ચતુર્વેદી, સુલોચના (જ. 7 નવેમ્બર 1937, પ્રયાગરાજ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના રામપુર ઘરાનાનાં જાણીતાં ગાયિકા. મૂળ નામ સુલોચના કાલેકર. પિતાનું નામ પંઢરીનાથ તથા માતાનું નામ બિમલાબાઈ. શરૂઆતમાં તેમણે સંગીતની તાલીમ અલ્લાહાબાદના પ્રખર સંગીતકાર તથા ગાયક પંડિત ભોલાનાથ ભટ્ટ પાસેથી મેળવી. તેમણે અંગ્રેજી વિષય સાથે અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ.એ.ની તથા ગંધર્વ મહાવિદ્યાલયની ‘સંગીતાલંકાર’ની ઉપાધિઓ મેળવી છે. ખયાલ, ઠૂમરી, દાદરા, ટપ્પા, તરાણા તથા ભજન-સંગીતનાં તેઓ નિષ્ણાત છે. તેમનું સંગીત સાંભળીને રામપુર ઘરાનાના મહાન કલાકાર ઉસ્તાદ ડબીરખાં ખૂબ પ્રભાવિત થયા હતા.
1955માં દૂરદર્શન દ્વારા યોજાયેલી શાસ્ત્રીય સંગીતની અખિલ કેન્દ્રીય સ્પર્ધામાં તેમણે પ્રથમ સ્થાન તથા સુવર્ણચંદ્રક મેળવ્યાં હતાં. 1960માં તેમણે ભારત સરકારના કેળવણી ખાતા તરફથી શિષ્યવૃત્તિ મેળવી અને રામપુર ઘરાનાના પ્રખર ઉસ્તાદ મુસ્તાકઅલીખાંનાં શિષ્યા થયાં. શાસ્ત્રીય સંગીતના વિદ્વાન આચાર્ય કૈલાસચંદ્ર બૃહસ્પતિના સંગીતના સંશોધનકાર્ય તથા લેખનમાં તેમણે મદદ કરી હતી અને કૈલાસચંદ્રની પ્રથમ પત્નીના દેહાંત પછી સુલોચના તેમની સાથે 1968માં લગ્નગ્રંથિથી જોડાયાં. કૈલાસચંદ્ર બૃહસ્પતિ પાસેથી તેમણે સંગીતના રામપુર ઘરાનાની સંગીતપરંપરાનો ઊંડો અભ્યાસ કર્યો. તે ઉપરાંત તેમણે કૈલાસચંદ્ર બૃહસ્પતિ મારફત જાતિ-ગાયનનું જ્ઞાન મેળવ્યું અને તેના જાહેર કાર્યક્રમો પણ આપ્યા. કૈલાસચંદ્ર બૃહસ્પતિના પ્રોત્સાહનથી તેમણે ‘ખુસરો તાનસેન તથા અન્ય કલાકારો’ નામનું પુસ્તક લખ્યું છે, જેને સંગીતજગત તરફથી સારો આવકાર મળ્યો છે. દિલ્હીની દોલતરામ કૉલેજમાં તેમણે શાસ્ત્રીય સંગીતનું અધ્યાપન કર્યું હતું.
તેઓને 1984માં ઉત્તરપ્રદેશ સંગીત નાટક અકાદમીનો ઍવોર્ડ, 1994માં સંગીત નાટક અકાદમીનો ઍવોર્ડ તથા 2006માં મધ્યપ્રદેશની સરકારે તાનસેન સન્માન આપીને સન્માનિત કર્યા છે.
બટુક દીવાનજી