ગણધરવાદ : આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (ઈ.સ. 500-600) રચિત ‘વિશેષાવશ્યકભાષ્ય’નું એક મહત્વનું પ્રકરણ. આ ગ્રંથ જૈનજ્ઞાનમહોદધિ જેવો છે. જૈન આગમોમાં વીખરાયેલી અનેક દાર્શનિક બાબતોને સુસંગત રીતે તર્કપુર:સર ગોઠવીને રજૂ કરવામાં આવી છે. આ ગ્રંથનાં અનેક પ્રકરણોની જેમ ‘ગણધરવાદ’ પણ સ્વતંત્ર ગ્રંથ જેવું પ્રકરણ છે.

‘ગણધરવાદ’ શીર્ષકનો અર્થ શો ? ભગવાન મહાવીરના સાક્ષાત્ મુખ્ય શિષ્યો ગણધર કહેવાય છે. તે અગિયાર છે – ઇન્દ્રભૂતિ ગૌતમ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિક, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ. વાદનો અર્થ છે – શિષ્યો ગુરુ સાથે શુદ્ધ જિજ્ઞાસુભાવે જે દાર્શનિક ચર્ચા કરે તે.

ગણધરવાદમાં જૈનપરંપરાસમ્મત જીવ, અજીવ આદિ નવ તત્વોની પ્રરૂપણા ભગવાન મહાવીરના મુખે આચાર્ય જિનભદ્રગણિએ એવી રીતે કરાવી છે કે જાણે પ્રત્યેક તત્વનું નિરૂપણ ભગવાન તે તે ગણધરની શંકાના નિવારણ અર્થે કરતા હોય. દરેક તત્વની સ્થાપના કરતી વખતે તે તત્વથી કોઈ પણ અંશે વિરુદ્ધ હોય એવાં અન્ય દાર્શનિકોનાં મંતવ્યોનો ઉલ્લેખ કરી ભગવાન તર્ક અને પ્રમાણ દ્વારા પોતાનું તાત્વિક મંતવ્ય રજૂ કરે છે. તેથી ગણધરવાદ એ જૈન તત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખી 600 સુધીના ચાર્વાક, બૌદ્ધ અને બધા વૈદિક એમ સમગ્ર ભારતીય દર્શનપરંપરાની સમાલોચના કરતો એક ગંભીર દાર્શનિક ગ્રંથ બની રહે છે.

ઇન્દ્રભૂતિનો સંશય છે કે જીવ(આત્મા)નું અસ્તિત્વ નથી કારણ કે તે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતો નથી. ભગવાન એના સંશયનું નિવારણ કરતાં કહે છે કે જીવ સંશયવિજ્ઞાન રૂપે પ્રત્યક્ષ છે. અહંપ્રત્યયથી પણ તે પ્રત્યક્ષ છે, અહંપ્રત્યયનો વિષય દેહ નથી, સંશયકર્તા જીવ જ છે, આત્મગુણોના પ્રત્યક્ષથી આત્મા પ્રત્યક્ષ થાય છે, સર્વજ્ઞને જીવ પ્રત્યક્ષ છે, આત્માને સિદ્ધ કરતાં અનુમાનો દોષરહિત છે, આત્મબાધક અનુમાનો દોષવાળાં છે, સંશયનો વિષય હોવાથી આત્મા છે, નિષેધ્ય હોવાથી આત્મા છે, ‘જીવ’પદ સાર્થક છે, સર્વજ્ઞવચનથી આત્મા સિદ્ધ થાય છે. ‘विज्ञानघन एव भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति’ – એ વેદવાક્યનો સાચો અર્થ આત્માનો અસ્તિત્વપરક છે, ઇત્યાદિ.

બીજા ગણધર અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે શંકા કરે છે. ભગવાન કહે છે કે કર્મ પ્રત્યક્ષ થાય છે, કર્મસાધક અનુમાન પણ છે, સુખદુ:ખ માત્ર ર્દષ્ટકારણાધીન નથી, કાર્મણ શરીર સિદ્ધ થાય છે, ચેતનની ક્રિયાનું ફળ અષ્ટ પણ હોય છે, અનિચ્છા છતાં અષ્ટ ફળ મળે છે, અષ્ટ છતાં કર્મ મૂર્ત છે, કર્મ પરિણામી છે, કર્મ વિચિત્ર છે, સ્થૂલ દેહથી કાર્મણ દેહ ભિન્ન છે, મૂર્ત કર્મનો અમૂર્ત આત્મા સાથે સંબંધ ઘટે છે, મૂર્ત કર્મની અમૂર્ત આત્મા ઉપર અસર થાય છે, આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે, પણ તેનો અંત સંભવે છે ઇત્યાદિ.

ત્રીજા ગણધર વાયુભૂતિનો સંશય છે – જીવ અને શરીર એક જ છે ? ભગવાન કહે છે : શરીર ભૂતસમુદાય છે. પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય નથી તેથી ભૂતસમુદાયનો ધર્મ ચૈતન્ય ન જ હોય. ભૂતભિન્ન આત્માનું સાધક અનુમાન છે. ઇન્દ્રિયો આત્મા નથી, ગ્રાહક નથી. ઉપરાંત, આત્મા ક્ષણિક નથી. વિજ્ઞાન પણ સર્વથા ક્ષણિક નથી.

ચોથા ગણધર વ્યક્તનો સંશય છે કે બધા પદાર્થો માયિક છે, શૂન્ય છે, તેમની ઉત્પત્તિ-નાશ વગેરે ઘટતાં નથી. ભગવાન સર્વશૂન્યતાનું નિરાકરણ કરતાં મુખ્યપણે કહે છે કે સર્વશૂન્યતા માનતાં વ્યવહારનો અભાવ આવી પડે છે, બધું જ્ઞાન ભ્રાન્ત નથી, સ્વત:સિદ્ધ વગેરે વિકલ્પો ઘટી શકે છે ઇત્યાદિ.

પાંચમા ગણધર સુધર્માનો સંશય છે કે આ ભવ અને પરભવ વચ્ચે સાશ્ય છે કે નહિ ? અર્થાત્ પુરુષ મરીને પુરુષ જ થાય અને શિયાળ મરીને શિયાળ જ થાય છે કે નહિ ? ભગવાન કહે છે કે ભવ અને પરભવ વચ્ચે સાર્દશ્ય જ હોય એવું નથી, વિસાર્દશ્ય પણ સંભવે છે. કારણથી વિલક્ષણ કાર્ય સંભવે છે.

છઠ્ઠા ગણધર મંડિકને બંધ-મોક્ષ વિશે સંશય છે. તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે કર્મસંતાન અનાદિ છે, જીવ-કર્મબંધ અનાદિ છતાં તેનો અંત સંભવે છે, મોક્ષ કૃતક છતાં નિત્ય છે, મોક્ષ એકાન્તે કૃતક નથી, મોક્ષમાં જીવ-કર્મનો સંયોગ હોવા છતાં બંધ નથી, મુક્ત ફરી સંસારમાં આવતો નથી.

સાતમા ગણધર મૌર્યપુત્રને દેવ વિશે સંદેહ છે. ભગવાન કહે છે કે દેવો પ્રત્યક્ષ થાય છે, તેમની સિદ્ધિ અનુમાનથી પણ થાય છે.

આઠમા ગણધર અકંપિતને નારક વિશે સંદેહ છે. ભગવાન નારકની સિદ્ધિ કરે છે.

નવમા ગણધર અચલભ્રાતાને પુણ્ય-પાપ વિશે સંદેહ છે. શું કેવળ પુણ્ય જ છે અને પાપ જેવું કંઈ છે જ નહિ ? કે કેવળ પાપ જ છે અને પુણ્ય જેવું કંઈ જ નથી ? કે પુણ્ય-પાપ ઉભયસાધારણ એક જ વસ્તુ છે ? ભગવાન કહે છે : પુણ્ય પણ છે, પાપ પણ છે અને બંને સ્વતંત્ર છે. ઉપરાંત ભગવાન સ્વભાવવાદનું ખંડન કરે છે, પુણ્ય અને પાપનું લક્ષણ આપે છે, પુણ્યરૂપ અને પાપરૂપ કર્મોના ગ્રહણની પ્રક્રિયા નિરૂપે છે અને પુણ્ય-પાપપરક વેદવાક્યોનો સમન્વય કરે છે.

દશમા ગણધર મેતાર્યે ભગવાન સમક્ષ આત્મા અને પરલોક વિશે પોતાની શંકાઓ રજૂ કરી : શું ચૈતન્ય ભૂતધર્મ છે ? જો એમ હોય તો ભૂતો સાથે ચૈતન્યનો પણ નાશ થાય અને પરલોક મિથ્યા ઠરે. આત્મા પ્રતિશરીર ભિન્ન નહિ પણ સર્વવ્યાપી, નિષ્ક્રિય અને એક જ છે ? જો એમ હોય તોપણ પરલોક સિદ્ધ ન થાય. શું જ્ઞાન આત્માનો સ્વભાવ નથી ? શું તે આત્માથી તદ્દન ભિન્ન છે ? એમ હોય તો આત્મા લાકડાની જેમ જ્ઞાનરહિત જડ બની જાય અને જ્ઞાનસ્વભાવ ન હોય તેનું જન્માન્તરમાં સંસરણ ન ઘટે. સંસરણ વિના પરલોક અસંભવ બની જાય. શું વિજ્ઞાન ક્ષણિક હોવાથી આત્મા ક્ષણિક છે ? ક્ષણિક આત્માને પરલોક કેવો ?

ભગવાન આ શંકાઓના સમાધાનમાં કહે છે : આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે. ચૈતન્ય ભૂતધર્મ નથી, આત્મધર્મ છે. આત્મા અનેક છે, પ્રતિશરીર ભિન્ન છે; આત્મા દેહપરિમાણ છે, સક્રિય છે. આત્મા એકાન્તનિત્ય નથી કે એકાન્ત-અનિત્ય નથી. તે નિત્યાનિત્ય છે. વિજ્ઞાન પણ એકાન્ત-અનિત્ય નથી. તે પણ નિત્યાનિત્ય છે. બધી વસ્તુઓ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે.

અગિયારમા ગણધર પ્રભાસને નિર્વાણની બાબતમાં સંદેહ છે. કેટલાક માને છે કે દીપ-નિર્વાણની જેમ જીવનો નાશ થઈ જાય તે જ નિર્વાણ છે. વળી કેટલાક માને છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન સ્વભાવવાળા, સર્વ પ્રકારના દુ:ખથી રહિત એવા અને રાગદ્વેષાદિ આંતરિક શત્રુઓને જેમણે જીત્યા છે એવા મુક્તિમાં ગયેલા જીવો પરમ આનંદ અનુભવે છે. આવાં વિવિધ મતમતાંતરો સાંભળી શંકા થાય છે કે સાચું શું ? વળી જીવ અને કર્મનો સંયોગ અનાદિ હોય તો તેનો અંત થાય જ નહિ, પરિણામે સંસારદશાનો નાશ થાય જ નહિ, તો પછી નિર્વાણની વાત જ ક્યાં રહી ?

આના ઉત્તરમાં ભગવાન જણાવે છે કે નિર્વાણ એ જીવનો સદંતર નાશ નથી. દીપનો પણ સર્વથા નાશ થતો નથી. તે પણ પ્રકાશ-પરિણામ છોડીને અંધકાર-પરિણામને ધારણ કરે છે. જેમ કનકપાષાણ અને કનકનો સંયોગ અનાદિ હોવા છતાં કનકને પાષાણથી પ્રયત્ન વડે જુદું પાડી શકાય છે, તેમ સમ્યગ્જ્ઞાન અને ક્રિયા વડે જીવ-કર્મનો અનાદિ સંયોગ હોવા છતાં જીવથી કર્મને જુદું પાડી શકાય છે. સંસારદશાના નાશ સાથે જીવનો નાશ થતો નથી, તે ટકે છે. કર્મનાશથી સંસારની જેમ જીવનો નાશ થતો નથી. જીવ સર્વથા વિનાશી નથી. મોક્ષ સર્વથા કૃતક નથી. મુક્તાત્મા સર્વવ્યાપી નથી. બંધાવસ્થા અને મોક્ષાવસ્થા એ જીવની જ બે અવસ્થાઓ છે. મોક્ષની બાબતમાં પણ નિત્યાનિત્યપણું ઘટી શકે છે. મુક્તાવસ્થામાં વિષયભોગ ન હોવા છતાં સુખ છે. ઇન્દ્રિયો ન હોવા છતાં મુક્તને જ્ઞાન છે. ઇન્દ્રિયો વિના પણ જ્ઞાન સંભવે છે, કારણ કે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. મોક્ષમાં પુણ્ય ન હોવા છતાં સુખ છે. ખરેખર તો પુણ્યનું ફળ પણ દુ:ખ જ છે કારણ કે તે કર્મજન્ય છે. વિષયસુખ ઔપાધિક છે, મુક્તનું નિર્વિષય સ્વાભાવિક સુખ જ પારમાર્થિક સુખ છે. દેહ વિના પણ સુખ સંભવે છે. न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः એ વેદવાક્યનું વિસ્તારથી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે.

આમ, ગણધરવાદમાં આત્મા, કર્મ, પરલોક અને મોક્ષ – એ ચાર મુદ્દાઓની આસપાસ બધી ચર્ચાઓ ગોઠવાયેલી છે. બધી ચર્ચા શ્રદ્ધાપ્રધાન નહિ પણ તર્કપ્રધાન બની છે. આ ચર્ચાઓ આગમમૂલક હોવા છતાં તેમને તર્કથી પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આગમ ગૌણ બની ગયું છે, તર્ક પ્રધાન બની ગયો છે.

નગીનભાઈ જીવણલાલ શાહ