ગણદેવી : નવસારી જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20o 49´ ઉ. અ. અને 72o 59´ પૂ. રે.. ગણદેવી તાલુકાનું ક્ષેત્રફળ 282.1 ચોકિમી. છે અને વસ્તી 2,40,128 (2001) છે. તાલુકામાં ગણદેવી તેમજ બીલીમોરા બે શહેરો છે. ગણદેવીની વસ્તી 23,600 (2023), બિલિમોરાની વસ્તી 75,000 (2023).

ગણદેવી તાલુકાની જમીન સપાટ છે. લાવાજન્ય જમીન ઉપર તણાઈને આવેલ કાંપને લીધે ઘણી ફળદ્રૂપ અને રસાળ છે. દરિયાકિનારાથી આઠ-દસ કિમી. સુધીની જમીન બાગાયતી છે. કપાસ, શેરડી, ડાંગર, શાકભાજી, કેળાં, ચીકુ અને આંબાનાં ફળઝાડો માટે હવામાન અનુકૂળ છે. ગણદેવીમાં સુતરાઉ કાપડ અને કૃત્રિમ રેશમી કાપડના ઉદ્યોગ મિલઉદ્યોગ તરીકે તથા પાવરલૂમ રૂપે વિકસ્યા છે. ગણદેવીમાં હાથવણાટનું કાપડ તૈયાર થાય છે. આ ઉપરાંત ઇજનેરી ઉદ્યોગ, હીરા ઘસવાનો ઉદ્યોગ, તેલની મિલો તથા ઇમારતી લાકડાં વહેરવાની મિલો; સિમેન્ટ, વિલાયતી નળિયાં તથા ટાઇલ્સ બનાવવાનો ઉદ્યોગ; ખેતીનાં ઓજારો તથા શારકામ માટેનાં યંત્રોના લેથ બનાવવાના એકમો, ચોખાની મિલો વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. વૂડ પૉલિમરનું કારખાનું, ખાંડનું કારખાનું, સિમેન્ટ તથા પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં વગેરે આવેલાં છે. દરિયાકાંઠે આવેલ ગણદેવી મત્સ્યઉદ્યોગનું કેન્દ્ર છે.

ગણદેવી નવસારીથી 15 કિમી. અને અમલસાડથી 5 કિમી. દૂર છે. અંબિકા નદીના મુખથી ઉપરવાસ પૂર્વમાં તે 17 કિમી. દૂર છે. બીલીમોરા-વઘઈ નૅરોગેજ રેલવે-લાઇનનું ગણદેવી સ્ટેશન છે. અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ બીલીમોરા તથા અમલસાડથી પસાર થાય છે. ગણદેવી રસ્તા દ્વારા આ સ્થળો સાથે જોડાયેલ છે.

શેરડીના વિપુલ પાકને કારણે ગોળ તથા ખાંડનું ઉત્પાદન અહીં થાય છે. 1956થી ખાંડનું કારખાનું શરૂ થયેલ છે. કેરીના વિશેષ પાકને કારણે ગુજરાત ઍગ્રો ફૂડ્ઝ કંપની લિ. 1957થી કેરીનો રસ ડબામાં પૅક કરી નિકાસ કરે છે.

ગણદેવીમાંથી પ્રાપ્ત થયેલ ઈ.સ. 1042ના શિલાલેખ ઉપરથી જણાય છે કે તે કદંબ વંશના શાસન નીચે હતું. સોલંકીકાળ દરમિયાન ગણદેવીનો ‘ગદંબા’ નામથી નાના બંદર તરીકે ઉલ્લેખ મળે છે. મુઘલકાળ દરમિયાન અહીં વહાણો બંધાતાં હતાં. ગણદેવી ભૂતપૂર્વ વડોદરા રાજ્યના નવસારી પ્રાન્તનો એક મહાલ હતો. અહીંના મોઢ અને ઔદીચ્ય બ્રાહ્મણો સંસ્કૃત ભાષા અને કર્મકાંડના જ્ઞાતા તરીકે જાણીતા હતા.

અહીં 300 વર્ષ જૂનું હનુમાન મંદિર તથા શૈવ મંદિરો, વૈષ્ણવ હવેલી, જુમા મસ્જિદ અને અનેક જૈન મંદિરો આવેલાં છે. ગણદેવી શૈક્ષણિક કેન્દ્ર પણ છે. તેની પ્રાથમિક શાળા ઈ.સ. 1864 જેટલી જૂની છે.

શિવપ્રસાદ રાજગોર