ગઝાલી મશ્હદી [જ. હિ. સ. 933, મશ્હદ (ઈરાન); અ. હિ. સ. 980, સરખેજ, અમદાવાદ] : ઈ. સ.ની સોળમી સદીના ફારસી કવિ. તેમના જીવન વિશે ઘણી ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. કવિના પોતાના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાંથી કંઈક માહિતી ઉપલબ્ધ થાય છે.

ગઝાલીના જીવનકાળનાં લગભગ 156 વર્ષ પછી લખાયેલા તઝકેરા ‘હમેશા બહાર’ના કર્તા કિશનચંદ ઇખ્લાસે તેમનું નામ ‘અલી રઝાઈ મશ્હદી’ બતાવ્યું છે; પરંતુ તે અંગે કોઈ આધાર રજૂ કર્યો નથી.

ગઝાલી મશ્હદીના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં દર્શાવ્યા મુજબ તેઓ શાહ તેહયાસ્પની ફોજમાં જોડાયા હતા અને શાહની આજ્ઞાથી તેઓ શીરાઝ ગયા હતા. ઉપરાંત તેમણે કઝવીન, હિરાત, તબરીઝ અને કિરમાન શહેરની પણ મુલાકાત લીધી હતી. ‘અરફાતુલ આશિકીન’માં ઉલ્લેખ છે કે તેઓ ખુરાસાનથી ઇરાક અને ઈરાન થઈ દક્ષિણ હિંદુસ્તાન આવ્યા હતા. શાહ તેહયાસ્પના ધર્મચુસ્ત વલણથી કંટાળીને તથા મુઘલ બાદશાહોનાં ઉત્તેજન અને ઉદારતાથી પ્રેરાઈને તેઓ હિંદુસ્તાન આવ્યા હતા. પ્રથમ તેઓ દખ્ખણમાં આવીને વસ્યા. જોનપુરના સૂબેદાર અલીકુલીખાનના આમંત્રણથી તેઓ દખ્ખણ ગયા હતા. આશ્રયદાતા અલીકુલીખાનની ફરમાશથી તેમણે નિઝામી ગંજવીની મશહૂર મસનવી ‘મખ્ઝનુલ અસરાર’ના અનુકરણમાં ‘નક્શેબદીઅ’ નામની મસનવી રચી હતી અને તેની પ્રત્યેક પંક્તિના બદલામાં ચાંદીની એક મુદ્રા લેખે ચાંદીની 1000 મુદ્રા ઇનામમાં મેળવી હતી.

હિ. સ. 974માં તેઓ અકબરના દરબારમાં જોડાયા. તેમના કાવ્યથી પ્રભાવિત થઈને અકબરે તેમની કદર કરીને તેમને ‘મલિકુશ્ શોઅરા’(રાજકવિ)નો ખિતાબ આપ્યો હતો. આમ હિંદુસ્તાનમાં રાજકવિ બનવાનું માન મેળવનાર તેઓ સૌપ્રથમ મુસ્લિમ કવિ હતા.

મુઘલ દરબારમાં કવિઓને આપવામાં આવતાં ઉત્તેજન અને પ્રોત્સાહનથી પ્રેરાઈને ઘણા ઈરાની કવિઓ હિંદુસ્તાન આવીને વસ્યા હતા. અબુલ ફઝલે ‘આઈને અકબરી’માં તેમની સંખ્યા 75ની બતાવી છે, જ્યારે અબ્દુલકાદર બદાયુનીએ પોતાની કૃતિ ‘મુન્તખબુત્તવારીખ’માં 170ની સંખ્યા દર્શાવી છે. આ બધા કવિઓ સાથે કવિ ગઝાલી મશ્હદીએ સાહિત્યિક ચર્ચાઓ કરેલી અને તેમની સાથે કાવ્યસ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. દરબારના કવિઓમાં તેઓ સર્વોચ્ચ હતા.

ગઝાલી મશ્હદી અકબરની ફોજ સાથે આશરે હિ. સ. 980માં અમદાવાદ આવ્યા હતા, જેનો ઉલ્લેખ લગભગ તમામ તઝકેરાઓમાં જોવા મળે છે. અમદાવાદ આવીને તેમની તબિયત બગડી અને ગુરુવાર, તારીખ 27 રજબ, હિ. સ. 980ને દિવસે તેમનું અવસાન થયું. અકબરના હુકમથી તેમને સરખેજ પાસે શાહી ખાનદાનના સભ્યો અને સંત-મશાયખોને દફનાવવામાં આવતા તે ખાસ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.

નસીરમિયાં મહેમૂદમિયાં કાઝી