ગણદેવતા (1942) : બંગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાયની 1966ની જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા નવલકથા. આ નવલકથામાં આધુનિક યંત્રયુગ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણને લીધે ગ્રામજીવનમાં આવેલા પરિવર્તનનું યથાર્થ ચિત્રણ થયેલું છે.
યંત્રો તથા મોટા ઉદ્યોગોને કારણે, ગામડાંમાં ઉત્પન્ન થતી જીવનજરૂરિયાતની વસ્તુઓ કરતાં, કારખાનાંમાં બનેલી વસ્તુઓ સસ્તી મળતી હોવાથી, ગામડાંની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગામડાંના કારીગરોની આજીવિકામાં મોટાં ગાબડાં પડતાં જાય છે. તે કારણે એમની જીવનરીતિ, સમાજવ્યવસ્થા, કૌટુંબિક સંબંધ – સર્વ કેવું બદલાઈ જાય છે તેનું લેખકે અનેક પાત્રો દ્વારા આલેખન કર્યું છે. આને કારણે પાત્રબહુલતા આવી છે, એટલે આ નવલકથામાં કોઈ નાયક નથી. આધુનિક ગ્રામજીવનના સ્વરૂપનું નિરૂપણ કરતાં, એમણે સમાજના બધા સ્તરનાં પાત્રો લીધાં છે; જેમ કે, દ્વારિક ચૌધરી જે જમીનદાર હતો, તે જમીનદારી પ્રથા નાબૂદ થવાને લીધે સામાન્ય ખેડૂત જેવો બની ગયો છે; પણ એ કારણે એનામાં કટુતા આવી નથી કે એ ભાંગી પણ પડ્યો નથી. શ્રીહરિ જે સામાન્ય ખેડૂત હતો, તે હવે જમીનનો માલિક બનીને આર્થિક રીતે સમૃદ્ધ થયો છે; પણ એણે એની કુળમર્યાદા જાળવી રાખી છે. પોતાને થયેલા અન્યાય કે અત્યાચારનો બદલો લેવાનો તે વિચાર કરતો નથી. દેવુ પંડિતે, ગામડાંમાં વકરતી જતી સ્વાર્થપરાયણતા, વેરઝેર, બદલાતી જતી ઊંચનીચની ભાવના, મૂલ્યોનો હ્રાસ – એ બધું જોવા છતાં એની સાત્વિકતા જાળવી રાખી છે.
ગામડાંનાં પક્ષાપક્ષી, જૂથવાદ, ઈર્ષા – એ બધાંનું લેખકે વાસ્તવિક ચિત્રણ આલેખ્યું છે. ગામડાંનો શહેર જોડેનો સંબંધ વધતાં, શહેરોનાં દૂષણો શી રીતે આવતાં ગયાં તે અને સ્વાવલંબનને સ્થાને પરાવલંબી વૃત્તિ આવવાથી જનમાનસ કેવું બદલાતું ગયું, સંયુક્ત કુટુંબ વિભક્ત થતું ગયું, પારિવારિક પ્રેમ ઘટતો ગયો, મોટેરાં અને યુવાનો વચ્ચેની ખાઈ પહોળી થતી ગઈ – એ બધી બાબત પણ દુર્ગા, અનિરુદ્ધ વગેરે પાત્રો દ્વારા આલેખી છે.
એ યુગ રાજકીય આંદોલનનો યુગ હતો, એટલે રાજકીય આંદોલનોનો ગામડાં પર કેવો પ્રભાવ પડ્યો તેનું પણ એમાં ચિત્રણ છે. વિપ્લવી યતીન ગામડામાં છુપાવા આવે છે ત્યારે ગામડાના લોકો એને બધી રીતે સહાય કરે છે, કારણ કે ગામડાના લોકોમાં દેશપ્રેમની ભાવના અને દેશને માટે બલિદાન આપવાનો ઉત્સાહ હતો.
શરદબાબુના ‘પલ્લીસમાજ’ પછી ગ્રામીણ ચિત્ર આલેખતી નવલકથાઓમાં આ કૃતિનું આગવું સ્થાન છે. આ કથામાં પ્રણયના પ્રસંગો છે છતાં એ પ્રણયકથા નથી; રાજકારણ આવે છે છતાં એ રાજનૈતિક નવલકથા નથી; પાત્રોના મનોવ્યાપારોનું વિશ્લેષણ છે, છતાં એ મનોવૈજ્ઞાનિક નવલકથા નથી; પણ આ બધાના સમન્વયરૂપ વાતાવરણપ્રધાન નવલકથા છે.
ચન્દ્રકાન્ત મહેતા