ગઝાલી (ઇમામ) (જ. ઈ. સ. 1058, તૂસ; અ. 19 ડિસેમ્બર 1111, તૂસ) : ઇસ્લામી જગતના એક અસાધારણ ચિંતક અને સૌથી મહાન ગણાતા ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબુ હામિદ મુહમ્મદ ઇબ્ન મુહમ્મદ અત્ તૂસી અશશાફેઈ. તૂસ અને નિશાપુરમાં ઇમામુલ હરમૈન (અ. ઈ. સ. 1085) પાસે તેમણે વિદ્યાભ્યાસ કરેલો. પ્રારંભથી જ તેમનું વલણ ધાર્મિક સિદ્ધાંતો અને સમસ્યાઓના સંશોધન તરફ હતું. નિશાપુરથી તેઓ જ્ઞાનપિપાસુ અને આશ્રયદાતા સલ્જુકી વજીર નિઝામુલ મુલ્ક પાસે ગયા અને 1091 પછી બગદાદમાં મદ્રેસ-એ-નિઝામિયામાં અધ્યાપક તરીકે નિમાયા. તત્વજ્ઞાનીની હેસિયતથી અધ્યયન કરી અનેક ગડમથલ પછી છેવટે તે સૂફીવાદ તરફ વળ્યા. જ્ઞાનપ્રાધાન્યવાદથી સંતોષ ન થતાં અલ્લાહ, પયગંબર અને ક્યામતમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા બેઠી. એક ઉમદા જ્ઞાનીપુરુષ તરીકે બગદાદ છોડ્યું ત્યારે તેમના આત્માને શાંતિ, શ્રદ્ધા અને બૌદ્ધિક બળની પ્રાપ્તિ થઈ. તત્ત્વજ્ઞાનના અભ્યાસના પ્રતાપે ગઝાલીના વિચારોમાં સ્પષ્ટતા આવી. તેમના દ્વારા ઇસ્લામી તત્વવિચારમાં ગ્રીક કલ્પનોત્થ તત્વજ્ઞાન પ્રવેશ્યું. અલ્ અશ્-અરીએ જે કાર્યનો આરંભ કર્યો હતો તે કાર્ય ગઝાલીએ ખૂબ બુદ્ધિપૂર્વક પૂરું કર્યું. તેમણે ગ્રીક તત્વજ્ઞાનનો ઉપયોગ કરીને અનુભવસિદ્ધ પદ્ધતિનું સ્થાપન કર્યું. ઇમામ ગઝાલીનું એ મોટું પ્રદાન છે.
તે 1097માં હજ કરવા ગયા ત્યારથી 9 વરસ એકાંતવાસમાં પસાર કર્યાં. એ જ સમય દરમિયાન એમણે ‘એહયા ઉલ ઉલૂમ વદ્દીન’ અને બીજાં પુસ્તકો લખ્યાં. તે પછી બગદાદમાં તે ધર્મોપદેશ આપતા અને દમાસ્કસમાં ‘એહયા ઉલ ઉલૂમ વદ્દીન’નું પઠન કરતા. પછી તે નિશાપુરમાં નિઝામિયા મદરેસાના અધ્યાપક નિમાયા; પરંતુ છેવટે નોકરી છોડી તૂસ જતા રહ્યા અને એકાંતવાસ સેવ્યો. તૂસમાં તેઓ એક મદરેસા અને એક સૂફી ખાનકા(મઠ)ની દેખરેખ રાખતા.
ગઝાલી એક ઉત્તમ કોટિના વિદ્વાન અને ધર્મોપદેશક હતા. તેમણે ઇસ્લામી એકેશ્વરવાદનો વિકાસ કર્યો. પવિત્ર કુરાન અને પયગંબરસાહેબનાં વચનો પર તેમણે સવિશેષ ભાર મૂક્યો. ગઝાલીની મહાન કૃતિઓમાં ‘એહયા ઉલ ઉલૂમ વદ્દીન’, ‘કીમિયાએ સઆદત’, ‘જવાહિરુલ કુરઆન’, ‘મિશ્કાતુલ અન્વાર’, ‘મકાસિદુલ ફલાસિફા’, ‘મુન્કિઝ મિનદ્દલાલ’ વગેરે છે.
મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ