ગદ્ય : ઊર્મિ, સંવેદના કે વિચારોને વ્યક્ત કરવા માટેનું માધ્યમ. ઊર્મિ કે સંવેદનાને વ્યક્ત કરવા માટેનું માધ્યમ પદ્ય અને વિચારને પ્રકટ કરવા માટેનું માધ્યમ ગદ્ય એવી સમજ વ્યાપકપણે પ્રવર્તે છે, પણ પદ્યની જેમ ગદ્ય પણ અનેકશ: પ્રયોજાતું રહ્યું છે. એનાં પ્રયોજનો પણ જુદાં જુદાં છે તો એનું રચન-સંરચન પણ કંઈક પોતાની રીતનું રહ્યું છે.

ગદ્ય કરતાં પદ્યનો આવિર્ભાવ પ્રથમ થયો. કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ પરંપરા માટે પદ્ય જ અનુકૂળ જણાયું હોય તે સંભવિત છે. માનવી જેમ જેમ બૌદ્ધિક વિકાસ સાધતો ગયો, તેમ તેમ તર્કપૂત બાબતો રજૂ કરવાના પ્રશ્નો ઊભા થયા, માનવીના ભિન્ન ભિન્ન જીવન આયામો નજર સામે આવ્યા, મુદ્રણકળા પણ શક્ય બની ત્યારે પદ્યના વિકલ્પની જરૂર ઊભી થઈ. ઘણુંખરું તો વ્યવહારુ અર્થથી જ ‘બોલચાલમાં વપરાતું લિખિત કે ઉચ્ચરિત ભાષારૂપ’-એવી સ્પષ્ટતા સાથે ચલાવી લેવાતું. છાપાં, સામયિકો, પાઠ્યપુસ્તકો, વિવિધ કોશ, અહેવાલો, જ્ઞાન-વિજ્ઞાન-શાસ્ત્રનાં પુસ્તકો એ સર્વ મારફતે એને ગદ્યનો પરિચય થઈ ગયો. પરિણામે તથ્યલક્ષી ભાષારૂપ તે ગદ્ય એવી ગદ્ય વિશેની સીમિત સમજ વિકસતી રહી. સિસેરોથી આરંભીને સંખ્યાબંધ અભ્યાસીઓનાં મંતવ્યો પણ એ દિશાનાં રહ્યાં. તેથી ‘છંદરહિત’ અને કવિતાથી પૃથક એવા તત્વ તરીકે ગદ્યની ઓળખ ર્દઢ થતી રહી. ‘ગદ્યના ભાવવાળું કે ઊર્મિ વિનાનું’ એવી અપાતી સમજમાં પણ ગદ્ય વિશેનું એકાંગી દર્શન જ રહ્યું છે.

શાસ્ત્રીય કે દાર્શનિક ગ્રંથોમાં, જ્ઞાન-વિજ્ઞાન-આલોચના વગેરેમાં પ્રયોજાતા તથ્યનિષ્ઠ, વસ્તુલક્ષી કે નાસાગ્ર ગતિએ જતા ગદ્યની સાથોસાથ ભાવ કે સંવેદનાને સાધારણીકૃત કરી, રસત્વ પ્રકટી રહે તેવા સર્જનાત્મક ગદ્યનું પણ અનેરું સ્થાન છે, પણ ક્રમશ: સાહિત્યિક, સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય એવી ઘટનાઓ બનતી ગઈ કે અનેક નિમિત્તે ગદ્યને જુદી જુદી રીતે પ્રયોજાવું કે પ્રયોજવું પડ્યું. ગદ્ય વિશે નવેસરથી વિચારવા તકાજો થયો. ગદ્યનાં પ્રભાવ-પ્રાબલ્ય એ કક્ષાએ પહોંચ્યાં કે વર્તમાન યુગ ‘ગદ્યયુગ’ તરીકે પોંખાયો. ભાષાના તર્કજનિત ને રૂઢ માળખામાંથી ગદ્યને બહાર લાવીને એનું પુનર્વિધાન કેવી રીતે થતું હોય છે કે થઈ શકે તે વિશે માનવીનું કુતૂહલ વધ્યું. ગદ્ય પણ રસનિષ્ઠ હોઈ શકે, કાવ્યથી ભિન્ન પણ કાવ્યથી ઓછું કે ઊતરતું નહિ એવું એનું સૌંદર્યવિધાન હોઈ શકે છે અને ‘ગદ્ય’ સંજ્ઞા સ્વયં સાહિત્યિક ગદ્યની દ્યોતક છે એ સત્ય અસંદિગ્ધપણે સમજાયું. આવી સંજ્ઞાને વ્યાખ્યાબદ્ધ કરવાનું કામ એ રીતે દુષ્કર બને છે; કારણ કે ગદ્યની સાથે શૈલીનો મુદ્દો પણ અવિચ્છિન્નપણે સંકળાયેલો રહ્યો છે. સર્જકે સર્જકે ને આગળ વધીને કૃતિએ કૃતિએ ગદ્યવિધાન પલટા લેતું હોય છે.

ગદ્યનાં એવાં ભિન્ન ભિન્ન સ્વરૂપોને પામવા તેનાં પ્રયોજનોને લક્ષમાં લેવાં રહે. જેમાં તથ્ય કે વિચારના માત્ર સંક્રમણનો જ આશય રહ્યો છે એવું ગદ્ય સ્ફટિક જેવું પાસાદાર અને પારદર્શક હોય, લક્ષ્યવેધી પણ. સ્વચ્છ, સુઘડ, તાર્કિક, શિષ્ટ કે વ્યવસ્થિત જેવાં વિશેષણો વપરાય છે તે આવા તથ્યલક્ષી ગદ્ય માટે. ગદ્યનું એક બીજું રૂપ પણ છે. લગભગ કવિતાની સમકક્ષ રહી, – ક્યારેક એની પાર પણ એ વિસ્તરતું હોય છે. સાહિત્યિક ગદ્ય તરીકે ઓળખાતું ગદ્ય એ પ્રકારનું હોય છે. વિવિધ મનોદશાઓ, સંવેદનાઓભાવો જુદે જુદે મિષે તેમાં વ્યક્ત થતાં રહે છે. માહિતીના ગદ્ય કરતાં એની મુદ્રા અહીં સાવ નિરાળી રહી હોય છે. કથન-વર્ણનની અનેક છટાઓ કે લેખનની તરકીબો અહીં જોવા મળે છે. તેમાં સંક્રમણ રસ રૂપે પમાય છે. સૌંદર્યના પરિવેશ વચ્ચે એવું ગદ્ય ભાવકને ખડો કરી દે છે. સર્જનાત્મક ગદ્ય અનેકાર્થ છે, રસાર્દ્ર છે. ક્યારેક વિચાર અને ઊર્મિ ઉભયને એકસાથે સાંકળી લે તેવી તેની ઉભયાન્વયી મુદ્રા પણ દેખવા મળે છે. રવીન્દ્રનાથ ટાગોર કે ઉમાશંકર જોશી જેવા લેખકોનાં વિવેચનાત્મક લખાણોમાં એ પ્રકારના ગદ્યનો અનુભવ થઈ રહે છે. કોઈક કોઈક અમુક તત્વને આગળ ધરી એના એકાધિક પ્રકારો પણ ગણાવતા હોય છે; જેમ કે, માહિતીનું ગદ્ય, વર્ણનાત્મક ગદ્ય, નાટ્યાત્મક ગદ્ય, ચિંતનપ્રધાન ગદ્ય, કલ્પનાત્મક કે કાવ્યાત્મક ગદ્ય. નિબંધ, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક વગેરે સાહિત્યસ્વરૂપોમાં ગદ્યની ભિન્ન ભિન્ન છટાઓ જોવા મળે છે.

ગદ્યનો વિચાર કરનારે એના મહત્વના ત્રણ અંશોને અવશ્ય ધ્યાનમાં રાખવા પડે. આ અંશો છે : શબ્દ, વાક્ય, ખંડક કે પરિચ્છેદ. વ્યવહારમાં શબ્દનો થતો ઉપયોગ વ્યાવહારિક કામ પૂરતો મર્યાદિત હોય. સાહિત્યમાં સર્જક જે કંઈ પ્રકટ કરે છે અથવા પોતે પ્રકટ થવા મથે છે – ભાવ – સંવેદન – વિચાર સર્વ રીતે, એ શબ્દ દ્વારા જ શક્ય બને છે. આથી સર્જકે શબ્દને ચોંટેલા વ્યાવહારિક રૂઢ સંકેતોથી એને પ્રથમ તો અળગો કરવો પડે છે. એનું વાસ્તવમાં યજ્ઞોપવીત થતું હોય છે. ટૂંકમાં મનોગતને મૂર્ત કરી આપે તેવા ઉચિત શબ્દની શોધ, માત્ર કવિતામાં જ નહિ, ગદ્યમાં પણ એટલી જ મહત્વની છે. ગદ્યસર્જનમાં સમૃદ્ધ શબ્દભંડોળ ઉપયોગી તો બને જ પણ તેનાથીય વધુ અગત્યની વાત શબ્દવિન્યાસની રહી છે. પોતાનું આગવું વ્યક્તિત્વ સિદ્ધ કરી આપતો શબ્દ જ ગદ્યવિધાનમાં શોભી રહે. પૂર્વના આલંકારિકોએ ‘शब्दार्थौ’નો જે આગ્રહ સેવ્યો છે તે આ સંદર્ભે. પદ્યને લાગુ પડતી આ બાબત કદાચ ગદ્યને વધુ સ્પર્શે છે. કોશગત અર્થને ગદ્યમાં અતિક્રમી જવાની વાત રહી છે. સાર્થ, સજીવ શબ્દની પદે પદે અનિવાર્યતા રહી છે. એનો નિર્દેશ ઉત્તમ ગદ્યરચનામાંથી મળે છે. શાસ્ત્રજ્ઞ, વૈદ્ય કે જ્યોતિષાચાર્ય પાસે જતો શબ્દ સર્જકની તહેનાતમાં આવે છે ત્યારે તેની લૌકિક કાંચળી લગભગ ઊતરી જતી હોય છે. સર્જકના આંતર સંવિદ્ત સાથે સંયોજાઈને તેનું એક નવ્ય રૂપ વાંચનારની સમક્ષ આવીને ઊભું રહે છે.

ગદ્યકાર ક્વચિત્ શબ્દના વ્યાકરણગત માળખાને તોડે છે, પણ બહુધા તો એણે માળખાને જાળવીને જ ઔચિત્યપૂર્વક શબ્દપસંદગી કરવાની રહે છે. એ શબ્દ નિશાનવેધી બનવો જોઈએ. વક્તવ્ય કે કથયિતવ્યના સંકેતો એમાંથી કળામય રીતે ખૂલે એ જરૂરી છે. એવા શબ્દો સંવેદનના સંદર્ભે એમની અનિવાર્યતા સિદ્ધ કરતા હોવા જોઈએ. ગદ્યમાં સમ્યક શબ્દને સમ્યક અર્થમાં પ્રયોજવાની શક્તિ એના લેખક પાસે અપેક્ષિત છે. શબ્દપસંદગીનું મૂલ્ય સવિશેષ રહ્યું છે.

ગદ્યનો બીજો ઘટક વાક્ય છે. વાક્ય એ શબ્દોની કેવળ વ્યાકરણી ગોઠવણી નથી. ગદ્યકારની શોધ તો પોતાના કથયિતવ્યને તંતોતંત વ્યક્ત કરે, એના એકેએક અંગને ઉપસાવી આપે એવા વાક્ય કે વાક્યાવલિની હોય છે. વાક્યનો આકાર વક્તવ્યની આંતરિક અનિવાર્યતા પર નિર્ભર રહે છે. ટૂંકાં કે પ્રલંબ વાક્યો ગદ્યને નિયત આકાર આપે, એની આગવી ભાત રચી આપે એટલું આવશ્યક છે. પ્રત્યેક સર્જકે વાક્યની નવી ભાત હોય છે. આગળ વધીને કહીએ તો પ્રત્યેક કૃતિએ વાક્યની નૂતન મુદ્રાઓ રચાતી આવતી હોય છે. એમાંથી જ એના રચનારની શૈલી-ભાત નીખરી આવે છે.

વાક્યોમાં વિરામચિહનોનું વિશિષ્ટ સ્થાન હોય છે. આવાં ચિહનોના ઉપયોગથી વક્તવ્ય વધુ વિશદ બને, ધારી અસર ઊભી કરે અને કથ્યને પ્રત્યક્ષ કરી આપે. વાક્યમાં જો જરૂરી ચિહનોનો અભાવ હોય તો અતંત્રતા પ્રવેશે, અર્થ બદલાઈ જાય, ઘણુંક સંદિગ્ધ બને. એમાંની સ્પર્શક્ષમતા ચાલી જાય. વિરામચિહનો સાથે કાકુની શક્તિ જોડાયેલી છે. તેથી જે તે સર્જકને અભિપ્રેત ભાવનો સંકેત એણે પ્રયોજેલ ચિહન દ્વારા પ્રકટ થઈ શકે.

ગદ્યનો ત્રીજો મહત્વનો અંશ ખંડક કે પરિચ્છેદ છે. ગદ્યકારને સમગ્ર કથયિતવ્યને સચોટ અને વિશદ બનાવવા માટે વિધ વિધ ખંડોમાં વિભાજિત કરવું પડે છે. ખંડક ગદ્યકારના વિચારવળાંકનો સૂચક હોય છે. ગદ્યના આવા પ્રત્યેક ખંડકમાં સ્વતંત્ર, પરિપૂર્ણ વિચાર સમાતો હોય છે. આમ વક્તવ્યના કોઈ અંશ કે વક્તવ્યના સ્વતંત્ર એકમ રૂપે પરિચ્છેદની હસ્તી જોવાય છે. ખંડકો એકમેક સાથે શૃંખલાની માફક જોડાયેલા રહે છે. એટલે સમગ્રતયા જોઈએ તો પ્રત્યેક ખંડકની સ્વાયત્તતા ઓગળી જઈને આખું વક્તવ્ય કે ભાવસૃષ્ટિ એકદેહે વિલસી રહે છે. કુશળ ગદ્યકાર એક ખંડક અને બીજા ખંડક વચ્ચે કશું કહ્યા વગર ઘણુંબધું વ્યક્ત કરી શકે છે. ગદ્યમાં આવતા આવા પરિચ્છેદો દ્વારા એના લેખકની જે તે વિષય ઉપરની પકડ, એ વિષય પરત્વેની તેની સૂઝ અને નિસબત, વિષય અંગેની વ્યવસ્થા કે સ્પષ્ટતા કે પછી સંદિગ્ધતા પણ પ્રત્યક્ષ થતાં હોય છે. બધા જ ખંડકો આખરે તો ગદ્યને સમગ્રતાનું રૂપ આપતા હોવા જોઈએ.

એક બીજો, અ-નિવાર્ય ઘટક છે લય. લયની કામગીરી તત્વત: આંતરિક રહી છે. લય ગદ્યનું અગત્યનું અંગ છે. ગદ્યનો લય ઝટ કળી શકાતો નથી. પદ્યના લયની જેમ ગદ્યનો લય એકધારી ગતિનો હોતો નથી. અણસરખાં આવર્તનોમાં એ લયગતિ રહી હોય છે. સમગ્ર સંવેદન, એના આરોહઅવરોહ, એની સૂક્ષ્માતિસૂક્ષ્મ છટાઓકંપનો સર્વ એ લય દ્વારા મૂર્ત થતાં હોય છે. આવો લય ક્યારેક વાક્યે વાક્યે, ક્યારેક ખંડકે ખંડકે નવી નવી છટાઓ દ્વારા ભાવકને આકર્ષિત કરે છે. ગ્રીકોના સમયથી ગદ્યવાક્યોના લયવિરામો પ્રત્યે પુષ્કળ ધ્યાન અપાયું છે. લય નહિ તો ગદ્ય નહિ – એવો અકાટ્ય સંબંધ લય સાથે ગદ્યનો રહ્યો છે. ગદ્યકારની એ આંતરિક સંપદા છે.

મનોગતના સહારે સહારે પેલી લયરચના પણ નિષ્પન્ન થતી જાય છે. પ્રત્યેક વાક્યના લયની સમગ્ર કૃતિના ભાષાલય સાથે સુસંગતતા કેળવાવી જોઈએ. આલેખ્ય વિષયવસ્તુ – સંવેદનાની અનિવાર્યતાને વશવર્તીને વાક્યનાં ગતિ-લય બંધાતાં આવે છે. લય એટલે માત્ર આવર્તનો એમ માનવું ભૂલભરેલું છે. આથી જ વૃત્તગંધી ગદ્ય પણ ક્યારેક મોટું પ્રલોભન ઊભું કરી આપે છે. અથર્વવેદાદિના ઉપલભ્ય ખંડોનો લય, બાણની ‘કાદંબરી’નો લય ને અન્ય પ્રશિષ્ટ કૃતિઓના ગદ્યલયને આ સંદર્ભે અવલોકી શકાય. ગદ્યમાત્રના લયમાંથી એના સર્જકની વૈયક્તિક મુદ્રા પ્રકટી આવવી જોઈએ. વૉર્નર વિચાર અને લાગણી બંનેમાં એવા નિજી ગદ્યલયની અપેક્ષા આ સંદર્ભે જ રાખે છે. લય સુગ્રાહ્ય હોય કે આંતરિક બંને પર ગદ્યકારનો પૂરતો પ્રભાવ રહેવો જોઈએ.

પ્રાચીન આલંકારિકો સમાસ અને ઓજસને ગદ્યનાં જીવિત લેખે છે. સામાસિક ગદ્યને કારણે પ્રસ્તાર ટળે ને વક્તવ્ય સઘન બને. બાણનું ગદ્ય એનું ઉજ્જ્વલ ર્દષ્ટાંત છે. અલંકારરચના પણ વક્તવ્યને ઉપકારક બની શકે.

પશ્ચિમના અભ્યાસીઓ વાગ્મિતાના કે ઉક્તિવિલાસના તત્વને ગદ્ય માટે મહત્વનું ગણે છે. વાગ્મિતાના જુદા જુદા અંશોની એ રીતે વિચારણા પણ થઈ છે. કલ્પનશ્રેણી, પ્રતીકરચના, પુરાકલ્પન ઉપરાંત રૂપક, સાર્દશ્ય, તુલના, વૈયક્તિકીકરણ, આંતરપ્રાસ, વક્રતા, પ્રતિવાક્ય, વિરોધાભાસ, આવર્તન, પરાકોટિ, ચમત્કૃતિપૂર્ણ અંત, વાગ્મિતાસભર પ્રશ્નમાળા, સ્મૃતિસાહચર્યો, રવાનુકારી વર્ણયોજના, સૂત્રાત્મક વાક્યો વગેરે અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા સર્જાતા ગદ્યની તાત્વિક છણાવટ કરવામાં આવી છે. આમાંની કોઈ પણ પ્રયુક્તિને એનો લેખક જરૂર પડ્યે યોજી શકે, પરંતુ આ પ્રત્યેક યુક્તિ બધી વેળા અનિવાર્ય બનતી નથી. કૃતિના પ્રવાહમાં એકરૂપ બનીને એવાં તત્વો પોતાની સાભિપ્રાયતા સિદ્ધ કરતાં હોવાં જોઈએ.

શબ્દપસંદગી, વાક્યરચના, ખંડકયોજના, વાક્યલય, વિષય અને એનું વિશદ કે સંકુલ સ્વરૂપ, તર્કજનિત કે તર્કરહિત ક્રમ, કથન વગેરે કેવી તાણ સાથે ગદ્યમાં આકારિત થાય છે અને તેમાં એનું ભાષાગત સંરચના કેટલો ફાળો આપે છે તે તપાસવું પડે.

આ રીતે ગદ્યના વિવિધ અંશોની તપાસ થઈ શકે, પણ ગદ્યનું હાર્દ પામવું હોય તો એની ભાષિક સંરચના કે શૈલીની વિચારણા અવશ્ય કરવી પડે. સંરચના કે શૈલી જ ગદ્યકારનું ઋત છે. લલિતેતર ગદ્યમાં સામગ્રીનો પરિચય અગત્યનું અંગ બને છે. શૈલીપરિશીલનનો પ્રશ્ન લગભગ ગૌણ સ્થાને મુકાતો આવ્યો છે, પણ સર્જકની ચેતનાના ધબકારયુક્ત સર્જનાત્મક ગદ્યમાં શૈલીપરીક્ષણ વિનાનું ગદ્યપરિશીલન અધૂરું ગણાય. સર્જકે સર્જકે, પ્રજાએ પ્રજાએ ભિન્ન ભિન્ન છટાવાળું ગદ્ય – ગદ્યતરાહો મળે. દરેક દેશકાળમાં, દરેક પ્રજાની જ્ઞાન-વિજ્ઞાનની શોધ અને સિદ્ધિની સાથોસાથ એના ચૈતન્યરૂપનો આવિર્ભાવ ગદ્યમાં જ થતો રહે છે. ગદ્યપદ્યમાં અભિવ્યક્તિ જ સર્વેસર્વા હોય છે. અભિવ્યક્તિમાં ઊણપ ન હોય તો શૈલી પણ આસ્વાદ્ય બની રહે.

જીવનની સંકુલતા અને સંસ્કૃતિના સંભારને ઝીલવા મથતું ગદ્ય નિત્ય નવું રૂપ પ્રકટ કરે છે અને એનામાં સમાયેલી નિ:સીમ ક્ષમતાઓનો આગવો પરિચય કરાવતું રહે છે.

પ્રવીણ દરજી