓળખી શકાય છે. નર અને માદા રંગે એકસરખાં હોય છે. પરંતુ માદા કદમાં નર કરતાં સહેજ મોટી હોય છે. આ ગરુડ ઉત્તર ભારત, આસામ, પશ્ચિમ બંગાળ ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમાર(બ્રહ્મદેશ)માં પણ જોવા મળે છે. તેનું નિવાસસ્થાન નદીની નજીક હોય છે. તે આસાનીથી નદીમાં તરતી માછલીઓને પોતાના પગના તીક્ષ્ણ નહોરથી પકડે છે. માછલી ઉપરાંત તે કરચલા, ઉંદર અને સાપ જેવાંનો પણ શિકાર કરે છે. ક્યારેક તે મરેલાં પ્રાણીઓનું માંસ પણ આરોગે છે. તે બાજ પક્ષીનું હરીફ છે અને મોટેથી અવાજ પણ કરે છે. નવેમ્બરથી માર્ચ માસ દરમિયાન તે માળો બાંધે છે. તેનો માળો સૂકી લાકડીના નાના નાના ટુકડાનો બનેલો હોય છે. તેમાં માદા ત્રણ સફેદ અને સહેજ લંબગોળ ઈંડાં મૂકે છે. ઈંડાંના સેવનથી બાળપક્ષી મોટું થાય ત્યાં સુધી માદા તથા નર ગરુડ સંભાળ રાખે છે.

(3) ઓકાબ (ધોડવો) (Tawny eagle Aquilla rapax vindhiana) : ગુજરાતના અસલ વતની તરીકે આ ગરુડનો નિર્દેશ કરી શકાય. જોકે ભારતમાં તે સર્વત્ર વસે છે. એની પાંખનો વિસ્તાર ઘણો પહોળો – એક મીટર કરતાં પણ વધારે હોય છે. કદમાં નર કરતાં માદા મોટી હોય છે. બંનેના શરીરનો વર્ણ ઘેરાશ પડતો બદામી તથા ગળું અને માથું કાળાશ પડતા વર્ણનાં હોય છે. છાતી ઉપર આછાં છાંટણાં હોય છે. ઓકાબ કદમાં સમળી કરતાં મોટું હોય છે. આકાશમાં સ્વચ્છંદ વિહાર કરનારા આ ગરુડ સસલાં, મોટાં પક્ષી, સાપ, ઉંદર વગેરેનો શિકાર કરે છે. મરઘીને તો બચ્ચાં સહિત પકડી ઊંચકીને લઈ જાય છે. ઓકાબ ઝાડની ટોચે માળો બાંધે છે. સળિયા પર ઘાસ પાથરીને તે બનાવેલો હોય છે. નર અને માદા બંને બાળપક્ષીની સંભાળ રાખે છે.

(4) સુવર્ણ ગરુડ (golden eagle Aquilla chrysaetos) : આ સૌથી મોટું ગરુડ છે. તે હિમાલયનું વતની છે. પાંખ પ્રસારે ત્યારે તેની પહોળાઈ 2.5થી 3.0 મીટર જેટલી મોટી થાય છે. તેનો વર્ણ ઊજળો રતાશ પડતો હોય છે. જ્યારે તે ઊંચે આકાશમાં લહેરાતો ઊડતો હોય ત્યારે સૂરજનાં કિરણોને લીધે જાણે સોનેરી તેજના ફુવારા ઊડતા હોય તેવું લાગે છે. નર અને માદા દેખાવમાં સરખાં હોય છે અને સાથે જ રહેતાં હોય છે.

સુવર્ણ ગરુડ (golden eagle – Aquilla chrysaetos)

ગુજરાતમાં મળતાં અન્ય ગરુડોમાં શામ્પર (short toed eagle – Circaetes), મત્સ્યગીધ (fish-hawk/osprey), મોટાં ટપકાંવાળો ગરુડ (greater spotted eagle), બોનેલીનો ગીધ ગરુડ (Bonelli’s hawk eagle – Hieraeetus fasciatus) વગેરેનો સમાવેશ થાય છે. મત્સ્યગીધ મહી, નર્મદા, તાપી જેવી નદીઓ ઉપરાંત પ્રાંતિજ બોખ જેવાં વિશાળ જળાશયોના કિનારે તેમજ દરિયાકિનારે જોવા મળે છે. ચંડોળા તળાવમાં પણ કોઈક વાર તે નજરે પડે છે. મોટાં ટપકાંવાળું ગરુડ નહેર અને સરોવર જેવાં જળાશયોની સમીપ વાસ કરતું હોય છે. જ્યારે બોનેલીનો ગીધ ગરુડ દુર્ગમ ટેકરીઓ અને પહાડની ધાર પર માળા બાંધતો હોવાથી તે ખાસ નજરે પડતો નથી.

ઉપેન્દ્ર રાવળ