ચન્દ્રયાન 3 : ચન્દ્રયાન 2નું અનુગામી અભિયાન ચન્દ્રયાન 3 છે. તેનો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પર હળવેકથી ઉતરાણ કરવાની સુવાંગ ટેકનોલોજીનું નિર્દેશન કરવાનો તેમજ ચાલણગાડીને (Rover) ચાંદ પર લટાર મારવાની ટેકનોલૉજીનું નિર્દેશન કરવાનો હતો જેમાં 100% સફળતા મળી છે. તેમાં વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવર હતા. ચન્દ્રયાન 3નું પ્રક્ષેપણ એલવીએમ-3 દ્વારા 14 જુલાઇ 2023ના રોજ કરવામાં આવ્યું હતું. તે ચંદ્રની ભ્રમણકક્ષામાં 16 ઑગસ્ટ 202૩ના રોજ પહોંચ્યું. લેંડરે 23 ઑગસ્ટ 2023ના રોજ હળવેકથી ઉતરાણ કરી એક દિવસ પછી રોવરને ફરવા માટે મુક્ત કર્યું. યોજના મુજબ તેણે પૃથ્વીના 14 દિવસ ચંદ્રની સપાટી પર ભ્રમણ કરીને ઉપયોગી માહિતી મેળવી – જેને ધરતી પર મોકલવા માટે ચંદ્રયાન 2ના કક્ષીયયાનની મદદ લેવામાં આવી. કોઈ પણ દેશ દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં હળવેકથી ઉતરાણનો આ પહેલો પ્રસંગ હતો. આમ આ કીર્તિમાન ભારતના નામે નોંધાયું.

રોવર અને  લેંડરને સમાવીને પ્રણોદન સંપુટ (Propulsion Module) 100 કિમીની ચંદ્રની ભ્રમણ કક્ષા સુધી પહોંચ્યું તેમાં ચંદ્રની કક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરવા માટે SHAPE નામનું ઉપકરણ (પેલોડ) હતું. ચંદ્રની સપાટી પરની ઉષ્ણતા વાહકતા અને તાપમાન, ઉતરાણના વિસ્તારની આસપાસ ભૂકંપનીયતાના માપન, પ્લાઝમા ઘનતા અને તેમાં બદલાવનો  અંદાજ લગાવવા માટે લેંડર પેલોડમાં ઉપકરણો ગોઠવેલાં હતાં. લેસર દ્વારા માપન માટે નાસાએ પણ એક ઉપકરણ ગોઠવ્યું હતું. કેટલીક વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે રોવરમાં પણ બે ઉપકરણો ગોઠવવામાં આવ્યાં હતાં. કુલ 3900 કિગ્રા દળ ધરાવતા આ સંપૂર્ણ સ્વદેશી અભિયાનનો કુલ ખર્ચ લગભગ 615 કરોડ રૂપિયા અંદાજવામાં આવે છે.

ચિંતન ભટ્ટ