ચદુરંગા (જ. 1 જાન્યુઆરી 1916, કલ્લાહલ્લી, કર્ણાટક; અ. 19 ઑક્ટોબર 1998, મૈસૂર, કર્ણાટક) : જાણીતા કન્નડ નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર તેમજ ફિલ્મ-નિર્માતા અને નિર્દેશક. તેમની નવલકથા ‘વિશાખા’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમનું મૂળ નામ એમ. સુબ્રહ્મણ્યરાજ ઉર્સ. 1942માં મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી હતી.
તેમણે 30 વર્ષ લેખનકાર્ય કર્યું. તેમની 3 નવલકથાઓ, 7 વાર્તાસંગ્રહો અને 2 નાટ્યકૃતિઓ પ્રગટ થયેલ છે. તેમની અનેક ટૂંકી વાર્તાઓ અંગ્રેજી તેમજ વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદ પામી છે.
તેઓ કથાચિત્રો તથા દસ્તાવેજી ચિત્રોના નિર્માતા તેમજ દિગ્દર્શક હતા. તેમની નવલકથા ‘સર્વમંગલ’ પર આધારિત ‘સર્વમંગલ’ ફિલ્મને રાજ્ય કક્ષાના અનેક ફિલ્મ-ઍવૉર્ડ મળ્યા હતા. વળી તેમણે ઉત્તમ કન્નડ કવિ કે. વી. પુટ્ટપ્પા પર દસ્તાવેજી ફિલ્મ ‘કુવેમ્પુ’નું નિર્માણ કર્યું. 1978માં તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયો હતો.
તેમની પુરસ્કૃત કૃતિ ‘વિશાખા’ તેની પરંપરાગત અને અભિનવ વર્ણનશૈલીનો અદભુત સમન્વય, ગ્રામીણ જીવનનું આબેહૂબ ચિત્રાંકન, દલિત સમાજ પ્રત્યેની સહાનુભૂતિ અને લોકસમુદાયના અંતિમ વિજય વિશેની શ્રદ્ધા જેવાં કારણોને લઈને કન્નડ સાહિત્યમાં મહત્ત્વની લેખાઈ છે.
બળદેવભાઈ કનીજિયા