ગદ્યકાવ્ય : અનિયત લયમાં રચાયેલું કાવ્ય. અંગ્રેજીમાં તેને ‘પ્રોઝ પોએમ’ કહે છે. ઉમાશંકર જોશી અનિયત લયમાં રચાયેલા ‘અછાંદસ’ કાવ્યથી ગદ્યકાવ્યનો ઢાળો કંઈક અલગ હોવાનું જણાવે છે. સંસ્કૃતમાં काव्यं गद्यं पद्यं च । – કાવ્ય ગદ્યમાં અને પદ્યમાં હોય એમ કહેવાયું છે; પણ પદ્ય-આધારિત કાવ્યને વિશ્વની બધી મોટી ભાષાઓમાં સૈકાઓનો ઇતિહાસ છે, જ્યારે ગદ્ય-અવલંબિત કાવ્યની પારંપરિક કહી શકાય એવી ભૂમિકા હજી સાર્વત્રિક ધોરણે બંધાઈ નથી.
‘લિરિકલ બૅલડ્ઝ’ની પ્રસ્તાવનામાં વર્ડ્ઝવર્થ કાવ્ય ગદ્યમાં પણ સંભવી શકે એમ કહે છે. ગદ્યકાવ્યના પુરસ્કર્તાઓ અને સર્જકો પૂર્વે વર્ડ્ઝવર્થે કવિતામાં ગદ્યના વિનિયોગની ચર્ચા કરી છે. તેમણે કહ્યું છે કે છંદોબદ્ધ રચના અને ગદ્યની ભાષા વચ્ચે તત્વત: કોઈ તફાવત નથી. વર્ડ્ઝવર્થે કાવ્યભાષા અંગેની ક્રાંતિકારી સમજ આપી પણ તેમણે કે અન્ય કોઈ અંગ્રેજ કવિએ ગદ્યકાવ્યની રચના ન કરી.
ગદ્યકાવ્યના પ્રથમ સર્જનનું શ્રેય ફ્રેન્ચ ભાષાને જાય છે. સત્તરમી સદીના પૂર્વાર્ધમાં ચાર્લ્સ સોરેલે પહેલી વાર ‘Poeme en Prose’ Poem in Prose, Prose Poem જેવો શબ્દપ્રયોગ કર્યો હતો. એમણે ‘પ્રાચીનો અને અર્વાચીનો વચ્ચે યુદ્ધ’ના વાદવિવાદના સમયે આ શબ્દપ્રયોગ નવલકથાના સંદર્ભમાં કર્યો હતો. એથી પછી સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં કાવ્યાત્મક ગદ્યમાં રચાયેલી ફેનેલાંની લોકપ્રિય નવલકથા ‘તેલેમાક’ને કેટલાક વિવેચકોએ ‘ગદ્યકાવ્ય’ તરીકે ઓળખાવી હતી. લગભગ બે સૈકા સુધી અનેક ફ્રેન્ચ કવિ-વિવેચકોએ નવલકથા અને નવલિકા માટે ગદ્યકાવ્ય સંજ્ઞાનો શિથિલ પ્રયોગ કર્યો હતો.
સાચા અર્થમાં ગદ્યકાવ્યનો ઉદભવ થયો ઈ. સ. 1869માં. બૉદલેરે ઉત્તરજીવનમાં 1855થી ’67 સુધીનાં બારેક વર્ષમાં 50 ગદ્યકાવ્યોનું સર્જન કર્યું હતું. એમાંનાં 40 જેટલાં ગદ્યકાવ્યો વિવિધ સામયિકોમાં પ્રગટ થયાં હતાં. 1867માં બૉદલેરના અવસાન પછી 1869માં એમનાં 50 ગદ્યકાવ્યનો સંગ્રહ ‘Petits en prose’નું મરણોત્તર પ્રકાશન થયું.
બૉદલેરનો પ્રયત્ન કાવ્યાત્મક ગદ્ય (poetic prose) નહિ પણ ગદ્યકાવ્ય(prose poem)ના નિર્માણનો હતો. પદ્યનાં નિયંત્રણોથી મુક્ત અને સવિશેષ તો પૂર્વાપેક્ષિત લયાવર્તનોથી મુક્ત ગદ્યસ્વરૂપનું આકર્ષણ બૉદલેરને હતું. જે ગ્રંથે બૉદલેરનું સવિશેષ ધ્યાન ખેંચેલું તે હતો કવિ એલોસિયસ બર્ટ્રાન્ડ(ઈ. સ. 1807થી 1842)નો ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘Gaspard de la nuit’. બૉદલેરે આ સંગ્રહ વીસેક વાર વાંચેલો. બર્ટ્રાન્ડનાં ગદ્યકાવ્યોએ બૉદલેરને ગદ્યનું માધ્યમ કાવ્ય અર્થે પ્રયોજવાની પ્રાથમિક ભૂમિકા પૂરી પાડેલી. અલબત્ત, બૉદલેરને અભિપ્રેત ગદ્યકાવ્યનો આદર્શ બર્ટ્રાન્ડની રચનાઓમાંથી નીપજતો ન હતો. તેમણે ગદ્યમાં જાણ્યેઅજાણ્યે પદ્યનો મસાલો જ ભર્યો હતો. બૉદલેરનું લક્ષ્ય બર્ટ્રાન્ડના ગદ્યકાવ્યથી તદ્દન સામા છેડે જવાનું હતું.
1855માં ‘Les Fleurs du mal’ના પ્રાગટ્ય પછી બૉદલેર બીજે મહિને બે ગદ્યકાવ્યો પ્રગટ કરે છે. 1857માં છ નિશીથકાવ્યો પ્રસિદ્ધ થયાં. આ કાવ્યો પર દ ક્વિન્સીના રાગાત્મક ગદ્યની અસર અનુભવાય છે. 1862માં બૉદલેરનાં 20 લઘુ ગદ્યકાવ્યો ‘Petits en prose’ શીર્ષક અંતર્ગત પ્રગટ થયાં હતાં. 1869માં 50 ગદ્યકાવ્યો એ જ શીર્ષક તળે પુસ્તકાકારે પ્રગટ થયાં. બૉદલેર માટે ગદ્યકાવ્યોનું સર્જન વિરલ સર્જનાત્મક અનુભવ હતો. અહીં તો પદાર્થ સાથે સીધો મુકાબલો છે. સ્વપ્નભાષાનો સીધો પરિચય છે.
બૉદલેરે ગદ્યકાવ્ય સિદ્ધ કર્યું અને કવિમિત્ર આર્સેન હુસાયને લખેલી પત્રરૂપ પ્રસ્તાવનામાં ગદ્યકાવ્યનું રસશાસ્ત્ર (aesthetics) અને તત્વશાસ્ત્ર (metaphysics) રચ્યું. ત્યારબાદ રિમ્બો, માલાર્મે, વાલેરી વગેરે સિદ્ધહસ્ત કવિઓએ ગદ્યકાવ્યોનું સર્જન કરી એના સ્વરૂપનો વિકાસ-વિસ્તાર કર્યો.
પરિચ્છેદ કે પરિચ્છેદો પર વિકસતાં બૉદલેરનાં ગદ્યકાવ્યો સંવાદ-આંતરસંવાદ-એકોક્તિ વગેરેમાં પ્રસંગ-પાત્ર-ર્દષ્ટાંત કે વાર્તાને પણ વણતાં રહે છે. પ્રત્યક્ષ કાવ્યકથનની પ્રાસરહિત, લયરહિત નિતાંત ગદ્યમૂલક શૈલીમાં નિબદ્ધ આ ગદ્યકાવ્યોમાં સર્વસામાન્ય ભાષાની પરિપૂર્ણતા જોવા મળે છે. પર્સે તેમનાં ગદ્યકાવ્યોમાં તેના સામા છેડાની કાવ્યભાષા પ્રયોજી છે. આ સદીમાં યુરોપીય સંસ્કૃતિને કાવ્યસાહિત્યમાં વણી લેવાનો વિરલ પ્રયાસ તેમણે કર્યો છે. એમનાં ગદ્યકાવ્યોના સંગ્રહો Pluiers, Neiges, Vents, Amersમાં ધાર્મિક કવિતાનો અભિનવ સ્પંદ અનુભવાય છે.
પૉલ એલ્વ્યાર(1897–1952)નાં ગદ્યકાવ્યો નિતાંત સુંદર ઊર્મિકવિતા છે. સ્વપ્નર્દશ્યોની હારમાળા સમાં તેમનાં ગદ્યકાવ્યોના ખંડોનો લય વેધક અને સ્પર્શક્ષમ છે. એલ્વ્યારનાં પ્રણયકાવ્યોનું સુંદર અનુસંધાન રેને શારમાં જોવા મળે છે. તેમણે તેમનાં ગદ્યકાવ્યોમાં રહસ્યનો મર્મ ખોલી આપતાં રસાળ પ્રતીક તરીકે નારીસૌંદર્યનો મહિમા કર્યો છે.
ગદ્યકાવ્ય ગદ્ય અને કાવ્યનો સમાસ હોવાથી કેટલાક વિવેચકો એને કવિતાનું એક વર્ણસંકર સ્વરૂપ (hybrid) સમજે છે, તો કેટલાક વળી તેને કવિતાનો ખચ્ચરપ્રકાર (mule) ગણે છે.
ગદ્યકાવ્યને બાહ્ય સ્વરૂપ નથી, માત્ર આંતર સ્વરૂપ છે. આ આંતર સ્વરૂપનો જ આધાર અને આકાર છે. ગદ્યકાવ્યમાં પદ્યકાવ્યના છંદ અને પ્રાસ સિવાયનાં કવિતાસિદ્ધિ અર્થેનાં સૌ સાધનો લય, અનુપ્રાસ, આંતરપ્રાસ, પુનરાવર્તન, અન્વય, અલંકાર, કલ્પન, પ્રતીક વગેરેનો વિનિયોગ થાય છે. ગદ્યકાવ્યમાં પરિચ્છેદ એકમ છે. તેમાં ક્ષણે ક્ષણે નવતા છે, પદે પદે વિકલ્પ છે, સતત આકસ્મિકતા અને સાહસિકતા છે. એમાં લયને કોઈ આધાર કે આકાર નથી. પરિણામે ગદ્યકાવ્યમાં સ્વૈચ્છિકતા અને સ્વાયત્તતા હોય છે, લવચીકતા અને મુક્તિ હોય છે.
લલિતેતર સાહિત્યમાં ગદ્ય બહુધા તર્કમૂલક અને અર્થપ્રધાન હોય છે. ગદ્યકાવ્યમાં ગદ્ય સાર્દશ્યમૂલક અને સૌંદર્યપ્રધાન હોય છે. એની આ હેતુલક્ષિતાને લીધે ગદ્યકાવ્યનું ગદ્ય અન્ય ગદ્ય કરતાં જુદું પડે છે. આવું ગદ્ય ગદ્યકાવ્યના અંતસ્તત્વને વધુમાં વધુ અનુરૂપ કેમ થાય એ માટે કવિએ સભાન પ્રયાસ કરવો પડે છે.
આધુનિક ગદ્યકાવ્ય ઊર્મિકાવ્યનાં અનેક લક્ષણો ધરાવે છે. કલ્પનવાદી કવિ રિચર્ડ એલ્ડિંગ્ટનના મતે ‘ગદ્યકાવ્ય એટલે ગદ્યરૂપે અભિવ્યક્ત કાવ્યસંભાર.’
ગુજરાતી સાહિત્યમાં કવિ ન્હાનાલાલ 1898માં ડોલનશૈલીમાં ‘વસંતોત્સવ’ પ્રગટ કરી પ્રથમ વાર પદ્યકાવ્યના સમીકરણને પડકારે છે. તેમની ડોલનશૈલી પદ્ય નહિ પણ રાગયુક્ત ગદ્ય છે. ન્હાનાલાલ આ શૈલીમાં ઊર્મિકાવ્યો, નાટકો વગેરેનું સર્જન કરે છે.
અનુગાંધીયુગમાં ગદ્યકાવ્યનું પગેરું આપણને 1955માં પ્રગટ થયેલી ‘પ્રાસન્નેય’ની પ્રણયકથા ‘ચંદ્રિકા’માં મળે છે.
ગુજરાતી ગદ્યકાવ્યનું પ્રસ્થાનબિંદુ સુરેશ જોષીને ગણી શકાય. ગદ્યકાવ્ય તરફનો તેમનો ઝોક, વિદેશી કાવ્યોના ગદ્યાનુવાદ અને ‘ક્ષિતિજ’નું સંપાદનકાર્ય ગદ્યકાવ્ય માટેની ભૂમિકા રચી આપે છે. તેમનાં ગદ્યકાવ્યો ‘ઇતરા’(1973)માં પ્રાપ્ત થાય છે. સંગ્રહની અંતિમ રચના ‘મૃણાલ ! મૃણાલ !’માં પ્રણય અને મૃત્યુઝંખના વચ્ચેનો અસ્તિત્વવાદી તણાવ અનુભવાય છે.
1963માં પ્રસિદ્ધ થયેલો રાધેશ્યામ શર્માનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંસુ ને ચાંદરણું’ ગુજરાતીમાં અછાંદસ કાવ્યોનો પ્રથમ સંગ્રહ છે. તેની વિશેષતા એ છે કે આગળ ઉપર વિકસનારી અછાંદસ કાવ્યોની કેટલીક લઢણોનાં બીજ તેમાં ર્દષ્ટિગોચર થાય છે.
ગુલામ મોહમ્મદ શેખનો ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘અથવા’ 1974માં પ્રગટ થાય છે, પણ તેમાંનાં મોટા ભાગનાં કાવ્યો ‘ક્ષિતિજ’માં 1960થી પ્રગટ થતાં હતાં. આ ચિત્રકાર કવિનાં ગદ્યકાવ્યો કલ્પનોની કપચીથી રચાયેલાં મોઝેકનો ખ્યાલ આપી રહે છે.
લાભશંકર ઠાકરનાં અછાંદસ કાવ્યોને બે વિભાગમાં વહેંચી શકાય. ‘મારા નામને દરવાજે’ (1972) તથા ‘બૂમ કાગળમાં કોરા’(1974)માંનાં ટૂંકાં કાવ્યો અને ‘માણસની વાત’ (1968) નામક હજારેક પંક્તિની દીર્ઘકૃતિ. લાભશંકરનાં ઊર્મિકાવ્યોનું કાઠું નાગરી ગદ્યની લઢણથી ઘડાય છે. તર્કછિન્નતા તેમનો વસ્તુવિશેષ છે.
આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં મનહર મોદી, ચિનુ મોદી, રાવજી પટેલ, ચંદ્રકાન્ત શેઠ, પ્રિયકાન્ત મણિયાર, સિતાંશુ યશશ્ચંદ્ર, મણિલાલ દેસાઈ, હસમુખ પાઠક, નલિન રાવળ વગેરે કવિઓએ પણ ગદ્યકાવ્યના ક્ષેત્રે વત્તુંઓછું પ્રદાન કર્યું છે.
વિશ્વની અનેક ભાષાઓમાં સુપ્રતિષ્ઠિત થયેલું ગદ્યકાવ્યનું સ્વરૂપ ગુજરાતી ભાષામાં પણ હવે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યું છે.
સંસ્કૃત સાહિત્યમાં વિષયવસ્તુ, કથનરીતિ તથા બીજી કેટલીક બાબતોને લઈને ગદ્યકાવ્યના ‘કથા’ અને ‘આખ્યાયિકા’ એવા બે પ્રકારો પાડવામાં આવ્યા છે અને દંડી સિવાયના બીજા ઘણા મહત્વના કાવ્યશાસ્ત્રીઓએ એ બે પ્રકારોને સ્વીકાર્યા છે. ‘અષ્ટાધ્યાયી’ પરના વાર્તિકમાં કાત્યાયન ગદ્યકાવ્યના ‘આખ્યાયિકા’ સ્વરૂપનો ઉલ્લેખ કરે છે અને મહાભાષ્યકાર પતંજલિ, ‘વાસવદત્તા’, ‘સુમનોત્તરા’ અને ‘ભૈમરથી’ એ ત્રણ આખ્યાયિકાઓનો નામનિર્દેશ કરે છે.
સંસ્કૃત ગદ્યકાવ્યના ‘કથા’ પ્રકારની ‘ચારુમતી’, ‘શૂદ્રકકથા’ અને ‘તરંગવતી’ જેવી અનેક લલિત-મનોહર રચનાઓના નિર્દેશો પ્રાચીન સાહિત્યમાં મળે છે અને સાતમા શતકના મહાન ગદ્યકવિ બાણભટ્ટ, અગાઉ થઈ ગયેલા ભટ્ટાર હરિચન્દ્રના ઉત્કૃષ્ટ ‘ગદ્યપ્રબંધ’ની પ્રશંસા કરે છે; પણ પ્રાચીન ગદ્યકાવ્યની આ બધી જાણીતી કૃતિઓ આજે ઉપલબ્ધ નથી.
સંસ્કૃત ગદ્યકાવ્યનો પહેલવહેલો નમૂનો ઈ. સ. 150ની સાલમાં ગિરનાર પર કોતરવામાં આવેલા મહાક્ષત્રપ રુદ્રદામાના શિલાલેખમાં મળે છે. કાવ્યશૈલીમાં લખાયેલું સંસ્કૃત ગદ્ય કેવું હોય તેનો મનોરમ પુરાવો આ લેખ પૂરો પાડે છે. બે શતક બાદ, સમુદ્રગુપ્તની પ્રશંસામાં હરિષેણે રચેલો, પ્રયાગનો સ્તંભલેખ પણ ગદ્યપદ્ય-મિશ્ર કાવ્યશૈલીનું સુંદર નિદર્શન બની રહે છે. ગુપ્તકાળના બીજા કેટલાક અભિલેખોમાં પણ ઈ. સ.ના છઠ્ઠા શતક સુધીની લલિત ગદ્યશૈલીનો વિકાસ પ્રતિબિંબિત થાય છે.
ઈસવી સનના છઠ્ઠા અને સાતમા શતકમાં ગદ્યકાવ્યના ત્રણ મહાન સર્જકો દંડી, સુબંધુ અને બાણભટ્ટ, આ સાહિત્યપ્રકારમાં ચાર વિશ્વવિખ્યાત કૃતિઓ રચે છે. દંડીનું ‘દશકુમારચરિત’ કથાસ્વરૂપની કૃતિ છે અને સુબંધુની કૃતિ ‘વાસવદત્તા’ એ પણ કથા જ છે. પણ બાણભટ્ટે ‘હર્ષચરિત’ નામની આખ્યાયિકા તથા ‘કાદમ્બરી’ નામની કથા એમ ગદ્યકાવ્યના બંને પ્રકારોનું પ્રખર પ્રતિનિધિત્વ કરતી બે અમર કૃતિઓ રચી છે. બાણને અનુસરીને ધનપાલે ‘તિલકમંજરી’, વાદીભસિંહે ‘ગદ્યચિંતામણિ’ તથા વામનભટ્ટ બાણે ‘વેમભૂપાલચરિત’ વગેરે કથાપ્રકારની રચનાઓ દ્વારા ગદ્યકાવ્યની પરંપરાને ચાલુ રાખવા પ્રયત્ન કર્યો છે; પણ બાણની સિદ્ધિને કોઈ પહોંચી શક્યું નથી.
પ્રસાદ બ્રહ્મભટ્ટ
અમૃત ઉપાધ્યાય