ખોમેની, રુહોલ્લાહ આયાતોલ્લાહ (જ. 21 સપ્ટેમ્બર 1902, ખોમેન, માર્કોઝી પ્રોવિન્સ ઈરાન; અ. 4 જૂન 1989, તહેરાન, ઈરાન) : ઈરાનના શિયા મુસ્લિમોના આધ્યાત્મિક અને ધાર્મિક વડા અને 1978-79ની ઇસ્લામિક ક્રાન્તિના અગ્રણી. ‘આયાતોલ્લાહ’ શબ્દનો અર્થ ‘અલ્લાહનું પ્રતિબિંબ’ થતો હોવાથી લોકો તેમને પૂજ્ય ગણતા.
પિતાના મૃત્યુ બાદ માતા તથા ધાર્મિક વૃત્તિના મોટા ભાઈએ સંભાળ લીધી. 19 વરસની વયે કોમ ભણવા ગયા. 1941માં અભ્યાસની સમાપ્તિ બાદ કોમમાં ધાર્મિક કાયદો અને તત્વજ્ઞાન વિષયના અધ્યાપક બન્યા. તેથી તેમને ‘આયાતોલ્લાહ’ની પદવી મળી.
1962માં પ્રાંતિક સભાના સભ્ય બિનમુસ્લિમ થઈ શકે અને કુરાન સિવાય અન્ય પવિત્ર ગ્રંથનો ન્યાયાલયમાં સોગંદ લેવા ઉપયોગ થઈ શકે તેવા સરકારી વટહુકમનો તેમણે વિરોધ કર્યો. 1963માં ઈરાનના શાહે સૂચવેલી ‘શ્વેત ક્રાન્તિની જોગવાઈઓ’નો તેમણે વિરોધ કરી આ અંગેના રૅફરૅન્ડમમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ મૂકતો ફતવો બહાર પાડ્યો. ઇસ્લામ અને બંધારણના સિદ્ધાંતોનો ભંગ; ઈરાનની રાજકીય, આર્થિક અને લશ્કરી બાબતો અંગે પરદેશી સત્તાઓનો હસ્તક્ષેપ અને આધિપત્ય, ધાર્મિક નેતાઓ અને રાજપુરુષોના વાણીસ્વાતંત્ર્ય ઉપરનો કાપ તથા ઇઝરાયલ સાથે વેપારી અને રાજકીય સંબંધો બાંધવાની નીતિ એ તમામને તેમણે વખોડી કાઢ્યાં, આથી તેમની 1963માં ધરપકડ કરીને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા.
થોડો વખત તુર્કસ્તાનમાં રહ્યા બાદ તેઓ ઇરાકના ધાર્મિક પવિત્ર સ્થળ નજફમાં 13 વરસ રહ્યા અને 1978માં ફ્રાન્સની રાજધાની પૅરિસમાં આશ્રય લીધો. અહીં રહીને ઈરાનના શાહવિરોધી (ઈરાન) બહારની અને અંદરની ચળવળના તેઓ પ્રતીક બની ગયા. ફેબ્રુઆરી, 1979માં તેઓ ઈરાન ગયા અને શાહની ગેરહાજરીમાં રાજ્યની સંભાળ લેતી સરકાર તથા રાજાશાહીને રૅફરૅન્ડમમાં બહુમતી પ્રાપ્ત કરી ઉથલાવીને ઇસ્લામિક પ્રજાસત્તાકનું નિર્માણ કર્યું.
આયાતોલ્લાહ ખોમેનીની પ્રતિષ્ઠાને ઓઠે યુવાન શાસક ધર્મગુરુઓએ નાગરિક હકો છીનવ્યા અને સુધારાવાદી પ્રવૃત્તિઓ થંભાવી દીધી. 1979ના નવેમ્બરમાં તેમના નેતૃત્વ નીચે ઉદ્દામવાદી ધર્મઝનૂની વિદ્યાર્થીઓએ યુ.એસ.ની એલચી કચેરી ઉપર હુમલો કરી એલચી કચેરીના અધિકારીઓને બાન પકડી યુ.એસ.ની પ્રતિષ્ઠાને ફટકો માર્યો. લઘુમતીઓ અને ડાબેરી ઝોકવાળા વિરોધીઓની અવગણના કરી ઈરાનને ઇસ્લામિક પ્રજાસત્તાક તરીકે તેમણે જાહેર કર્યું. ખોમેનીના ટેકાથી પ્રમુખ થયેલા અબુલ હસન બની સદ્રને 1981માં આંતરિક મતભેદને કારણે દૂર કરીને તેઓ સર્વોચ્ચ નેતા બન્યા. તેમણે કડક સેન્સરશિપ દાખલ કરી વાણીસ્વાતંત્ર્ય ઉપર કાપ મૂક્યો, વિરોધીઓને ફાંસી આપી અને પાશ્ચાત્ય સુધારાનો વિરોધ કરી, સ્ત્રીઓના મુક્ત વ્યવહાર (પહેરવેશ વગેરે) ઉપર પ્રતિબંધ મૂકી ઈરાનને મધ્યયુગમાં ધકેલ્યું. 1988માં જાણીતા સાહિત્યકાર સલમાન રશદીના ‘સેતાનિક વર્સીસ’ નામના ગ્રંથમાં મહંમદ પેગંબર તથા કુરાન વિશે અપમાનજનક લખાણ કર્યું છે તેથી મુસ્લિમોની લાગણી દુભાઈ છે એમ કહીને ખોમેનીએ રશદીને મૃત્યુદંડની સજાનો ફતવો બહાર પાડ્યો અને તેને મારી નાખનારને ઇનામ જાહેર કર્યું. ત્યારથી લેખકને ભૂગર્ભમાં જવું પડ્યું હતું. નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યા બાદ 87 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેમના કારણે ઈરાનના રાજકારણમાં ધર્મગુરુઓનાં વર્ચસ્ અને પકડ વધ્યાં છે.
શિવપ્રસાદ રાજગોર